વિદેહી એટલે શું? (લાઇફ કા ફન્ડા)
મિડડે
મિથિલાના રાજા જનક, વિદેહી રાજા જનક તરીકે ઓળખતા. એક દિવસ જનક રાજાના દરબારના વર્ષોથી કાર્યરત મંત્રીએ રાજા જનકને પૂછ્યું, ‘રાજન, આપ સર્વત્ર વિદેહી રાજા જનક તરીકે પ્રખ્યાત છો તો આ વિદેહી એટલે શું અને તમને શા માટે વિદેહી કહેવામાં આવે છે?’
જનક રાજા બોલ્યા, ‘મંત્રીશ્રી, આપના જન્મદિને હું એક મોટો ભોજન સમારંભ યોજીશ અને આખા નગરના લોકો તમારો જન્મદિન ઊજવશે ત્યારે હું તમને તમારા આ પ્રશ્નનો જવાબ આપીશ.’
ADVERTISEMENT
મંત્રીનો જન્મદિવસ આવ્યો. ભોજન સમારંભ યોજાયો. જાત જાતના અને ભાત ભાતનાં પકવાનો અને મીઠાઈઓ બનાવવામાં આવી. ભોજન પીરસાયું અને ત્યાં જ અચાનક જનક રાજાએ જાહેર કર્યું કે ‘મારા ગુપ્તચરના સમાચાર અનુસાર આજે જેનો જન્મદિન છે તે મંત્રી કાવતરાખોર છે અને સજાને પાત્ર છે, પણ હમણાં બધા ભોજન માટે બેસી ગયા છો એટલે ભોજન થઈ ગયા બાદ મંત્રીને મૃત્યુદંડ આપવામાં આવશે.’
અચાનક જનક રાજાની આવી ઘોષણા સાંભળી મંત્રીના હોશકોશ ઊડી ગયા. તે એકદમ ડરી ગયા. તેણે વિચાર્યું, નક્કી મારા કોઈ દુશ્મને આવી અફવા ફેલાવી હશે. હવે હું બચવા શું કરું? મારી જાતને નિર્દોષ કઈ રીતે સાબિત કરું? આ વિચારોમાં હવે એક-એકથી ચઢિયાતાં પકવાનો પણ ગળે કઈ રીતે ઊતરે? અન્નનો એક દાણો ખાધા વિના મંત્રી હવે શું કરવું એ વિચારતા બેસી રહ્યા.
જનક રાજા તેમની પાસે આવ્યા અને પૂછ્યું, ‘મંત્રીશ્રી, જન્મદિન મુબારક અને આ છેલ્લું ભોજન કેવું લાગ્યું?’ મંત્રી રાજા જનકનાં ચરણોમાં પડી રડવા લાગ્યો અને બોલ્યો, ‘રાજન, આ ભોજન તો મારા માટે ઝેર બની ગયું છે. આપને કોઈ ખોટી માહિતી મળી છે. હું નિર્દોષ છું. મેં કોઈ કાવતરું નથી કર્યું. મને દેહાંત દંડ ન આપો.’
જનક રાજા બોલ્યા, ‘મંત્રીશ્રી, મને ખબર છે કે તમે નિર્દોષ છો. આ મારો તમે પૂછેલા પ્રશ્નનો જવાબ છે. આપણું મન અજબ છે. સામાન્ય સંજોગમાં જે ભોજનનો સ્વાદ માણતા આમ મન ધરાય નહીં, એજ ભોજન જો સંજોગો બદલાય તો ઝેર જેવું લાગે. આવું કેમ થયું? કારણ પહેલાં જન્મદિન અને મિજબાનીની ખુશી હતી અને પળ વાર પછી આરોપ અને મૃત્યુનો ડર... અને આ ડરનું કારણ છે દરેક માણસના મનમાં રહેલો ‘દેહભાવ’. પોતાના જીવ અને શરીર પરનો મોહ અને જેને આ મોહ ન હોય, પોતાના શરીર પ્રત્યે મમત ન હોય તેને વિદેહી કહેવાય છે અને આ દેહભાવ મારામાં નથી એટલે હું વિદેહી કહેવાઉ છું. ચિંતામુક્ત બની ભોજન કરો, તમને મૃત્યુદંડ નથી આપવાનો.’
મંત્રીએ રાજા જનકના ચરણમાં વંદન કર્યા.
- હેતા ભૂષણ

