Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > બાગી અલબેલેના દિગ્દર્શક અતુલ કુમાર કહે છે નાટ્યકારો ઉધઇ જેવા હોય છે, તેમને કશું રોકી ન શકે

બાગી અલબેલેના દિગ્દર્શક અતુલ કુમાર કહે છે નાટ્યકારો ઉધઇ જેવા હોય છે, તેમને કશું રોકી ન શકે

17 February, 2023 10:49 AM IST | Mumbai
Chirantana Bhatt | chirantana.bhatt@mid-day.com

બાગી અલબેલેમાં વાત છે 20મી સદીના ઉત્તરાર્ધના લુધિયાનાની જ્યાં એવો આદેશ થયો છે કે બધા જ પ્રકારની કલાનો ખાત્મો બોલાવવાનો છે, બધા કલાકારોને મારી નાખવાના અને પુસ્તકો - મ્યુઝિયમ્સ સળગાવી દેવાના - પણ શું કલાકારો કે કલાને આવા આદેશો ખલાસ કરી શકે?

બાગી અલેબેલેના કલાકારો રિહર્સલ દરમિયાન - તસવીર સૌજન્ય પીઆર

Exclusive Interview

બાગી અલેબેલેના કલાકારો રિહર્સલ દરમિયાન - તસવીર સૌજન્ય પીઆર


જાણીતા એક્ટર ડાયરેક્ટર અતુલ કુમારનું નાટક બાગી અલબેલે એવા સમયે મંચ થઇ રહ્યું છે જ્યારે આ પ્રકારના નાટકની તાતી જરૂર છે. આ નાટક અંગે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ડાયરેક્ટર અતુલ કુમારે કહ્યું, "કોવિડ-19 પેન્ડેમિક પછી મોટાં પ્રોડક્શન્સનાં નાટકો થયાં જ નથી અને હવે ધીરે ધીરે બધું પાછું પાટે ચડી રહ્યું છે, ખાસ કરીને કલાની વાત કરીએ તો બધાં આર્ટ ફેસ્ટિવલ્સ - ઇવેન્ટ્સ બધા આયામોમાં બેઠું થયું છે. આદ્યમ એક વિશાળ નાટ્ય મહોત્સવ છે. વળી આ નાટકનો વિષય પણ એવો છે કે જે સતત એક સંદેશ આપે છે કે આપણે સત્તાને સવાલ કરી શકીએ, કલાકાર તરીકે આપણે મુક્ત છીએ - આપણાં વિચારોને રજુ કરી શકીએ છીએ - જે આપણો અધિકાર છે. આજકાલ કલાકારોના વિચારો પર એક યા બીજી રીતે અટેક્સ થતા જ હોય છે અને ત્યારે આ પ્રકારનો વિષય જે એક કટાક્ષના ટોનમાં વાત કરતો હોય તે અનિવાર્ય બને છે."

જુઓ વીડિયોઃ Mughal-e-Azam: ફિલ્મની ભવ્યતાને મંચ પર રજુ કરવામાં જ્યારે ઉમેરાય ચારગણી આભાતેમણે જણાવ્યું કે આ નાટક હોલોકોસ્ટ દરમિયાન બનેલી એક ફિલ્મ `ટુ બી ઓર નોટ ટુ બી` પર આધારીત છે જે એક અમેરિકન કૉમેડી ફિલ્મ હતી અને તેની પૃષ્ઠ ભુમિ નાઝીવાદના સંકજામાં સપડાયેલો દેશ પોલેન્ડ છે. ફિલ્મને સમયાંતરે સફળતા મળી હતી. અતુલ કુમારને લાંબા સમયથી ઇચ્છા હતી કે આ ફિલ્મને સ્ટેજ પર રજુ કરવી અને આખરે એ ઘડી આવી. 
આ નાટક તૈયાર કરવાની સૌથી સરળ અને સૌથી અઘરી બાબતની ચર્ચા કરતા અતુલ કુમારે જણાવ્યું કે, "મારે માટે તો કદાચ અઘરી અને સરળ બાબત બંન્ને સરખી હતી - જે છે મારા કલાકારો, 25 લોકો એક નાટક માટે એકઠા થાય, તે દરેક અલગ છે, તેમના વિચારો, તેમની કામ કરવાની પદ્ધતિ, ગમા-અણગમા, વર્તન બધું જ જ્યારે જુદું હોય ત્યારે એક હેતુ માટે તેમની સાથે એકરસ થઇને કામ કરવું સૌથી અગત્યનું હોય છે. તમે રિહર્સલ માટે પણ જાવ, તેમને જુઓ ત્યારે એક ફિલીંગ આવે કે - બધું એક રિધમમાં એક જ હેતુ માટે ભળી રહ્યું છે. આ 25 જણા એકબીજાનો હાથ પકડીને એક થઇ રહ્યા છે - આ જ સૌથી અગત્યનું છે."


ડાયરેક્ટર અતુલ કુમાર


આ નાટકની ભાષા પંજાબી છે. બાગી અલબેલેમાં વાત છે 20મી સદીના ઉત્તરાર્ધના લુધિયાનાની જ્યાં એવો આદેશ થયો છે કે બધા જ પ્રકારની કલાનો ખાત્મો બોલાવવાનો છે, બધા કલાકારોને મારી નાખવાના અને પુસ્તકો - મ્યુઝિયમ્સ સળગાવી દેવાના - પણ શું કલાકારો કે કલાને આવા આદેશો ખલાસ કરી શકે? વળી પંજાબી ભાષાનો ઉપયોગ પણ ભલે કટાક્ષ કે રમુજ માટે થયો છે પણ કોઇ પણ કલાકારો એ રીતે અભિનય નથી કરતા જેનાથી `કેરિકેચરિશ` લાગે. આ અંગે વિગતે વાત કરતાં અતુલ કુમારે કહ્યું, "પંજાબી ભાષા સાથે હું ઉછર્યો છું. વળી આ પ્રકારના વિષય વસ્તુને ભારતીય સંદર્ભમાં રજુ કરવાનું આવ્યું ત્યારે જે કોમ્યુનિટી, જે ભાષા કે જે પૃષ્ઠભૂમિ તરત મનમાં આવી તે પંજાબની જ હતી.  વળી ફિલ્મના વિચારને પણ જરા ડાયસ્ટોપિયન રીતે લંબાવ્યો છે. કલાને સદંતર ખતમ કરવાની વાત કરતા આ નાટકની દુનિયામાં કૉમેડી બતાડવાની હતી અને મને પંજાબીઓની રીતભાત આ હેતુ માટે યોગ્ય લાગી. પંજાબી એવા લોકો હોય છે જે લડી મરતા હશે પણ તેમની રમુજ વૃત્તિ કોઇને ય ઇર્ષ્યા કરાવે એવી હોય, તેઓ મોજમાં જ રહે. મારા કલાકારોમાં પંજાબીઓ છે જે અલગ અલગ બેકગ્રાઉન્ડનાં છે અને એ બહુ સરસ ફ્લેવર બનાવે છે. આ નાટકમાં કેરિકેચરીશ અભિનયને અમે દૂર જ રાખ્યો છે, કટાક્ષ અને કૉમેડીમાં આમે ય જરા ઓવર કરવાનું હોય પણ આમાં કોઇ ટિપીકલ બલ્લે બલ્લે, બટર ચિકન કે લસ્સી નથી. આ અલબેલા મિજાજના કલાકારો છે જે સાહજિક અને વાસ્તવિક છે."

અતુલ કુમારને જ્યારે પૂછ્યું કે કલાકારો કે કલાને રોકવાનો પ્રયાસ થતો હોય ત્યારે તેમને જે મુંઝવણ થાય તેની સાથે કેવી રીતે ડીલ કરવું? અતુલ કુમારે બહુ સરસ રીતે આ વાતનો જવાબ આપ્યો કે, "આમ તો આ સવાલનો જવાબ દરેક વ્યક્તિ પોતાની વિચારધારા પ્રમાણે આપે. પણ છતાં પણ હું કહીશ કે હ્રદયની વાત સાંભળવાની અને રસ્તા મળશે જ, કામ કર્યા કરવાનું, અટકવાનું નહીં એ જ સૌથી સારો રસ્તો છે. બહુ દેકારા કરીને જેલ ભેગા થવાની જરૂર નથી પણ તમારી વાત મૂકવાના અલગ અલગ રસ્તાઓ શોધો, અન્યાય સામે અવાજ તો ઉઠાવવો જ રહ્યો પણ તમને જે રીતે ફાવે તે જ રીતે અભિવ્યક્ત કરતા રહો."

તેમણે છેલ્લે કહ્યું કે, "અમે નાટક કરવા વાળા તો ઉધઇ જેવા છીએ. અમને રોકો, પ્રતિબંધ મૂકો, જગ્યા છીનવી લો કંઇ પણ કરો પણ અમે કોઇને કોઇ રીતે તો રસ્તો શોધી જ લઇશું અને ફૂટી નિકળીશું, ફેલાઇ જશું અને અમારી વાત કહીને જ રહીશું." બાગી અલબેલે નાટકનું મંચન 18 અને 19 ફેબ્રુઆરીના રોજ આધ્યમ થિએટર ફેસ્ટિવલ અંતર્ગત મુંબઈના રોયલ ઓપેરા હાઉસમાં થશે. 

 

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2023 10:49 AM IST | Mumbai | Chirantana Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK