Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > વજન ઘટાડવા માટે કરો ૧૦ મિનિટ કપાલભાતિ

વજન ઘટાડવા માટે કરો ૧૦ મિનિટ કપાલભાતિ

Published : 08 September, 2014 05:19 AM | IST |

વજન ઘટાડવા માટે કરો ૧૦ મિનિટ કપાલભાતિ

વજન ઘટાડવા માટે કરો ૧૦ મિનિટ કપાલભાતિ



હેલ્થ-વેલ્થ- સેજલ પટેલ

દેશવિદેશમાં જાતજાતનાં વર્કઆઉટ-રેજિમ અને ફિટનેસ-ટ્રેન્ડ્સ આવે છે અને જાય છે, પણ ભારતનું યોગશાસ્ત્ર એટલું ગૂઢ છે કે એ કદી જૂનું થતું જ નથી. જેમ-જેમ સમય જાય છે એમ પૌરાણિક કાળના ઋષિઓની યોગક્રિયાઓ આપણને વધુ ને વધુ પ્રભાવિત કરતી જાય છે. બાબા રામદેવે યોગને ઘર-ઘરમાં જબરદસ્ત પ્રચલિત કરી દીધું હોવાથી હવે યોગાસન અને પ્રાણાયામ વિશેની પ્રાથમિક સમજણ ઘણા લોકોને પડવા લાગી છે. પતંજલિ યોગસૂત્રમાં શ્વસનક્રિયાઓને ખૂબ મહત્વ અપાયું હોવાથી રામદેવબાબાએ સૌથી વધુ પ્રાધાન્ય કપાલભાતિ પ્રાણાયામને આપ્યું છે. જોકે એક માન્યતા પડી ગઈ છે કે વજન ઘટાડવું હોય તો કપાલભાતિ કરવી જોઈએ, જે અર્ધસત્ય નથી. કપાલભાતિ બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાથી વજન ઘટે છે એ વાત સાચી છે; પણ જે લોકો પાતળા છે, અત્યંત કૃશ છે એ લોકો પણ જો રોજ થોડી માત્રામાં આ કરે તો તેમનું વજન, સ્ટૅમિના, ફ્રેશનેસ, સ્ફૂર્તિ બધું જ વધે છે. બીજી રીતે કહીએ તો કપાલભાતિ તમારા શરીરને સપ્રમાણ રાખવામાં મદદ કરે છે.

યોગ અને પ્રાણાયામમાં એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે એ સાચી પદ્ધતિથી થાય. ખોટી રીતે, ઉતાવળે, ખોટા સમયે, અતિશય વધારે કે સાવ કરવા ખાતર કરેલી યોગક્રિયાઓ મોટા ભાગે લાભ નથી આપતી અને ક્યારેક અવળી પણ પડે છે. કપાલભાતિ પ્રાણાયામ તન અને મન બન્ને માટે ખૂબ જ ઉત્તમ શ્વસનક્રિયા છે. એનો ઉત્તમ લાભ લેવા માટે એ શું છે અને આઇડિયલી કઈ રીતે કરવી જોઈએ એ જાણીએ.

કપાલભાતિ એટલે શું?

સંસ્કૃતમાં કપાલ એટલે કપાળ અને ભાતિ એટલે તેજસ્વી બનાવવું. કપાળની અંદર આવેલા તમામ અવયવોને તેજસ્વી બનાવવાની અને ચમકાવવાની ક્રિયા. કોઈ પણ ચીજ તેજસ્વી ત્યારે જ બને જ્યારે એ શુદ્ધ હોય. વ્યક્તિના સ્વાસ્થ્યનું પ્રતિબિંબ કપાળ છે. તન અને મનથી સ્વસ્થ વ્યક્તિનું કપાળ ઓજસવાળું હોય છે. કપાલભાતિ આપણા શ્વસનતંત્ર વાટે આખા શરીરને શુદ્ધ કરે છે જેનું રિફ્લેક્શન આપણા ચહેરાની ચમકરૂપે દેખાય છે. ઘણા યોગનિષ્ણાતો કપાલભાતિને પ્રાણાયામ નહીં પણ યોગક્રિયા માને છે.

કેવી રીતે કરાય?

કપાલભાતિ ક્રિયામાં શ્વાસ લેવા પર નહીં, છોડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સૌથી પહેલાં તો પદ્માસન અથવા તો વજ્રાસન કરીને ટટ્ટાર બેસવું. બન્ને હાથ ધ્યાનમુદ્રામાં ઢીંચણ પર રાખવા. આસનમાં સ્થિર બેઠા પછી લગભગ અડધીએક મિનિટ નૉર્મલી તમે જેમ શ્વાસ લેતા હો એમ લેવો. સાચી રીતે શ્વાસ લેતા હો તો પેટ ફૂલે છે અને કાઢવાથી પેટ નૉર્મલ અવસ્થામાં આવે છે. શ્વાસ અંદર જાય છે અને બહાર નીકળે છે એ બાબતે સભાનતા કેળવાય એટલે કપાલભાતિ શરૂ કરી શકાય. આ પ્રાણાયામ રેચક આધારિત છે. મતલબ કે એમાં તમારે સભાનતાપૂર્વક શ્વાસ લેવાનો નથી, જસ્ટ ઉછ્વાસ કાઢવાનો છે. એટલું જ નહીં, સહેજ હળવા ફોર્સ સાથે કાઢવાનો છે. નાભિના સ્નાયુને અંદરની તરફ ધકેલીને પેટને અંદર લેતી વખતે શ્વાસ કાઢવાનો. બસ, કાઢતા જ રહેવાનો. વચ્ચે શ્વાસ લેવાનો પ્રયત્ન નહીં કરવાનો. શ્વાસ નીકળે એ વચ્ચેના ગાળામાં આપમેળે થોડી હવા અંદર જતી રહે એટલું પૂરતું છે. પેટ અંદર જવાની ક્રિયાનું નિયમન કરવું હોય તો શરૂઆતમાં તમે શીખતી વખતે જમણો હાથ પેટ પર રાખી શકો છો. અલબત્ત, પેટ દબાવવાનું નથી પણ હળવા ઝટકા સાથે ઉછ્વાસ નીકળતો હોય ત્યારે આપમેળે પેટ અંદર જવું જોઈએ. શ્વાસ લીધા વિના સતત ઉછ્વાસ કાઢતા રહેવું એ છે કપાલભાતિ.  સામાન્ય રીતે શરૂઆત કરતા હો તો પહેલાં વીસ-પચીસ વાર ઉછ્વાસ કાઢ્યા પછી જાણે શ્વાસ અંદર ખૂટી ગયો છે એવું લાગવાથી વ્યક્તિએ બ્રેક લેવો પડે છે. થાક લાગે તો અટકી જવું. એક-બે નૉર્મલ શ્વાસોશ્વાસ લીધા પછી ફરીથી કપાલભાતિ શરૂ કરવી. પહેલી વાર કરતા હો તો શરૂઆતમાં પાંચેક મિનિટ આ ક્રિયાનું આવર્તન કરવું. ધીમે-ધીમે કરતાં ક્ષમતા વધશે.

ઉછ્વાસની ગતિ કેટલી જરૂરી?

એક મિનિટમાં ૫૦થી ૬૦ વખત ઉછ્વાસ નીકળે એટલી ગતિ બરાબર કહેવાય. એનાથી ઓછી ગતિની ખાસ અસર નથી થતી અને વધુપડતી ગતિથી પણ બૉડી-રિધમ ખોરવાય છે.કપાલભાતિ કરતી વખતે આંખ બંધ રાખવામાં આવે તો સારું પરિણામ મળે. શ્વાસ કાઢતી વખતે ગળામાં ઘર્ષણ ન થાય એનું ધ્યાન રાખવું.

કેવી રીતે ફાયદો થાય?

સામાન્ય રીતે માણસ એક મિનિટમાં સરેરાશ ૧૪થી ૨૦ વખત શ્વાસ લે છે અને કાઢે છે. દરેક વખતે ૫૦૦ મિલીલીટર હવા શ્વાસ વાટે અંદર લેવામાં અને છોડવામાં આવે છે. શ્વાસ લીધા પછી ફેફસાં હવામાંથી ઑક્સિજન ગાળીને  એને શરીરના વિવિધ ભાગોમાં મોકલે છે અને શરીરમાં વપરાયા પછી જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે એ ઉછ્વાસ દ્વારા બહાર કાઢે છે. મોટા ભાગે શરીરમાંથી પેદા થતો કાર્બન ડાયોક્સાઇડ પૂરી રીતે બહાર નીકળતો નથી હોતો.

યોગક્રિયાની ભાષામાં શ્વાસ શરીરમાં પૂરવો એટલે પૂરક કહેવાય અને કાઢી નાખવો એને રેચક કહેવાય છે. કપાલભાતિમાં ઉછ્વાસ દ્વારા શરીરના ખૂણેખાંચરે ભરાયેલા કાર્બન ડાયોક્સાઇડ અથવા તો બિનજરૂરી વાયુઓને બહાર કાઢવામાં આવે છે. બગાડ બહાર નીકળે તો ઑક્સિજન સારી રીતે લોહીમાં ભળી શકે અને ઑક્સિજનને કારણે શરીરની તમામ ક્રિયાઓ શુદ્ધ થઈને વધુ સારી રીતે ચાલે. ઉછ્વાસ વાટે ટૉક્સિન્સ દૂર થવાથી શ્વસનતંત્ર સક્રિય અને સુદૃઢ બને છે.

વજન ઘટવામાં સૌથી વધુ ફાયદો

વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ ત્યારે જ બળે જ્યારે ઑક્સિજનની હાજરી હોય. શરીરમાં ઑક્સિજન વધુ માત્રામાં જવા લાગે એટલે કૅલરી બર્ન થવાની ક્રિયા ઝડપી થવા લાગે. ચયાપચયનું કાર્ય ઝડપી બનવાથી તમે પહેલાં જેટલી જ પ્રવૃત્તિ કરતા હોવા છતાં કૅલરી બળવાની ગતિ વધતાં ચરબી ઝડપથી બળે છે.

અન્ય ફાયદા શું?

અસ્થમા અને બ્રૉન્કાઇટિસ જેવી સમસ્યાઓમાં ખૂબ ફાયદો થાય છે.જઠારાઅગ્નિ પ્રદીપ્ત થવાથી ખોરાકનું યોગ્ય પાચન થાય છે અને ઓછું ખાવા છતાં પૂરતી સ્ફૂર્તિ અને એનર્જી મહેસૂસ થાય છે. બ્રેઇનને ઑક્સિજન વધુ પહોંચતો હોવાથી મન સ્થિર અને એકાગ્ર બને છે. બૉડીમાંથી નકામાં અને ઝેરી તત્વો ઉછ્વાસ વાટે નીકળી જતાં લાંબા સમયે ચહેરા પર ચમક આવે છે.

કોણે ન કરવું?

પ્રેગ્નન્સી દરમ્યાન ન કરાય.ખૂબ જ ઊંચું બ્લડ-પ્રેશર હોય તેમ જ હાર્ટ પહોળું થતું હોય એવા દરદીઓએ ન કરાય.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2014 05:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK