સગર્ભાવસ્થામાં માથું ધોવું જોઈએ કે નહીં?

DEMO PIC
ADVERTISEMENT
ખુશ્બૂ મુલાની ઠક્કર
૩૦ વર્ષની સોનાલી કૉર્પોરેટ કંપનીમાં કામ કરે છે. તેને લગ્નનાં ૩ વર્ષ પછી સારા સમાચાર મળ્યા કે તે મા બનવાની છે. ઘરે આવીને મીઠું મોઢું કરાવી તેણે બધાને સારા સમાચાર આપ્યા. સમાચાર સાંભળી તેનાં સાસુએ તરત જ તેને કહ્યુંં કે હવે તારે માથું નહીં ધોવાય., સાતમે મહિને જ્યારે સીમંત થાય ત્યારે ધોવાનું અને ડિલિવરી પછી સવા મહિને ધોવાનું. સોનાલીના ગુડ ન્યુઝ બૅડ મૂડમાં ફેરવાઈ ગયા. તેને ખબર હતી કે માથું ન ધોવાય, પરંતુ જ્યારે પોતા પર વીતી ત્યારે સમજાયું કે ઘણું અઘરું છે. આવા તેલવાળા માથે હું કઈ રીતે ઑફિસની મીટિંગ કરીશ અને પાછું હાઇજીનિક પણ નથી. ‘જે કરવું પડે એ કરવું જ પડે’ એમ કહી શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા કહો, માન્યતાને પ્રાધાન્ય અપાયું.
આ તો થઈ સોનાલીની વાત. શું આજની પેઢી જૂના રીતરિવાજો સંભાળવા તૈયાર છે?
ગર્ભાવસ્થામાં માથું ન ધોવાય એ બહુ જૂની પરંપરા છે એ જણાવતાં પાર્લામાં રહેતાં ૭૪ વર્ષનાં સરલા હીરાણી કહે છે, ‘આ માન્યતા મારી છ પેઢી સુધી બધાએ જ ફૉલો કરી છે અને જોવાની વાત તો એ કે મારી દીકરાની વહુ, જે આ જમાનાની યુવતી છે તેણે પણ કચવાટ કર્યા વગર વાત માની લીધી.’
ઘણા આ જમાનાની વિચારધારા ધરાવતા હોવા છતાં રીતરિવાજોને વળગી રહેવાનું પસંદ કરે છે. વડીલો જેમ કહે એમ અથવા તો વર્ષો સુધી બધાએ જ કર્યું છે તો આપણે શું કામ નહીં કરવાનું એમ વિચારે છે. લગભગ બધા જ ગુજરાતીઓના ઘરમાં આ પરંપરા ચાલી આવે છે. પરંતુ માથું ન ધોવા પાછળ સાયન્ટિફિક કોઈ કારણ જ નથી એમ જણાવતાં પાર્લામાં છેલ્લાં ૩૧ વર્ષથી મૅટરનિટી હૉસ્પિટલ ચલાવતા ડૉ. અમિશ દોશી કહે છે, ‘ગર્ભાવસ્થા કોઈ રોગ નથી જેમાં જાત-જાતની પરેજી પાળવી પડે. જે સ્ત્રી ગર્ભાવસ્થામાં હોય તેણે પહેલાં તે જે રીતે એક નૉર્મલ લાઇફ જીવતી હતી એ જ રીતે જીવવી જોઈએ. જેમ કે રોજબરોજનું કામ કરવું. તેમ જ તે માથું પણ ધોઈ શકે છે. માથું ન ધોવા પાછળ કોઈ સાયન્ટિફિક કારણ નથી.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઘણી કમ્યુનિટીમાં માથું નથી ધોવાતું તો એનો જવાબ આપતાં ડૉ. અમિશ દોશી કહે છે, ‘હા મેં જોયું છે, પરંતુ માથું ધોવાથી બાળકને કોઈ નુકસાન પહોંચતું નથી.’
વિજ્ઞાન અને શ્રદ્ધા બે સાવ જુદા વિષય છે. બન્નેને ફૉલો કરવાવાળો વર્ગ પણ અલગ જ છે. જોકે જૂના રીતરિવાજોને ચુસ્તપણે વળગી રહેવાવાળા જ્યારે એમ વિચારે કે હવે જમાનો બદલાયો છે, જે અમે કર્યું એ અમારી વહુ શા માટે કરે, તે શું કામ પોતાની રીતે નર્ણિય ન લઈ શકે તો? પાર્લા (વેસ્ટ)માં રહેતાં ૭૯ વર્ષનાં રસીલા મોદી કહે છે, ‘અમારી ફૅમિલીમાં પણ આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે, પરંતુ જ્યારે પચીસ વર્ષ પહેલાં મારી વહુનો વારો આવ્યો ત્યારે મારા વડીલોએ મારી વહુને માથું ન ધોવાનો આગ્રહ રાખ્યો હતો અને મારા પર પણ ખૂબ જ દબાણ લાદવામાં આવ્યું હતું. પરંતુ મેં એમ કહ્યું હતું કે જેના સારા દિવસો જાય છે તેને કોઈ વાતની અગવડ પડવી ન જોઈએ. કહેવત છે કે સ્વચ્છતામાં પ્રભુતા તો પ્રભુતામાં કઈ રીતે અસ્વચ્છતા ચાલે? ત્યારે મેં અને મારી ફૅમિલીના સભ્યોએ સાથે મળી નર્ણિય લીધો કે તેને જેમ કરવું હોય એમ કરે. અને કુળદેવી તો આપણા સૌનાં માતા છે, કોઈ મા પોતાના બાળકનું કઈ રીતે બૂરું ઇચ્છી શકે? અને મારી બન્ને વહુઓએ સગર્ભાવસ્થા દરમ્યાન માથું ધોયું હતું અને તેમનાં બાળકો પણ ખૂબ જ સ્વસ્થ અને નીરોગી છે.’
શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. જો શ્રદ્ધા હોય તો મુશ્કેલીવાળું કામ આરામથી થઈ જાય અને જો ન હોય તો શ્રદ્ધા અંધશ્રદ્ધામાં ફેરવાતાં વાર નથી લાગતી એમ જણાવતાં મુલુંડમાં રહેતાં ઇલા ઠક્કર કહે છે, ‘અમારા પાડોશીના ઘરમાં વહુએ જીદ પકડી કે હું તો માથું ધોઈશ જ. તેની પ્રેગ્નન્સીમાં ઘણી નાની-નાની અડચણો આવી અને પ્રીમેચ્યૉર ડિલિવરી થઈ. તેમના બીજા એક સંબંધીને ત્યાં વહુએ માથું ધોયું અને છોકરું જન્મ્યું ખરું, પણ જીવ વગરનું. આ એક જાતની માતાજીની સાધના જ છે. જો વિશ્વાસ રાખી કરો તો તમારાં બધાં જ કામ પાર પડશે અને જો નહીં કરો તો કંઈક તો પરચો મળશે જ.’
મીરા રોડમાં રહેતાં વૈશાલીબહેન કહે છે, ‘માથું ન ધોવાય એની પાછળ બીજાં કારણો પણ હોઈ શકે. જેમ કે માથું ધોતાં-ધોતાં લપસણી જગ્યાએ પગ પડે અને પડી જવાય તો બાળકને નુકસાન પહોંચે અથવા માથું ધોવાથી મેન્સિસ આવી જાય અથવા માથું ધોવાથી શરદી થાય તો છીંક આવે અને છીંક ખાવાથી સ્ત્રીનું આખું શરીર ખેંચાય, જે બાળકને નુકસાન પહોંચાડી શકે.’
આના પરથી એક જ તારણ નીકળી શકે કે આપણા સમાજમાં બે જાતના વર્ગ છે. એક જે વડીલોની વાતને પ્રાધાન્ય આપે છે અને બીજો એ કે એવું કંઈ હોય જ નહીં કહી વાત ટાળી નાખે છે. ખરાબ અનુભવો પરથી એમ શીખવા મળે કે વડીલોની વાત માનવી જોઈએ, તેઓ જેમ કહે એમ રીતરિવાજ ફૉલો કરવા જોઈએ અને સારા અનુભવ પરથી એમ શીખવા મળે કે જમાનો બદલાયો છે, જમાના સાથે ચાલી થોડી ફ્લેક્સિબિલિટી જો લાવવામાં આવે તો કંઈ વાંધો નહીં.


