આ ગોલ્ડ કાર્ડ ડોનલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા દાખલ કર્યો છે અને અમેરિકાના કાયદામાં ઘડવામાં આવેલા EB-5 પ્રોગ્રામને દૂર કર્યો છે.
ડોનલ્ડ ટ્રમ્પ
બુધવાર, ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ના દિવસે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ૧૯૯૦માં દાખલ કરવામાં આવેલો EB-5 પ્રોગ્રામ, જેની હેઠળ અમુક ડૉલરનું રોકાણ કરતાં રોકાણકાર તેમ જ તેના કુટુંબીજનોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે અને પાંચ-સાત વર્ષ પછી એ રોકાણની રકમ પાછી મળી શકે છે જે હાલમાં ખૂબ જ પ્રચલિત થયેલ છે અને અનેક ભારતીયો જે પ્રોગ્રામ દ્વારા રોકાણ કરીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવાની ઇચ્છા ધરાવે છે, એ પ્રોગ્રામને અચાનક અટકાવીને ટ્રમ્પે ગોલ્ડ કાર્ડનો પ્રોગ્રામ અમલમાં આણ્યો છે.
ગોલ્ડ કાર્ડ હેઠળ જે કોઈ પરદેશી અમેરિકાની સરકારને પચાસ લાખ ડૉલર એટલે કે લગભગ ૪૩.૫૪ કરોડ રૂપિયા આપી દે એ પરદેશીને અમેરિકાનું નાગરિકત્વ આપવામાં આવશે એવી ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે.
ADVERTISEMENT
ડોનલ્ડ ટ્રમ્પે ૨૦ જાન્યુઆરીથી જેવું અમેરિકાનું પ્રેસિડન્ટ પદ બીજી વાર ધારણ કર્યું છે ત્યારથી તેમણે અમેરિકન સ્વપ્ન સેવતા વિશ્વના લોકોમાં હાહાકાર મચાવી દીધો છે. સૌપ્રથમ તેમણે ૨૦ જાન્યુઆરીના રોજ બર્થ સિટિઝનશિપ ન આપવી એવો એક્ઝિક્યુટિવ ઑર્ડર બહાર પાડ્યો. જે કોઈ પણ બાળક અમેરિકાની ધરતી ઉપર જન્મ લે છે એની માતા કોઈ પણ હોય ફક્ત અમેરિકાની ધરતી ઉપર જ જન્મ લેવાના કારણસર એ બાળકને અમેરિકાની સિટિઝનશિપ પ્રાપ્ત થાય છે. ટ્રમ્પે આ અમેરિકાના બંધારણના ૧૪મા સુધારામાં દાખલ કરવામાં આવેલો વર્ષો જૂનો કાયદો તેમના એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા અટકાવ્યો, પણ અમેરિકાની કોર્ટોએ એના ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. ત્યાર બાદ ટ્રમ્પે અમેરિકામાં વસતા અનેક ઇલ્લીગલ ઇમિગ્રન્ટોને હાથકડી પહેરાવીને તેમના દેશમાં મોકલી આપ્યા. એ પછી તેમણે ઇમિગ્રેશનના કાયદાઓના પાલન માટે જે વાર્ષિક ફન્ડ આપવામાં આવે છે એમાં પાંચગણા જેટલો અધધધ વધારો સૂચવ્યો. અને હવે EB-5 પ્રોગ્રામ અટકાવીને ગોલ્ડ કાર્ડનો પ્રોગ્રામ દાખલ કર્યો છે. હવે ડોનલ્ડ ટ્રમ્પે એવું સૂચવ્યું છે કે અમેરિકાની કંપનીઓ ભારતીય બાહોશ વિદ્યાર્થીઓ માટે પચાસ લાખ ડૉલર અમેરિકાની સરકારને આપીને અમેરિકન સિટિઝનશિપ ખરીદે જેથી એ ભણેલાગણેલા હોશિયાર ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં જ રહે, અમેરિકાની જ કંપનીઓમાં કામ કરે અને તેમના જ્ઞાનનો લાભ અમેરિકાને મળે.
આ ગોલ્ડ કાર્ડ ડોનલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા દાખલ કર્યો છે અને અમેરિકાના કાયદામાં ઘડવામાં આવેલા EB-5 પ્રોગ્રામને દૂર કર્યો છે.
તેમનો એ એક્ઝિક્યુટિવ ઑર્ડર કેટલો યોગ્ય છે અને શું એ એક્ઝિક્યુટિવ ઑર્ડર દ્વારા દાખલ કરવામાં આવેલું ગોલ્ડ કાર્ડ અમેરિકાની કોર્ટ માન્ય રાખશે?

