સ્ટોરીમાં લાઇફના ઉતાર-ચડાવને સારી રીતે દેખાડવામાં આવ્યા છે, પરંતુ થોડી બ્રેક લગાવવાની પણ જરૂર હતી : કાજોલ સિવાયના દરેક પાત્ર પર ડીટેલમાં કામ કરવું જરૂરી હતું, ઉપરછલ્લી ટ્રીટમેન્ટથી તેઓ રિસ્ટ્રિક્ટ થઈ ગયા છે
ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોકા
ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોકા
કાસ્ટ : કાજોલ, જિશુ સેનગુપ્તા, કુબ્રા સૈત, શીબા ચઢ્ઢા અને આમિર અલી
ADVERTISEMENT
ડિરેક્ટર : સુપર્ણ વર્મા
સ્ટાર : અઢી સ્ટાર (ઠીક-ઠીક)
કાજોલની ‘ધ ટ્રાયલ – પ્યાર, કાનૂન, ધોકા’ ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. આઠ એપિસોડની આ સીઝનમાં દરેક એપિસોડ ૪૦ મિનિટથી વધુના છે. આ શોમાં કાજોલ, જિશુ સેનગુપ્તા, કુબ્રા સૈત, શીબા ચઢ્ઢા અને આમિર અલી જેવા ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે.
સ્ટોરી ટાઇમ
કાજોલે આ શોમાં નોયોનિકા સેનગુપ્તાનું પાત્ર ભજવ્યું છે. તે પોતે એક ટૉપ ક્લાસ લૉયર હોય છે, પરંતુ લગ્ન બાદ તેણે પ્રૅક્ટિસ છોડી દીધી હોય છે. તે હવે ન્યાયાધીશ રાજીવ સેનગુપ્તા એટલે કે જિશુ સેનગુપ્તાની પત્ની હોય છે. તે પૈસાદાર હોય છે અને કિટી પાર્ટીઓ કરતી હોય છે. તેની બે દીકરીઓ હોય છે, અનન્યા અને અનાયરા. એક દિવસ સમાચાર આવે છે કે તેનો પતિ કરપ્શન અને સેક્સ્યુઅલ ફેવરમાં સંડોવાયો છે. તેને જેલભેગો કરવામાં આવે છે. નોયોનિકા શરમમાં ગળાડૂબ થઈ ગઈ હોય છે. તે જ્યાં પણ જાય છે ત્યાં તેણે તેના પતિનાં કરતૂતને સાંભળવાં પડે છે. તેના પતિને જેલભેગો કરવામાં આવતાં તેની પ્રૉપર્ટી અને બૅન્ક- અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. એક દાયકા બાદ કાજોલ ફરી પ્રૅક્ટિસ શરૂ કરે છે. જોકે તેને કોઈ કામ નથી આપતું. તેના પતિની ઇમેજને કારણે તેણે ઘણું સહન કરવું પડે છે. જોકે એ દરમ્યાન તેનો એક જૂનો ફ્રેન્ડ તેની મદદે આવે છે. ત્યાર બાદ તે કેવી રીતે ગુડ વાઇફની ઇમેજમાંથી બહાર આવી ઇન્ડિપેન્ડન્ટ વાઇફ બને છે અને કેવી રીતે તેના પતિના કેસને હૅન્ડલ કરે છે એના પર આ સ્ટોરી છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આ શોની સ્ક્રિપ્ટ અબ્બાસ દલાલ, હુસેન દલાલ અને સિદ્ધાર્થ કુમારે લખી છે; જેને સુપર્ણ વર્માએ ડિરેક્ટ કરી છે. આ શોમાં નોયોનિકાની લાઇફને ખૂબ જ નિકટથી દેખાડવામાં આવી છે. તેની લાઇફમાં થતા ઉતાર-ચડાવ તેમ જ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ. તે પોતાનું ઘર ચલાવવા માટે જે જહેમત ઉઠાવે છે તેમ જ તેની દીકરોઓનો ઉછેર અને એમાં હંમેશાં ખામી કાઢતી સાસુ. દરેક બાબતને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવી છે. આ તમામની વચ્ચે દરેક એપિસોડમાં એક નવો કેસ દેખાડવામાં આવ્યો છે. આ કેસને સૉલ્વ કરવા માટે નોયોનિકા જે જહેમત ઉઠાવે છે અને એક જુનિયર ઍડ્વોકેટ હોવા છતાં તેનાથી બિઝનેસ પાર્ટનરને થતી ઇનસિક્યૉરિટી અને તેના સાથી અસોસિએટ સાથેની હરીફાઈ દરેક વસ્તુને સારી રીતે દેખાડવામાં આવી છે. જોકે શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે આ ખૂબ જ સ્પીડમાં ચાલે છે. દરેક એપિસોડમાં કાજોલની સ્ટોરી કૅરી ફૉર્વર્ડ થાય છે, પરંતુ એટલી ઇમ્પૅક્ટફુલ નથી. ‘સૂટ્સ’માં આ જ ટેમ્પ્લેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ એમાં કેસને કારણે ઍડ્વોકેટ્સની લાઇફ પર કેવી અસર પડે છે એ દેખાડવામાં આવ્યું હતું. જોકે અહીં પહેલેથી જ કાજોલની પર્સનલ લાઇફની આસપાસ સ્ટોરી ફરે છે. કાજોલની સ્ટોરી ખૂબ જ પર્સનલ છે અને એને કારણે એનું પાત્ર થોડો બ્રેક લે અને નિરાંતનો શ્વાસ લે એ જરૂરી હતું. કાજોલના પાત્રને વધુ ઇમોશનલ રોલરકોસ્ટરમાં લઈ જવાની જરૂર હતી.
પર્ફોર્મન્સ
કાજોલે આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેણે તેની લાઇફમાં થતી દરેક ઘટના બાદ જે રીતે પોતાનો કૉન્ફિડન્સ દેખાડ્યો છે એ ગજબનું છે. તેણે હાર નહોતી માની અને દરેક મુશ્કેલી સામે લડી એ તેની બૉડી-લૅન્ગ્વેજમાં પણ જોઈ શકાય છે. જોકે કેટલાંક ઇમોશનલ દૃશ્યોમાં તે માર ખાઈ ગઈ છે. ખાસ કરીને તેના પતિ દ્વારા તેની સાથે જ્યારે દગો કરવામાં આવ્યો ત્યારે જે ઇમોશન્સ તેનાં હોવાં જોઈતાં હતાં એ નહોતાં. જિશુ સેનગુપ્તાએ એક ટૉક્સિક અને ઈગોઇસ્ટિક વ્યક્તિનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. જોકે તેના પાત્રને વધુ સારી રીતે એક્સપ્લોર કરવામાં નથી આવ્યું. આવું જ શીબા ચઢ્ઢા સાથે પણ થયું છે. તે કંપનીમાં બિઝનેસ પાર્ટનર હોય છે પરંતુ તેની પાસે જોઈએ એવું કામ નથી કરાવી શકાયું. સ્ક્રિપ્ટે કાજોલ સહિત દરેક પાત્રને રિસ્ટ્રિક્ટ કરી દીધાં હતાં. કુબ્રા સૈતે તેના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તે તેના કૉન્ટૅક્ટ્સનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરતી હોય છે અને પોતાને ગરીબીમાંથી બહાર કાઢવા માટે તે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. અસીમ હટંગડીએ જિશુ સેનગુપ્તાના ફ્રેન્ડનું પાત્ર ભજવ્યું છે. તે ખૂબ જ પાવરફુલ વ્યક્તિ હોય છે. તે જાણે શ્રીકૃષ્ણ ન હોય, ગમે તે સમયે ગમે તે જગ્યાએ હંમેશાં સોલ્યુશન સાથે તૈયાર હોય છે. આમિર અલી નાનકડા પાત્રમાં જોવા મળ્યો છે. જોકે તેના પાત્રમાં એટલો દમ નથી. તેના પાત્રને ખૂબ જ કમજોર લખવામાં આવ્યું છે.
આખરી સલામ
કાજોલનો આ શો સમય કરતાં ખૂબ જ પાછળ છે, પરંતુ એમ છતાં એ જોવાનો કંટાળો નથી આવતો. ‘ધ ગુડ વાઇફ’ અને ‘સૂટ્સ’ જેવા શો ઑન ઍર થયાને વર્ષો થઈ ગયાં આમ છતાં આજ સુધી એ લેવલનો શો નથી બન્યો. ‘ક્રિમિનલ જસ્ટિસ’ દ્વારા એવી કોશિશ કરવામાં આવી હતી, પરંતુ એ લેવલનો શો હજી સુધી નથી બન્યો.

