શાસ્ત્રોમાં અમુક સલાહ કે વસ્તુ ક્યારેય ફ્રીમાં ન લેવા વિશે કહેવામાં આવ્યું છે અને સ્પષ્ટતા પણ કરી છે કે ફ્રીમાં લીધેલી એ સલાહ કે વસ્તુ તમને અસરકારક બને એ માટે પ્રયાસ કરવો કે કોઈ ને કોઈ પ્રકારે વળતર ચૂકવી દેવું

પ્રતીકાત્મક તસવીર
સામાન્ય રીતે એવું બને કે ઓળખાણ હોય, સંબંધ હોય કે પછી લાગણીના વ્યવહાર હોય એટલે વ્યક્તિ સલાહથી માંડીને અમુક ચીજવસ્તુઓ વિનાસંકોચ લેવાનું કાર્ય કરી લેતી હોય છે, પણ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચોક્કસ પ્રકારની સલાહ અને ચોક્કસ પ્રકારની ચીજવસ્તુઓ ક્યારેય કોઈ પાસેથી મફત ન લેવી. લેવામાં આવેલી એ સલાહ કે વસ્તુ જો ફ્રી લીધી હોય તો એની અસરકારકતા ઘટી જાય છે. એવું ન બને એ માટે શક્ય હોય ત્યાં સુધી અહીં દર્શાવી છે એ વિષય પરની સલાહ કે વસ્તુ લીધા પછી કોઈ ને કોઈ પ્રકારે વળતર ચૂકવી દેવું.
ગોચર-અગોચર વિશ્વની સલાહ
જ્યોતિષ, વાસ્તુ, ફેંગશુઈ હોય કે પછી ટેરો કાર્ડ કે પછી એ પ્રકારના ગોચર-અગોચર વિશ્વની એક પણ પ્રકારની સલાહ ક્યારેય નિઃશુલ્ક લેવી નહીં. ધારો કે કાયમી સંબંધ હોય કે પછી અંગત વ્યક્તિ હોય અને એકાદ વખત એ પ્રકારની સલાહ લઈ લીધી હોય તો સમજી શકાય, પણ જો તમે સામેથી ફોન કરીને કે પછી મળવા જઈને એ પ્રકારની સલાહ માગી હોય તો એ સલાહનું વળતર કોઈ પણ હિસાબે ચૂકવવું જ. ધારો કે રોકડમાં એ ચૂકવી ન શકાય તો બહેતર છે કે જતી વખતે તમે કોઈ ગિફ્ટ કે સ્વીટ્સ લઈને જાઓ અને હિસાબ સરભર કરવાનો નમ્ર પ્રયાસ કરો. જો ફોન પર સલાહ લીધી હોય તો શૂકન પૂરતી રકમ ચૂકવીને પણ પ્રયાસ કરો કે એ સલાહ નિઃશુલ્ક ન હોય.
ધર્મને લગતી કોઈ પણ ચીજવસ્તુ
ઘણી વખત કોઈના ઘરે અગરબત્તી, ધૂપ કે પછી એવી કોઈ દેવીસ્થાનમાં રાખવાની વસ્તુની સુગંધ પસંદ આવી જાય અને આપણે તેમની પાસેથી એ મગાવી લેતા હોઈએ છીએ અને કાં તો તેના ઘરેથી એ લઈ આવીએ છીએ, પણ એવું કરવું નહીં. પ્રયાસ કરવો કે તમે જે ચીજ લો છો એનું આર્થિક વળતર તરત જ ચૂકવી દો. જો એ પૈસા લેવા રાજી ન હોય તો તેમને પણ સમજાવો કે આ ઉધારીની ખુશી ઈશ્વર મંજૂર નહીં કરે.
માત્ર અગરબત્તી કે ધૂપ પૂરતી જ આ વાત લાગુ નથી પડતી. યાત્રાએ જતી કોઈ વ્યક્તિ પાસેથી મગાવેલી મૂર્તિ કે ફોટોનું પણ મૂલ્ય ચૂકવવું જોઈએ. આપણે ત્યાં પ્રસાદ મહત્તમ લોકોને આપવાની પરંપરા છે, પણ એ પરંપરાને એ જ રૂપમાં સ્વીકારવાને બદલે જ્યારે પણ પ્રસાદ મળે ત્યારે એ આપનારના હાથમાં શૂકન મૂકવું જોઈએ. એ સ્વીકારવા માટે સામેની વ્યક્તિ રાજી ન હોય તો એ પૈસા ધર્માદામાં વાપરવા જોઈએ.
ખટાશ તો ભૂલથી પણ નહીં
હજી પણ અનેક પરિવાર એવા છે જે કોઈએ લાવેલું નિમક સ્વીકારતું નથી, પણ હકીકતમાં આ વાત ખારાશ પૂરતી સીમિત નહોતી, ખટાશ માટે પણ એવું જ કહેવાયું છે કે ક્યારેય કોઈની ખટાશ લેવી નહીં. જોકે લાંબા સમયથી આ વાત વીસરી જવાઈ છે. હવે તો મોટા ભાગના પરિવારો દીકરીને અથાણાં મોકલે છે, પણ એ યોગ્ય નથી અને ધારો કે તમારી પ્રિય વ્યક્તિને ભાવતી ખટાશ તમારા હાથમાં આવી હોય અને તમે એ તેની સાથે શૅર કરીને ખાવા માગતા હો તો તમારે એટલા જ વજનની ગળાશ સામેથી માગી લેવી જોઈએ. એવી જ રીતે, લેનાર વ્યક્તિએ પણ કાળજી રાખવી જોઈએ કે તે ખટાશના બદલામાં તરત જ ઓછામાં ઓછી એટલી જ માત્રાનું ગળપણ તમને આપી દે, જેથી સંબંધોમાં આવનારી આ ખટાશને બૅલૅન્સ મળી જાય.
શાસ્ત્રોમાં આ સંદર્ભની અનેક કથા મોજૂદ છે તો એવા પ્રસંગો પણ ટાંકવામાં આવ્યા છે જેમાં કહેવાયું છે કે ક્યારેય ખટાશ લેવી નહીં અને ધારો કે લીધી હોય તો એના બદલામાં તરત જ ગળપણ ચૂકવીને સંબંધોનું ખાતું સરભર કરી દેવું.