Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > વીર હમીરજી જેવા અનેક શહીદોએ સોમનાથ મંદિર માટે ભોગ આપ્યો

વીર હમીરજી જેવા અનેક શહીદોએ સોમનાથ મંદિર માટે ભોગ આપ્યો

17 September, 2023 01:20 PM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

માથું ઊતરી ગયા પછી પણ હમીરજીનું ધડ લડતું રહ્યું અને ધર્માંધ મુસ્લિમ સેના ડરની મારી ઝાડની પાછળ સંતાઈ ગઈ

વીર હમીરજી

અરાઉન્ડ ધી આર્ક

વીર હમીરજી


અગાઉ કહ્યું એમ સોમનાથ મંદિર ચાલુક્ય શૈલીમાં બનાવવામાં આવ્યું, પણ એ બનાવવા પાછળનું એક કારણ એ પણ હતું કે મૂળ મંદિર પણ એ શૈલીમાં હોય એ મુજબનો ઘાટ જોવા મળ્યો હતો. આ જે ચાલુક્ય શૈલી છે એ અત્યારે મોટા ભાગે ઉત્તર ભારતમાં જોવા મળે છે, પણ ચૌહાણ વંશનું અસ્તિત્વ હતું એ સમયે આપણા ગુજરાતના વિસ્તારોમાં પણ આ શૈલી જોવા મળતી. અગિયારમી અને બારમી સદી દરમ્યાન તૈયાર થયેલાં મંદિરોને તમે જોશો તો તમને ચાલુક્ય શૈલીનો અંશ જોવા મળશે. એ પછી આ શૈલીનો વપરાશ આપણે ત્યાં ઓછો થયો અને બેઠા ઘાટનાં પહોળાં કહેવાય એવાં મંદિરો વધારે બનવા માંડ્યાં.


મહારાણી અહલ્યાબાઈ હોલકરે જ્યારે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું ત્યારે તેમને પણ વાસ્તુશાસ્ત્રીઓ દ્વારા એ જ કહેવામાં આવ્યું હતું કે મૂળ મંદિર ચાલુક્ય શૈલીનું હોઈ શકે છે. અહલ્યાબાઈ હોલકરે નવ મજલાનું ચાલુક્ય શૈલીનું મંદિર તૈયાર કરવાનું આયોજન પણ કર્યું અને એ પછી બ્રિટિશરોને કારણે આખી યોજના અટકી. અહલ્યાબાઈ હોલકરે અન્ય સ્થાન પર સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે જે રીતે વૈષ્ણોદેવીના મંદિર સાથે એક માન્યતા પ્રસરેલી છે કે વૈષ્ણોદેવીનાં દર્શન કર્યા પછી એ જ પર્વત પર આવેલા ભૈરવનાથનાં દર્શન વિના એ યાત્રા પૂરી નથી ગણાતી એવી જ રીતે એક સમયે એવું કહેવાતું થઈ ગયું હતું કે સોમનાથ મંદિર અને અહલ્યાબાઈ દ્વારા નિર્મિત સોમનાથ મંદિર એમ બન્ને મંદિરનાં દર્શન ન કરવામાં આવે ત્યાં સુધી પ્રથમ જ્યોતિર્લિંગની યાત્રા પૂરી નથી થતી. અલબત્ત, આ એકમાત્ર કથિત વાત હતી. આનો કોઈ ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી.



સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ થયું ત્યારે પહેલી આધારશિલા એ સમયના રાજવી દિગ્વિજયસિંહના હસ્તે ૧‍૯પ૦ની ૮ મેના દિવસે મૂકવામાં આવી હતી અને એ પછી મંદિરનું કામ શરૂ થયું. ૧૯પ૧ની ૧૧ મેએ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી. જોકે એ પછી પણ મંદિરમાં કામ પૂરું નહોતું થયું. મંદિર અને એના કૅમ્પસનું કામ છેક ૧૯૬૨ સુધી ચાલ્યું અને આમ સંપૂર્ણ કામ પૂરું થતાં બાર વર્ષથી પણ લાંબો સમય લાગ્યો હતો. મંદિર કૅમ્પસનું કામ પૂરું થયા પછી છેક આઠ વર્ષે જામનગરના રાજમાતાએ મંદિરને દિગ્વિજય દ્વાર આપ્યું, જે મંદિરની પહેલી શિલા મૂકનારા રાજા દિગ્વિજયસિંહની યાદમાં હતું.


સોમનાથ મંદિરની દક્ષિણે સમુદ્રકિનારે એક સ્તંભ બનાવવામાં આવ્યો છે, જેના પર તીરનું નિશાન છે. આ જે તીર છે એ દક્ષિણ ધ્રુવ દર્શાવે છે. શાસ્ત્રોક્ત વાતો પછી વિજ્ઞાની સંશોધનો પણ થયાં હતાં અને એ સંશોધનોના અંતે પુરવાર થયું હતું કે મંદિર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ક્યાંય જમીન નથી. શાસ્ત્રોમાં આ જે આખો સમુદ્રમાર્ગ છે એને અબાધિત જ્યોતિર્માર્ગ નામ તરીકે ઓળખવામાં આવ્યો છે, જે એવું સૂચવે છે કે દક્ષિણ ધ્રુવ સુધી યાત્રા કર્યા પછી મહાદેવે સોમનાથની આ જગ્યા પર કાયમી વસવાટ કરવાનું નક્કી કર્યું અને આમ સોમનાથ મહાદેવના મંદિરની જગ્યા પર તેમણે કાયમી વિશ્રામ કર્યો.

સોમનાથ મંદિર કદાચ દેશનું એકમાત્ર એવું મંદિર હશે જેની શાસ્ત્રોમાં અઢળક વાતો હોય અને સેંકડો દંતકથાઓ પણ હોય. સોમનાથ મંદિર પર થયેલા હુમલાઓની અનેક વાતો એવી પણ છે જેની ઇતિહાસે નોંધ નથી લીધી તો અમુક વાતો એવી પણ છે જેની નોંધ ઇતિહાસમાં છે, પણ આપણે એ નોંધને ચૂકી ગયા છીએ. આ જ પૈકીની ચૂકી ગયા હોઈએ એવી એક નોંધ છે વીર હમીરજીની. હમીરજી ગોહિલે બહાદુરી સાથે મુસ્લિમ શાસકો સામે જંગ ખેડ્યો અને એ જંગમાં તે શહીદ થયા. તેમનું મસ્તક ગરદન પરથી ઊતરી ગયું અને એ પછી પણ તેમનું ધડ લડતું રહ્યું, જે જોઈને મુસ્લિમ સેના ડરી ગઈ અને રીતસર ભાગીને ઝાડીમાં સંતાઈ ગઈ.


કલાક પછી જ્યારે એ ધડ જમીન પર સમાયું એ સમયે આ સેના બહાર આવી અને ત્યાર પછી આગળ વધી. વીર હમીરજી ગોહિલનું સ્ટૅચ્યુ આજે પણ સોમનાથ મંદિરના ગેટની બરાબર સામે મૂકવામાં આવ્યું છે. હમીરજી જેવા અનેક એવા ધર્મપ્રેમીઓ અને મહાદેવમાં આસ્થા ધરાવતા વીરો છે જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના સોમનાથ મહાદેવ માટે જીવ આપ્યો, પણ મહાદેવ પ્રત્યેની આસ્થાને લીધે જ આજે પણ સોમનાથ મંદિર એ જ જગ્યાએ ઊભું છે જે જગ્યાએ એ સૈકાઓ પહેલાં પણ ઊભું હતું.

અડગ અને અડીખમ.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2023 01:20 PM IST | Mumbai | Chandrakant Sompura

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK