લોકસભામાં પ્રચંડ બહુમતી અને મોટાં રાજ્યોમાં પોતાની સત્તા હોવા છતાં ભાજપ યુસીસી મામલે ફૂંકી-ફૂંકીને પગ મૂકી રહ્યો છે. નાગરિકતા (સુધારા) અધિનિયમ પર વ્યાપક વિરોધનો સામનો કરી ચૂકેલો ભાજપ યુસીસીને સીધો રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માગતો નથી.
ક્રૉસલાઇન
યુસીસી
ભારતીય જનતા પાર્ટીના રાજકીય એજન્ડામાં ત્રણ મુદ્દા વર્ષોથી હતા : અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની વિદાય અને દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનિફૉર્મ સિવિલ કોડ)નો અમલ. પહેલાં બે વચનો પૂરાં થઈ ગયાં છે. હવે યુસીસી બાકી રહી ગયો છે. ઉત્તરાખંડની સરકારે બુધવારે વિધાનસભામાં યુસીસી બિલ પાસ કર્યું છે એ દેશભરમાં એને લાગુ કરવાના કેન્દ્ર સરકારના ઇરાદાનું ટ્રેલર છે.
ઉત્તરાખંડ યુસીસી ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બનશે. એક વાર ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ જાય પછી અન્ય બે ભાજપ શાસિત રાજ્યો ગુજરાત અને આસામ પણ એનું અનુકરણ કરશે. બંને રાજ્ય સરકારો લગભગ આવું જ બિલ રજૂ કરશે. પ્રસ્તાવિત બિલમાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિના અધિકારો, વારસો વગેરે માટે સમાન નિયમો હશે. આદિવાસી જૂથો સિવાયના તમામ નાગરિકોને એની જોગવાઈઓ લાગુ પડશે.
ADVERTISEMENT
ભાજપના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ આ ઘટનાને ઐતિહાસિક ગણાવી છે. આ બિલ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. દેશમાં સમાન નાગરિક સંહિતાને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એ સંદર્ભમાં ઉત્તરાખંડને એક મૉડલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે અને લોકસભાની ચૂંટણી પહેલાં એ ચર્ચામાં વધુ હવા ફૂંકવાનો ભાજપનો પ્રયાસ છે.
રાજ્યમાં ભાજપની પ્રથમ કૅબિનેટ બેઠકમાં જ યુસીસી લાગુ કરવા માટે એક સમિતિ નીમવાનો નિણર્ય લેવાયો હતો. આ સમિતિમાં જસ્ટિસ રંજના દેસાઈ ઉપરાંત દિલ્હી હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પ્રમોદ કોહલી, સામાજિક કાર્યકર્તા મનુ ગૌર, ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને આઇએએસ અધિકારી શત્રુઘ્ન સિંહ અને દૂન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુરેખા ડાંગવાલનો સમાવેશ થતો હતો.
લોકસભામાં પ્રચંડ બહુમતી અને મોટાં રાજ્યોમાં પોતાની સત્તા હોવા છતાં ભાજપ યુસીસી મામલે ફૂંકી-ફૂંકીને પગ મૂકી રહ્યો છે. નાગરિકતા (સુધારા) અધિનિયમ પર વ્યાપક વિરોધનો સામનો કરી ચૂકેલો ભાજપ યુસીસીને સીધો રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માગતો નથી. એને બદલે એ પક્ષ શાસિત રાજ્યોને એમાં આગળ વધવા કહી રહ્યો છે જેથી વિરોધ થાય તો પણ સ્થાનિક સ્તરે થાય અને પછી ક્રમશ: એની હવા નીકળી જાય.
મધ્ય પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારોએ પણ જાહેરાત કરી છે કે તેઓ યુસીસી લાગુ કરશે. ભાજપ શાસિત ગોવામાં યુસીસીનું એક સંસ્કરણ અસ્તિત્વમાં છે, કારણ કે એ પોર્ટુગીઝ વસાહત હતું. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે કહ્યું હતું કે તેમની સરકાર ઉત્તરાખંડના ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને જો આસામ સરકારને અનુકૂળ હશે તો એ પણ યુસીસી લાગુ કરશે.
રાજસ્થાનના શિક્ષણપ્રધાન મદન દિલાવરે કહ્યું છે કે રાજ્યમાં યુસીસી અંગે ડ્રાફ્ટ કમિટી રચવાનો પ્રસ્તાવ પ્રધાનમંડળની પ્રથમ બેઠકમાં રજૂ કરવામાં આવશે. એ નોંધવું જોઈએ કે રાજ્યમાં આઠમી ફેબ્રુઆરીએ વિધાનસભા ફરીથી શરૂ થઈ રહી છે જેથી વોટ ઑન અકાઉન્ટ રજૂ કરી શકાય અને આવી સ્થિતિમાં યુસીસીનો મુદ્દો રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ બની જાય છે.
ઉત્તરાખંડ ટ્રાયલ બલૂન છે. લોકસભા પહેલાં ભાજપ એના વફાદાર મતદારોને એ સંદેશો આપવા માગે છે કે યુસીસીના મુદ્દે એ પ્રતિબદ્ધ છે. એટલે એને રાષ્ટ્રીય સ્તરે લાવવાની ઉતાવળ નથી. રાષ્ટ્રીય સ્તરે તો મુખ્ય ફોકસ રામમંદિર જ રહેશે. જાણકાર લોકો કહે છે કે દેશવ્યાપી યુસીસી કદાચ હમણાં ટાળવામાં આવશે અને રાજ્યોમાં એનો કેવો અમલ થાય છે, કેવા પ્રત્યાઘાતો આવે છે એના આધારે ૨૦૨૯ની ચૂંટણી સુધીમાં એના રાષ્ટ્રવ્યાપી અમલીકરણ તરફ આગળ વધવામાં આવશે.
ગયા વર્ષે ભોપાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એક ઘરમાં અલગ-અલગ સભ્યો (સમુદાયો) માટે અલગ-અલગ કાયદાઓ સાથે પરિવાર (રાષ્ટ્ર) ચલાવવાનું કેવી રીતે શક્ય છે?
સમાન નાગરિક સંહિતા બંધારણની કલમ ૪૪ હેઠળ આવે છે. આ કલમ કહે છે કે રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાવવાનો પ્રયાસ કરશે. આ કલમ ટાંકીને દેશમાં યુસીસી લાગુ કરવાની માગ ઉઠાવવામાં આવી રહી છે. લોકો દલીલ કરે છે કે આ કાયદાના અમલીકરણથી વસ્તીની વૃદ્ધિને રોકવામાં મદદ મળશે.
અગાઉ માત્ર મુસ્લિમો, સિખો અને અન્ય લઘુમતીઓ જ નહીં પરંતુ હિન્દુઓના એક વર્ગ તરફથી પણ યુસીસીનો વિરોધ થયો છે. કેટલાક દલીલ કરે છે કે યુસીસી બંધારણ દ્વારા બાંયધરીકૃત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે, જેમાં કલમ ૨૫ (પોતાના ધર્મને સ્વીકારવાની અને એનું પાલન કરવાની સ્વતંત્રતા) અને કલમ ૨૯ (એક અલગ સંસ્કૃતિ રાખવાનો અધિકાર) તેમ જ વિવિધતામાં એકતાના ખ્યાલનો સમાવેશ થાય છે. લઘુમતી જૂથો એને બહુમતીવાદના પ્રભુત્વ તરીકે જુએ છે અને દલીલ કરે છે કે એ લઘુમતીઓને પ્રતિકૂળ અસર કરશે, કારણ કે તેઓ તેમની ઓળખ, રિવાજો અને પ્રથાઓનું રક્ષણ કરી શકશે નહીં.
નિષ્ણાતો કહે છે કે દેશમાં યુસીસીનો અમલ કરવો સરળ પણ નથી. બંધારણ દરેક વ્યક્તિને પોતાનો ધર્મ અપનાવવાનો અને એનું પાલન કરવાનો અધિકાર આપે છે. બંધારણની કલમ ૨૫ ધાર્મિક સ્વતંત્રતાની ખાતરી આપે છે. યુસીસી લાગુ થતાં જ આ તમામ નિયમો સમાપ્ત થઈ જશે. જોકે બંધારણમાં નાગાલૅન્ડ, મેઘાલય અને મિઝોરમના સ્થાનિક રિવાજોને માન્યતા અને રક્ષણ આપવામાં આવ્યું છે.
ઉત્તરાખંડમાં આદિવાસીઓને યુસીસીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. યુસીસી સામે ભાજપે આદિવાસી સમુદાયોના ઉગ્ર વિરોધને અનુભવ્યો છે. ત્યાં સુધી કે આદિવાસી બહુમતી ધરાવતાં મિઝોરમ અને નાગાલૅન્ડે યુસીસી લાગુ કરવાના કોઈ પણ પગલા સામે વિરોધ કરતા ઠરાવ તેમની વિધાનસભાઓમાં સર્વસંમતિથી પસાર કરી દીધા છે.
યુસીસીની તરફેણમાં તર્ક એવો છે કે યુસીસી આવવાથી દેશમાં લગ્નની, છૂટાછેડાની, દત્તક લેવાની અને સંપત્તિની વહેંચણીની બાબતો માટે અલગ-અલગ કાનૂનોના સ્થાને એક નિયમ જ હશે; પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા રહેશે; જાતિ, ધર્મ અથવા પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ સિવાય કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં હોય. કેટલાક લોકો એવી પણ દલીલ કરે છે કે યુસીસીના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓમાં કોઈ ફરક પડશે નહીં, પૂજા અને પહેરવેશને પણ અસર થશે નહીં.
જોકે હિન્દુ સમાજમાં પણ વિવિધ સમુદાયોના વારસા અને મિલકતના વિભાજન અંગેનાં જુદાં-જુદાં નિયમો અને પરંપરાઓ છે. પિતાની મિલકતમાં પુત્રીના સમાન અધિકારનો કાયદો ઘણા સમયથી હતો અને વારસાના એ મુદ્દાને પણ ઘણી હદ સુધી હલ કરવામાં આવ્યો છે, પરંતુ ઘણા સમુદાયોમાં એ એમનામાં પ્રવર્તમાન રિવાજો અનુસાર નક્કી કરવામાં આવે છે. દત્તક લેવાના કાયદાને લઈને હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે મતભેદ છે.
એવી જ રીતે પૂર્વોત્તરનાં ખ્રિસ્તી બહુમતી ધરાવતાં રાજ્યોમાં અલગ-અલગ વ્યક્તિગત કાયદાઓ છે. જુદાં-જુદાં રાજ્યોમાં એમની વસ્તી અનુસાર જુદા-જુદા કાયદા હોય છે. જોકે એવું માનવામાં આવે છે કે જો ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા સફળતાપૂર્વક લાગુ કરવામાં આવે તો એ અન્ય રાજ્યો માટે એક આદર્શ બની શકે છે.
એવું લાગે છે કે યુસીસી સામે મોટો વિરોધ મોટા ભાગે મુસ્લિમો તરફથી જ આવશે. ટ્રિપલ તલાકની જેમ મુસ્લિમ ઉલેમાઓ અને મૌલવીઓ જ યુસીસીનો વિરોધ કરી રહ્યા છે. એ નોંધવું જોઈએ કે ટ્રિપલ તલાકનું મુસ્લિમ મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે એમાં આ પછાત પ્રથામાંથી મુક્તિ જોઈ હતી. તેથી યુસીસીમાં પણ મહિલાઓ તરફેણમાં છે, કારણ કે તેઓ એને પિતૃસત્તાકતાની પકડમાંથી બહાર નીકળવાના ઉપાય તરીકે જુએ છે.
યુસીસીમાં ઊંડા રાજકીય અને વૈચારિક ઉદેશ છે. દેખીતી રીતે જ એનો પહેલો ઉદ્દેશ મુસ્લિમ પર્સનલ લૉમાં સુધારો કરવાનો પ્રયાસ કરીને મુસ્લિમ મૌલવીઓને વિરોધ કરવા માટે ઉશ્કેરવાનો છે, જેઓ મહિલાઓ પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તે છે. એવી જ રીતે એ આદિવાસીઓને કાયદામાંથી બાકાત રાખે છે, સંભવત: કારણ કે ભાજપ આદિવાસીઓને એનાથી દૂર જવા દેવા ઇચ્છતો નથી.
મોટા ભાગના રૂઢિગત કાયદાઓ પુરુષોએ લખેલા છે અને એમાં સ્ત્રીઓને અન્યાય કરવામાં આવ્યો છે. એક સભ્ય સમાજમાં સ્ત્રીઓને લગ્ન, વારસો, છૂટાછેડા, જાળવણી અને બાળકોની કસ્ટડીમાં સમાન અધિકારો હોવા જોઈએ. એ દૃષ્ટિએ યુસીસી એક આવકારપાત્ર પહેલ છે, પરંતુ એમાં ચૂંટણીલક્ષી ગણતરીઓથી અમુક લોકો એ પહેલને શંકાની નજરે જુએ છે.
જેમ કે શિરોમણિ અકાલી દળે ગયા વર્ષે યુસીસીના વિરોધમાં વાટાઘાટો કરી હતી અને ભાજપના સહયોગીઓ - નાગાલૅન્ડમાં નૅશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) અને મેઘાલયમાં નૅશનલ પીપલ્સ પાર્ટીએ પણ એ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મિઝો નૅશનલ ફ્રન્ટ (એમએનએફ) તેમજ સિક્કિમ ડેમોક્રેટિક પાર્ટીએ પણ કહ્યું છે કે તેઓ યુસીસીનો વિરોધ કરે છે.
ઉત્તરાખંડના ભૂતપૂર્વ કૉન્ગ્રેસી મુખ્ય પ્રધાન હરીશ રાવતે આ બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘જો જુદાં-જુદાં રાજ્યો વ્યક્તિગત કાયદામાં દખલ કરવાનું શરૂ કરે તો વિવિધ રાજ્યોમાં કાયદાનો દુરુપયોગ થવાની સંભાવના છે. એનો ઉપયોગ એક સમુદાયના ભોગે બીજા સમુદાયના મતોને સુરક્ષિત કરવા માટે થશે, જેના પરિણામે ધ્રુવીકરણ થશે. એને બદલે આવો કાયદો કેન્દ્ર સરકારે લાવવો જોઈએ.’