બાગી ૩ દ્વારા અંકિતા લોખંડેએ કરી ધમાકેદાર શરૂઆત
અંકિતા લોખંડેએ ૨૦૨૦ની ખૂબ જ ધમાકેદાર શરૂઆત કરી છે. કંગના રનોટની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કર્યા બાદ તે હવે ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂરની ‘બાગી ૩’માં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ માટે તે જયપુર ગઈ હતી. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’માં નાનું પાત્ર ભજવ્યા બાદ તે આ ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વના પાત્રમાં જોવા મળશે. ‘બાગી ૩’નું શૂટિંગ પૂરુ થતાં તે સિધી ત્યાંથી તેના આગામી પ્રોજેક્ટ માટે જમ્મુ ઊપડી હતી. આ પ્રોજેક્ટની ડિટેઇલ હજી સુધી જાહેર કરવામાં નથી આવી અને એ તેના ચાહકો માટે એક સરપ્રાઇઝ હશે. આ વિશે અંકિતા લોખંડેએ કહ્યું હતું કે ‘મને ખુશી છે કે ગયા વર્ષે લોકોએ મારા કામના વખાણ કર્યા અને આ વર્ષ મારા માટે ખૂબ જ પ્રોમિસિંગ રહેશે. મેં નવા વર્ષની શરૂઆત ‘બાગી ૩’થી કરી છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ સારી છે અને મારું પાત્ર પણ ખૂબ જ ચૅલેન્જિંગ છે. આ ફ્રેન્ચાઇઝી ખૂબ જ સફળ હોવાથી વધુ જવાબદારી છે અને મને ખુશી છે કે હું આ ફિલ્મનો ભાગ છું. હું જયપુરથી સીધી મારા આગામી પ્રોજેક્ટ માટે જમ્મુ નિકળી ગઈ હતી, પરંતુ એ વિશે હું વાત કરી શકું એમ નથી. આ પ્રોજેક્ટ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને દર્શકોને એ પસંદ પડશે એવી આશા રાખુ છું. અમે જમ્મુની સુંદરતાને ખૂબ જ સારી રીકે કૅમેરામાં કેદ કરી છે અને એ દર્શકોને પસંદ આવશે એવી આશા છે.’


