'સ્વરગુર્જરી' : રૂપાની ઘંટડીનાં રણકાર જેવો અવાજ એટલે કૌમુદી મુનશી
કૌમુદી મુનશી
સુપ્રસિદ્ધ ગાયિકા અને સ્વરકાર કૌમુદી મુનશી એટલે 'ધ નાઈન્ટિંગલ ઑફ ગુજરાત'. કંઠની મીઠાશ જાણે સ્વભાવમાં ય ભળી ગયેલી. ઠુમરી, ગઝલ, ચૈતી, હોરી અને ઉત્તર પ્રદેશનાં લોકગીતોની તાલીમ મેળવી ચૂકેલાં કૌમુદીબહેને સુગમસંગીતનાં શિખરો જીવનસાથી અને સુપ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદાર સાથે રહીને સર કર્યાં. ગીત કૌમુદી, તારો વિયોગ, સ્મરણાંજલિકા જેવી એમની કેસેટ્સ અને સીડી ખૂબ લોકપ્રિય થયાં હતાં. કૌમુદી મુનશી મૂળ બનારસનાં એટલે હિન્દી ભાષા પર ખૂબ સારું પ્રભુત્વ ધરાવે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાનનાં લોકગીતોનો એમની પાસે ખજાનો. રસોઈ કલા, પેઈન્ટીંગ, એમ્બ્રોઇડરીનાં પણ શોખીન. તેમણે બાળકો માટે પહાડ, નદી, સમુદ્ર, સૂરજની થીમ બનાવીને બાળકોને સમજાય એવાં સુંદર ગીતોનું સર્જન કર્યું.
જીવન પ્રત્યે હંમેશાં હકારાત્મક અભિગમ ધરાવતાં કૌમુદી બહેન કહેતાં કે જીવનમાં સંગીતનો પ્રવાહ કાયમ ચાલુ રહેવો જોઈએ. જીવનના અંતિમ શ્વાસ સુધી સંગીતની સેવા કરી શકું એ જ એમનાં જીવનનું ધ્યેય રહ્યું હતું. છેવટ સુધી એ સંગીતમય જ રહ્યાં. એમના જીવનની જીવંત ક્ષણોને માણી કૌમુદીબહેનને આજે આનંદપૂર્વક યાદ કરીએ. જેમને ક્યારેય દુ:ખી જોયાં નથી એમનું સ્મરણ સંગીતસ્મૃતિઓ સાથે જ કરવાનું હોય ને!
ADVERTISEMENT
'સ્વરગુર્જરી' યુટ્યુબ ચેનલ પર કૌમુદી મુનશીએ મોકળા મને રસપ્રદ વાતો કરી છે અને 90 વર્ષની વયે એમનાં સદાબહાર ગીતો પણ ગાયાં છે. તો ચાલો, ફરીથી મળીએ આદરણીય કૌમુદી મુનશીને.

