તમે વાંસની ગરમ લાકડીઓથી થતા મસાજ વિશે સાંભળ્યું છે?

ADVERTISEMENT
લાઇફ-સ્ટાઇલ - ફાલ્ગુની જડિયા-ભટ્ટ
નવરાત્રિના નવેનવ દિવસ મન મૂકીને નાચનારાઓને ખબર હશે કે ગરબા રમ્યા બાદ માત્ર પગ જ નહીં, આખું શરીર કેવું થાકીને લોથ વળી જાય છે. વળી મહિલાવર્ગે તો નવરાત્રિ પૂરી થતાં જ દિવાળીની તૈયારીઓમાં લાગી જવું પડે છે, જેમાં ઘરની સાફસફાઈથી માંડી નાસ્તા બનાવવા સુધીનાં અઢળક કામોની યાદી તેમની સામે મોઢું ફાડીને ઊભી હોય છે. એવામાં શરીર જ સાથ ન આપે તો આ બધાં કામ કઈ રીતે થાય? પરંતુ જો કોઈ એવો મસાજ મળી જાય જે શરીરનો આ દુખાવો દૂર કરીને નવતર તાજગી બક્ષે તો કોને ન ગમે? તમે પણ આવા કોઈ મસાજની શોધમાં હો તો આ વર્ષે બામ્બુ-મસાજ અજમાવી જુઓ. વાંસની નાની-મોટી સાઇઝની લાકડીઓને ગરમ કરીને કરવામાં આવતો આ મસાજ માત્ર દિવાળી પૂરતો જ નહીં, શરીરને આવનારા આખા વર્ષ માટે નવતર તાજગી બક્ષવા સક્ષમ છે. તો આવો આજે સદીઓ પહેલાં ઇજિપ્તવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા આ મસાજની ટેક્નિક સમજી લઈએ.
બામ્બુ-મસાજ એટલે શું?
બામ્બુ-મસાજ પાછળનું લૉજિક સમજાવતાં કેમ્પ્સ કૉર્નર તથા બાંદરાના હિલ રોડ ખાતે ક્યુટિસ નામનો સ્કિન-સ્ટુડિયો ચલાવતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘વાંસના ઝાડને સદીઓથી દુનિયાભરમાં શક્તિ, ફળદ્રુપતા, યુવાની, વૈભવ તથા શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. અંદરથી સાવ પોકળ હોવા છતાં આ ઝાડનાં આપણાં પુરાણોમાં પણ ગુણગાન ગાવામાં આવ્યાં છે. બધા જાણે છે કે કૃષ્ણની વાંસળી પણ આવી વાંસની લાકડીમાંથી બનાવવામાં આવી હતી. જોકે હવે એ જ વાંસના ઝાડની લાકડીઓને ગરમ કરીને શરીર પર ઘસવાની પદ્ધતિ બામ્બુ મસાજ થેરપી તરીકે જાણીતી બની રહી છે. શરીરના સ્નાયુઓને રિલૅક્સ કરી મન અને શરીરને શાતા આપતા આ મસાજને આધુનિક સમયના સ્ટ્રેસ અને થાકના ઉમદા ઇલાજ તરીકે જોવામાં આવે છે એથી નવરાત્રિ બાદ અને દિવાળી પહેલાં તમે તરોતાજા કરતી કોઈ થેરપીની શોધમાં હો તો આ મસાજ તમારે માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.’
બામ્બુ-મસાજ કેવી રીતે થાય છે?
આ સવાલનો જવાબ આપતાં ખાર (વેસ્ટ)માં બામ્બુ ટ્રી નામનું સ્પા ચલાવતા સ્પા-એક્સપર્ટ ફારુક મર્ચન્ટ કહે છે, ‘બામ્બુ-મસાજ મૂળ તો ૨૦૦૦ વર્ષ જૂની એક ઇજિપ્શિયન થેરપી છે જે આગળ જતાં લુપ્ત થઈ ગઈ હતી. ૨૦૦૪માં ફ્રાન્સની નથાલી સેસિલિયા નામની મહિલાએ એને ફરી શોધીને પ્રચલિત બનાવી હતી. સામાન્ય રીતે આ મસાજમાં વિવિધ લંબાઈ અને પહોળાઈ ધરાવતી વાંસની લાકડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એ માટે ખાસ ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં ઊગતા વાંસની લાકડીઓને ઊકળતા પાણીમાં ગરમ કરવામાં આવે છે. મોટા ભાગે લાંબી લાકડીઓનો ઉપયોગ પીઠ, પગ અને કમર જેવા મોટા વિસ્તારો પર વેલણની જેમ ઉપરથી નીચેની દિશામાં ફેરવવા માટે કરવામાં આવે છે; જ્યારે નાની લાકડીઓ ગરદન, હાથ અને પગના પંજા વગેરે જેવા વિસ્તારોના સ્નાયુઓને રિલૅક્સ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કેટલાક થેરપિસ્ટ મસાજની પ્રક્રિયાને સરળ બનાવવા આની સાથે રોઝમૅરી, યેન્ગયેન્ગ તથા જોજોબા ઑઇલના સંયોજનનો પણ ઉપયોગ કરે છે. આ થેરપીનો મૂળ ઉદ્દેશ સીધા હાથના વજનને સ્થાને આ વાંસની લાકડીઓ પર ભાર આપીને શરીરને હળવું કરવાનો હોય છે. એ માટે થેરપિસ્ટ શિતાસુ, પારંપરિક ચાઇનીઝ, થાઇ તથા ભારતીય આયુર્વેદિક મસાજમાં ઉપયોગમાં લેવાતા સ્ટ્રોક્સનું કૉમ્બિનેશન વાપરે છે.’
બામ્બુ-મસાજના ફાયદા
બામ્બુ-મસાજથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને શારીરિક પીડા તથા થાકમાં રાહત મળે છે. વળી આ વાંસની લાકડીઓ ગરમ કરીને ઘસવામાં આવતી હોવાથી શરીરમાં રહેલાં અને ટૉક્સિન્સ તરીકે ઓળખાતાં ઝેરી તkવો પણ શરીરની બહાર ફેંકાઈ જાય છે. ગરદન, ખભા તથા પીઠના સ્નાયુઓ સમયાંતરે અકળાઈ જતા હોવાથી મોટા ભાગના લોકોને સૌથી વધુ થાક પણ આ જ ભાગમાં લાગે છે. બામ્બુ-મસાજમાં આ ભાગના સ્નાયુઓ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવતો હોવાથી શરીર સાવ હળવુંફૂલ જેવું થઈ જાય છે જેને પગલે સારી ઊંઘ આવે છે અને માનસિક તાણ દૂર થાય છે. આટલું ઓછું હોય એમ આ મસાજથી શરીરમાં એન્ડોર્ફિન નામના હૉર્મોનનો સ્રાવ પણ વધે છે, જે શરીર માટે કુદરતી પેઇનકિલરનું કામ કરે છે. અહીં ફારુક મર્ચન્ટ ઉમેરે છે, ‘રોજિંદા ધોરણે પારાવાર માનસિક અને શારીરિક શ્રમનું કામ કરતા મહિલાવર્ગ માટે આ મસાજ સૌથી ઉત્તમ છે. સાથે જ વિવિધ સ્પોટ્ર્સમાં ભાગ લેનારાઓ તથા ઍથ્લીટ્સ માટે પણ એ ખૂબ ફાયદાકારક છે. ૭૫ મિનિટનો આ મસાજ અઠવાડિયામાં એક વાર કરવાથી આવા લોકોને સ્નાયુઓમાં થતી પીડામાં ચોક્કસ રાહત મળે છે. એ સિવાય કેટલીક મહિલાઓને માસિકચક્ર ચાલુ થવાનું હોય એ પહેલાં પેટ, કમર અને પગમાં પણ પારાવાર દુખાવો થતો હોય છે. પ્રીમેન્સ્ટ%અલ સિમ્પટમ્સ તરીકે ઓળખાતાં આ લક્ષણોમાં રાહત મેળવવા માટે પણ બામ્બુ-મસાજ ખૂબ લાભદાયક પુરવાર થાય છે.’
ત્વચા માટે પણ ગુણકારી
વ્યક્તિની શારીરિક અને માનસિક તાણ દૂર કરવા ઉપરાંત બામ્બુ-મસાજ ત્વચાનો રંગ નિખારતો હોવાનું પણ માનવામાં આવે છે. એનું કારણ સમજાવતાં ડૉ. ગોયલ કહે છે, ‘વાસ્તવમાં વાંસના ઝાડમાં સિલિકા નામનું રસાયણ રહેલું છે. આ રસાયણ શરીરની અંદર રહેલાં ઝેરી તkવોને બહાર કાઢે છે. સાથે જ એમાં મૉઇરાઇઝર તથા ઍન્ટિઇરિટન્ટ જેવા ગુણો પણ રહેલા છે જે ત્વચાને નરમ અને મુલાયમ બનાવે છે. આ સિલિકા ક્રીમ કે લોશનના માધ્યમથી લગાડવામાં આવે તો એ શરીરને પોટૅશિયમ, કૅલ્શિયમ તથા મૅગ્નેશિયમ જેવાં જરૂરી મિનરલ્સ ઍબ્સૉર્બ કરવામાં પણ મદદ કરે છે. આ જ કારણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સામાન્ય બોલચાલની ભાષામાં બામ્બુ-એક્સટ્રૅક્ટ તરીકે ઓળખાતું આ સિલિકા બ્યુટી-ઇન્ડસ્ટ્રીમાં માનીતું બની ગયું છે. આજકાલ બજારમાં મળતા ઍન્ટિ-રિન્કલ ક્રીમ તથા લોશનમાં પણ એનો બહોળા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. એ સિવાય સિલિકા એક્ઝીમા તથા સૉરાયસિસ જેવી ત્વચાને લગતી ગંભીર સમસ્યાઓમાં પણ રાહત આપતું હોવાનું માનવામાં આવે છે.’
બામ્બુ-મસાજ અને હૉટ સ્ટોન થેરપી વચ્ચેનો તફાવત
કેટલાક લોકો બામ્બુ-મસાજને હૉટ સ્ટોન થેરપી સાથે સરખાવવાની ભૂલ કરે છે, પરંતુ આ બન્ને થેરપી એકબીજાથી સાવ અલગ છે. ફારુક મર્ચન્ટ કહે છે, ‘હૉટ સ્ટોન થેરપીમાં ફિજી આઇલૅન્ડ્સ, બ્રાઝિલ તથા મેક્સિકો જેવા દેશોમાં રહેલા સક્રિય જ્વાળામુખીમાંથી નીકળતા પથ્થરને ગરમ કરી કરોડરજ્જુ પર માત્ર મૂકવામાં આવે છે. આ થેરપી એવા લોકો માટે ઉપયોગી છે જેઓ સ્પૉન્ડિલોસિસ જેવી ગરદનની પીડા અથવા કોઈ પણ પ્રકારની કરોડરજ્જુની ઈજાનો ભોગ બન્યા હોય. આવા લોકો પીઠ પર કોઈ પણ પ્રકારનો ભાર સહન ન કરી શકતા હોવાથી આ વૉલ્કેનિક મસાજ સ્ટોન ગરમ કરીને કરોડરજ્જુ પર મૂકવાથી તેમના શરીરમાં રહેલી નેગેટિવ એનર્જી બહાર નીકળી જાય છે. બીજી બાજુ બામ્બુ-મસાજમાં વાંસની લાકડીઓ ગરમ કરીને શરીરના વિવિધ પ્રેશર-પૉઇન્ટ્સ પર ભાર આપીને ઘસવામાં આવે છે, જે આપણા સ્નાયુઓ અને સાંધાઓને લોટની જેમ મસળી તેમને રિલૅક્સ કરે છે. આમ આ બન્ને ટેક્નિકનો હેતુ જ જુદો-જુદો હોવાથી એને એકમેક સાથે સરખાવવાની ભૂલ ન કરવી જોઈએ.’


