થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં જેફ બેઝોસને પૂછવામાં આવ્યું કે ઍમેઝૉનમાં કોઈ ટૉપ પૉઝિશન માટે તમારે કોઈની ભરતી કરવાની હોય તો તમે કઈ ખૂબીને આધારે તેમની પસંદગી કરશો?
પ્રતીકાત્મક તસવીર
જિંદગીના અમુક તબક્કે કેટલાક મોટા, આકરા કે બોલ્ડ નિર્ણયો લેવા જરૂરી હોય છે. અનિર્ણાયક રહેવા કરતાં સમયસર લઈ લીધેલા અયોગ્ય કે ખોટા નિર્ણયો ઓછા હાનિકારક હોય છે. જિંદગીનો કોઈ મોટો નિર્ણય લેતી વખતે આપણને સૌથી વધારે ડર એ વાતનો હોય છે કે આપણે લીધેલો નિર્ણય ભવિષ્યમાં ક્યાંક ખોટો ન પુરવાર થાય. એક સારો નિર્ણય લઈ શકવા (Good decision making) માટે કોઈ ટ્રેઇનિંગ વર્કશૉપ, શિબિર કે ઑનલાઇન ક્લાસિસ તો થતા નથી. તો જિંદગી જ્યારે કોઈ ચાર રસ્તા કે bifurcation પાસે આવીને ઊભી રહે ત્યારે કયો રસ્તો લેવો એ કેમ ખબર પડે? દર વખતે યોગ્ય નિર્ણય લઈ શકવાની બુદ્ધિપ્રતિભા, સમજણ કે અનુભવ ક્યાંથી કાઢવાં?
નિર્ણય લેતી વખતે અનુભવાતી દ્વિધા, મૂંઝવણ કે અસમંજસનો એકમાત્ર ઉપાય એટલે ‘ઇન્ટેલેક્ચુઅલ હ્યુમિલિટી’ (બૌદ્ધિક વિનમ્રતા). શું છે આ બૌદ્ધિક વિનમ્રતા અને એનું મહત્ત્વ શું છે? સરળ ભાષામાં કહીએ તો આપણે લીધેલા નિર્ણયોમાં આપણે ખોટા હોઈ શકીએ છીએ એનો સ્વીકાર અને એ નિર્ણયને બિનજરૂરી ડિફેન્ડ કર્યા વગર એને બદલી શકવાની માનસિક લવચીકતા (ફ્લેક્સિબિલિટી) એટલે બૌદ્ધિક વિનમ્રતા. ભૂતકાળમાં આપણે લીધેલા નિર્ણયો જ્યારે અયોગ્ય સાબિત થાય ત્યારે એને જસ્ટિફાય કે યોગ્ય ઠેરવવાની મથામણ કરવાને બદલે એના અયોગ્ય હોવાનો સ્વીકાર કરવો એ બુદ્ધિશાળી હોવાની નંબર વન નિશાની છે. જેઓ પોતે લીધેલા નિર્ણય વિશે ચોક્કસ, અફર કે ખાતરીપૂર્વકની યોગ્યતા જાળવી રાખે છે તેમનામાં બુદ્ધિનો અભાવ હોય છે. આવું હું નહીં વિજ્ઞાન કહે છે. ‘Only fools are dead sure about everything. Intelligent are full of doubte.’
ADVERTISEMENT
તાજેતરમાં ડ્યુક યુનિવર્સિટી દ્વારા થયેલા એક મનોવૈજ્ઞાનિક અભ્યાસ મુજબ જેમનામાં બૌદ્ધિક વિનમ્રતાનો ગુણ રહેલો હોય છે તેઓ ખરા અર્થમાં બુદ્ધિશાળી હોય છે. એટલું જ નહીં; અન્ય કરતાં તેઓ પ્રગતિશીલ, પ્રભાવશાળી અને તેજસ્વી હોય છે. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં જેફ બેઝોસને પૂછવામાં આવેલું કે ઍમેઝૉન જેવી ટોચની કંપનીમાં કોઈ ટૉપ પૉઝિશન માટે તમારે કોઈની ભરતી કરવાની હોય તો તમે કઈ ખૂબીના આધારે તેમની પસંદગી કરશો? અને બેઝોસે ચોંકાવનારો જવાબ આપતાં કહેલું, ‘જેઓ પોતે લીધેલા નિર્ણયો ખોટા હોવાની કબૂલાત કરી શકે છે.’
હંમેશાં સાચા હોવાનો આગ્રહ રાખવો કે પોતાના નિર્ણયો યોગ્ય ઠેરવતા રહેવાની માનસિકતા પરાજિત કરનારી હોય છે. એ આપણા વિકાસને રૂંધે છે. સ્માર્ટ લોકો સતત સ્વ-તપાસ કે સેલ્ફ-ઇવૅલ્યુએશન કરતા રહે છે. તેઓ પોતાની સમજણ, દૃષ્ટિકોણ કે અભિપ્રાયને અપડેટ કરતા રહે છે. તેઓ ક્યારેય પોતાના મત, વિચાર કે નિર્ણયને જડતાથી પકડી નથી રાખતા. પોતાના કરતાં અલગ, ઑપોઝિટ કે વિરોધાભાસી માન્યતા ધરાવતા લોકોની વાતો જેઓ શાંતિથી સાંભળે છે, એના પર વિચાર કરે છે અને જરૂર પડે તો એના આધારે જેઓ પોતાની સમજણમાં બદલાવ લાવે છે તેઓ બુદ્ધિશાળી ગણાય છે.
હકીકતમાં, પોતે જ કહેલી કોઈ વાત, અભિપ્રાય કે સમજણને થોડા સમય પછી કોઈ વિરોધાભાસી વિચાર સાથે કૉન્ટ્રાડિક્ટ કરી શકવું એ બુદ્ધિશાળી હોવાનું એક સકારાત્મક લક્ષણ છે. એ વિચારોમાં હોય કે અભિપ્રાયોમાં, દલીલોમાં હોય કે દૃષ્ટિકોણમાં; જડતા એટલે મૂર્ખતા, લવચીકતા એટલે બુદ્ધિમત્તા. જેઓ સદાય વિસ્મયની અવસ્થામાં હોય છે તેઓ બુદ્ધિશાળી હોય છે. તેઓ સતત કશુંક શોધતા રહે છે, નવા અભિગમ અપનાવવા માટે તૈયાર રહે છે. એક વાર નિર્ણય લીધા પછી જેઓ મનની બારીઓ બંધ કરી દે છે તેઓ પોતે લીધેલા નિર્ણયોના ગુલામ બની જાય છે અને પોતાના વિચારોની ગુલામી સૌથી ખતરનાક હોય છે. એ બેડીઓમાંથી આપણે આજીવન મુક્ત નથી થઈ શકતા.
અમેરિકન નવલકથાકાર ફ્રાન્સિસ સ્કૉટ ફિટ્ઝગેરાલ્ડનું એક પ્રખ્યાત વિધાન છે : ‘The sign of intelligence is the ability to hold two opposing ideas in mind at the same time.’ બે વિરોધાભાષી માન્યતાઓ કે વિચારોને જેઓ એકસમાન ન્યાય આપી શકે છે તેઓ ખરા અર્થમાં બુદ્ધિજીવી હોય છે. ‘મારા નિર્ણયો ખોટા હતા’ એવું સ્વીકારવા માટે ભલે હિંમત જોઈએ, પણ એવું સમજવા માટે તો બુદ્ધિની જ જરૂર પડે છે. સ્વીકારની પહેલાંનો તબક્કો સમજણ છે. જેઓ નિર્ણયની યોગ્યતા કે અયોગ્યતાને સમજી જ નથી શકતા તેઓ સ્વીકાર ક્યાંથી કરશે?
વિચારો કે દૃષ્ટિકોણમાં સાતત્યતા એ વામણા મગજની નિશાની છે. ભલેને પોતાની હોય, જૂની માન્યતાઓનું ખંડન કરીને પ્રત્યેક ક્ષણે જેઓ નવી સમજણ વિકસાવી શકે છે તેઓ પ્રગતિ કરી શકે છે. ગઈ કાલે જે વૃક્ષને હું જે ઍન્ગલથી નિહાળતો હતો, આજે પણ એ જ ઍન્ગલથી જોતો હોઉં તો એનો અર્થ એટલો જ થાય કે હું સ્થગિત થઈ ગયો છું. એક જ વસ્તુ કે વિષયને જુદા-જુદા દૃષ્ટિકોણથી જોઈ, સમજી કે વિચારી શકવાની ક્ષમતા એટલે વિકાસ અને વિકાસ એ જ લોકો કરી શકે છે જેઓ જિંદગીમાં ખૂબબધી વાર ખોટા પડી શકે છે. અયોગ્ય નિવેદનો અને નિર્ણયોની તત્કાલીન પ્રતીતિ એ બૌદ્ધિક વિકાસનું પ્રમુખ લક્ષણ છે.
હંમેશાં સાચા હોવાનો હઠાગ્રહ આપણને નવી દિશાઓ ખોજવા પ્રત્યે ઉદાસીન બનાવે છે. નવા રસ્તાઓ શોધવા માટે અનેક વાર ભૂલા પડવું જરૂરી છે. તો મહત્ત્વનું એ નથી કે વીતેલાં વર્ષોમાં આપણે લીધેલા નિર્ણયો કેટલા ખોટા હતા! મહત્ત્વનું એ છે કે એ નિર્ણયોની યોગ્યતા તપાસવા કે સુધારવાની સમજણ આપણામાં છે કે નહીં? જો છે તો આપણામાં બૌદ્ધિક વિનમ્રતા છે. આ સંદર્ભમાં પ્રોફેસર પૉલ સેફોનું એક વિધાન મારું પ્રિય છે, ‘strong opinions should be weakly held.’ એ વ્યક્તિ વિશે હોય કે પરિસ્થિતિ વિશે, આકરા અભિપ્રાયો ક્યારેય જડતાથી ન પકડી રાખવા. એને પૂરી નરમાશ અને નમ્રતાથી પકડવા, કોઈ પણ ક્ષણે છોડી દેવાની તૈયારી સાથે.

