Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > પ્રેમ એટલે શું?

પ્રેમ એટલે શું?

Published : 13 February, 2022 05:10 PM | IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

આવતી કાલે વૅલેન્ટાઇન્સ ડે છે ત્યારે પ્રેમને બરાબર સમજવાની જરૂર છે. એ ક્યારેય કોઈ એક માટે બંધાયેલો રહે નહીં. બધાને થાય અને બધાને કરીએ એનું નામ જ પ્રેમ

પ્રેમ એટલે શું?

આરંભ હૈ પ્રચંડ

પ્રેમ એટલે શું?


પ્રેમ એટલે શું?
આ સવાલનો જવાબ મને હમણાં મારા એક ફ્રેન્ડે મોકલેલા ગીતમાંથી સાવ જુદી જ રીતે સાંભળવા મળ્યો. પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. ‘મિડ-ડે’ના જ કૉલમનિસ્ટ અને જાણીતા કવિ ડૉ. મુકુલ ચોકસીએ લખેલું આ ગીત મેં પહેલી વાર સાંભળ્યું અને સાચે જ હું એના પ્રેમમાં પડી ગયો. જેટલું સરસ રીતે લખાયેલું અને એનાથી પણ વધારે સરસ રીતે પ્રેમને સમજાવતું આ સૉન્ગ સાંભળ્યા પછી એ સતત મારી અંદર વાગતું રહ્યું છે. જોકે એ વાગતા ગીત વચ્ચે જ મારે તમને પૂછવું છે કે પ્રેમ એટલે શું? 
સાવ સરળ સવાલ છે અને તો પણ આપણે સહેજ કન્ફ્યુઝ થઈ જઈએ કે પ્રેમ એટલે શું? એક છોકરો એક છોકરીને સાચા દિલથી ચાહે એને જ પ્રેમ કહેવાયને? આ જવાબની સાથે જ મનની બાકીની બધી વિન્ડો પણ ખૂલવાની શરૂ થઈ જાય અને જવાબ આવવા માંડે. ગર્લફ્રેન્ડ માટે દરરોજ યાદ રાખીને તેને ગમતી કોઈ પણ ચીજ લઈ આવે એનું નામ પ્રેમ. કોઈ જાતના બંધન વગર છોકરો પોતે જેને ચાહે છે તે છોકરી પર કે પછી છોકરી પોતે જેને ચાહે છે તે છોકરા પર પોતાનું બધું લૂંટાવી દે એનું નામ પ્રેમ અને એમ પણ થાય કે એકબીજાની કાળજી રાખીએ એનું નામ પ્રેમ.
ના, આ જવાબ સાચો નથી. આ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે આપણે ત્યાં પ્રેમનો આ જ અર્થ કરવામાં આવે છે અને આ જ અર્થને સાચો પણ માની લેવામાં આવે છે. આ બધા એવા વિઅર્ડ અર્થ છે કે કદાચ આ અર્થ તો સાચે જ પ્રેમમાં હોય એવાં બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ પણ નહીં કરતાં હોય. જોકે તેમના સિવાયના બધા જ લોકો આ અર્થ કરે છે અને આ જ અર્થને ફૉલો પણ કરે છે. પ્રેમની વાત આવે એટલે બ્રેક-અપની વાત પણ આવે અને બ્રેક-અપની એવી ફાલતુ વાતો આવે કે તમને એમ જ થાય કે આ પ્રેમથી દૂર રહેવામાં માલ છે. પ્રેમમાં દુનિયા કુરબાન કરી દેવી, પ્રેમમાં ફના થઈ જવું, પ્રેમ માટે બધાને છોડી દેવા અને પ્રેમ માટે બધું ભૂલી જવું - આ અને એવી બીજી ઘણી વાતો તમે વાંચી અને સાંભળી હશે, પણ આજે જે પ્રેમની વાત આપણે કરવી છે એ આ કહેવાતા એટલે કે સો કૉલ્ડ પ્રેમ કરતાં સાવ જ જુદી અને અલગ છે. 
પ્રેમનો સાચો અર્થ બહુ વિશાળ છે અને પ્રેમનો અર્થ દરેક વ્યક્તિએ બદલાતો હોય છે એ પણ એટલું જ સાચું છે. પ્રેમ એટલે માત્ર એક છોકરો છોકરીને કરે એ જ નથી કે છોકરી છોકરાને કરે એના પૂરતો મર્યાદિત નથી. પ્રેમ ખરેખર તો આપણા બધા માટે છે અને પ્રેમ વગર આપણી આ દુનિયા અને જીવન શક્ય જ નથી. પ્રેમ વિના આ શ્વાસ શક્ય નથી અને પ્રેમ વિના આપણું ડેવલપમેન્ટ પણ શક્ય નથી. મારું માનવું છે કે પૃથ્વી આપણને જે આપે છે એ પ્રેમ છે અને જે ઑક્સિજન આપણે શ્વાસમાં ભરીએ છીએ એ કુદરતનો પ્રેમ છે. ભૂલ થાય ત્યારે મમ્મી-પપ્પા આપણને જે ઠપકો આપે છે એ પ્રેમ છે અને નાનો ભાઈ મોટા ભાઈને પૂછ્યા વિના તેનું શર્ટ પહેરીને નીકળી જાય એ પ્રેમ છે. બહેન સામે મોઢું ચડાવીને ફરે એ ભાઈનો પ્રેમ છે અને બહેન ભાઈ માટે મોબાઇલ લઈ આવે એ મોબાઇલ હકીકતમાં પ્રેમ છે. એક ફ્રેન્ડ ખોટું બોલીને કૉલેજમાં પોતાના ફ્રેન્ડની હાજરી પુરાવી લે એ પ્રેમ છે અને મંદિરમાં જઈને ભગવાન સામે આંખ બંધ કરીને ઊભા રહેવું એ પણ પ્રેમ છે.
પ્રેમને કોઈ નામ, આકાર કે સંબંધોનું બંધન આપવાની જરૂર નથી. પ્રેમ નિરંતર છે અને પ્રેમ નિ:સ્વાર્થ છે. પ્રેમ એવી ફીલિંગ છે જેનો અનુભવ વરસતા વરસાદમાં પલળવામાં આવે છે. વરસતો વરસાદ પણ પ્રેમ છે અને વરસાદ આવવાની સાથે બહાર દેખાવા માંડતા દેડકા પણ પ્રેમ છે. જુહુ ચોપાટી પર આવતી હાઈ ટાઇડ પણ પ્રેમ છે અને પાણી જોઈને પાગલ થતું મન પણ પ્રેમનો જ એક પ્રકાર છે. જાતિવાદને કારણે પ્રેમને બાંધી દેવાનું કામ થયું, જે આપણી સોસાયટીનું સૌથી ખરાબ દર્શન છે. એ સાચું જ છે. આજે પણ આવું માનનારાઓ છે જેઓ પ્રેમની આજુબાજુમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ અને રૂપ સાથે બાંધી દેવાનું કામ કરે છે. જોકે હું કહીશ કે પ્રેમ કંઈ જોતો નથી અને એ જે જોવાતું નથી એ પ્રેમ છે. રાતે અઢી વાગ્યે બેડરૂમની બંધ લાઇટમાં, મોબાઇલની લાઇટમાં ફિલ્મ જોવી એ ફિલ્મો માટેનો પ્રેમ છે અને આ રીતે ફિલ્મ જોતા પકડાઈ જઈએ એટલે મમ્મી ખીજાય એ ખીજમાં પણ પ્રેમ છે. રાતે મોડે સુધી જાગવું પણ પ્રેમ છે અને જાગ્યા પછી સવારે પપ્પાની કચકચ સાંભળવી એ પપ્પાનો પ્રેમ છે. 
હું જૈન છું. એમ છતાં મને શંકર અને કૃષ્ણનું આકર્ષણ રહ્યું છે. આ આકર્ષણ પ્રેમ છે અને અર્જુનને કૃષ્ણ પ્રત્યે જે આદર હતો એ આદર પણ પ્રેમ છે તો મહાભારતના પેલા ચીરહરણ વખતે કૃષ્ણએ દ્રોપદીનાં જે ચીર પૂર્યાં એ પ્રેમ જ હતો. સતત તમારી સામે સ્માઇલ કરીને તમને દિલથી આશીર્વાદ આપે એ માના આશીર્વાદ પ્રેમ જ છે અને હંમેશાં ખિજાયેલા રહેતા અને તોબરો ચડેલો હોય એવા ફેસ સાથે રહેતા પણ છતાંય રાતના તમે ઘરે આવો નહીં ત્યાં સુધી જાગતા રહેતા પપ્પાનો એ ઉજાગરો પણ પ્રેમ જ છે. બહેન સાથે ઝઘડો થયા પછી પણ જમવાનું પીરસી દેતી બહેનના એ પીરસવામાં પણ પ્રેમ છે અને વરસાદ ચાલુ થઈ જાય એટલે તરત જ દીકરાને ફોન કરીને તે ક્યાં છે એ જાણી લેવાની તાલાવેલીમાં પણ પ્રેમ જ છે. પ્રેમ એક ઉમદા અને ઉત્કૃષ્ટ લાગણી છે અને આપણે એ લાગણીનાં સાવ ખોટાં ઉદાહરણો ઊભાં કરી દીધાં છે. એ ખોટાં ઉદાહરણોને કારણે થયું છે એવું કે આપણે પ્રેમની ખોટી વ્યાખ્યાને જ સાચી માનવા માંડ્યા છીએ અને પ્રેમ એટલે ઑપોઝિટ અટ્રૅક્શન એવું ધારીને બેસી રહીએ છીએ. જોકે એ ખોટું છે. હકીકત તો એ છે કે પ્રેમની વ્યાખ્યા જ ન થઈ શકે, કારણ કે એ દરેક વ્યક્તિએ બદલાય છે અને એનો અનુભવ પણ બદલાય છે. ગયા વર્ષે કોરોનાને કારણે આપણે બહુબધા સ્વજનો ગુમાવ્યા અને તેમની અંતિમ વિધિમાં પણ જઈ ન શક્યા અને ઘરમાં ચોધાર આંસુએ રડતા રહ્યા એ પ્રેમ હતો અને આજે પણ આપણા એ સ્વજનના ફોટો સામે જોઈએ ત્યારે આંખ ભીની થઈ જાય છે એ પ્રેમ છે. સ્વજનની સાથે જ કોરોના પર ગુસ્સો આવી જાય એ ગુસ્સો પણ પ્રેમ છે અને કોરોનાને કારણે બીજાએ પણ સ્વજન ગુમાવ્યા છે એ યાદ આવતાં ચહેરા પર જે ઉદાસી આવે એ ઉદાસી પણ પ્રેમ છે.
પ્રેમ ક્યારેય કોઈ એકને થઈ શકે નહીં અને પ્રેમ ક્યારેય કોઈ એકના માટે સીમિત રહી ન શકે. પ્રેમ હવા છે, પ્રેમ ઑક્સિજન છે અને આ જ પ્રેમ કાર્બન ડાયોક્સાઇડ પણ છે. જો એ અંદરથી બહાર નહીં આવે તો સંવેદના બનીને બીજા પાસે પહોંચશે નહીં. પ્રેમ સંવેદના છે અને પ્રેમ દૃષ્ટિ છે. તમે ક્યારેય કોઈ એકને જોવાની જીદ રાખી ન શકો અને રાખવી પણ ન જોઈએ. એક છોકરી માટે આખી ફૅમિલીને ઠુકરાવી દેવાનું કામ કરનારો છોકરીના પ્રેમમાં નહીં પણ તેના નશામાં છે એવું હું કહીશ. આ તેની લત છે અને વ્યસન કોઈ સારું નહીં. આવો પ્રેમ ક્યારેય સમજાયો નથી અને મારી પર્સનલ વાત કહું તો મારે એ સમજવો પણ નથી. જેમ પ્રેમ કોઈ એકને ન થાય એવી જ રીતે પ્રેમની ક્યારેય કોઈ એક્સપાયરી ડેટ પણ હોતી નથી ને એનો ક્યારેય કોઈ ‘ધી એન્ડ’ પણ આવતો નથી. 
બસ, આપણે એક નિયમ રાખવાનો છે. 
બધાને પ્રેમ કરતા રહીએ અને બધાનો પ્રેમ પામતા રહીએ, કારણ કે પ્રેમ છે તો સૃષ્ટિ છે અને પ્રેમના આધારે જ આ સૃષ્ટિ આજે સદીઓ પછી અકબંધ છે.
આઇ લવ યુ ઑલ.


 ગયા વર્ષે કોરોનાના કારણે આપણે સ્વજનોની અંતિમ વિધિમાં જઈ ન શક્યા અને ઘરમાં ચોધાર આંસુએ રડતા રહ્યા એ પ્રેમ હતો અને આજે પણ આપણા એ સ્વજનના ફોટો સામે જોઈએ ત્યારે આંખ ભીની થઈ જાય છે એ પ્રેમ છે. સ્વજનની સાથે જ કોરોના પર ગુસ્સો આવી જાય એ ગુસ્સો પણ પ્રેમ છે અને કોરોનાને કારણે બીજાએ પણ સ્વજન ગુમાવ્યા છે એ યાદ આવતાં ચહેરા પર જે ઉદાસી આવે એ ઉદાસી પણ પ્રેમ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2022 05:10 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK