ત્રીસ વર્ષની ડિવૉર્સી યુવતી પોતાની અઢી વર્ષની પુત્રી સાથે પોતાના પિયરમાં રહેતી હતી. આ ત્રીસ વર્ષની યુવતીનું ઓગણીસ વર્ષના યુવાન સાથે ચક્કર ચાલતું હતું
પ્રતીકાત્મક તસવીર
આપણે તાજેરમાં જ મધર્સ ડે ઊજવ્યો. માનાં ગુણગાન ગાયાં, માને ગિફ્ટ આપી, મા સાથે લંચ કર્યું, મા સાથે ડિનર કર્યું, કવિ-લેખકોએ માતા વિશે કવિતા-લેખ-વાર્તા લખ્યાં, માની મહાનતાનાં ઉદાહરણ પ્રસ્તુત કર્યાં. ખરેખર જ માતા મહાન છે, પરંતુ આ વાતનો છેદ ઉડાડતા સમાચાર મંગળવારના અખબારમાં વાંચ્યા ત્યારથી હું અપસેટ છું.
રોજ સવારે સૌથી પહેલાં ઊઠીને કૉફી સાથે અખબાર વાંચવાની ટેવ છે મને, ગયા મંગળવારે ‘મિડ-ડે’ લઈને વાંચતી હતી અને ત્રીજા પાને સમાચારનું મથાળું વાંચ્યું, ‘અઢી વર્ષની બાળકી માટે તેની માતા જ બની જલ્લાદ.’ આ સમાચાર વાંચીને મારી આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી, પછી તો ડૂસકાં ભરીને રડી. હાથપગ જોર-જોરથી પછાડ્યા. શું કરવું? હું શું કરી શકું? હું કાંઈ ન કરી શકું એ બેબસી મને પીડતી હતી. સમાચાર મેં વાંચ્યા એમ કદાચ તમે સૌએ વાંચ્યા હશે. ત્રીસ વર્ષની ડિવૉર્સી યુવતી પોતાની અઢી વર્ષની પુત્રી સાથે પોતાના પિયરમાં રહેતી હતી. આ ત્રીસ વર્ષની યુવતીનું ઓગણીસ વર્ષના યુવાન સાથે ચક્કર ચાલતું હતું. એક દિવસ યુવતીની મા બહાર ગઈ હતી ત્યારે આ યુવતીએ પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યો. બન્નેએ જાતીય સંબંધ બાંધ્યા. આ દરમિયન યુવતીની અઢી વર્ષની બાળકી જાગી ગઈ અને રડવા લાગી. પેલા યુવકે આ નાની છોકરી સાથે સંબંધ બાંધવાની ઇચ્છા વ્યક્ત કરી અને પેલી ડાકણ બાઈએ એમ કરવાની પરવાનગી પોતાના પ્રેમીને આપી. પેલા યુવકે બાળકી પર રેપ કર્યો. બાળકી ચીસાચીસ કરતી હતી, પણ પેલી રાક્ષસી જોતી રહી, બેઠી રહી. પોતાની દીકરી પર અત્યાચાર થતો જોઈને પણ તેના પેટનું પાણી હલ્યું નહીં. બાળકી ચીસાચીસ કરતી હતી એટલે પેલા યુવકે તેનું મોઢું જોરથી દબાવી રાખ્યું. બાળકી મૃત્યુ પામી પછી પેલી પિશાચિણી તેને હૉસ્પિટલ લઈ ગઈ અને બાળકી એકાએક બેભાન થઈ ગઈ એમ કહ્યું, પણ ડૉક્ટરે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગ પર જાતીય હુમલો થવાની જાણ થઈ અને આખો મામલો પ્રકાશમાં આવ્યો.
ADVERTISEMENT
હું હજી પણ આ વાત ભૂલી શકી નથી. મને એ જ સમજમાં નથી આવતું કે એક મા આવું કેવી રીતે કરી શકે? મા તો શું, કોઈ સ્ત્રી આવું ન કરી શકે. શું એ યુવતીમાં માનું દિલ નહીં હોય? દીકરીની ચીસાચીસથી પણ તેનો અંતરાત્મા કાંપ્યો નહીં હોય? શું આ કળિયુગની દેન છે? મને તો થાય છે કે એ યુવતી જ્યાં હોય ત્યાં જઈને તેને ધડાધડ લાફા મારી દઉં. જે કોઈ આ યુવતીનો કેસ હૅન્ડલ કરે તેને એટલું જ કહેવાનું કે આ રાક્ષસીને કડકમાં કડક સજા કરજો. સજા કરતાં પહેલાં તેને સમજાવજો કે તેં કેટલું ભયંકર કૃત્ય કર્યું છે. આપણા પરિવારમાં નાની બાળકીને જરીક તાવ આવે તો પણ આપણાથી જોવાતું નથી, જ્યારે પોતાની બાળકી સાથે ભયંકર કૃત્ય થતું જોઈને પણ બાઈએ ફક્ત જોયા કર્યું. આવી બાઈ મા હોઈ શકે? મા આવી હોય?
-નીલા સંઘવી


