Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પત્ની નહીં, જીવનસંગિનીનો દરજ્જો અપાવ્યો આ નવલકથાએ

પત્ની નહીં, જીવનસંગિનીનો દરજ્જો અપાવ્યો આ નવલકથાએ

24 May, 2023 04:41 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

બંગાળી રાઇટર બિમલ કરની નવલકથા ‘બાલિકા બધૂ’ પરથી બંગાળી ફિલ્મ બની, જેમાં મૌસમી ચૅટરજી લીડ ઍક્ટ્રેસ હતી; એ ફિલ્મ જોઈને તારાચંદ બડજાત્યાએ નક્કી કર્યું કે આને દેશભરના લોકો સામે મૂકશે

બંગાળી રાઇટર બિમલ કરની નવલકથા ‘બાલિકા બધૂ’ બુક ટૉક

બંગાળી રાઇટર બિમલ કરની નવલકથા ‘બાલિકા બધૂ’


ગયા શુક્રવારે જાણીતા આરજે અને ફિલ્મસ્ટાર ધ્વનિતે પોતાની કૉલમ ‘કાનસેન કનેક્શન’માં હિન્દી ફિલ્મ ‘બાલિકા બધૂ’ની વાત કરી, જેના પરથી જાણીતા બંગાળી સાહિત્યકાર બિમલ કર યાદ આવ્યા. સાહિત્ય અકાદમી પુરસ્કૃત બિમલ કરે લખેલી નવલકથા ‘બાલિકા બધૂ’ પરથી જ ઍક્ટર સચિનની આ ફિલ્મ બની હતી. બહુ નાની ઉંમરે લેખન ક્ષેત્રમાં આવી ગયેલા બિમલદાના વિચારોમાં મૉડર્નાઇઝેશન હતું અને એને લીધે તેમણે લખેલી મોટા ભાગની નવલકથા કે વાર્તાઓ સમય કરતાં ઘણી ઍડ્વાન્સ હતી. ૧૯પ૭માં લખાયેલી નવલકથા ‘બાલિકા બધૂ’ બંગાળી ન્યુઝપેપર પશ્ચિમબંગામાં પ્રસિદ્ધ થતાંની સાથે જ રાતોરાત પૉપ્યુલર થઈ. નવલકથા રિલીઝ થયા પછી બિમલ કરના ઑટોગ્રાફ લેવા માટે રીતસર તેમના ઘર પાસે લાઇન લાગતી. બિમલ કર કહેતા, ‘જે વાત લોકોના મનમાં હતી એ વાત મેં મારા શબ્દોમાં લીધી, આ એની જ કમાલ છે.’

‘બાલિકા બધૂ’ માટે બિમલ કરને બહુ આશા હતી કે આ નવલકથા તેમને સાહિત્ય ક્ષેત્રે ખૂબ નામના આપશે, પણ તેમની આશા જુદી રીતે ફળીભૂત થઈ. ‘બાલિકા બધૂ’ નવલકથા સાહિત્ય સંસ્થાઓએ માત્ર વખાણી, પણ બિમલદાને એ માટે કોઈ પુરસ્કાર કે સન્માન મળ્યા નહીં, જેની સામે બંગાળી પ્રોડ્યુસરે ‘બાલિકા બધૂ’ના રાઇટ્સ લીધા અને મૌસમી ચૅટરજીને લઈ બંગાળી ફિલ્મ બનાવી. આ જ બંગાળી ફિલ્મના રાઇટ્સ રાજશ્રી ફિલ્મ્સે લીધા અને સચિન પિળગાંવકરને લઈને આ જ નામથી ફિલ્મ બનાવી, જે ફિલ્મે રીતસર ધૂમ મચાવી. અલબત્ત, એ પહેલાં એક ઘટના એવી ઘટી કે જેણે રાજશ્રી ફિલ્મ્સ અને બિમલ કરને એક કર્યાં.



શું બન્યું હતું ત્યારે? | જે સમયે રાજશ્રી પિક્ચર્સ વતી તારાચંદ બડજાત્યાએ બંગાળી ફિલ્મ ‘બાલિકા બધૂ’ના રાઇટ્સ લીધા એ સમયે બિમલ કરે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે તમે મૂળ કૃતિના રાઇટ્સના આધારે જે ફિલ્મ બની છે એના એકમાત્ર રાઇટ્સ લઈ એના પર ફિલ્મ ન બનાવી શકો. અફકોર્સ, એ બાબતમાં કોઈ કોર્ટ કેસ થયો નહીં અને તારાચંદ બડજાત્યા વાત સમજી ગયા. તેમણે તરત જ બિમલ કર પાસેથી નૉવેલના રાઇટ્સ લીધા પણ બૉલીવુડમાં એવું માનવામાં આવે છે કે આ પહેલી ઘટના હતી જેમાં એક રાઇટર પ્રોડ્યુસર સામે મેદાનમાં ઊતર્યો હોય અને પ્રોડ્યુસર તેની વાત માન્યા હોય. બે દશક પહેલાં બિમલ કરનું અવસાન થયું પણ એ પહેલાં તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં આ બાબતમાં કહ્યું હતું, ‘ભાગ્યે જ કોઈ લેખક હશે જેને પૈસામાં ઇન્ટરેસ્ટ હોય, બાકી એક હજારમાંથી નવસોનવાણું લેખક એવા હોય જેને પોતાના માન-સન્માન સિવાય કશું દેખાતું નથી.’


પોતાના આ શબ્દોનું પાલન કરીને બિમલ કરે ક્યારેય રાજશ્રી પ્રોડક્શનનો ચેક બૅન્કમાં ડિપોઝિટ નહોતો કરાવ્યો.

ક્યાંથી મળી આ સ્ટોરી? |  બિમલ કરે લખેલી ‘બાલિકા બધૂ’ સત્યકથા પર આધારિત નવલકથા હતી અને બિમલ કર કહેતા કે આ પ્રકારની વાર્તાઓ એ સમયે અઢળક ઘરોમાં જોવા મળતી. જોકે એ પછી પણ તેમને આ વાર્તાનો સબ્જેક્ટ કેવી રીતે મળ્યો એ બાબતમાં તે સ્પષ્ટતા સાથે પણ ખુલાસો કરીને કહેતા કે તેના એક ફ્રેન્ડ સાથે જ આ પ્રકારની ઘટના ઘટી હતી, જે જોઈને તેમને જબરદસ્ત અચરજ થયું. બિમલ કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે, ‘મને થતું કે આવું તો માત્ર ને માત્ર વાર્તામાં જ જોવા મળે અને એને બદલે આ વ્યક્તિને પોતાની લાઇફમાં આવું બને છે. બસ, મને આ એક વિચાર આવ્યો અને એ વિચારના આધારે મેં વાર્તા લખવાનું શરૂ કર્યું.’


‘બાલિકા બધૂ’ સૌથી પહેલાં એક શૉર્ટ સ્ટોરી હતી, જે વાંચીને પશ્ચિમબંગા ન્યુઝપેપરના એડિટર-માલિકે બિમલ કરને કહ્યું કે બહુ સારો વિષય છે, આને ટૂંકી વાર્તામાં વેડફી ન નાખવો જોઈએ.
બિમલ કરે તેમની વાત માની અને એ પછી તેમણે ‘બાલિકા બધૂ’ને નવલકથા તરીકે ડેવલપ કરવાનું શરૂ કર્યું. આજે પણ બિમલ કરે લખેલી બંગાળી ટૂંકી વાર્તામાં એ ટૂંકી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે તો સાથોસાથ ‘બાલિકા બધૂ’ નવલકથાના સ્વરૂપમાં પણ વાંચવા મળે છે.

ટૂંકી વાર્તાઓ પરથી યાદ આવ્યું કે બિમલ કરની મોટા ભાગની વાર્તાઓના રાઇટ્સ બંગાળી ઓટીટી પ્લૅટફૉર્મ હોઇચોઇએ લીધા છે, જેના પરથી અમુક વેબ-સિરીઝ બની પણ ગઈ છે. આ જ હોઇચોઇ પ્લૅટફૉર્મ પાસેથી જયા બચ્ચને બિમલ કરે લખેલી સાહિત્ય અકાદમી અવૉર્ડ વિનર એવી નવલકથા ‘અસમય’ના રાઇટ્સ માગ્યા હતા પણ પ્લૅટફૉર્મ પોતે એ પ્રોજેક્ટ પર કામ કરતું હોવાથી તેમણે રાઇટ્સ આપવાની ના પાડી હતી. 

બિમલ કરે માત્ર યંગસ્ટર્સ કે પછી મૅચ્યોર્ડ રીડર માટે જ લિટરેચર તૈયાર કર્યું છે એવું નથી. તેમણે ટીનેજર્સ અને બાળકો માટે પુષ્કળ લખ્યું. બિમલદાએ બાળકો માટે ડેવલપ કરેલા 
જાદુગર કિકારા અને ડિટેક્ટિવ વિક્ટર આજે પણ બંગાળી બચ્ચાંઓમાં પૉપ્યુલર છે.

સ્ટોરી શૉર્ટકટ

‘બાલિકા બધૂ’માં વાત એક એવી છોકરીની છે જેને મૅરેજ શું કહેવાય એની ખબર નથી એવા સમયે તેનાં મૅરેજ થઈ ગયાં છે. સ્કૂલમાં જતી રજનીનાં મૅરેજ અમલ સાથે કરવામાં આવ્યાં છે. રજની અને અમલ બન્ને ધીમે-ધીમે સાથે મોટાં થાય છે અને મોટાં થતાં આ કપલ એકબીજાના પ્રેમમાં પડે છે. લવ મૅરેજ નહીં પણ મૅરેજ પછીના પ્રેમના સિદ્ધાંતને પુરવાર કરતાં આ મૅરેજ પતિ-પત્નીના પવિત્ર સંબંધોને એક નવા જ મુકામ પર લઈ જવાનું કામ કરે છે. એવું નથી કે રજનીને કોઈ તકલીફો નથી કે પછી તેની તકલીફોમાં વધારો કરનારા કોઈ નથી. એવા લોકો છે જ, પણ એ બધાની વચ્ચે રજનીનો હસબન્ડ અમલ કેવી રીતે રસ્તો કાઢતો રહે છે અને કેવી રીતે તે વાઇફ સાથે નાનપણની મિત્રતા અકબંધ 
રાખે છે એ વાત નવલકથા ‘બાલિકા બધૂ’માં દર્શાવવામાં આવી છે.નવલકથા ‘બાલિકા બધૂ’ વાંચ્યા પછી સેંકડો પતિઓની માનસિકતામાં બદલાવ આવ્યો અને તેમણે પોતાની વાઇફને માત્ર પત્ની તરીકે નહીં, જીવનસંગિની તરીકે જોવાનું તથા એ માન આપવાનું શરૂ કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 04:41 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK