મોટા ભાગે આ ઉંમરમાં સ્ત્રીને મેનોપૉઝ આવી ચૂક્યો હોય છે અને કેટલીક સ્ત્રીઓને મેનોપૉઝ આવી રહ્યો હોય છે. આ બન્ને પરિસ્થિતિમાં સ્ત્રીની જરૂરિયાત ઘણી જુદી હોય છે. નૉર્મલ ડાયટની સાથે-સાથે અમુક વસ્તુઓનો ખોરાકમાં સમાવેશ તેમની શારીરિક, માનસિક અને હૉર્મોનલ હેલ્થને સ્ટેબલ રાખવામાં મદદરૂપ થાય છે. સુપરફૂડનું નામ સાંભળીને ગભરાઈ ન જતા. એ તો એકદમ દેશી છે જેથી અપનાવવું ખૂબ સરળ છે. આજે જાણીએ આ સુપરફૂડ શું છે અને કઈ રીતે મદદરૂપ છે. જો તમારા ઘરમાં ૫૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રી હોય તો તેનામાં ખાસ જોવા મળતો એક ગુણ એ હશે કે તેણે આખી જિંદગી પોતાના ઘરનું અને ઘરના લોકોનું ખૂબ ધ્યાન રાખ્યું હશે; પણ તેનામાં એક મોટો અવગુણ પણ હશે કે આ ૫૦ વર્ષના જીવનમાં તેણે ખુદની જાતને ખૂબ અવગણી હશે, ખુદનું ધ્યાન નહીં જ રાખ્યું હોય. એક ઉંમર પછી તેને પોતાના આ અવગુણ વિશે ખબર પણ પડી હોય, પરંતુ થાય એવું કે પછી ખુદને બદલવી અઘરું પડી જાય. જોકે આ અઘરું કામ કરવું પડશે એ દરેક સ્ત્રીએ સમજવાનું રહ્યું. એનું કારણ એ છે કે સ્ત્રીઓમાં દર ૧૦ વર્ષે મોટા બદલાવ આવે છે. એ બદલાવ હૉર્મોન સંબંધિત હોય, ઉંમર સંબંધિત હોય. એમાં પણ ખાસ કરીને મેનોપૉઝ પછી દરેક સ્ત્રીમાં ઘણા મોટા બદલાવ આવે. મેનોપૉઝ પછી ખરેખર સ્ત્રીનો નવો જન્મ જ કહી શકાય, કારણ કે તેનું આખું શરીર બદલાઈ જાય છે. આજકાલ ૪૫-૪૮ વર્ષની ઉંમર મેનોપૉઝની ઉંમર ગણાય છે. મેનોપૉઝ આવી જાય એ પછી સ્ત્રીના શરીરની એજિંગ-પ્રોસેસ ખૂબ ઝડપી થઈ જાય છે. ૫૦ વર્ષ પછી એકદમ જ એ એજિંગનાં ચિહ્નો સામે આવે છે. ખાસ કરીને હાડકાં નબળાં થઈ જાય છે, એનર્જી ઘટી જાય છે, કશું કરવાની ઇચ્છા નથી થતી, સુસ્તી આવી જાય છે, થાક વધુ લાગે છે. આ સિવાય વારસાગત આવતા રોગો આ સમયે ઊથલો મારે છે; જેમ કે ડાયાબિટીઝ, થાઇરૉઇડ, ઓબેસિટી, હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ વગેરે. આ રોગોથી બચવા માટે પણ ૫૦ વર્ષ પછી વધુ ધ્યાન આપવું જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ પાસેથી જાણીએ કે એવાં કયાં સુપરફૂડ છે જે ૫૦ની ઉંમર પછી દરેક સ્ત્રીએ પોતાની ડાયટમાં સામેલ કરવાં જરૂરી છે જેનાથી આ બધી તકલીફો ન આવે અને શરીરને મેનોપૉઝ પછીની તકલીફોથી સરળતાથી સાચવી શકાય. સુપરફૂડનું નામ સાંભળીને ગભરાઈ ન જાઓ. એ એકદમ દેશી સુપરફૂડ છે એટલે એમને અપનાવવાં એકદમ સરળ છે.
21 November, 2025 12:22 IST | Mumbai | Jigisha Jain