Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શરૂ થવા જઈ રહ્યું છે ભારતનું આઇકૉનિક બ્રૉડવે થિયેટર

શરૂ થવા જઈ રહ્યું છે ભારતનું આઇકૉનિક બ્રૉડવે થિયેટર

27 March, 2023 05:08 PM IST | Mumbai
Jane Borges | jane.borges@mid-day.com

આ કેન્દ્રથી કલાજગતની મહત્ત્વાકાંક્ષાઓ કઈ ક્ષિતિજ સુધી વિસ્તરશે એ તો આવનારો સમય કહેશે, પણ આ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક સેન્ટર મુંબઈના આર્ટજગતને ગૌરવ અપાવનારું ચોક્કસ બનશે

‘ધ ગ્રૅન્ડ થિયેટર’ લૉસ ઍન્જલસના આઇકૉનિક લાઇવ-પર્ફોર્મન્સ ઑડી ડોલ્બી થિયેટર કૉડેક થિયેટર પરથી બન્યું છે. ૨૦૦૦ બેઠકોની ક્ષમતા અને વિશાળ સ્ટેજ પર લાઇવ ઑર્કેસ્ટ્રા માટેની જગ્યા છે. સ્ટેજની બન્ને તરફ કમળની પાંખડીઓ જેવી જાળીઓ છે અને સિલિંગ પર ૮૪૦૦ સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ્સનો ઝગમગાટ જોવા મળશે. વર્લ્ડ થિયેટર ડે

‘ધ ગ્રૅન્ડ થિયેટર’ લૉસ ઍન્જલસના આઇકૉનિક લાઇવ-પર્ફોર્મન્સ ઑડી ડોલ્બી થિયેટર કૉડેક થિયેટર પરથી બન્યું છે. ૨૦૦૦ બેઠકોની ક્ષમતા અને વિશાળ સ્ટેજ પર લાઇવ ઑર્કેસ્ટ્રા માટેની જગ્યા છે. સ્ટેજની બન્ને તરફ કમળની પાંખડીઓ જેવી જાળીઓ છે અને સિલિંગ પર ૮૪૦૦ સ્વરોવ્સ્કી ક્રિસ્ટલ્સનો ઝગમગાટ જોવા મળશે.


આ અઠવાડિયે નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એવી આશા જાગી છે કે મુંબઈ અને દેશમાં આખરે કળા અને સાંસ્કૃતિક ભવ્ય કાર્યક્રમોના આયોજનનું એક મોટું ધામ બનશે. આ કેન્દ્રથી કલાજગતની મહત્ત્વાકાંક્ષાઓ કઈ ક્ષિતિજ સુધી વિસ્તરશે એ તો આવનારો સમય કહેશે, પણ આ ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક સેન્ટર મુંબઈના આર્ટજગતને ગૌરવ અપાવનારું ચોક્કસ બનશે

મુંબઈનાં અગ્રણી નાગરિક પ્રતિમા મનોહરે ઘણા સમય પહેલાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ અત્યારે તો સાવ સાદું સ્થળ છે. તમે સવારે જાઓ અને સાંજે પાછા ફરો, પરંતુ જો મને મોકો મળે તો હું એને બીકેસીની કલ્પના એક વધુ રસપ્રદ અને જીવંત સ્થળ તરીકે કરું.’ તેમણે બીકેસીની જે કલ્પના કરી હતી એમાં આર્ટ અને હૅન્ડિક્રાફ્ટની માર્કેટ, ખાણીપીણીનાં કેન્દ્રો અને સાંસ્કૃતિક કેન્દ્રોનો સમાવેશ કર્યો હતો, જેથી આ વેપારધંધાના આ કેન્દ્રમાં તાજગી મહેસૂસ થાય.




બીકેસીના ‘જી’ બ્લૉકમાં આવેલા જિઓ વર્લ્ડ ખાતે ઊભું કરવામાં આવેલું લોટસ થીમવાળું મલ્ટિ કલ્ચરલ ઍન્ડ આર્ટ કેન્દ્ર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી) આ કલ્પનાને સાકાર કરી શકે એ પ્રકારનું પહેલું કેન્દ્ર છે.

આ અઠવાડિયે આ સેન્ટર લૉન્ચ થવાનું છે અને એની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ચારેય તરફ આખરી રંગરોગાન થઈ રહ્યા છે. ત્યાં રાધા અને કૃષ્ણની એક સફેદ આરસની પ્રતિમા છે અને એની પાછળ ૫૬ ફુટ ઊંચું પિછવાઈ પેઇન્ટિંગ ગોઠવાયેલું છે. 


વિશાળ જગ્યામાં પથરાયેલું આ કેન્દ્ર લૉસ ઍન્જેલસના આઇકૉનિક લાઇવ પર્ફોર્મન્સ ડોલ્બી થિયેટરના મૉડલ પરથી બનાવાયેલું છે. એનએમએસીસીની વેબસાઇટ પરથી માહિતી મળે છે કે ગ્રૅન્ડ થિયેટરની ડિઝાઇન ટીવીએસ ડિઝાઇનના સ્ટીવ ક્લેમ તથા નિક વોલ્ફકેલે તેમ જ થિયેટર પ્રોજેક્ટ્સ કન્સલ્ટન્ટ્સના બ્રાયન હોલે તૈયાર કરી છે.  

૨૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા ગ્રૅન્ડ થિયેટરમાં સરકતું સ્ટેજ છે, જેમાં લાઇવ ઑર્કેસ્ટ્રાનો પણ સમાવેશ થઈ શકે છે. દીવાલમાં કમળ આકારમાં કોતરેલી બારીક જાળીની ડિઝાઇન અને છત પર ૮૪૦૦થી વધુ સ્વારોવ્સ્કી ક્રિસ્ટલ્સ છે. 

 

આ થિયેટરની ઓપનિંગ સેરેમનીમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ લૉન્ચ થશે. આ ભારતનો સૌથી બિગેસ્ટ એવર મ્યુઝિકલ શો હશે જે નાટ્યકાર ફિરોઝ અબ્બાસ ખાને ડિરેક્ટ કર્યો છે અને એમાં ૮૦૦ ક્રૂ મેમ્બર્સ છે.

એનએમએસીસીના પ્રતિનિધિ અમારી સાથે ચાલતાં-ચાલતાં કહે છે, ‘આ થિયેટરમાં ત્રણ લેવલ છે. ગ્રાઉન્ડ લેવલમાં ૧૦૦૦ સીટ છે. ત્યાર બાદ પહેલા લેવલમાં ડ્રેસ સર્કલ આવે છે, જેમાં ૩૭૦ સીટ છે અને ત્યાર બાદ સેકન્ડ અને થર્ડ લેવલ આવે છે, જે ૬૦૦ સીટ સાથેની બીજી બાલ્કની બનાવે છે.’ 

એનએમએસીસીના પ્રતિનિધિ કહે છે, ‘અહીં ફક્ત કલાકાર અને પ્રેક્ષક વચ્ચે સમન્વય સધાય એનું જ ધ્યાન નથી રાખવામાં આવ્યું. પ્રેક્ષકો વચ્ચે પણ સમન્વય સધાય એની તકેદારી રાખવામાં આવી છે. સીટની ગોઠવણી કઈ રીતે કરવામાં આવી છે એના પર નજર કરશો તો તમને સમજાશે કે પ્રેક્ષકગણનો દરેક પ્રેક્ષક ઑડિટોરિયમમાં બેઠેલા અન્ય પ્રેક્ષકોની હાજરીથી સજાગ રહેશે. આથી સ્ટેજ પર જ્યારે કોઈ રમૂજ ઉત્પન્ન થાય ત્યારે ફક્ત આગળની હરોળવાળા જ એ રમૂજને માણશે નહીં, સમગ્ર પ્રેક્ષકગણમાં હાસ્યની છોળ ઊછળશે.’

નાના અને એક્સપરિમેન્ટલ આર્ટ માટે ધ સ્ટુડિયો થિયેટર અને ધ ક્યુબ જેવાં સ્મૉલ થિયેટર્સ છે જે વિવિધ આર્ટ‍્સ, યંગસ્ટર્સ અને ઊભરી રહેલા કલાકારોને પ્લૅટફૉર્મ પૂરું પાડશે.

વ્હીલચૅરમાં આવેલા મહેમાનો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડી શકાય એવી રિમૂવેબલ સીટ્સ ગોઠવવામાં આવી છે. અન્ય તકલીફવાળા લોકોની ખુરસી પર છૂટા પાડી શકાય એવા ડિટેચેબલ આર્મ રેસ્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત રડતાં-ચિલ્લાતાં બાળકોના પેરન્ટ્સ માટે જ્યાંથી સ્ટેજ દેખાય એવા સાઉન્ડપ્રૂફ ‘ક્રાઇંગ રૂમ્સ’ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૬ ભાષામાં ભાષાંતર થઈ શકે એવાં ટ્રાન્સલેશન-બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે. 

ડ્રેસ સર્કલથી ડાયમન્ડ આકારનાં બૉક્સ તરફ જવાના માર્ગમાં કાર્પેટ બિછાવેલી છે અને બૉક્સના બહારના ભાગમાં સોનેરી તથા લાલ રંગની ઇટાલિયન મોઝેઇક ટાઇલ્સ જડવામાં આવી છે. મોકાનાં સ્થાનો પર આવાં ૧૮ બૉક્સ બનાવવામાં આવ્યાં છે અને એ દરેક અલગ-અલગ ઊંચાઈ પર છે. બૉક્સમાંથી સ્ટેજનો ૯૦ ટકા હિસ્સો દૃશ્યમાન છે. એનએમએસીસીના પ્રતિનિધિ કહે છે, ‘આ બ્રૉડવે થિયેટર જેવી જ વ્યવસ્થા છે. બ્રૉડવે થિયેટરમાં બાલ્કનીઓ સ્ટેજની તરફ એ રીતે ખેંચાય છે કે સ્ટેજ પરના કલાકારને એમ લાગે કે બૉક્સમાં બેસેલા પ્રેક્ષક સાથે તે હાથ મિલાવી શકે છે. પહેલું બૉક્સ તો સ્ટેજની ઉપર જ હોય એવું લાગે.’

કમલ કુંજ, ૫૬ ફુટનું પિછવાઈ પેઇન્ટિંગ એ અહીંનું જબરદસ્ત મોટું આકર્ષણ છે. માર્બલની તકતી પર રાધા-કૃષ્ણની પ્રતિકૃતિ સાથે બૅકડ્રૉપમાં કમળ અને પીકૉકનાં મૉટિફ્સ છે.

અફલાતૂન રેકૉર્ડિંગ અને પ્રોજેક્શન તેમ જ વિશાળ ઑડિયો ઇન્સ્ટૉલેશન્સ (ડોલ્બી અટમોસ, સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ)ની સુવિધાને લીધે થિયેટરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોથી માંડીને મેગા મ્યુઝિકલ પ્રોગ્રામ અને મૂવી સ્ક્રીનિંગ થઈ શકશે. આ ઉપરાંત વિશાળ સેટ્સની સાથે વિદેશથી આવતા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની ભજવણી પણ અહીં થઈ શકશે. પ્રતિનિધિ કહે છે, ‘અમારો આશય અહીં જ વધુ સુવિધા આપવાનો છે, જેથી તેમણે બહારની વ્યવસ્થા પર ઓછો મદાર રાખવો પડે. અમે લોકોને એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહ્યા છીએ જેના વિશે પહેલાં કોઈએ કલ્પના નહોતી કરી. પહેલાં જે તેમને શક્ય જ નહોતું લાગતું એવી સુવિધા અમે તેમને આપી રહ્યા છીએ, જેથી તેમની કલ્પનાશક્તિ ખીલી ઊઠે.’ 

ઉદ્ઘાટનના દિવસે નાટ્યકાર-ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાનનું જે મ્યુઝિકલ પ્રોડક્શન રજૂ થવાનું છે એમાં બુડાપેસ્ટ સ્કોરિંગ ઑર્કેસ્ટ્રાની આગેવાની હેઠળનાં ૫૫ વાજિંત્રો સાથેના ૮૦૦ સાજિંદાઓ લાઇવ પર્ફોર્મ કરશે. ફિરોઝ અબ્બાસ ખાન કહે છે કે અહીંની સુવિધાને કારણે મારી કલ્પનાને પાંખો આવી. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું, ‘તમારી પાસે ગ્રૅન્ડ થિયેટર જેવી સુવિધા હોય ત્યારે તમારી કલ્પનાશક્તિ સામે અનેક શક્યતા ઊભી થઈ જાય છે. અહીં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થયું છે એને કારણે વિશ્વના કેટલાક સૌથી ટૅલન્ટેડ કલાકારો આ પ્રોડક્શન માટે પોતાનો સમય ફાળવવા તૈયાર થયા છે.’ 

સેન્ટરનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા અંબાણી કહે છે, ‘અમારા સેન્ટરને કળા, કળાકારો તથા પ્રેક્ષકો માટેના એક નવા ઘર તરીકે જોવામાં આવે છે. આ સેન્ટર નવી ટૅલન્ટને પ્રેરણા આપશે, ભારતની શ્રેષ્ઠ કળાકૃતિઓને વિશ્વ સમક્ષ રજૂ કરશે અને વિશ્વની શ્રેષ્ઠતમ કૃતિઓને ભારતમાં લાવશે.’

ઉદ્ઘાટનના દિવસે એટલે કે ૩ એપ્રિલે એકસાથે બે પ્રદર્શન રજૂ થશે. પૅવિલિયમ-1માં ઇન્ડિયા ઇન ફૅશન : ધ ઇમ્પૅક્ટ ઑફ ઇન્ડિયન ડ્રેસ ઍન્ડ ટેક્સ્ટાઇલ્સ ઑન ફૅશનેબલ ઇમેજિનેશન રજૂ થશે. બીજી તરફ આર્ટ હાઉસમાં સંગમ-કૉન્ફ્લુએન્સ રજૂ થશે, જેમાં ભારતથી પ્રભાવિત હોય એવા સમકાલીન કલાકારોની કૃતિઓ દર્શાવવામાં આવશે.

ઇન્ડિયા ઇન ફૅશનમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવતા વિશ્વના ૧૪૦ આઇકૉનિક કૉસ્ચ્યુમ્સ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનનું સંયોજન લેખક તથા કૉસ્ચ્યુમ આર્ટ એક્સપર્ટ અને ‘વૉગ’ના ગ્લોબલ એડિટર ઇન્ચાર્જ હમિશ બાઉલ્સે કર્યું છે. 

એક્ઝિબિશન ડિઝાઇન ડિરેક્ટર પૅટ્રિક કિમોથે આર્કિટેક્ટ રુશાદ શ્રોફ સાથે મળીને આવો ગહન માહોલ ઊભો કર્યો છે. એક્ઝિબિશનમાં થિમેટિક ઝોન્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ચિન્ટ્સ ઝોન, મિસલિન ઝોન, હિપ્પી ટ્રેલ અને ભારતીય સાડીની ૨૧ પ્રસ્તુતિના અલગ ઝોનનો સમાવેશ થાય છે. આ ઝોન્સની આસપાસ ૨૦ વેસ્ટર્ન પિરિયડ પીસિસ અને ૩૦થી વધુ ભારતના સમકાલીન પીસિસ ગોઠવવામાં આવ્યા છે. આ બધી સામગ્રી વિશ્વભરનાં ૧૫ મ્યુઝિયમો, ૧૫ પ્રાઇવેટ સંગ્રાહકો તેમ જ ક્રિશ્ચિયન ડિઓર, કોકો ચૅનલ, યેસ સેન્ટ લૉરેન અને બીજા ફૅશન લેબલ્સ પાસેથી લોનરૂપે લેવામાં આવી છે. 

આ ઉપરાંત અબુ જાની, સંદીપ ખોસલા, મનીષ મલ્હોત્રા, રાહુલ મિશ્રા, રિતુ કુમાર, સવ્યસાચી મુખરજીના ડ્રેસ રજૂ કરવામાં આવશે. આમાં ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાં કરીના કપૂરે પહેરેલા લહેંગા સહિતના ત્રણ ટાઇમલેસ બૉલીવુડ કૉસ્ચ્યુમ્સ પણ એક્ઝિબિટ કરવામાં આવશે. 

આર્ઘ્યા લાહિરી

એક્ઝિબિશન ડિઝાઇન ડિરેક્ટર પૅટ્રિક કિમોથ કહે છે, ‘સામાન્ય સંજોગોમાં આવાં એક્ઝિબિશન્સ મ્યુઝિયમમાં યોજાતાં હોય છે, જ્યાં જગ્યાનાં બંધન હોય છે, પરંતુ અહીં એવી કોઈ મર્યાદા નથી એટલે કલ્પનાશક્તિને પૂરતી મોકળાશ મળે છે. આથી અમે અહીં એવું સ્ટ્રક્ચર બનાવી શક્યા છીએ જ્યાં ટ્રાવેલિંગ આર્ટ શો પણ રજૂ થઈ શકે છે. નીતા અંબાણીએ આપેલા પ્રોત્સાહનને કારણે હું મોટું વિચારીને એવો સેટ બનાવી શક્યો છું, જે ફક્ત એક્ઝિબિશન માટેનું સ્થાન જ નથી, અહીં ડ્રેસની ભવ્યતાનો સાક્ષાત્ અનુભવ થઈ શકે છે અને આ બધું ભારતમાં જ બન્યું છે. એ સમય આવી ગયો છે કે આપણે વિશ્વને ભારતની દૃષ્ટિથી જોતા થઈએ.’

એનએમએસીસીના ઉદ્ઘાટન સમયના આર્ટ એક્ઝિબિશન સંગમ-કૉન્ફ્લુઅન્સના સહસંયોજક તરીકે અમેરિકાના આર્ટ ડીલર તથા ક્યુરેટર જેફરી ડીચ સાથે કામ કરવા માટે રણજિત હોસ્કોટેને થોડાં વર્ષ પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

આ શોમાં પાંચ ભારતીય તથા પાંચ આંતરરાષ્ટ્રીય કલાકારોનાં આર્ટવર્ક રજૂ કરવામાં આવશે. રણજિત હોસ્કોટે કહે છે, ‘અમારો મુખ્ય આશય એ રહ્યો છે કે આંતરરાષ્ટ્રીય કલાકારો ભારત તથા ભારતીય કલાકારો સાથે કનેક્શન ધરાવતા હોવા જોઈએ. અમે એવા ભારતીય કલાકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમની કળામાં ભૂતકાળની ભવ્યતા અને ભવિષ્યની શક્યતાઓની સભાનતા સાથે વર્તમાન આર્ટ માહોલની રજૂઆત થતી રહી છે. આર્ટ હાઉસ ચાર માળામાં પથરાયેલું છે અને દરેક માળાનું હાર્દ એકબીજા સાથે સંકળાયેલું છે, જેની વિગતો સંબંધિત કલાકારો વિશેના તથા તેમના પોતાના ક્વોટ્સમાં દર્શાવવામાં આવી છે અને આ ક્વોટ્સ સીડીના દરેક પગથિયા પર લગાવવામાં આવ્યા છે.  

એક્ઝિબિશનમાં આવનાર દર્શકો માટે એક ઑડિયો ગાઇડ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં હોસ્કોટેએ પોતાનો અવાજ  આપ્યો છે. અહીં આવનારા લોકો વધુ અસરકારક અનુભૂતિ લઈ શકે એ માટે આ ઑડિયો ગાઇડ બનાવવામાં આવી છે.

એનએમએસીસીના પ્રતિનિધિ કહે છે કે ‘અંબાણી પરિવારની એવી પણ ઇચ્છા હતી કે આ સેન્ટર વિવિધ કળાને પ્રોત્સાહન આપે અને યુવા પ્રતિભાઓને પણ પ્રોત્સાહન આપે. આ કારણસર ૨૫૦ બેઠકોવાળું સ્ટુડિયો થિયેટર અસ્તિત્વમાં આવ્યું. આ થિયેટરમાં ટેલિસ્કોપિક બેઠક-વ્યવસ્થા છે, જેમાં શોની જરૂરિયાત અનુસાર ઝડપથી પરિવર્તન કરી શકાય છે. 

ક્યુબમાં ૧૨૫ લોકોનો સમાવેશ થઈ શકે છે અને એનું કામ ‘પ્લેરૂમ’ જેવું છે. એમાં મૂવેબલ સ્ટેજ અને બેઠક-વ્યવસ્થા છે. આ જગ્યાનો ઉપયોગ એક્સપરિમેન્ટલ થિયેટર તરીકે થઈ શકે છે અને વક્તવ્ય માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત સ્ટેન્ડઅપ કૉમેડી તથા સંગીત કાર્યક્રમ માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. અહીં કલાકારને દરેક પ્રકારની સુવિધા તથા સુરક્ષા મળી રહે એવી સગવડ છે. 

મુંબઈસ્થિત આર્ટ્સ મૅનેજમેન્ટ કંપની ક્યુટીપીના આર્ટિસ્ટિક ડિરેક્ટર અને થિયેટર ડિરેક્ટર કસર ઠાકોર પદમસી આ ક્યુબ તથા સ્ટુડિયો પાસે મોટી આશા રાખી રહ્યા છે. તેઓ કહે છે, ‘આ નાની જગ્યાઓ નવા આઇડિયાઝને અજમાવવા માટે અગત્યની પુરવાર થવાની છે. અહીં અલગ પ્રકારના ફૉર્મેટ તથા કળા માટેની દિશા ખૂલી જશે.’

જય શાહ

પદમસી કહે છે કે ‘આ સેન્ટર પણ પૃથ્વી થિયેટર તથા એનસીપીએ જેવું ધમધમતું સાંસ્કૃતિક કેન્દ્ર બની રહે એ માટે એના વપરાશ માટેનું પ્લાનિંગ એ રીતે થવું જોઈએ કે એનો મહત્તમ ઉપયોગ થઈ શકે. અઠવાડિયામાં કમસે કમ ૬ દિવસ કાર્યક્રમ યોજાવા જોઈએ.’ 

થિયેટર-ડિરેક્ટર રાહુલ દ કુન્હા કહે છે કે ‘ઘણી વાર લેખક તથા ડિરેક્ટર જે કલ્પના કરે છે એ અનુસારનું આયોજન ટેક્નિકલ અને ડિઝાઇન ટીમ કરી નથી શકતી, કારણ કે જગ્યાની મર્યાદા તેમને નડે છે. હવે એનએમએસીસી આવી વિશાળ જગ્યા પૂરી પાડશે તો ડિરેક્ટરો ફિલ્મ સેટ ડિઝાઇનરોને પોતાના કામ માટે રોકશે.’

મુંબઈમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરી ચૂકેલા મહિન્દ્ર ગ્રુપના કલ્ચરલ આઉટ રિચના વાઇસ પ્રેસિડેન્ટ જય શાહ કહે છે કે ‘સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોને અનુરૂપ સ્થળ શોધવાનું કામ ભારતમાં હંમેશાં મુશ્કેલ રહ્યું છે. મને લાગે છે કે એનએમએસીસી આ જરૂરિયાત પૂરી કરશે. એનએમએસીસીની સુવિધ ઉપલબ્ધ થવાને કારણે અમને નવા પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે વિચારવાની પ્રેરણા મળશે.’

લાઇટ ડિઝાઇનર અને ડિરેક્ટર આર્ઘ્યા લાહિરી કહે છે કે ‘છેલ્લાં પાંચ વર્ષમાં નાના કાર્યક્રમોનું આયોજન થઈ શકે એવાં અનેક કેન્દ્ર ઊભાં થયાં છે, પરંતુ આમાંનાં મોટા ભાગનાં કેન્દ્રોમાં ઊંચાઈની મર્યાદા હોવાને લીધે સર્જક મર્યાદા અનુભવે છે અને છેવટે પૈસાનું ફૅક્ટર પણ આવે છે. જો તમારે લાઇટ્સનો ઉપયોગ કરવો હોય તો વધારાના પૈસા ચૂકવવા પડે.

એનએમએસીસીમાં આવી મર્યાદા નહીં હોય, પરંતુ મુખ્ય મુદ્દો ઍડપ્ટિબિલિટી અને ફ્લેક્સિબિલિટીનો છે. એનએમએસીસીની ટીમ મુંબઈ અને ભારતના નાટ્યજગત સાથે કેવો અભિગમ રાખશે એ જોવાનું છે. ભારતમાં નાટ્યજગત કઈ રીતે કામ કરે છે એના વિશે શું તેમણે ક્યારેય વિચાર્યું છે. મુંબઈના મરાઠી અને ગુજરાતી તખ્તાની વાસ્તવિકતાથી શું તેઓ વાકેફ છે? આ કલ્ચર સેન્ટર સક્રિય બનશે પછી જ એની અસલી ઉપયોગિતાનો અંદાજ આવશે.

ટેલિસ કહે છે કે આંતરરાષ્ટ્રીય ટૅલન્ટને ભારતમાં બોલાવવાથી ભારતીય પ્રેક્ષકો સાંસ્કૃતિક કેન્દ્ર તરફ આવવા માટે આકર્ષાશે, પરંતુ ભારતની યુવા ટૅલન્ટને તક આપવાનું પણ એટલું જ જરૂરી છે. 

અને છેવટે બજેટનો પ્રશ્ન તો સામે આવીને ઊભો જ રહેવાનો છે. રાહુલ ડાક્યુન્હા કહે છે, ‘શું અમને અહીં પર્ફોર્મ કરવાનું પરવડશે? અમને સ્પૉન્સર્સની જરૂર પડશે. આ દેશમાં થિયેટરની ઇકૉનૉમી કઈ રીતે કામ કરે છે એ ક્યારેય સમજાયું નથી. તમે ફક્ત એમ ન કહી શકો કે ચાલો, તમને જગ્યા આપી, હવે તમારા સપનાને સાકાર કરો. તેમણે એમ કહેવું જોઈએ કે ચાલો, સપનાં જુઓ અને તમારાં એ સપનાં સાકાર થાય એમાં અમે તમને મદદરૂપ થઈશું.’

"મારે મુંબઈમાં કંઈક મૅજિકલ કરવું હતું, પણ જગ્યાની મર્યાદા હતી. જો મારી પાસે ચોક્કસ હાઈટ, ડેપ્થવાળું સ્ટેજ હોય જે અડૅપ્ટેબલ હોય અને મારા પ્રૉપ્સને સમાવી શકે એટલી સ્પેસ ધરાવતી હોય તો હું વધુ મોટું વિચારી શકું." -  ઓમંગ કુમાર, સેટ ડિઝાઇનર અને ડિરેક્ટર

"જો મને વિશાળ સ્પેસ મળે છે તો એના માટે ચાર્જ પણ ઘણો ઊંચો હશે. હોમગ્રોન પ્રોડક્શન માટે એ પડકારરૂપ છે. એટલે જ થિયેટરનું ઇકૉનૉમિક્સ આપણા દેશમાં બહુ વર્કેબલ નથી." - રાહુલ દ કુન્હા

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2023 05:08 PM IST | Mumbai | Jane Borges

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK