ઍન્ટિ-એજિંગ ક્રીમથી તરત નથી થતો મિરૅકલ
ઍન્ટિ-એજિંગ ક્રીમની કિંમત જેટલી વધુ હોય છે એટલા જ એ ક્રીમના ફાયદાઓ વિશેની વાતો. પરંતુ આ ક્રીમ્સ સાથે જોડવામાં આવતા કેટલાક વાયદાઓ કેટલીક વાર થોડા વધુપડતા હોય છે, જે ખોટા પણ નીવડે છે. આથી હવે જ્યારે ઍન્ટિ-એજિંગ ક્રીમ ખરીદવા જાઓ ત્યારે કઈ બાબતો પર ધ્યાન આપવું એ જાણી લો.
જેટલી મોંઘી એટલી સારી
જે સ્ત્રીઓ એવું માને છે કે વૃદ્ધત્વને ટાળવાની ચાવી એક ક્રીમની ડબ્બીમાં સમાયેલી છે તેઓ એવું પણ માને છે કે આ ક્રીમ જેટલી મોંઘી હોય એટલી જ એની ક્વૉલિટી અને રિઝલ્ટ સારું મળે છે. જોકે તાજેતરમાં થયેલો એક રિસર્ચ કહે છે કે સસ્તી ક્રીમ વધુ સારું રિઝલ્ટ આપે છે. બસ, અહીં એ પ્રોડક્ટ તમારી સ્કિનની જરૂરિયાતોને પૂરી પાડતી હોવી જોઈએ. માટે અહીં ક્રીમના દામ પર ધ્યાન ન આપવું જોઈએ. આનો અર્થ એ પણ નથી કે સસ્તી ક્રીમ્સ વધુ સારી છે, કારણ કે એનાથી પણ નુકસાન તો થઈ જ શકે છે.
એક જ ક્રીમથી બધું કામ થઈ જશે
તમારા ચહેરા પર કે સ્કિનમાં જેટલા પ્રૉબ્લેમ્સ હોય એ બધાનો ઇલાજ એક જ ક્રીમમાં નથી. દિવસના જુદા-જુદા સમયે સ્કિનની જરૂરિયાત જુદી-જુદી હોય છે. જેટલું સિરમ જરૂરી છે એટલી જ આઇ ક્રીમ અને એ જ રીતે ડે અને નાઇટ ક્રીમ્સ. દિવસે સન પ્રોટેક્શનવાળી ક્રીમની જરૂર પડશે તો રાતે વધુ વિટામિન્સવાળી રિચ પ્રોડક્ટની.
ક્રીમ ચહેરા પર જાદુ કરે છે
ઍન્ટિ-એજિંગ ક્રીમ બનાવનાર કંપનીઓનો આ દાવો હોય છે અને એને લોકો માની પણ લે છે, પરંતુ આ વાત કોઈ પણ રીતે શક્ય છે જ નહીં. ક્રીમ્સ ફક્ત એજિંગ પ્રોસેસને મોડી પાડવાનું કામ કરે છે. સ્કિન પર પહેલેથી જ જે કરચલી પડી હોય છે એની ક્રીમ્સને વધુ કોઈ અસર નથી થતી. અહીં સ્કિનને શેની જરૂર છે એ પ્રમાણે ક્રીમ લગાવવામાં આવે તો જ એની અસર થશે. ક્રીમની અસર થતાં કેટલીક વાર ત્રણેક મહિનાનો સમય પણ લાગી શકે છે. એટલે ધીરજ રાખીને જો ક્રીમનો વપરાશ ચાલુ રાખવામાં આવે તો જ લાંબે ગાળે એનું રિઝલ્ટ મળે છે.
એજ પ્રમાણે ખરીદો ક્રીમ
ક્રીમના બૉક્સ પર એ કયા એજ ગ્રુપ માટે સૂટેબલ છે એ કહેતું લેબલ લગાવવામાં આવેલું હોય છે. જો તમે સ્ટોરમાં જઈને ઍન્ટિ-એજિંગ ક્રીમ માગશો તો સામેવાળા કાઉન્ટર પર ઊભેલો સેલ્સ પર્સન તરત પૂછશે કે તમારી ઉંમર શું છે? ક્રીમ્સ પર ૩૦†, ૪૦†, ૫૦† જેવા નંબર્સ લખેલા હશે અને તમારે પોતાની ઉંમર પ્રમાણે એ જ વયજૂથની ક્રીમ ખરીદવી જોઈએ. ૩૦ની ઉંમરમાં કરચલીઓ થવાની જસ્ટ શરૂઆત થઈ હોય છે. આ ઉંમરમાં જો ૫૦ની ઉંમર માટે સૂટેબલ એવી ઇલૅસ્ટિસિટીની ક્રીમ વાપરવામાં આવે તો કોઈ અસર નહીં થાય.
વૃદ્ધત્વ અટકાવો
હેક્ટિક લાઇફસ્ટાઇલને લીધે આજકાલ ૨૫ની ઉંમર બાદ જ સ્કિન પર એજિંગની અસર દેખાવા લાગતી હોય છે. આવું થવાનાં આ રહ્યાં કેટલાંક કારણો.
સ્મોકિંગ અને ડ્રિન્કિંગ
સ્મોકિંગ અને આલ્કોહોલની સ્કિન પર ખૂબ ખરાબ અસર થાય છે. એક નાનકડી સિગારેટ સ્કિનમાં રિપેર ન કરી શકાય એવું ડૅમેજ કરે છે. જો સ્કિન વહાલી હોય તો ધીમે-ધીમે આ આદતોને તિલાંજલિ આપી દેવી જોઈએ. સ્મોક અને આલ્કોહોલ સ્કિનમાં રહેલા કોલાજને ડૅમેજ કરે છે જેના લીધે ત્વચા શ્વાસ નથી લઈ શકતી.
આરામની કમી
બ્યુટી માટે ઊંઘ જરૂરી છે એ વાત સદીઓથી સ્કિન એક્સપટોર્ કરતા આવ્યા છે અને એમાં શંકાને સ્થાન નથી. સતત કામ કરવાથી શરીરની એનર્જી હણાઈ જાય છે અને જો બ્રેક લીધા વગર આ જ રીતે કામ કર્યે રાખવામાં આવે તો એની આડઅસર શરીર અને સ્કિન બન્ને પર થાય છે. જે રીતે કામ કરવું જરૂરી છે એ જ રીતે શરીરને ઊંઘ અને આરામ આપવાં પણ જરૂરી છે. શરીર જ્યારે આરામ ફરમાવતું હોય ત્યારે ત્વચા વધુ સારી રીતે શ્વાસ લઈ શકે છે અને વૃદ્ધત્વને આવતાં અટકાવે છે.
પૉઝિટિવ રહો
જે વ્યક્તિ ખુશ હોય તેની સ્કિન પણ હેલ્ધી દેખાય છે. જ્યારે કામ અને ટેન્શન વધી જાય ત્યારે પૉઝિટિવ રહેશો તો શરીર અને મનને ત્રાસ નહીં થાય અને આમ સ્કિન પણ હેલ્ધી રહેશે.

