Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વન્ડરફુલ વૉટરફૉલ્સ

વન્ડરફુલ વૉટરફૉલ્સ

13 September, 2020 07:07 PM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

વન્ડરફુલ વૉટરફૉલ્સ

મિની નાયગરા તરીકે ઓળખાતો ડાંગનો ગિરા ધોધ

મિની નાયગરા તરીકે ઓળખાતો ડાંગનો ગિરા ધોધ


ગુજરાતમાં ચોમાસું આ વખતે પુરબહારમાં ખીલ્યું હોવાથી અત્યારે ઠેર-ઠેર જળધોધ છલકાતાં આહ્‍લાદક નજારો સર્જાયો છે. ડાંગમાં તો સહ્યાદ્રિની પર્વતમાળાઓ વચ્ચેથી અગણિત નાના-મોટા સંખ્યાબંધ વૉટરફૉલ્સ અને ઝરણાં ખળખળ કરતાં વહી રહ્યાં છે. એ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં જાણીતા અને અજાણ્યા વૉટરફૉલ્સ અનુપમ સૌંદર્ય વેરીને સહેલાણીઓને મોહિત કરી રહ્યા છે ત્યારે ચાલો એની વર્ચ્યુઅલ સફરે

ઝરણાં અને ધોધ. આ વાંચતાં જ મનમાં કંઈક સ્પેશ્યલ ફીલિંગ્સ આવી જાય. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં પ્રકૃતિની અણમોલ ભેટ સમાન ઝરણાં અને ધોધ તન–મનને શાંતિ અને આહ્‍લાદકતા અપાવે છે. ચોમાસામાં ઝરમર વરસાદ પડતો હોય અને કોઈ ઝરણું કે ધોધ પાસેથી આપણે પસાર થઈએ તો સ્વાભાવિક રીતે આપણને ઊભા રહી જવાનું મન થાય અને પાણીને જરાક અડીને આવું, હાથ–પગ પલાળીને આવું એવુ મનમાં થઈ જ જાય અને મોટા ભાગે તો મનમાં ઊઠેલી આ ઉત્કંઠાને પૂરી પણ કરીએ છીએ, એટલું જ નહીં, કંઈકેટલાય સહેલાણીઓ તો ઝરણાં કે ધોધમાં નાહવાની ઇચ્છા પણ રોકી શકતા નથી.



ઝરણાંનાં ખળખળ વહેતાં પાણી અને ઊછળતી નદીઓનાં અફાટ પાણીના પ્રવાહને ઉપરથી નીચે ફેંકતા ધોધનું નૈસર્ગિક સૌંદર્ય કંઈક અલગ જ હોય છે અને એનો લહાવો માણવો એ એક યાદગાર નજરાણું બની રહે છે. વર્ષોથી સહેલાણીઓને ઝરણાં અને ધોધ એના અનુપમ સૌંદર્ય અને જીવંતતાને કારણે આકર્ષી રહ્યાં છે.


ગુજરાતમાંથી વિદાય લઈ રહેલું ચોમાસું આ વખતે પુરબહારમાં છે ત્યારે ગુજરાતમાં આવેલાં કંઈકેટલાંય ઝરણાં જીવંત બન્યાં છે તો વૉટરફૉલ્સ છલકાઈ ઊઠ્યાં છે અને આહ્‍લાદક નજારો સર્જાયો છે. ઝરણાં અને વૉટરફૉલ્સની આસપાસ કુદરતે લીલી ચાદર ઓઢી લેતાં સૌંદર્ય ખીલી ઊઠ્યું છે.ગુજરાતના ડાંગમાં તો સહ્યાદ્રિની પર્વતમાળાઓ વચ્ચેથી અગણિત નાના-મોટા સંખ્યાબંધ વૉટરફૉલ્સ અને ઝરણાં ખળખળ કરતાં વહી રહ્યાં છે. એ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં જાણીતા અને અજાણ્યા વૉટરફૉલ્સ અવિરત રીતે વહેતા થતાં અલૌ‌કિક નજારો જોવા મળી રહ્યો છે. પ્રકૃતિ જાણે કે સોળે કળાએ ખીલી ઊઠી હોય એવો રોમાંચિત, નયનરમ્ય નજારો કુદરતે સર્જીને આબાલ–વૃદ્ધ સૌને મંત્રમુગ્ધ કરી દીધાં છે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે ગુજરાતમાં મોટા ભાગના ધોધ કે ઝરણાં બારમાસી નથી. ચોમાસા દરમ્યાન કે વધુમાં વધુ દિવાળી સુધી આમાનાં કેટલાંક ધોધ અને ઝરણાં જીવંત રહેતાં હોય છે.

અસ્ખલિત ઝરણાં અને ધોધનું કૅપિટલ એટલે ડાંગ


કુદરતે જેને ફુરસદના સમયે જાણે કે લાડકોડ અને સ્નેહથી બનાવ્યો હોય એવું ગુજરાતનું  સ્થળ એટલે ડાંગ જિલ્લો. સાપુતારા હિલ સ્ટેશનનો રોમાંચ તમને એક અલગ જ અહેસાસ કરાવે છે તો સહ્યાદદ્રિની ગિરિમાળાઓમાંથી અસ્ખલિત વહેતો જળપ્રવાહ તમને રોમાંચિત ન કરી મૂકે એવું બને જ નહીં. ગિરા, પૂર્ણા, અંબિકા, ખાપરી જેવી મુખ્ય નદીઓની અફાટ જળરાશિ જ્યારે પર્વતોની ટોચ પરથી પડતી હોય ત્યારે સર્જન થાય છે ગિરા ધોધનું, ગિરમાળ ધોધનું, બારદા ધોધનું, ભેગુ ધોધનું, કોશમાળ ધોધનું. વર્ષાઋતુમાં જ્યારે મેઘરાજા એના અસ્સલ સ્વરૂપમાં વરસતા હોય અને લોકમાતાઓ બેકાંઠે ઊછળતી-કૂદતી વહેતી હોય ત્યારે પૂર્ણા સૅન્ક્ચ્યુઅરીથી શરૂ થતી સહ્યાદ્રિની પર્વતમાળાઓ પરથી જંગલોની વચ્ચે નદીનાં પાણી ક્યાંક ધોધ બનીને પડે છે તો ક્યાંક ઝરણાં બનીને ખળખળ વહે છે.

Waterfalls

સાપુતારાથી આહ્‍વા જતાં રસ્તામાં આવતું ઝરણું

ડાંગ જિલ્લામાં આવેલા નામી–અનામી ધોધની રસપ્રદ વાત કહેતાં ડાંગ જિલ્લા માહિતી કચેરીના અધીક્ષક મનોજ ખેંગાર ‘મિડ-ડે’ને કહે છે, ‘ડાંગમાં અનેક ધોધ આવેલા છે જેમાં સહેલાણીઓ જેને મિની નાયગરા તરીકે ‍ઓળખે છે એ અંબિકા નદી પર આવેલો ગિરા ધોધ વધુ જાણીતો છે. ડાંગના વઘઈ તાલુકામાં વઘઈ–સાપુતારાના માર્ગમાં આંબાપાડા ગામ પાસે આ ગિરા ધોધ આવેલો છે, જેની પહોળાઈ અંદાજે ૨૦૦ મીટરની છે એટલે કે આ ધોધ એટલો વિશાળ પટ ધરાવે છે અને ૮થી ૧૦ ધારાઓમાં આ ધોધ ઉપરથી પડે છે. અંબિકા નદીનાં પાણી કાળમીંઢ ખડકો પરથી ધોધરૂપે નીચે પડે છે.’

સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં જંગલોની લીલી વનરાજી વચ્ચે તમારા મનને પ્રફુલ્લિત કરી દે અને તમે મનથી એકદમ શાંતિનો અહેસાસ કરી શકો એવું નિર્મળ સ્થળ એટલે ગિરમાળ ધોધ. મનોજ ખેંગારે કહ્યું હતું કે ‘આહ્‍વાથી નવાપુર જતાં શિંગણા ગામ પાસે ગિરમાળ ગામે ગિરમાળ ધોધ આવ્યો છે. ગિરા નદીનાં પાણી અહીંથી વહે છે. ગુજરાતનો આ સૌથી ઊંચો ૩૦૦ મીટરનો ધોધ છે. જ્યારે ગિરા નદીનાં પાણી ઉપરથી નીચે પડે છે ત્યારે રૌદ્ર અને રમ્ય સ્વરૂપનાં દર્શન થાય છે.’

આવી જ રીતે સુબીર તાલુકામાં પૂર્ણા અભયારણ્ય વચ્ચે મહાલના જંગલમાં મહાલ–બીરબીપાડા માર્ગમાં મહાલ વૉટરફૉલ છે જ્યાં ૨૫–૩૦ મીટર ઉપરથી પાણી પડે છે. અહીં તો એવાં રોમાંચક દૃશ્યો પણ જોવા મળે છે જેમાં સહેલાણીઓનાં વેહિકલ પર પણ પાણી પડે છે.

અહીં એક ધોધનાં પાણી ૧૨ સ્ટેપ્સમાં પડે છે, જેને કારણે એ બારદા ધોધ તરીકે ઓળખાય છે એમ જણાવતાં મનોજ ખેંગાર કહે છે, ‘આહ્‍વા નજીક ચનખલ ગામ પાસે જંગલમાં બારદા ધોધ છે. અહીં થોડા-થોડા અંતરે કોતરોમાંથી પાણી વહે છે અને પાણી જ્યાં પડે છે ત્યાં કુંડ જેવું એટલે કે સ્વિમિંગ-પૂલ જેવું છે અને આવાં ૧૨ સ્ટેપ છે એટલે એ જગ્યાનું નામ બારદા ધોધ પડ્યું છે.’

આ ઉપરાંત વઘઈ તાલુકામાં કોશમાળ ગામ પાસે કોશમાળ ધોધ, આહ્‍વા તાલુકાના ગલકુંડ ગામ નજીક કાંચનઘાટ પાસેનો ભેગુ ધોધ આવેલો છે. વઘઈથી આહ્‍વા તરફ જતાં શિવઘાટ પાસે શિવધોધ છે તો સાપુતારાથી આહ્‍વા જતાં વચ્ચે માર્ગમાં જ યોગેશ્વર ઝરણું આવેલું છે.

કાકાનો કળસો એટલે કાકા–કાકીનો ધોધ!

મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર કાકાનો કળસો છે? આ ‘કાકાનો કળસો’ એટલે કાકા-કાકીનો ધોધ. નામ સાંભળતાં અચરજ થયુંને! ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે કુદરતે જાણે કે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે અને એમાં પણ પર્વતોની હારમાળા વચ્ચેથી પાણીનો પ્રવાહ ચટ્ટાનોને ચીરતો-ચીરતો ગાઢ જંગલોમાંથી અવિરત રીતે અત્યારે વહી રહ્યો છે અને એ તાપી તેમ જ ડાંગ જજિલ્લાની સરહદે અંતરિયાળ વિસ્તારમાં પર્વત પરથી અંદાજે ૩૦૦ ફીટથી ધબાંગ કરીને એ જળપ્રવાહ નીચે પડી રહ્યો છે. આ અફાટ જળપ્રવાહ જ્યાં પડી રહ્યો છે એ સ્થળ એટલે કાકા–કાકીનો ધોધ. ડુંગર પરથી પડતા પાણીથી નયનરમ્ય નજારો સર્જનહાર સર્જી રહ્યા છે અને એને મન ભરીને માણવાની તક સહેલાણીઓ કેમ કરીને છોડી શકે.

નામથી જ આપણને આશ્ચર્ય પમાડતા કાકા–કાકી ધોધની રસપ્રદ વાત કરતાં તાપી જિલ્લાના માહિતી કચેરીના સુપરવાઇઝર અલ્કેશકુમાર ચૌધરી ‘મિડ-ડે’ને કહે છે, ‘કાકા–કાકીનો ધોધ અંતરિયાળ વિસ્તારમાં આવેલો છે. અહીં પહોંચવા માટે ડાંગ જિલ્લાના કેશબંધ ગામથી પાંચ કિલોમીટર ચાલીને ડુંગરની તળેટીએ પહોંચવુ પડે છે. અહીં ગાઢ જંગલ હોવાથી સ્થાનિક વ્યક્તિને સાથે લઈને જવું હિતાવહ છે, કેમ કે ઊંચા ઘાસ હોય છે અને જંગલ વનસ્પતિઓથી છવાયેલું છે. નાનકડી નદી બે વખત પાર કરવી પડે છે અને એ પછી તમે કાકા–કાકી ધોધ સુધી પહોંચી શકો છો. અંદાજે ૩૦૦ ફુટ ઉપરથી ધોધ પડે છે. તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારાથી ૭૦ કિલોમીટર, સોનગઢથી ૬૫ કિલારેમીટર અને ડાંગ જિલ્લાના આહ્‍વાથી ૫૦ કિલોમીટરના અંતરે આ ધોધ આવેલો છે. મહારાષ્ટ્રના નંદુરબાર અને ધુલિયા જિલ્લાની સરહદ અહીં આવેલી છે. સ્થાનિક નાગરિકો કહે છે કે વડીલોના કહેવા પ્રમાણે કાકા-કાકીનો ધોધ જે છે એમાંથી કાકાનો ધોધ ગુજરાતના ડાંગ જિલ્લાની સરહદે આવેલો છે, જ્યારે કાકીનો ધોધ મહારાષ્ટ્ર રાજ્યમાં પડે છે. કાકા–કાકીનો ધોધ એવો રમણીય છે કે એને જોઈને સહેલાણીઓ આનંદિત થઈ જાય છે. જોકે હજી સુધી આ સ્થળે એટલી અવરજવર થતી નથી.’

Waterfalls

ગાઢ જંગલમાં પથરાયેલી લીલી વનરાજી વચ્ચે દૂરથી દેખાતા કાકા-કાકીના ધોધ સુધી પહોંચવા માટે નીકળેલા સહેલાણીઓ

નયનરમ્ય નજારો સર્જાતો હોવા છતાં ખૂબ અંતરિયાળ હોવાથી હજી આ ધોધ ટૂરિસ્ટોનું ધ્યાન ખેંચી શક્યો નથી, પરંતુ છૂટાછવાયા નિસર્ગપ્રેમીઓની અહીં અવજરજવર રહે છે.

ડુંગર પર તળાવ છલકાતાં સર્જાય છે સુનસર ધોધ

Waterfalls

યસ, આ એકદમ સાચી વાત છે. પૂછો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કોઈ સજ્જન કે સન્નારીને. તેમને લગભગ ખબર જ હશે કે અરવલ્લી જિલ્લાના ભીલોડા નજીક આ સુનસર ધોધ આવેલો છે જેને સ્થાનિક લોકો મિની કાશ્મીર તરીકે ‍ઓળખે છે અને તેઓએ ડુંગર પરથી જોશભેર પડતી જળરાશિનાં આહ્‍લાદક દૃશ્યો જોવાનો લહાવો માણ્યો જ હશે.

ભીલોડાના સ્થાનિક રહેવાસી રાકેશ ઓડે ‘મિડ-ડે’ને કહે છે, ‘ભીલોડાથી અંદાજે પાંચ કિલોમીટર દૂર સુણસર ગામ છે. આ ગામ પાસે ડુંગર આવેલા છે જે ડુંગર પર તળાવ આવેલું છે જેમાં વરસાદનાં પાણી ભરાતાં તળાવ ઓવરફ્લો થાય ત્યારે ધોધ પડે છે. આ ધોધ સુનસર ધોધ તરીકે જાણીતો છે. ધોધ જ્યારે જીવંત બને છે ત્યારે સહેલાણીઓ ઊમટી પડે છે અને આ સ્થળને સહેલાણીઓએ મિની કાશ્મીર નામ આપ્યું છે.’

ગીરના જામવાળા પાસેનો મનમોહક જમઝીર ધોધ

Waterfalls

સૌરાષ્ટ્રમાં પણ કંઈકેટલાય વૉટરફૉલ્સ આવેલા છે, જેમાં ગીર બાજુ જામવાળા પાસેનો જમઝીર ધોધ સહેલાણીઓનાં મન મોહી લે છે. ઊના તાલુકામાં શિંગવડી નદી પરનો જમઝીર ધોધ પણ આ વર્ષાઋતુમાં છલકાઈને સોળે કળાએ ખીલી ઊઠ્યો છે. ચોમાસાને કારણે ચારે બાજુ લીલી વનરાજી છવાઈ ગઈ છે. આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસતાં નદીમાં પાણી આવતાં જમઝીર ધોધ પાસે નયનરમ્ય દૃશ્યો સર્જાતાં આ સ્થળ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જૂનાગઢથી વાયા તલાળા થઈને જામવાળા નજીકના આ ધોધ તરફ જઈ શકાય છે.

‍વૉટરફૉલ્સથી છલકી ઊઠ્યું આખું ગુજરાત

આ વખતે તો સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં મેઘો ખમકારા દઈને વરસ્યો છે ત્યારે દૂધની નદી વહેતી હોય એમ ગીરના ચંદ્રમોલેશ્વર મંદિર પાસેના ઝરણાનો અદ્ભુત નજારો સર્જાયો હતો. તો સાબરકાંઠામાં હિંમતનગર તાલુકામાં રાયગઢ પાસે આવેલો બળદ પગલાનો ધોધ, સાબરકાંઠામાં ધાનપુર પાસે આવેલો જલધારા ધોધ, દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડા તાલુકામાં દીવતણ ગામ પાસે આવેલો દેવઘાટ ધોધ, પંચમહાલમાં ઘોઘંબામાં આવેલો ધોધ તેમ જ ગુજરાતમાં આવેલા નાના-મોટા કંઈકેટલાય ધોધ છલકાઈ ઊઠ્યા. જોકે આ બધા ધોધ પૈકી ઘણા ધોધ ચોમાસા પૂરતા જ જીવંત હોય છે તો કેટલાક ધોધ દિવાળી સુધી જીવંત રહે છે અને પાણી પડતું રહે છે.

Waterfalls

નર્મદા જિલ્લામાં આવેલું બોરીદ્રાનું ઝરણું

કોરોનાને કારણે હાલમાં ગુજરાત જ નહીં, સમગ્ર ભારતનાં પર્ય‍ટન સ્થળો બંધ છે એટલે હાલમાં તો આ વૉટરફૉલની તસવીરો જોઈને જ આંખને ટાઢક આપવી પડે એમ છે.

Whatsapp-channel Whatsapp-channel

13 September, 2020 07:07 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK