દાંડિયારાસમાં હવે ભાગ્યે જ ખેલૈયાઓ બે દાંડિયા અથડાવે છે, પણ હકીકતમાં પાંચ સ્ટેપમાંથી બેથી ત્રણ સ્ટેપમાં તો બે દાંડિયા અથડાવા જ જોઈએ અને દાંડિયા અથડાવાનો અવાજ સંગીત સાથે મિક્સ થવો જ જોઈએ
પ્રતીકાત્મક તસવીર
આપણે વાત કરીએ છીએ રાસ અને એના ઇતિહાસની, જેમાં આજે અમારે વાત કરવી છે રાસ દરમ્યાન પહેરવામાં આવતાં ભાતીગળ કહેવાય એવાં વસ્ત્રો એટલે કે કૉસ્ચ્યુમ્સની. રાસ દરમ્યાન ટિપિકલ કૉસ્ચ્યુમ્સ પહેરવાં જોઈએ, જે માટેનાં ખાસ કારણો પણ છે. એ કારણોની સાથે આપણે કૉસ્ચ્યુમ્સની પણ વાત કરતા જઈએ, પણ એ કરતાં પહેલાં આપણે વાત કરીએ રાસ દરમ્યાન રાખવામાં આવતા દાંડિયાની. ખેલૈયાઓના હાથમાં જે દાંડિયા હોય છે એમાં હવે અનેક પ્રકારની ડિઝાઇનો આવી છે તો એમાં બેરિંગ પણ ફિટ કરવામાં આવવા માંડ્યાં છે, જેને લીધે રાસ દરમ્યાન દાંડિયાને સુદર્શન ચક્રની જેમ ગોળ-ગોળ ફેરવી શકાય. જોકે એ પહેલાંના સમયમાં તો ખેલૈયાઓની જ કરામત હતી કે પોતાની આંગળીના જોરે તેઓ દાંડિયાને હવામાં ફેરવે. અમે તો અંતરિયાળ ગામડાંઓમાં અમુક રાસ એવા જોયા છે જેમાં દાંડિયાને બેથી ત્રણ-ચાર ફુટ જેટલા હવામાં ઉછાળવામાં આવે અને ચાલુ રાસે જ એ દાંડિયાને ફરીથી ઝીલીને સ્ટેપ્સ આગળ વધારવામાં આવે. તમે એ જુઓ તો તમારી આંખો પહોળી થઈ જાય. તમને એમ જ થાય કે આ ગૉડ્સ ગિફ્ટ છે, પણ સાવ એવું નથી. નિયમિત પ્રૅક્ટિસના આધારે એ કામ થઈ શકે, પણ એમાં ખંતપૂર્વક નિયમિત પ્રૅક્ટિસ કરવી પડે તો સાથોસાથ એમાં તમારી પોતાની રાસની મંડળી હોવી જોઈએ જેની સાથે તમે એ સ્ટેપ્સ કરી શકો. જો તમારી સાથે રમનારા ખેલૈયાઓ જુદા હોય તો ચોક્કસપણે આગળ-પાછળના ખેલૈયાઓનાં સ્ટેપ્સનું કૅલ્ક્યુલેશન યોગ્ય રીતે ન થાય તો દાંડિયો ઉછાળ્યા પછી એને પકડવો મુશ્કેલ થઈ જાય.
દાંડિયારાસમાં આજકાલ તો લોકો માત્ર પોતાની સાથે દાંડિયા લઈને આવે છે, પણ ભાગ્યે જે બે દાંડિયા અથડાવતા હશે. એવું નથી કે દાંડિયા હાથમાં હોય એટલે એ લઈને હવામાં જ એ ફેરવ્યા કરવાના. ના, જરા પણ નહીં. તમારે દાંડિયાનો ઉપયોગ દાંડિયા તરીકે પણ કરતા રહેવાનો હોય અને દાંડિયા અથડાય એનો સૂર પણ હવામાં વહેવો જોઈએ. પાંચ સ્ટેપ હોય તો એમાંથી બે વખત તો દાંડિયા અથડાવા જ જોઈએ અને એ જ દાંડિયારાસ રમવાની સાચી રીત છે. તાળીમાં પણ એવું છે. છેલ્લાં થોડાં વર્ષોથી અમે જોતા આવીએ છીએ કે નવરાત્રિ દરમ્યાન હવે તાળીરાસ માત્ર નામપૂરતો જ રહ્યો છે. બે હાથે તાળી પડતી જ નથી. પહેલાંના સમયમાં તો તાળીનો એ જે અવાજ આવતો એ સંગીતનો એક સૂર ગણાતો અને તાળી પડે ત્યારે વાગતા મ્યુઝિકને એ રીતસર ઓવરલેપ કરતો, પણ હવે એવું નથી થતું. ગઈ નવરાત્રિની જ વાત કરીએ તો નવરાત્રિમાં છોકરીઓ બે હાથે તાળી પાડવાની રીતસર સ્ટાઇલ કરતી જ તમને દેખાય. બે હાથની હથેળી માત્ર સ્પર્શ થાય, પણ કહ્યું એમ તાળીરાસમાં એવું ન હોય.
ADVERTISEMENT
કાઠિયાવાડનાં ગામડાંઓમાં થતા તાળીરાસ પછી તમે છોકરીઓની હથેળીને ટચ કરો તો રીતસર ખબર પડે કે એ હથેળી ગરમ થઈ ગઈ છે. એવી તાકાત સાથે તાળીઓ પાડવામાં આવતી. જોકે આજે તો જાણે કે કોઈ અજાણ્યાના હાથને અડવાનું હોય એ રીતે બે હથેળી ટચ કરવામાં આવે છે. અમને લાગે છે કે તાળી વગાડવાની કે પછી દાંડિયા અથડાવવાની જે રીત છે એમાં હવેનાં છોકરા-છોકરીઓને છોછ લાગે છે એટલે કદાચ એ લોકો એવું નથી કરતાં અને કાં તો એવું છે કે તેમને શીખવનારાઓને પણ તાળી અને દાંડિયાનો સાચો ઉપયોગ કરતાં નહીં આવડતો હોય. જો એવું હોય તો તમારે આપણા ભાતીગળ ગરબા અને રાસ જોવા માટે ગામડાંઓમાં જવું જોઈએ અને એનો સ્ટડી કરવો જોઈએ. સ્ટડીની સાથોસાથ તમારે એ દિશામાં રિસર્ચ પણ કરવું જોઈએ. અમે એ રિસર્ચ કર્યું છે એટલે ખબર છે કે તાળી અને દાંડિયાની મહત્તા કેવી અને કેટલી છે?
કહે છે કે બે હાથથી પડતી તાળી મનને ચાનક ચડાવવાનું કામ કરે છે તો હવામાં અથડાતા બે દાંડિયાનો સૂર વાતાવરણમાં રહેલા સંગીતને મંડપ નીચે લાવવાનું કામ કરે છે. આજે પણ પોરબંદર અને જૂનાગઢમાં થતા અમુક કોમના દાંડિયારાસ જોવા એ ખરેખર લહાવો કહેવાય છે. પુરુષો વચ્ચે થતા એ દાંડિયારાસમાં બે ખેલૈયાઓ સામસામે દાંડિયા પૂરેપૂરી તાકાત સાથે અથડાવે. એમાં એવી તાકાત હોય કે દરેક રાસદીઠ એકાદ-બે દાંડિયા અચૂક તૂટે જ તૂટે. એટલે જ આહીર ભાઈઓના રાસ શરૂ થતાં પહેલાં એવી સત્તાવાર જાહેરાત થાય કે મંડપની દસ ફુટ નજીક કોઈએ આવવું નહીં.
રાસ દરમ્યાનનાં કૉસ્ચ્યુમ્સ અને અલગ-અલગ કમ્યુનિટીના રાસ વિશે વાત કરીશું હવે આવતા રવિવારે.

