કોઈકને સમય નથી, કોઈકને ટીવીના કાર્યક્રમોમાં રસ નથી તો કેટલાક માટે મોબાઇલ અને ઓટીટી જ હવે ટીવીની ગરજ સારે છે ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર ઇડિયટ બૉક્સનું નામોનિશાન મટી તો નહીં જાયને?

પ્રતીકાત્મક તસવીર
એક સમયે ઘરમાં ટીવી હોવું બેસિક અસેન્શિયલ ગણાતું. મોટામાં મોટું ટીવી હોય એ મોભાની વાત ગણાતી, કેમ કે મનોરંજનનું મુખ્ય માધ્યમ ટીવીની આસપાસ જ ભમરાતું. જોકે હવે ટીવીની જગ્યા મોબાઇલે લઈ લીધી છે. કોઈકને સમય નથી, કોઈકને ટીવીના કાર્યક્રમોમાં રસ નથી તો કેટલાક માટે મોબાઇલ અને ઓટીટી જ હવે ટીવીની ગરજ સારે છે ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર ઇડિયટ બૉક્સનું નામોનિશાન મટી તો નહીં જાયને?
એક સમય હતો કે સોસાયટીમાં જેના ઘરે ટીવી હોય તેમને ત્યાં લોકો ચિત્રહાર, છાયાગીત કે પછી રવિવારે આવતું મૂવી જોવા એકઠા થતા. જ્યારથી ઘરે-ઘરે ટીવી આવ્યાં અને ચૅનલોનો રાફડો ફાટ્યો ત્યારથી સિનારિયો બદલાઈ ગયો. આખી સાંજ ટીવીની સામે જ ચીપકી જાય એવી જનરેશન પણ હતી. જોકે હવે ટીવી ઘેર-ઘેર હોવા છતાં મનોરંજન માટે ટીવીની જાણે જરૂર જ નથી રહી. બધા પાસે હાથમાં મોબાઇલ આવી ગયા છે અને ઓટીટી પ્લૅટફૉર્મ્સનું ચલણ વધ્યું છે એટલે ટીવીમાં જે જોવા મળે એ બધું જ મોબાઇલમાં સમાવા લાગ્યું છે. એ ઉપરાંત પણ મૂવીઝ અને વેબ-સિરીઝનો ખજાનો એમાં અવેલેબલ છે, જે તમે ક્યાંય પણ હરતાં-ફરતાં ટ્રાવેલિંગ કરતાં પણ જોઈ શકો છો. ટીવીમાં સિરિયલ જોવા તમારે ડ્રૉઇંગ રૂમ કે બેડરૂમમાં બેસવું પડે અને ઘરના દરેકે એક જ જોવું પડે, જ્યારે મોબાઇલે હવે ટીવીની ગરજ ઘટાડી દીધી છે કેમ કે ઘરના બધા સમસ્યો એક જ સમયે તેમને ગમતું મનોરંજન ઓટીટી પરથી મેળવી લઈ શકે છે. આ નવા સિનારિયોમાં ટીવી અનેક ઘરોમાં કાં તો ખૂણે છાનુંમાનું પડ્યું રહે છે કાં પછી એના ખાસ કોઈ ભાવ પુછાતા નથી. અમે કેટલાક પરિવારો સાથે વાત કરી, જેમના ઘર અને જીવનમાં હવે ટેલિવિઝનનું કોઈ મહત્ત્વ ન હોવાથી ટીવીને જ તેમણે પોતાના ઘરમાંથી વિદાય આપી દીધી છે.
ADVERTISEMENT
છોકરાં ભણતાં ન હોવાથી ટીવી બંધ કરાવેલું, એ પછી ચાલુ કરવાની જરૂર જ ન પડી - બીના સોલાણી
અંધેરીમાં રહેતાં ૫૪ વર્ષનાં બીના સોલાણીના ઘરે છેલ્લાં ૧૨ વર્ષથી કોઈ ટીવી જ જોતું નથી. બીનાબહેન કહે છે, ‘સાત વર્ષ પહેલાં ઘરનું રિનોવેશન થયું ત્યારથી ઘરમાં ટીવી જ નથી. એ પહેલાં ટીવી હતું, પણ અમે કેબલનું રીચાર્જ જ કરાવતા નહીં એટલે ટીવી બંધ જ પડ્યું રહેતું. મારી બે દીકરીઓ ઝલક અને ઇરિકા શાળામાં ભણતી ત્યારે ઘરે ટીવી હોવાથી આખો દિવસ એ જ જોયા કરતી. ભણવામાં ધ્યાન આપતી નહીં એટલે અમે ટીવી બંધ કરાવી દીધું હતું. એ પછી તો તેઓ થોડી સમજણી થઈ અને કૉલેજ જવા લાગી ત્યારે તેમને જ સ્ટડીમાં ડિસ્ટર્બ થતું એટલે પછી ટીવી ચાલુ જ ન કરાવ્યું. હવે તો ઘરમાં ટીવીની જરૂર લાગતી જ નથી. ઊલટાનું ટીવી ન હોવાથી ઘરમાં શાંતિ રહે છે. અમે સાથે મળીને ફૅમિલી ટાઇમ સ્પેન્ડ કરીએ છીએ. મારી મોટી દીકરી ઝલકનાં લગ્ન થઈ ગયાં છે. મારી નાની દીકરી એરિકા ગ્રાફિક ડિઝાઇનર છે એટલે આંખો દિવસ જૉબ પર હોય. રાત્રે ઘરે આવીને જિમમાં જાય. એ પછી તેને મૂવી કે વેબ-સિરીઝ જોવી હોય તો એ મોબાઇલમાં જોઈ લે. મારા હસબન્ડ સમીરની દાદરમાં શૉપ છે એટલે તેઓ પણ આખો દિવસ શૉપમાં હોય. સોમવારે રજા હોય ત્યારે તેઓ પેપર વાંચે. મને પણ વાંચવાનો શોખ ખરો. સમય મળે ત્યારે વૉક પર જઈએ. ઘરે મહેમાન આવે તો તેમને પણ આશ્ચર્ય થાય કે ઘરમાં ટીવી નથી તો તમારો ટાઇમપાસ કેમ થાય છે.’
ઘરે ટીવી વસાવ્યું જ નથી : દીક્ષિતા વરિયા
ડોમ્બિવલીમાં રહેતાં દીક્ષિતા વરિયાના ઘરે તો કોઈ દિવસ ટીવીનું આગમન થયું નથી. તે કહે છે, ‘અમારા પરિવારમાં પપ્પા દીપકભાઈ, મમ્મી સરલાબહેન, હું અને મારો મોટો ભાઈ પ્રતીક છીએ. મારા પપ્પા ટેલરિંગનું કામ કરે છે. મારી મમ્મી હાઉસવાઇફ છે. ભાઈ પણ દુકાનમાં કામ કરે છે. અમારા ઘરે છેલ્લાં ૩૦ વર્ષથી રેડિયો જ યુઝ થાય છે. ટીવીની જરૂર કોઈ દિવસ વર્તાઈ જ નથી. હવે તો મોબાઇલમાં પણ એફએમ રેડિયો આવે એટલે પપ્પા હવે એમાં મ્યુઝિક સાંભળે. અમે જ્યારે નાનાં હતાં ત્યારે આર્થિક સ્થિિત સારી નહોતી. મમ્મી પણ કામે જતી. એટલે સવારે સ્કૂલથી ઘરે આવીને અમારે ઘરનું કામ હોય. એ પછી સ્કૂલનું હોમવર્ક હોય, ક્લાસિસ જવાનું હોય. એ બધામાં દિવસ પૂરો થઈ જતો એટલે ફુરસદ જ ન મળે. મારા ભાઈએ પણ દસમા ધોરણ પછીથી જ જૉબ પર જવાનું શરૂ કરી દીધું હતું. એ પછી મોટા થયા એટલે હાથમાં મોબાઇલ આવ્યા એટલે હવે મોબાઇલમાં જ અમે જે થોડુંઘણું જોવું હોય એ જોઈ લઈએ.’
સેટ ટૉપ બૉક્સનું રીચાર્જ મોંઘું થતાં ટીવી જ વેચી નાખ્યું : હિના સાગર
મીરા રોડમાં રહેતાં ૫૦ વર્ષનાં હિના સાગરના ઘરમાં છેલ્લાં ત્રણ વર્ષથી કોઇ ટીવી જોતું નથી. આ વિશે તેઓ કહે છે, ‘જ્યારે સેટ ટૉપ બૉક્સની પ્રાઇસ વધી ત્યારથી પછી અમે રીચાર્જ કરાવવાનું બંધ કરી દીધું. આમ પણ બધા પોતપોતાના મોબાઇલમાં હોય એટલે પછી ખોટેખોટા રીચાર્જમાં પૈસા વેસ્ટ કરવા કરતાં ટીવી જ બંધ કરાવી દીધું. દોઢ વર્ષથી તો ટીવી પણ વેચી નાખ્યું છે. મારો સન નીલ આઉટ ઑફ ઇન્ડિયા રહે છે. ઘરે હું અને મારા હસબન્ડ રાજેશ હોઈએ. આજકાલ યુટ્યુબમાં જે જોવું હોય એ બધું મળી રહે એટલે હું અને મારા હસબન્ડ અમે બંને પોતપોતાના મોબાઇલમાં જેને જે જોવું હોય એ જોઈએ. ટીવી હતું ત્યારે હું સિરિયલ્સ જોતી. હવે યુટ્યુબ પર આઉટ ઑફ ઇન્ડિયાની હિન્દીમાં ડબ કરેલી સિરિયલ્સ જોઉં. મારા હસબન્ડ ન્યુઝ જુએ. ટીવી નથી તો ઊલટાની માનસિક શાંતિ લાગે નહીંતર તો કોઈ એક વ્યક્તિ ટીવી જોતું હોય ને આપણે કામમાં હોઈએ તો ડિસ્ટર્બ થાય. મોબાઇલમાં તો જેને જે જોવું હોય એ કાનમાં ઇયરફોન નાખીને જોયા કરે એટલે બીજાને કામમાં ખલેલ ન પહોંચે.’
સેકન્ડ-હૅન્ડ ઇલેક્ટ્રિક આઇટમ્સનો ફૅમિલી બિઝનેસ છે, પણ અમારા પોતાના ઘરમાં જ ટીવી નથી : ફિરોઝ શાહ
જોગેશ્વરીમાં રહેતા ૪૦ વર્ષના ફિરોઝ શાહ કહે છે, ‘અમારા ઘરમાં ટીવી છે, પણ છેલ્લાં સાત વર્ષથી એનું કનેક્શન નથી. અમારા ચાર ભાઈઓનો ૧૯ સભ્યોનો પરિવાર એકસાથે રહે છે. ફૅમિલીમાં નવ બાળકો છે. બધાં સ્કૂલ-કૉલેજમાં ભણે છે એટલે તેમને ભણવામાં ડિસ્ટર્બ ન થાય એટલે ટીવીનું કનેક્શન જ કઢાવી નાખ્યું છે. એમ પણ બધાના હાથમાં જ્યારથી મોબાઇલ આવી ગયા છે ત્યારથી ટીવીની જરૂર જ વર્તાતી નથી. અમે ભાઈઓ ઓટીટી પ્લૅટફૉર્મનો યુઝ કરીએ. જૉઇન્ટ ફૅમિલીમાં કામ પણ વધુ હોય એટલે ઘરની મહિલાઓને કામમાંથી થોડીઘણી ફુરસદ મળે ત્યારે બપોરે કે રાતના સમયે યુટ્યુબમાં જે જોવું હોય એ જોઈ લે. ઘરનાં બાળકો પણ સ્ટડી બાદ માઇન્ડ ફ્રેશ કરવા ઇન્સ્ટાગ્રામ પર રીલ ને એવું જુએ. અમારો ફૅમિલી બિઝનેસ સેકન્ડ-હૅન્ડ ઇલેક્ટ્રિક આઇટમ્સ સપ્લાય કરવાનો છે અને અમારા ઘરે જ ટીવી નથી.’

