સાચો લીડર કોને કહેવાય?
રામાયણ અને મહાભારત જેવાં આખ્યાનો આપણને ફક્ત ધર્મ, સત્ય અને કર્મની રાહ જ નથી દાખવતાં પરંતુ લીડરશિપ ક્વૉલિટીઝ પણ શીખવે છે.
રામ અને કૃષ્ણ આપણી પૌરાણિક કથાનાં એવાં પાત્રો છે જેમની પાસેથી જેટલું શીખીએ એટલું ઓછું છે. એક બાજુ તેમના જીવનમાંથી આપણને ધર્મ, સત્ય અને કર્મનું માર્ગદર્શન મળે છે ત્યાં જ બીજી બાજુ તેમની યુદ્ધનીતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો એક સાચો નેતા કેવો હોવો જોઈએ એની પણ આપણને પ્રતીતિ થાય છે. તમને પણ લીડર થવાની મહત્ત્વાકાંક્ષા હોય તો આ મહામાનવોને એક વાર સમજવાનો પ્રયત્ન ચોક્કસ કરજો.
હાલમાં રામજન્મભૂમિના શિલાન્યાસ પ્રસંગે વડા પ્રધાન મોદીએ હાજરી આપી ત્યારે ફરી એક વાર રામ, તેમની હયાતી, મંદિરની હયાતી વગેરેને સંબોધિત કરતા અસંખ્ય મેસેજો સોશ્યલ મીડિયા પર ફરી વળ્યા. કોઈકમાં રામની કલ્પના તો કોઈમાં ભગવાન તો કોઈમાં મહાપુરુષ વગેરે હોવાના દાવા કરવામાં આવ્યા. ખરે, ધર્મ અને શ્રદ્ધા બન્ને આપસમાં ગાઢ રીતે જોડાયેલાં છે. શ્રદ્ધા વિનાનો ધર્મ અધૂરો છે અને કદાચ ધર્મ વિનાની શ્રદ્ધા પણ અધૂરી જ છે. જવા દો, આપણે એના વિવાદમાં પડવું નથી. આજે આપણે આજની ભયંકર આર્થિક તંગીના દોરમાં ભારતીય પૌરાણિક મહાગાથાઓમાં બે સૌથી મોટાં પાત્રો ભગવાન રામ તથા ભગવાન શ્રીકૃષ્ણ પાસે આપણે શું શીખી શકીએ એની ચર્ચા કરીએ. આજની મૅનેજમેન્ટ સ્કૂલ્સમાં આવા જ લીડર્સના દાખલા અપાતા હોય છે. તેમના નામ સાથે નહીં પરંતુ તેમનામાં રહેલા કેટલાક ગુણો સાથે. તો ચાલો આજે આપણે પણ રામ અને કૃષ્ણ બન્નેની લીડરશિપ ક્વૉલિટીની વાત કરીએ.
પ્રથમ રામની વાત કરીએ. વાનરો તથા રીંછોની એ સેનામાં રામ સૌથી કુશળ યોદ્ધા હતા. તેમનું યુદ્ધ કૌશલ્ય તેમને તેમની આખી સેનાનું સૌથી મહાન વ્યક્તિત્વ બનાવતી હતી. ત્યાં સુધી કે ગીતામાં સ્વયં શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે શસ્ત્રધારીઓમાં હું રામ છું. તેમ છતાં આવા કુશળ યોદ્ધાની સાથે સેના કેવી હતી? જંગલી પશુઓની, જેમનામાં સમજ તો દૂરની વાત છે શિસ્તનો પણ અભાવ હતો. પરંતુ રામે પોતાની લીડરશિપથી આવી અબુધ સેનામાં પણ ધર્મ-અધર્મનો ભેદ કરવાની તથા ધર્મ માટે લડવાની ઇચ્છા જાગૃત કરી. રાવણ આત્મશ્લાઘામાં રહ્યો અને રામ દસ દિવસમાં ત્યારની સૌથી બળવાન સેનાને હરાવી ગયા. એક લીડર તરીકે તેમને ખબર હતી કે રાવણની સેના બાહુબળમાં તેમની સેનાથી ઘણી ચડિયાતી છે. તેથી તેમણે પોતાની સેનાને ઇમોશનલી ચાર્જ કરી, એને લક્ષ્ય આપ્યું, પોતે શસ્ત્ર ધારણ કરી યુદ્ધમાં ઊતર્યા અને વિજયી થવા સુધી પોતાની સેનાનું નેતૃત્વ કરતા રહ્યા.
બીજી બાજુ મહાભારતમાં કૃષ્ણ હતા. મહાભારતના યુદ્ધના સૂત્રધાર. તેઓ પણ રામની જેમ જ એ સમયના સૌથી સફળ યોદ્ધા હતા, પરંતુ તેમને ખબર હતી કે તેમની સેનાને એક સારા યોદ્ધાની નહીં, સારા માર્ગદર્શકની જરૂર છે. રામ પાસે વાનરસેના હતી, પરંતુ કૃષ્ણ પાસે તો એ સમયના શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન તથા ગદાધારી ભીમ જેવા અનેક મહાન યોદ્ધાઓની સેના હતી. તેથી તેમણે યુદ્ધની શરૂઆતમાં જ ઘોષણા કરી દીધી કે હું શસ્ત્ર નહીં ઉઠાવું, હું તો માત્ર સારથિની ભૂમિકા ભજવીશ. કૃષ્ણએ ખરા અર્થમાં સારથિની જેમ ન ફક્ત યુદ્ધમાં અર્જુનના રથની લગામ પોતાના હાથમાં રાખી, પરંતુ તેની લાગણીઓની લગામ પણ પોતાના હાથમાં રાખી પાંડવોને વિજયપથ પર દોરી ગયા. જરૂર પડી ત્યારે ગીતાનો ઉપદેશ આપી અર્જુનના મનમાં ઉદ્ભવેલી ગ્લાનિ દૂર કરી તો સાથે જ અણીના સમયે કર્ણનું બ્રહ્માસ્ત્ર ઘટોત્કચ પર વેડફાવી યુદ્ધના પલડાને પાંડવો તરફ નમાવ્યું પણ ખરું. બધા જ જાણે છે કે તેમના માર્ગદર્શન વિના ભીષ્મ, દ્રોણ તથા કર્ણ જેવા શૂરવીરોથી ભરેલી દુર્યોધનની વિશાળકાય સેનાને હરાવવી પાંડવો માટે આસાન નહોતું.
ઘર હોય કે નોકરીધંધાનું સ્થળ, રોજિંદા જીવનમાં આપણે પણ ઘણી વાર લીડરની ભૂમિકા ભજવવી જ પડતી હોય છે. ક્યારેક ઘરે પતિ, પિતા, પત્ની કે મા બનીને તો ક્યારેક નોકરીધંધાના સ્થળે ઉપરી કે સહયોગી બનીને, પરંતુ મોટા ભાગના આપણે પરિસ્થિતિને આપણા દૃષ્ટિકોણથી જોઈ લોકો પાસે કામ કઢાવવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં ક્યારેક સફળ પણ થવાય અને ક્યારેક નિષ્ફળતાનું કડવું ઝેર પચાવવાનો વારો પણ આવી શકે. પરંતુ એ જ જો આપણે સામેવાળી વ્યક્તિના પેંગડામાં પગ નાખી પરિસ્થિતિને એના દૃષ્ટિકોણથી પણ જોવાનો પ્રયત્ન કરીએ, તેમની નબળાઈ અને સબળાઈનો પૂરતો ક્યાસ કાઢીએ અને ત્યાર બાદ પોતાની વાતની રજૂઆત તેમની ભાષામાં કરીએ તો કદાચ આખું દૃશ્ય જ બદલાઈ જાય.
આપણા જીવનમાં કેટલાક લોકો એવા હોય છે જેમને ફક્ત યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. માત્ર દિશાસૂચન કરો એટલે તેઓ સડસડાટ એ માર્ગ પર આગળ વધી શકવાની લાયકાત ધરાવતા હોય છે. જ્યારે કેટલાક લોકો આપણા જીવનમાં એવા પણ હોય છે જેમનું કામ ફક્ત માર્ગદર્શનથી પૂરું થઈ જતું નથી, તેમને હાથ પકડી આગળ લઈ જવા પડે છે. દા.ત. ઑફિસના અનુભવી મૅનેજરને કૃષ્ણની જેમ માત્ર સૂચનો આપી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય છે, પણ ઘરે આપણો નાનો ભાઈ કે આપણું સંતાન હોય તો રામની જેમ તેને આંગળી પકડી આગળ લઈ જવા પડે છે. પરંતુ કોની પાસે કામ કઢાવવા કેવી રીતે વર્તવું પડશે એનો અંદાજ મેળવવા આપણે એ વ્યક્તિના સ્તર પર જવું પડે છે અને તેની ખામી તથા ખૂબીને સમજવી પડે છે.
સાચો લીડર એ નથી જે એકલો સફળતા જીતી લાવે છે. સાચો લીડર એ છે જે બધાને સાથે લઈ સફળતા સિદ્ધ કરે છે, જે પોતાની સફળતા બધાની સાથે વહેંચી શકે છે, જેની સફળતામાં બધાને પોતાના તરફથી પૂરતો સહયોગ આપ્યો હોવાનો સંતોષ થાય છે. બધાને સાથે લઈ આગળ વધનાર જીવનમાં વારંવાર સફળ થવાની શક્યતા વધારે છે, જ્યારે એકલો આગળ વધનારના નસીબમાં આ સૌભાગ્ય ક્વચિત જ આવે છે. આ દૃષ્ટિએ વિચારીએ તો સમજાય કે લીડર બનવાનો અર્થ ખરેખર બધા પાસેથી કામ કઢાવવું એવો નથી થતો, પરંતુ બધાને સમજવાનો થાય છે. જે લોકોને સમજી શકે છે તે જ તેમની પાસેથી પ્રેમપૂર્વક કામ લઈ શકે છે અન્યથા બળજબરીપૂર્વક માર મારો તો ગધેડો પણ દોડે છે, ઘોડો પણ દોડે છે, હાથી પણ દોડે છે અને માણસ પણ દોડે છે. પરંતુ એ દોડવામાં પ્રેમ કે કામ પ્રત્યેની પ્રીતિ નથી હોતી, માત્ર ભય હોય છે અને ભયભીત સેના ક્યારેય વિજયી બની શકતી નથી.
આમ રામાયણ અને મહાભારત જેવાં આખ્યાનો આપણને ફક્ત ધર્મ, સત્ય અને કર્મની રાહ જ નથી દાખવતાં પરંતુ લીડરશિપ ક્વૉલિટીઝ પણ શીખવે છે. એક સાચા નેતા તરીકે રામ ધર્મ અને કર્તવ્યની મર્યાદા પ્રસ્થાપિત કરે છે. તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ કહે છે, જ્યારે કૃષ્ણ ધર્મની તથા કર્તવ્યની એ મર્યાદાનું રક્ષણ કરે છે અને એ માટે જરૂર હોય ત્યારે સ્વયં શસ્ત્ર ધારણ પણ કરે છે અને જરૂર હોય ત્યારે શસ્ત્રધારીનું માર્ગદર્શન પણ કરે છે. તેથી જ કૃષ્ણને પૂર્ણપુરુષોત્તમની ઉપમા આપવામાં આવી છે. ટૂંકમાં રામ હતા કે નહીં, કૃષ્ણની હયાતી હતી કે નહીં એ બધી ચર્ચામાં પડવા કરતાં જો આપણે તેમના ચરિત્રના આવા ગુણોને અનુસરવાનો પ્રયત્ન કરીએ તો પણ જીવનમાં પ્રગતિ કરવામાં આ બન્ને પાત્રો આપણી મોટી સહાયતા કરી શકે એમ છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

