Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > સિંગલ છો? ભાડે ઘર જોઈએ? તો તકલીફો વેઠવા તૈયાર થઈ જાઓ

સિંગલ છો? ભાડે ઘર જોઈએ? તો તકલીફો વેઠવા તૈયાર થઈ જાઓ

10 February, 2024 12:19 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મુંબઈમાં વર્ષોથી લોકો કામની તલાશમાં પોતાનું વતન છોડીને આવે છે. છતાં આજની તારીખે પણ એકલા વ્યક્તિને સોસાયટીમાં ઘર મળવું એ માથાનો દુખાવો છે. ઘણીબધી હાઉસિંગ સોસાયટીઓ એકલાં છોકરા-છોકરીઓને ઘર આપવા માગતી જ નથી હોતી

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં હંમેશાં કહેવાયું છે કે રોટલો મળી જાય પણ ઓટલો નહીં મળે. અહીં ખુદનું ઘર વસાવવું એક સપનું છે, જે ભાગ્યે જ લોકોનું પૂરું થતું હોય છે. એટલે મોટા ભાગે લોકો ભાડાના ઘરમાં જ રહેતા હોય છે. પરિણીત અને પરિવાર સાથે રહેતા લોકોને ભાડાનું ઘર મળતાં ખાસ વાંધો નથી આવતો. પરંતુ અપરિણીત, એકલા રહેતા છોકરા કે છોકરીઓને ભાડે ઘર મળવું થોડી તકલીફવાળી વસ્તુ છે. મુંબઈનાં તો ભાડાં પણ એટલાં છે કે છોકરા કે છોકરીઓ ગ્રુપમાં રહે તો જ પોસાય. એક રૂમમાં બેથી ચાર જણ રહી શકે એવી વ્યવસ્થા સાથે બધા એક છત નીચે પોતાનું જીવન-ગુજરાન ચલાવતા હોય છે જેનાથી ભાડું વહેંચાઈ જાય અને ઓછા પૈસામાં વ્યક્તિને એક છત મળી રહે. પરંતુ આવાં છોકરા-છોકરીઓના ગ્રુપને મોટા ભાગની સોસાયટીઓ રાખવા માગતી નથી. મુખ્ય કારણ છે કે સોસાયટીઓ માને છે કે આ અપરિણીત લોકો સોસાયટીમાં ન્યુસન્સ ફેલાવે છે. દારૂ પીએ, સ્મોકિંગ કરે, પાર્ટીઓ કરે, જોર-જોરથી ગીતો વગાડે, હોબાળો બોલાવે, પોતાના ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને લાવે અને બધા ન કરવાનાં કામો તેઓ કરે જેને કારણે સોસાયટીમાં રહેતા સભ્ય લોકોનું જીવન ખરાબ થાય. માહોલ બગડે. આ એક હદે સાચી વાત પણ છે. ઘણા અપરિણીત લોકો મસ્ત મૌલાની જેમ જીવતા જ હોય છે જે સભ્ય સમાજને કઠે એમાં ના નહીં, પણ બધા કાગડા કાળા હોય, માણસો તો બધા જુદા-જુદા રંગો અને જુદાં-જુદાં ચરિત્રોના જ હોવાના. છતાં બધા એકસરખા ખરાબ છે એમ સમજીને સિંગલ રેન્ટ પર રહેનારા લોકો કઈ-કઈ તકલીફોમાંથી પસાર થાય છે એનો આજે ચિતાર મેળવવાનો પ્રયાસ કરીએ.


ઘર ન મળે
સમૂહમાં રહેતાં છોકરા અને છોકરીઓમાં મૂળ છોકરીઓને ઘર મળવું વધુ અઘરું છે એવી વાત કરતાં મૂળ કેશોદની અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં લાઇન પ્રોડ્યુસર તરીકે કામ કરતી અને અંધેરીમાં રહેતી દિયા પટેલ કહે છે, ‘હું છેલ્લાં ૧૪ વર્ષથી મુંબઈમાં છું અને મેં ૭-૮ ઘર બદલ્યાં છે. શરૂઆતમાં લોકો અમને કહેતા કે એકલા છોકરાઓ હોય તો હજી ઠીક છે, છોકરીઓને અમે ઘર નથી આપતા. પહેલું ઘર અમે મારી સુરતમાં રહેતી મિત્ર અને એના પતિના નામે ભાડે રાખેલું. શિફ્ટ કરતી વખતે તેમને આવતાં મોડું થયું તો સવારથી સાંજ સોસાયટીની બહાર ટેમ્પો અને સામાન લઈ અમારે રાહ જોવી પડી. અમને તેમણે અંદર નહોતાં આવવા દીધાં. એ લોકોએ ફરજિયાત થોડા-થોડા સમયે અહીં દેખાતાં રહેવું પડતું કે તેઓ અહીં જ રહે છે. આજે પણ ઘર બદલવું હોય તો ૩ મહિના પહેલાથી શોધવાનું શુર કરીએ ત્યારે મેળ પડે. વળી, એમાં અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા વધુ બદનામ. મેં તો એવું પણ સાંભળ્યું છે કે ફિલ્મ વાળાને અમે ઘર નથી આપતા કારણકે એમની પાસે આજે પૈસો હોય, કાલે નહીં હોય.‘છોકરીઓ માટે નિયમો  
બાકી છોકરીઓ જ્યાં પણ રહે એના નિયમો અઢળક હોય છે એમ જણાવતાં દિયા પટેલ કહે છે, ‘મિત્રો જેમાં છોકરાઓ તો ભૂલી જાઓ, છોકરીઓ જ હોય તો પણ ઘરે આવવા નહીં દેવાના. કોઈ પાર્ટી કરવાની નહીં એટલું જ નહીં, તમે કયાં કપડાં પહેરો છો એના પર પણ બધાની વૉચ. મારી સાથે જે છોકરીઓ રહેતી તેમને હું વૉર્ડન જેવી લાગતી, કારણ કે મને સતત એવું લાગતું કે આ મારી જવાબદારી છે. કોઈ એક છોકરીના વાંકે બધાને સહન કરવું પડે એમ ન થવું જોઈએ. ઑડિશન માટે ઘરેથી તૈયાર થઈને નીકળ્યા પછી પણ દરેક છોકરી રૅપરોન અને શાલ વીંટીને જ નીકળતી. બધા પાસે ફરજિયાત એ હોવું જ જોઈએ નહીંતર લિફ્ટમાં મળેલા અંકલ-આન્ટી તમારી ખબર લઈ લે. વિચારો! ૨૦૨૩માં મુંબઈમાં રહેતી છોકરીને શું પહેરવું, કોની સાથે રહેવું, રાત્રે ઘરે કેટલા વાગ્યે આવવું, ઘરે કોઈને બોલાવવા કે નહીં આ બધાનો નિર્ણય સોસાયટીવાળા કરે છે. એ જ સોસાયટીમાં પોતાનું ઘર ધરાવનારા યુવાનોને જેમ જીવવું હોય એમ જીવી શકાય અથવા લગ્ન કરી લો તો એમ જીવી શકાય. બાકી વગર લગ્ને એકલા જીવન જીવવાનું એટલે કોઈ પણ મૉરલ પોલિસ બનીને તમારી સામે ઊભું રહી શકે છે.‘


ખોટી હેરાનગતિ 
હાલમાં ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપનીની માલિક એવી વૃંદા ઠક્કર ૨૦૦૮માં મુંબઈ આવેલી. અલગ-અલગ પ્રકારે સ્ટ્રગલ કરીને જાતમહેનતે આગળ વધેલી વૃંદા કહે છે, ‘૨૦૧૩ આસપાસ મેં સારું કમાવાનું શરૂ કરેલું. એ સમયે એકલા રહેવું ખાસ સેફ નહોતું લાગતું એટલે પેઇંગ ગેસ્ટ તરીકે મેં મલાડમાં રહેવાનું શરૂ કરેલું. મેં મારી પહેલી ગાડી લીધી હતી. એક છોકરી નાની ઉંમરમાં આટલી સફળ કઈ રીતે થઈ શકે? એ નક્કી કંઈક ખોટા રસ્તે જ છે એમ બધા માની લેતા હોય છે. આ જગ્યાએ એ બિલ્ડિંગના લોકોએ રાત્રે ૧૨ વાગ્યે પોલીસ બોલાવી અને મને ખોટી રીતે ફસાવવા માગતા હતા. મારી પાસે વિઝિટિંગ કાર્ડ હતું, સોશ્યલ મીડિયા પ્રોફાઇલ મેં એમને બતાવ્યું. હું એ સમયે આર્ટિસ્ટ મૅનેજમેન્ટનું કામ સંભાળતી. પોલીસને આ કામની સમજ હતી એટલે એ લોકો માનભેર સૉરી બોલીને પાછા જતા રહ્યા. આ બનાવ પછી પણ બિલ્ડિંગવાળા સુધર્યા નહીં અને તેમણે મારી નવી ગાડીમાં જાણી-જોઈને સ્ક્રૅચ પાડ્યા. જોકે ત્યાં સુધીમાં મારી ધીરજ ખૂટી ગઈ હતી અને મેં આ બાબતે પોલીસ કમ્પ્લેઇન્ટ કરી હતી. પોલીસે મારો સાથ આપેલો. પણ વિચારું તો લાગે છે કે મારી જગ્યાએ કોઈ છોકરો કામ કરતો હોત તો એનો વિકાસ જોઈને સમાજ ખુશ થાત, પણ છોકરીઓ માટે એવું બનતું નથી.‘

અન્યાય 
હાલમાં વૃંદા ઠક્કર ગ્રીન વ્યુ, ગોરેગામમાં રહે છે અને ત્યાંથી તેને કાઢી મૂકવાની પેરવી ચાલી રહી છે. એના વિશે વાત કરતાં તે કહે છે, ‘હું પ્રાણીપ્રેમી છું. અહીં રહેતી ૮-૧૦ બિલાડીઓના ખોરાકનું હું ધ્યાન રાખું છું. છેલ્લાં ૬ વર્ષથી અહીં રહું છું. કોઈ જ તકલીફ નહોતી. મકાનમાલિકને સોસાયટીવાળા પ્રેશર આપી રહ્યા છે કે આને અહીંથી કાઢો, કારણ કે મારે કારણે સોસાયટીમાં ગંદકી થાય છે. બિલાડીઓ ફર્યા કરે છે. એ મૂંગા જીવો માટે સોસાયટી એક ખૂણો નથી આપી શકે એમ. મેં તેમના વિરુદ્ધ કે લીગલ નોટિસ પણ મોકલી, જેનો તેઓ જવાબ નથી આપતા. પ્રાણીઓને અન્ન ખવડાવવાનો હક બધાને છે. એ કારણસર મને બિલ્ડિંગમાંથી કાઢી ન મૂકી શકાય. ઍનિમલ વેલ્ફેર તરફથી મેં તેમને એક નોટિસ મોકલી છે પણ મને મારા મકાનમાલિકે કહ્યું કે મારે ઘર ખાલી કરવું જ પડશે. હું જતી રહીશ તો આ બિલાડીઓનું શું થશે? જો અહીં મારું ઘર હોત તો તેઓ કશું બોલત નહીં પરંતુ હું ભાડૂત છું એટલે એ લોકો મને કાઢી રહ્યા છે.’


પાડોશીઓ તરફથી તકલીફ 
મૂળ ભરૂચનો અને હાલમાં મીરા રોડ રહેતો ઓજસ પંડ્યા છેલ્લાં ૬ વર્ષથી મુંબઈમાં છે. પોતે નાટકો અને ટીવીમાં ઍક્ટર તરીકે કાર્યરત છે. પોતાનો એક અનુભવ જણાવતાં ઓજસ કહે છે, ‘અપરિણીત છોકરાઓ બિલ્ડિંગમાં રહેતા હોય એનાથી ઘણા લોકોને ખૂબ તકલીફ હોય છે. અમે જ્યારે ઘર ભાડા પર લઈએ ત્યારે સોસાયટી સાથેના ઇન્ટરવ્યુમાં હું હંમેશાં મારાં માતા-પિતાને અહીં બોલાવી જ લાવું. ક્યારેક એ ન આવી શક્યાં હોય તો ફોન પર વાત કરાવી દઉં. લેખિતમાં પણ આપીએ કે અમારા થકી કંઈ પણ અસામાજિક કાર્ય થાય તો બીજા જ દિવસે અમે ઘર ખાલી કરી આપીશું. આટલી બાંહેધરી પછી ખૂબ જ સભ્ય વર્તન પછી પણ અમારા એક પાડોશી હતા, જેમને એમ હતું કે આસપાસ અપરિણીત છોકરાઓ ન જોઈએ. તો એ વૉચમૅનને પૈસા ખવડાવીને અમારા ઘરનું પાણી બંધ કરાવવા લાગ્યા. પહેલાં તો અમને સમજાયું નહીં, તપાસ કરી તો ખબર પડી કે આખા બિલ્ડિંગમાં પાણી છે; અમારા ઘરે જ નથી. મેં સેક્રેટરીને વાત કરી. તેમણે મીટિંગ બોલાવી જેમાં અમારા પાડોશીએ કબૂલ્યું કે તેમણે આવું કરાવેલું. મેં તેમની સાથે વાત કરી. તેમને તેમની ભૂલ સમજાઈ અને પછી તેમણે એવું ન કર્યું.’

સોસાયટી કે હૉસ્ટેલ? 
એવા જ એક બીજા ભૂતકાળના અનુભવ વિશે વાત કરતાં ઓજસ પંડ્યા કહે છે, ‘સોસાયટીમાં બધા જાણતા હતા કે હું નાટકોમાં કામ કરું છું. ચર્ચગેટ પર નાટક ૧૨ વાગ્યે પતે તો મીરા રોડ ઘરે પહોંચતાં બે તો વાગી જ જતા. આ પરિસ્થિતિમાં અમારી સોસાયટીનો દરવાજો બંધ થઈ જતો. એના પર તાળું મારી દેતા એ લોકો. એટલે મારે દરવાજો કૂદીને અંદર જવું પડતું. એક વાર સીસીટીવીમાં તેમણે જોયું કે હું દરવાજો કૂદીને આવું છું તો તેમણે મને બોલાવ્યો. મેં તેમને મારો પ્રૉબ્લેમ કહ્યો. તેમણે કહ્યું કે દરવાજો તો ૧૧ વાગ્યે બંધ જ થઈ જશે. તમારે એ પહેલાં આવી જવું જોઈએ. આ સોસાયટી હતી કે હૉસ્ટેલ એ મને ન સમજાયું. મેં તેમને કહ્યું કે બંધ જ કરવો હોય તો દરવાજાની એક ચાવી મને આપી રાખો. તેમણે મને ચાવી આપી તો ખરી પણ એક મહિના પછી. આ એક મહિનો તો મારે કૂદીને જ અંદર જવું પડેલું.’

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2024 12:19 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK