સેવન સિસ્ટર્સ સ્ટેટમાંનું આ રાજ્ય જાતિવાદની આગમાં તો ભડકે બળ્યું જ છે, પણ સાથે મ્યાનમારો અને બંગલાદેશી આદિવાસીઓ દ્વારા થતું અતિક્રમણ પણ એને પજવે છે
ફાઇલ તસવીર
૫૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ૯,૦૦૦ જેટલા લોકો બેઘર થયા છે અને અંદાજે ૧૨,૦૦૦ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ આંકડા કોઈ વરસાદ કે રેલને કારણે સર્જાયેલી તારાજીના નથી, પરંતુ આ આંકડા છે ભારતના જ એક રાજ્યમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા અને તોફાનોના.
જી હા, વાત થઈ રહી છે ભારતના ઉત્તર-પૂર્વ હિસ્સાની અને રાજ્યનું નામ છે મણિપુર. છેલ્લા બે મહિનાથી આપણે સાંભળી રહ્યા છીએ કે મણિપુરમાં હિંસા ફાટી નીકળી છે, લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે, પ્રશાસન પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં સંપૂર્ણપણે નિષ્ફ્ળ રહી છે વગેરે... વગેરે... ટૂંકમાં, મણિપુર રાજ્ય હમણાં કોઈ રણમેદાનમાં તબદીલ થઈ ચૂક્યું છે અને કેમેય કરીને હિંસાનો આ માહોલ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહ્યો. જોકે આપણા જેવા આ વિસ્તારથી દૂર રહેતા લોકોને છેલ્લા બે મહિનાથી એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે આખરે આ હિંસા ફેલાવાનું કારણ શું છે? અને શા માટે એ કેમેય કરીને બંધ થવાનું નામ નથી લઈ રહી?
ADVERTISEMENT
બે આઇઆરએસ ઑફિસર્સને તેમના ઘરમાંથી બહાર કાઢીને મારી નાખવામાં આવ્યા. એટલું જ નહીં, વર્લ્ડ ચૅમ્પિયન મૅરી કૉમે પણ વડા પ્રધાન પાસે મદદ માગી છે અને આ ઇશ્યુમાં ઇન્ટરફિયર કરવાની અપીલ કરી. તો એવું તે શું બન્યું મણિપુરમાં કે આટલી જલદ પ્રતિક્રિયાઓ આવી રહી છે? આવો થોડી વિગતે વાતો કરીએ.
મણિપુરમાં મુખ્યત્વે ત્રણ જાતિના લોકો રહે છે : હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી. જોકે હિન્દુઓમાં લગભગ ૫૮ પેટા-જાતિઓ આ પ્રદેશમાં રહે છે જેમને તમે ત્યાંની આદિવાસી જાતિ કે આદિવાસી પ્રજા તરીકે ગણાવી શકો. એમાં નાગા, કુકી જેવી આદિવાસી પ્રજા રહે છે. એમાં પણ મૈટી જાતિના લોકો મુખ્ય છે, જે આખા મણિપુરમાં લગભગ ૫૦ ટકા કરતાંય વધુ છે. હવે જો તમે નાગા અને કુકી જાતિના લોકોને ભેગા કરો તો મણિપુરની લગભગ ૪૦ ટકા વસ્તી આ બે જાતિના લોકોની છે.
હવે વાત કંઈક એવી બની કે કેન્દ્ર સરકારે SC અને ST જાતિના લોકોની યાદીના અપડેટેશન માટે દરેક રાજ્ય સરકાર પાસે જાતિ અનુસાર આંકડા મગાવ્યા હતા. એના સંદર્ભમાં મણિપુરની હાઈ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને એવો નિર્દેશ કરવામાં આવ્યો કે મૈટી જાતિના લોકોને ST (શેડ્યુલ ટ્રાઇબ) કમ્યુનિટીમાં સામેલ કરવામાં આવે. હવે મૈટી કમ્યુનિટીનું એમ કહેવું છે કે મણિપુરમાં બંગલા દેશ અને મ્યાનમાર બંને દેશોમાંથી ઇમિગ્રન્ટ લોકો આવે છે અને રાજ્યમાં જ વસી જાય છે. બહારથી આવેલા આ લોકો મૈટી કમ્યુનિટીના લોકોની જમીન અને નોકરીઓ બંને હડપ કરી લે છે, જેને કારણે એ ડર છે કે સમયાંતરે મણિપુરનો આખો ડેમોગ્રાફ બદલાઈ જશે. એને કારણે આજે જે મૈટી કમ્યુનિટી ૫૦ ટકા કરતાં વધુ છે એ ધીરે-ધીરે ઓછી થઈ જશે અને માઇનોરિટીમાં આવી જશે. આથી જો તેમને રિઝર્વેશન મળશે તો નોકરી, એજ્યુકેશન વગેરે બેઝિક ચીજવસ્તુઓમાં તેમને થોડી મદદ મળશે.
તો શું ખરેખર ઇશ્યુ માત્ર આ જ છે? જવાબ છે ‘ના’. કેમ? તો સૌથી પહેલાં એક નાનો ઘટનાક્રમ જાણીએ. ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં ચુરાચંદપુર સહિત બીજા બે જિલ્લાઓના કેટલાક જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામ અને હડપ કરી લીધેલી જમીન પરથી રાજ્ય સરકારે દબાણો હટાવવાની શરૂઆત કરી. ત્યાર બાદ ૧૧ એપ્રિલે ત્રણ ચર્ચનું બાંધકામ ગેરકાયદે હોવાથી એને તોડી પાડવામાં આવ્યું અને ૨૦ એપ્રિલે મણિપુર હાઈ કોર્ટે મૈટી કમ્યુનિટીને ST કૅટેગરીમાં સામેલ કરવા માટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો. હવે આ ત્રણ ઘટનાઓથી કુકી અને નાગા કમ્યુનિટીના લોકો ખૂબ નારાજ થયા. હવે ૨૮ એપ્રિલે મણિપુરના મુખ્ય પ્રધાન ચુરાચંદ જિલ્લામાં એક ઓપન ફૉર ઑલ જિમનું ઉદઘાટન કરવા માટે આવવાના હતા, પણ વિરોધકર્તા લોકોએ બરાબર એક દિવસ પહેલાં એટલે કે ૨૭ એપ્રિલે આ જિમને આગ ચાંપી દીધી. ત્યાર બાદ એ જ ધારા ૧૪૪ લાગુ કરવામાં આવી. આઠ રાજ્યોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ત્રીજી મેના રોજ ઑલ સ્ટુડન્ટ્સ ટ્રાઇબલ ગ્રુપના સભ્યોએ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધું. શા માટે? તેમનું કહેવું હતું કે મૈટી જાતિના લોકોને ST કૅટેગરીમાં રિઝર્વેશન ન મળવું જોઈએ. અંદાજે ૬૦,૦૦૦ લોકો આ રૅલીમાં સામેલ થયા અને અચાનક ક્યાંકથી એવી અફવા શરૂ થઈ કે મૈટી જાતિના લોકોએ બાજુના ગામમાં નાગા અને કુકી જાતિના લોકોની પ્રૉપર્ટીને આગ ચાંપી દીધી. બસ, ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્યાર બાદ એક પછી એક મૈટી જાતિના લોકોની પ્રૉપર્ટી, ઘર વગેરે અને સરકારી અસ્કયામતોને પણ નુકસાન કરવાનું અને આગ લગાડવાનું શરૂ કરી દીધું. બસ, ત્યારથી હિંસા, દેખાવો અને વિરોધ એટલાં વકર્યાં કે રાજ્ય સરકારે આર્મીની મદદ માગવી પડી. શૂટ ઍટ સાઇટના પણ ઑર્ડર્સ આપવા પડ્યા.
આખરે થયું છે શું?
આ હતો ઘટનાક્રમ. હવે એની પાછળનાં કેટલાંક સાચાં અને મીડિયામાં નહીં કહેવાયેલાં કારણો જાણીએ. ભારત આઝાદ થયું ૧૯૪૭માં અને મણિપુર ભારતનો અભિન્ન હિસ્સો બન્યું ૧૯૪૯ની સાલમાં. હવે જ્યારે ભારત સાથે જોડાણ થયું ત્યારે મૈટી જાતિના લોકોને ST કૅટેગરીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. તો પછી હમણાં આ શા માટે? એ માટે આપણે એક પ્રોસેસ સમજવાની જરૂર પડશે. વાત કંઈક એવી છે કે શેડ્યુલ કાસ્ટ કમિટી ઑફ મણિપુરે ૨૦૧૨ની સાલમાં કોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી, જેમાં મૈટી કમ્યુનિટીને ST કૅટેગરીમાં સામેલ કરવા માટેની અરજી કરવામાં આવી હતી. હવે આપણા દેશમાં કોઈ પણ કમ્યુનિટીને શેડ્યુલ કાસ્ટમાં સામેલ કરવા માટેની એક નિર્ધારિત પ્રોસેસ છે. ૧૯૯૯ની સાલમાં આ પ્રક્રિયા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. સૌથી પહેલાં રાજ્ય સરકાર કેન્દ્રની ટ્રાઇબલ અફેર મિનિસ્ટ્રી અને ઑફિસ ઑફ ધ રજિસ્ટ્રાર જનરલને એક આવેદન મોકલે છે. ત્યાર બાદ જો ઑફિસ ઑફ રજિસ્ટ્રાર જનરલને આ આવેદન યોગ્ય લાગે તો તે આવેદન અપ્રૂવ કરીને એ નૅશનલ કમિશન ઑફ શેડ્યુલ ટ્રાઇબને આ પ્રપોઝલ મોકલે છે. ત્યાર બાદ જો નૅશનલ કમિશન આ પ્રપોઝલ અપ્રૂવ કરે તો એ આવેદન કેન્દ્ર સરકાર પાસે પહોંચે છે અને એને આપણા સંવિધાનમાં એક ઉમેરો (સુધારો) કે અમેન્ડમેન્ટ દ્વારા ST કૅટેગરી લિસ્ટમાં ઉમેરવામાં આવે છે. મતલબ કે કોઈ એક કમ્યુનિટીને ST કૅટેગરીમાં સામેલ કરવા માટે આ બધા તબક્કાઓથી પસાર થવું પડે અને ત્યાર બાદ એ ST કૅટેગરી મેળવી શકે.
તો પછી પ્રશ્ન એ થાય કે જ્યારે મણિપુર કોર્ટે રાજ્ય સરકારને મૈટી કમ્યુનિટી માટે નિર્દેશ આપ્યો ત્યારે આ પ્રોસેસમાં મૈટી કમ્યુનિટી કયા સ્ટેજ પર હતી? તો જવાબ છે કે પહેલા સ્ટેજ પર પણ નહોતી પહોંચી. મતલબ કે કોર્ટે માત્ર રાજ્ય સરકારને સૂચન કર્યું હતું કે મૈટી કમ્યુનિટીને સામેલ કરવામાં આવે અને એ પણ ૨૦૧૨માં ફાઇલ થયેલી પિટિશનના સંદર્ભમાં. મતલબ કે જેમને આ સામે વાંધો હોય એ નિઃશંક કોર્ટમાં જઈ શકે, સુપ્રીમ કોર્ટ સુધી લડી શકે. એમાં આમ રસ્તા પર ઊતરી આવીને વિરોધ કરવાની જરૂર જ ક્યાં હતી? પણ વાસ્તવમાં મામલો કંઈક ઑર જ છે. મણિપુર માટે કંઈક એવી બીના છે કે ‘દુખે પેટમાં અને ફૂટે માથું!’
વાસ્તવિકતા એ નથી જે દેખાય છે.
આપણા હાલના અને મણિપુર રાજ્યના કાયદા અનુસાર મૈટી જાતિના લોકો રાજ્યના પહાડી વિસ્તારોમાં જમીન ખરીદી નહીં શકે, કારણ કે એ જમીન માત્ર આદિવાસીઓ માટે રિઝર્વ હોય છે. હવે મૈટી લોકો કહે છે કે મણિપુરમાં કુકી જાતિના લોકો ખૂબ ઝડપથી વધી રહ્યા છે જે સામાન્ય રીતે શક્ય નથી. અર્થાત્ તેઓ ક્યાંક બહારથી આવી રહ્યા છે અને પોતાને કુકી જાતિના ગણાવીને મણિપુરમાં વસી રહ્યા છે. મતલબ કે મ્યાનમારથી. બહારથી આવેલા આ લોકો મણિપુરના જંગલ વિસ્તારમાં ગેરકાયદે પોતાનો વસવાટ જમાવે છે અને પછી ત્યાં જ વસી જાય છે. આ માટે ઘણી વાર ‘સેવ મૈટી’ નામથી નાની-મોટી ચળવળો અને વિરોધ-પ્રદર્શનો પણ થતાં રહ્યાં છે.
હવે આ અવગણાઈ રહેલી મુશ્કેલીને કારણે બે મોટી સમસ્યા ઊભી થઈ રહી છે જેના તરફ ક્યાં તો કોઈનું ધ્યાન નથી અથવા છે તો એની ઇરાદાપૂર્વક અવગણના થઈ રહી છે. પહેલું કારણ, બહારથી આવીને જંગલ વિસ્તારોમાં વસી જતા આ વિદેશી મ્યાનમારો કે બંગલાદેશીઓ પોતાને કુકી કે આદિવાસી ગણાવીને ખૂબ સરળતાથી ભારતની નાગરિકતા લઈ લે છે અને ધીમે-ધીમે આખા દેશમાં પગપેસારો કરે છે. બીજી સૌથી મોટી સમસ્યા છે પોપી (અફીણ)ની ખેતીની. આ ગેરકાયદે રહેતા લોકોને કારણે રાજ્યમાં અંધાધૂંધ પોપીની ખેતી વધતી જઈ રહી છે, જેને કારણે મણિપુર ડ્રગ્સના બિઝનેસનું ગેરકાયદે હબ બનતું જઈ રહ્યું છે.
સિક્કાની બીજી બાજુ
મૈટી કમ્યુનિટીને ST સ્ટેટસ શા માટે ન મળવું જોઈએ એ બાબતે બીજી જાતિ (કુકી અને નાગા)ના લોકોનું શું કહેવું છે? તેઓ કહે છે કે મણિપુરમાં મૈટી કમ્યુનિટી આમેય મેજોરિટીમાં છે અને રાજ્ય સરકારમાં ઘણી મોટી કૉન્સ્ટિટ્યુઅન્સી તેમની છે. તો તેમને ST રિઝર્વેશનની શું જરૂર? જો તેમને ST રિઝર્વેશન મળશે તો મૈટી કમ્યુનિટીનું પ્રભુત્વ રાજ્યમાં વધી જશે અને તેમને અન્યાય થશે. વળી મૈટી કમ્યુનિટી પહેલેથી જ OBC કૅટેગરીમાં સામેલ કરવામાં આવી છે તો પછી તેમને ST કૅટેગરીની જરૂર શું કામ પડવી જોઈએ?
વળી તેમનું કહેવું છે કે મૈટી કમ્યુનિટી તેમને ડિસ્ક્રિમિનેટ કરે છે અને બહારથી આવેલા લોકો ગણાવીને ખૂબ અન્યાય કરે છે. રિવાજો, પરંપરા અને માન્યતાઓ ભિન્ન હોવાને કારણે તેઓ અમને અન્યાય કરે છે. હવે જો મૈટી જાતિના લોકોને ST કૅટેગરીમાં સામેલ કરવામાં આવ્યા તો તેમનું પ્રભુત્વ હજી વધશે અને પહાડી વિસ્તારોમાં પણ તેઓ પોતાનો હક-દાવો શરૂ કરવા માંડશે, જમીનો ખરીદવા માંડશે અને નાગા અને કુકી જાતિના લોકોને પહાડો પરથી પણ કાઢી મૂકવામાં આવશે.
ભૌગોલિક પરિસ્થિતિ મહત્ત્વની
ભારતને રોડ ટ્રાન્સપોર્ટની દૃષ્ટિએ પણ આ વિસ્તાર ડેવલપ કરવામાં અનેક મુશ્કેલીઓ ભૌગોલિક પરિસ્થિતિને કારણે નડતી રહે છે. ૧૯૭૧ની પાકિસ્તાન સાથેની લડાઈમાં પણ પાકિસ્તાને આ વિસ્તારને ભારતથી અલગ કરી લેવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. હવે આવી પરિસ્થિતિમાં ભારતનો આ ઉત્તર-પૂર્વી હિસ્સો મ્યાનમાર અને બંગલા દેશ જેવા બે દેશોથી ચોતરફથી ઘેરાયેલો હિસ્સો છે.
હમણાં ચાલી રહેલી હિંસાનો ફાયદો ઉઠાવીને પાકિસ્તાને તો ઑલરેડી સોશ્યલ મીડિયા પર એવો પ્રોપેગેન્ડા પણ શરૂ કરી દીધો કે મણિપુર ભારતથી અલગ થવા ઇચ્છે છે. બીજી તરફ હાલ મ્યાનમારમાં સિવિલ વૉર ચાલી રહી છે જેને કારણે અનેક રેફ્યુજી મ્યાનમાર બૉર્ડરથી મણિપુર થઈને ભારતમાં પ્રવેશી રહ્યા છે. પોતાના ગરીબ દેશથી નીકળીને એક અત્યંત ઝડપે વિકાસ પામી રહેલા દેશમાં રહેવા મળતું હોય તો સ્વાભાવિક છે કે નવા જ આવેલા પોતાના ભાઈ-ભાંડુઓ માટે પહેલાં આવી ચૂકેલા લોકોને થોડી-ઘણી ધમાલ કરવામાં ખાસ કોઈ વાંધો નહીં જ હોય. સાથે જ વર્ષોથી મ્યાનમારના રસ્તે રોહિંગ્યા રેફ્યુજીઓ ભારતમાં ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવેશી જ રહ્યા છે જે ભારત માટે એક સિક્યૉરિટી થ્રેટ સમાન છે.
ઉત્તર-પૂર્વનાં રાજ્યોની વર્ષોથી એક ફરિયાદ રહી છે કે ભારત રેફ્યુજીઓને ખૂબ સરળતાથી પોતાનામાં સમાવી લે છે અને પછી તેમની કાળજી કરતું નથી. ૧૯૭૧ની લડાઈ બાદ અસંખ્ય બંગલાદેશીઓ આસામ અને ત્રિપુરામાં આવીને વસી ગયા; પણ તેમની બોલી, ધર્મ અને રહેણીકરણી અલગ હતી. વર્ષો વીતતાં ગયાં અને પરિણામ એ આવ્યું કે રાજ્યની ડેમોગ્રાફી ધીરે-ધીરે બદલાતી ગઈ. તેમની વસ્તી આ રાજ્યોમાં વધતી ગઈ અને લોકલ કમ્યુનિટી જ ધીરે-ધીરે માઇનોરિટીમાં આવી ગઈ.
અને છેલ્લે...
મૈટી, કુકી અને નાગા કમ્યુનિટીની આ બધી જ બબાલો અને ધમાલો પળવાર માટે કોરાણે મૂકીએ તો એ જાણવાની અને સમજવાની જરૂર છે કે ખરેખર વર્ષોથી આ જાતિઓ પહાડી વિસ્તારોમાં અને જંગલમાં જ રહેતી આવી હોય તો મણિપુરમાં વર્ષો થતી રહેલી ધમાલો અને દંગલોમાં તેમની પાસે AK-47 જેવી રાઇફલો ક્યાંથી આવે છે? શા માટે પોપીની ગેરકાયદે ખેતીનું પ્રમાણ આટલી ઝડપથી વધી રહ્યું છે અને શા માટે મણિપુર ગણતરીનાં વર્ષોમાં જ પોપી કલ્ટિવેશન અને ડ્રગ્સના વેપારની બાબતમાં વિશ્વનું હબ બનતું જઈ રહ્યું છે?
સીધા પુછાયેલા પ્રશ્નોના ગર્ભિત જવાબો અનેક છે. રાજકારણ સામે ભીંસાતી સામાન્ય (મૂળ ભારતની) જનતાની વાસ્તવિકતા અલગ છે. મીડિયામાં અને ખાસ કરીને ઇન્ટરનૅશનલ મીડિયામાં દેખાડાતી હકીકતો પાછળની હકીકતો કંઈક ઑર છે.


