Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વિશ્વની સૌપ્રથમ હૅન્ડપેઇન્ટેડ ફિલ્મ માટે આ બહેને બનાવ્યાં છે ૩૫૦ પેઇન્ટિંગ્સ

વિશ્વની સૌપ્રથમ હૅન્ડપેઇન્ટેડ ફિલ્મ માટે આ બહેને બનાવ્યાં છે ૩૫૦ પેઇન્ટિંગ્સ

22 August, 2023 03:05 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

પોલૅન્ડમાં બનેલી આ ફિલ્મ માટે દુનિયાભરના ૧૨૫ આર્ટિસ્ટે ચિત્રો બનાવ્યાં હતાં, જેમાં મુલુંડની ગુજરાતી યુવતી હેમાલી વડાલિયાએ પણ ભાગ લીધો હતો

હેમાલી વડાલિયા

પૅશનપંતી

હેમાલી વડાલિયા


૨૦૧૭ની સાલમાં આ નામાંકિત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉઘના જીવન પર એક ઍનિમેટેડ ફિલ્મ રિલીઝ થઈ હતી. ‘લવિંગ વિન્સેન્ટ’ નામની આ ફિલ્મ દુનિયાની પહેલી એવી ઍનિમેટેડ ફિલ્મ હતી જે આખી હૅન્ડ પેઇન્ટેડ હતી. પોલૅન્ડમાં બનેલી આ ફિલ્મ માટે દુનિયાભરના ૧૨૫ આર્ટિસ્ટે ચિત્રો બનાવ્યાં હતાં, જેમાં મુલુંડની ગુજરાતી યુવતી હેમાલી વડાલિયાએ પણ ભાગ લીધો હતો. તો આવો, આજે ચિત્રો દ્વારા ફિલ્મ બનાવવાની આ કળા વિશે તથા આ ક્ષેત્રમાં હેમાલીની સફર વિશે તેની સાથે થોડી અંતરંગ વાતો કરીએ...

હેમાલીનાં ચિત્રોમાં જ્યાં જુઓ ત્યાં હેમાલી જ નજરે પડે છે. ક્યાંક ટૂંટિયું વાળીને સૂતેલી હેમાલી તો ક્યાંક પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી કોઈ વિદેશી વિદ્યાર્થિનીની જેમ રસોડામાં ક્વિક મીલ બનાવતી હેમાલી તો ક્યાંક અરીસામાં પોતાના જ પ્રતિબિંબને અર્ધસ્મિત સાથે નિહારતી હેમાલી. મૂળ સાવરકુંડલાની ૩૮ વર્ષની જૈન હેમાલી વડાલિયાનું કહેવું છે કે પેઇન્ટિંગ એક એવી કળા છે જેમાં મૉડલ મહત્ત્વના નથી. મહત્ત્વની છે એ ચિત્ર દ્વારા કહેવાયેલી વાર્તા. તે કહે છે, ‘મારા માટે પેઇન્ટિંગ વિઝ્યુઅલ ડાયરી છે. મારાં ચિત્રો મારા અંગત જીવનમાંથી આવે છે. હું મારા અનુભવોને કૅન્વસ પર ઉતારવાનો પ્રયત્ન કરું છું. કેટલીક વાર મારે અમુક વાર્તા કહેવી હોય છે. આ જ કારણ છે કે મારાં ચિત્રોમાં હું મારી જ જાતનો મૉડલ તરીકે ઉપયોગ કરું છું.’બાળપણમાં મમ્મી રેખાબહેન સાથે રંગોળી બનાવતા લાગેલા ડ્રૉઇંગના ચસકાને વર્ષો સુધી હેમાલીએ શોખ પૂરતો જ સિમીત રાખ્યો હતો. તેથી જ તેણે બારમા પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી કેટલોક સમય સૉફ્ટવેર પ્રોગ્રામર તરીકે નોકરી કરી. અલબત્ત, ટૂંક જ સમયમાં તેને સમજાઈ ગયું કે આ એ નથી જે તેને કરવું છે. તેથી તેણે નોકરી છોડી દીધી અને આઇઆઇટી મુંબઈમાં ઍનિમેશન ડિઝાઇનિંગમાં માસ્ટર્સ કરી ફ્રીલાન્સર તરીકે પોતાનું કામ શરૂ કર્યું. આ સમય દરમિયાન ૨૦૧૨માં તેની નજર ‘લવિંગ વિન્સેન્ટ’ના ઑનલાઇન રફ ટ્રેલર પર પડી. આવા કામ માટે પોતાની પાસે જરૂરી પોર્ટફોલિયો ન હોવા છતાં તેણે ફિલ્મ ડિરેક્ટર ડોરોટા કોબીલાનો સંપર્ક કરી તેમની સાથે આ પ્રોજેક્ટ પર કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હવે તેને સમજાઈ ગયું હતું કે તેણે પ્યૉર આર્ટ્સમાં જ આગળ વધવું છે, તેથી તેણે ડોરોટાનો જવાબ આવવાની રાહ પણ ન જોઈ. પહેલાં તેણે ઇટલીના ફ્લોરેન્સ શહેરમાં જઈ ત્યાંની એન્જલ ઍકૅડેમી ઑફ આર્ટ્સ અને ત્યાર બાદ ન્યુ યૉર્કના ગ્રૅન્ડ સેન્ટ્રલ અટલીયેમાંથી ક્લાસિકલ આર્ટ્સના નાના-નાના કોર્સ કર્યા. ૨૦૧૬માં ફરી તેને સમાચાર મળ્યા કે પોલૅન્ડમાં ‘લવિંગ વિન્સેન્ટ’ માટે આર્ટિસ્ટની પસંદગી થઈ રહી છે. આ વખતે અપ્લાય કરતાં તરત જ તેની પસંદગી થઈ ગઈ.


આગામી સાત મહિના તેણે દુનિયાભરમાંથી આવેલા ૧૨૫ આર્ટિસ્ટ સાથે પોલૅન્ડના પોર્ટ સિટી ગડાન્સ્કના એક સ્ટુડિયોમાં કામ કર્યું. એ દિવસોને યાદ કરતાં હેમાલી કહે છે, ‘બધાને એ સ્ટુડિયોમાં પોતપોતાની અલાયદી જગ્યા એનાયત કરવામાં આવી હતી. અહીં એક લાઇટથી કન્ટ્રોલ થતું બૉક્સ રહેતું. એક મૉનિટર, એક પ્રોજેક્ટર અને પેઇન્ટિંગ બનાવવા માટે કૅમેરા લગાડેલાં ડ્રૉઇંગ બોર્ડ રહેતાં. દરેક આર્ટિસ્ટને મૂળ કલાકારો સાથે બનેલી ફિલ્મનો અગાઉથી શૂટ કરેલો એક વિડિયો આપવામાં આવતો, જેની સાથે સંદર્ભ તરીકે કૅરૅક્ટર ડિઝાઇન પેઇન્ટિંગ્સ આપવામાં આવ્યાં હતાં. આ કૅરૅક્ટર ડિઝાઇન પણ પાછા વાન ગૉઘની પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટ શૈલીને પ્રતિબિંબિત કરતા હતા. ફિલ્મના પ્રત્યેક દૃશ્ય માટે અમારે પહેલી ફ્રેમ તરીકે કૅન્વસ પર એક સંપૂર્ણ પેઇન્ટિંગ બનાવવાનું રહેતું. ત્યાર બાદની ફ્રેમમાં શૉટ અનુસાર માત્ર પાત્રોની મૂવમેન્ટ બદલાતી, પરંતુ આજુબાજુનું દૃશ્ય છેલ્લી ફ્રેમ સુધી એ જ રહેતું. સાદા શબ્દોમાં સમજાવું તો પહેલાં તમે એક ચિત્ર બનાવો, એનો ફોટો પાડો. આ ફોટોને તમને આપવામાં આવેલી રેફરન્સ ઇમેજ સાથે મૅચ કરો અને સુપરવાઇઝર પાસે એને અપ્રૂવ કરાવો. ત્યાર બાદ તમે પાત્રની મૂવમેન્ટ દર્શાવવા પેઇન્ટિંગમાંથી કેટલોક ભાગ ખોતરી ત્યાં થોડાં પરિવર્તન કરો. ફરી પાછો એનો ફોટો પાડો, રેફરન્સ ઇમેજ સાથે મૅચ કરો અને સુપરવાઇઝર પાસે અપ્રૂવ કરાવો. આગળ જતાં આ બધા ફોટોને કમ્પ્યુટર પર એવી રીતે સીવી દેવામાં આવે છે કે એ ફિલ્મનું દૃશ્ય હોવાનો આભાસ ઊભો કરે છે.’


આટલું કહી હેમાલી ઉમેરે છે, ‘કેટલીક વાર માત્ર એક શૉટ માટે જરૂરી પેઇન્ટિંગ્સ બનાવવામાં એક આખો મહિનો નીકળી જતો. એમાં પાછા રંગો પણ એકસરખા જ રહેવા જોઈએ. તેથી ઘણી વાર તો અમે એકસાથે બહુ બધો રંગ તૈયાર કરી દેતા અને એ સુકાય નહીં એ માટે એને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી દેતા.’

૯૪ મિનિટની આ ફિલ્મમાં લગભગ ૬૫,૦૦૦ પેઇન્ટિંગ્સનો ઉપયોગ થયો હતો. ફિલ્મની પ્રત્યેક સેકન્ડ આવી ૧૨ ફ્રેમની બનેલી હતી. હેમાલીએ આખી ફિલ્મ માટે ૩૫૦ પેઇન્ટિંગ્સ બનાવ્યાં હતાં, જે બધું મળીને ફિલ્મની ૩૦ સેકન્ડ બની હતી. હેમાલીએ બનાવેલાં પેઇન્ટિંગ્સ ફિલ્મનાં સાત દૃશ્યોમાં જોવા મળે છે.

‘લવિંગ વિન્સેન્ટ’ બાદ હેમાલીએ ફરી પાછો ન્યુ યૉર્ક જઈ ગ્રૅન્ડ સેન્ટ્રલ અટલીયેમાંથી ક્લાસિકલ રિયલિઝમ પર ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. આગળ જતાં તેણે ઇઝરાયલના તેલ અવિવ, પોલૅન્ડના ગડાન્સ્ક તથા અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં આયોજવામાં આવેલા ગ્રુપ એક્ઝિબિશનમાં પોતાનાં પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કર્યાં. વધુમાં ગયા વર્ષે વરલીના નેહરુ સેન્ટર આર્ટ ગૅલેરીમાં તેણે પોતાનો સોલો શો પણ કર્યો. ગયા વર્ષે જુલાઈ મહિનામાં તે ‘લવિંગ વિન્સેન્ટ’ જેવી એક વધુ ફિલ્મમાં ભાગ લેવા પોલૅન્ડ જવાની હતી, પરંતુ અંગત કારણોસર એ શક્ય ન બન્યું.

હાલ હેમાલી પેઇન્ટિંગ કરવા ઉપરાંત કેટલાક ઍનિમેશન પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે. અંગત રીતે તેને ફિગરેટિવ પેઇન્ટિંગ્સ બનાવવાં વધુ ગમે છે. ભારતીય ચિત્રકારોમાં તેને ભૂપેન ખખ્ખર તથા અમૃતા શેરગિલનું કામ બહુ ગમે છે તો આંતરરાષ્ટ્રિય ચિત્રકારોમાં સર પીટર પૉલ રુબેન્સ, કરવાજીઓ, વિન્સેન્ટ વાન ગૉખ, ગેરાર્ડ વાન હોનથ્રોસ્ટ તેને પ્રેરિત કરે છે. પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટ કલાકારોની જેમ તેની ઇચ્છા પણ પોતાનાં પેઇન્ટિંગ્સમાં વધુને વધુ રંગો વાપરવાની છે. તે કહે છે, ‘હું રિયલિઝમ પેઇન્ટિંગ્સ વિશે ભણી છું અને એમાં જ મારે મારો અવાજ શોધવો છે. મને વિશ્વાસ છે કે મારો અવાજ મારાં પેઇન્ટિંગ્સ દ્વારા પોતાનો માર્ગ શોધી લેશે.’

કોણ હતા વિન્સેન્ટ વાન ગૉઘ?

તમને ચિત્રકળામાં થોડો પણ રસ હોય તો તમે વિન્સેન્ટ વાન ગૉખનું નામ તો સાંભળ્યું જ હશે. અઢારમી સદીમાં થઈ ગયેલા આ પોસ્ટ ઇમ્પ્રેશનિસ્ટ ડચ પેઇન્ટરને આજે દુનિયા પશ્ચિમી ચિત્રકળાના ઇતિહાસના સૌથી જાણીતા ચિત્રકાર તરીકે જુએ છે. ફક્ત એક દાયકાના સમયકાળ દરમિયાન તેમણે ૨૧૦૦ આર્ટવર્ક બનાવ્યાં, જેમાંથી ૮૬૦ ઑઇલ પેઇન્ટિંગ્સ હતાં. ઑઇલ પેઇન્ટિંગ્સમાંથી મોટા ભાગનાં તો તેમણે જીવનનાં છેલ્લાં બે વર્ષમાં જ બનાવ્યાં. બોલ્ડ, પ્રતીકાત્મક રંગો દ્વારા અભિવ્યક્ત થયેલાં આ પેઇન્ટિંગ્સમાં લૅન્ડસ્કેપ્સ, સ્થિર જીવન તથા સેલ્ફ પોર્ટ્રેટ વગેરેનો સમાવેશ થાય છે. છતાં નવાઈની વાત તો એ છે કે પોતાના જીવનકાળ દરમિયાન તેઓ ફક્ત એક જ પેઇન્ટિંગ વેચી શક્યા હતા અને તેમના કામને સાચી ખ્યાતિ તો લાંબી માનસિક બીમારી તથા ગરીબીથી કંટાળીને ૩૭ વર્ષની નાની ઉંમરે તેમણે કરેલી આત્મહત્યા બાદ મળી. તેમના સમગ્ર જીવન દરમિયાન લોકોમાં તેઓ ધૂની, સનકી તથા ગાંડા માણસ તરીકે વખોડાયેલા રહ્યા, જેણે એક વાર ગુસ્સાના આવેગમાં પોતાનો જ એક કાન કાપી અખબારમાં લપેટી એક ગણિકાને ભેટ કરી દીધો હતો. આ ડચ ચિત્રકારના નામના ઉચ્ચારની પણ અલગ વાર્તા છે. બ્રિટિશરો તેમના નામનો ઉચ્ચાર વિન્સેન્ટ વૅન ગૉફ તરીકે તો અમેરિકીઓ વૅન ગૉઘ તરીકે કરે છે. જોકે મૂળ ડચમાં તેમના નામનો ઉચ્ચાર વિન્સેન્ટ વાન કે ફાન ખૉખ કરાય છે.

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2023 03:05 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK