Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મહાનુભાવોના આ પત્રો પણ ઘણું કહી રહ્યા છે

મહાનુભાવોના આ પત્રો પણ ઘણું કહી રહ્યા છે

04 March, 2023 03:47 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સાહિત્યકાર અને ‘મિડ-ડે’ના કૉલમિસ્ટ દિનકરભાઈ જોશી પાસે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, મોરારજીભાઈ દેસાઈ અને રાજેન્દ્રબાબુએ સ્વામી આનંદ માટે લખેલા પત્રો હતા

મહાનુભાવોના આ પત્રો પણ ઘણું કહી રહ્યા છે

સ્પેશ્યલ સ્ટોરી

મહાનુભાવોના આ પત્રો પણ ઘણું કહી રહ્યા છે


આ પત્રોને રાષ્ટ્રની સંપત્તિ ગણીને દિનકરભાઈએ સરકારને સુપરત કર્યા છે ત્યારે જાણીએ આ પત્રો તેમને કઈ રીતે મળ્યા અને હવે આ પત્રોનું શું થશે એ

આજના સમયમાં જો તમારી પાસે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, મોરારજીભાઈ દેસાઈ, સ્વામી આનંદ, રાજેન્દ્રબાબુ જેવા મહાનુભાવોના હસ્તલિખિત પત્રો હોય તો તમે શું કરો? પહેલું રીઍક્શન એ હોઈ શકે કે તમે ચોક્કસ એ ઉઠાવીને વાંચવા લાગો કે આ પત્રોમાં છે શું. પછી એનું મહત્ત્વ સમજવાની કોશિશ કરો. થોડો સમય એને સાચવી રાખો. પરંતુ જ્યારે તમને સમજાય કે એને વેચીને કરોડો રૂપિયા મળી શકે છે ત્યારે તમે શું કરો? આ પ્રશ્નનો જવાબ ૯૯.૯૯ ટકા વ્યક્તિઓ એવો જ આપે કે તો વેચી દઈએ. પણ ૦.૧ ટકામાં દિનકરભાઈ જોશી જેવું વિરલ વ્યક્તિત્વ પણ આવે છે જેણે સમજ્યું કે આ પત્રો એ કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, કારણ કે આ જેમના પત્રો છે એ વ્યક્તિઓ જ દેશની સંપત્તિ જેવા મહામૂલા છે. તો એમના લખેલા પત્રો પણ રાષ્ટ્રીય સંપત્તિ ગણાય અને એટલે જ એને રાષ્ટ્રને સુપરત કરવા જરૂરી છે. ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પાંચ પુરસ્કારો જીતનારા લેખક દિનકર જોશી ગુજરાતી સાહિત્યનું એક ઉજ્જવળ નામ છે. જેમણે નવલકથાઓ, વાર્તાસંગ્રહો અને અભ્યાસ ગ્રંથો મેળવીને કુલ ૧૬૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. ગયા સપ્ટેમ્બરમાં તેમણે મિનિસ્ટ્રી ઑફ કલ્ચરની હેઠળ આવેલા નૅશનલ આર્કાઇવ્સ ઑફ ઇન્ડિયાને પોતાની પાસે વર્ષોથી સાચવી રાખેલા ૭૬ જેટલા મહામૂલા પત્રો ભેટ આપ્યા હતા. વિદ્વાનો પણ એ વાંચીને એનો અભ્યાસ કરી શકે એ માટે આ પત્રોનું અનાવરણ અર્કાઇવ્સ ઑફ ઇન્ડિયાના સેક્રેટરી શ્રી ગોવિંદ મોહનના હસ્તે પહેલી માર્ચે દિલ્હીમાં થયું હતું. આ પત્રોને એમની લાઇબ્રેરીમાં સાચવીને રાખવામાં આવશે. પરવાનગી લઈને લાઇબ્રેરીમાં જઈને આ પત્રો કોઈ પણ વાંચી શકશે.



વડા પ્રધાનને પત્ર


આ પત્રોની ભેટ બાબતે વાત કરતાં દિનકરભાઈ કહે છે, ‘આ પત્રો ખાસ્સાં વર્ષો મારી પાસે જ હતા. અમુક લોકોને ખબર પડી એટલે તેમણે આ પત્રોની ભારે કિંમત આપવાની તૈયારી પણ બતાવી હતી, પરંતુ મારા મગજમાં એ નક્કી હતું કે એને વેચવા તો નથી જ. પરંતુ એક ચિંતા એ પણ થઈ કે મારા ગયા પછી એને કોણ સાચવશે? આ પત્રો દેશની જ સંપત્તિ છે એટલે દેશને જ સુપરત કરવા જોઈએ એમ વિચારીને મેં વડા પ્રધાન શ્રી નરેન્દ મોદીને પત્ર લખ્યો અને આ પત્રો વિશે જણાવ્યું. તરત જ તેમણે દિલ્હીથી એક ટીમ મોકલી, જેણે આ પત્રોની ખરાઈ કરી. સપ્ટેમ્બરમાં મેં તેમને પત્રો સોંપ્યા. એ પછી પત્રોનું ડિજિટાઇઝેશન થયું અને એની એક કૉપી અમને આપવામાં આવી. સરકાર આમાંથી અમુક પત્રોને એમની વેબસાઇટ પર પણ મૂકશે, પરંતુ દરેક પત્રનો સમાવેશ એમાં થઈ શકે નહીં.’

કઈ રીતે મળ્યા?


આઝાદીનાં ૧૦ વર્ષ પહેલાં ભાવનગરમાં જન્મેલા દિનકરભાઈને આ મહાનુભાવોના પત્રો મળ્યા ક્યાં? આ પ્રશ્નનો જવાબ આપતાં દિનકરભાઈ કહે છે કે એ પત્રો મૂળ સ્વામી આનંદના છે. સાધુજીવન જીવતા સ્વામી આનંદ ગાંધીજી સાથે તેમનાં કામોમાં સક્રિય રીતે જોડાયેલા હતા. અને ગુજરાતીમાં તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે.

સ્વામી આનંદના પત્રો તેમને કઈ રીતે મળ્યા એ વિશે વાત કરતાં દિનકરભાઈ કહે છે, ‘સ્વામી આનંદ પાસે ગણીને બે જોડી કપડાં અને અમુક પુસ્તકો રહેતાં. એનું પોટકું બનાવીને એ આખું જગત ફરતા. જ્યાં જાય ત્યાં તેમનું પોટકું તેમની સાથે જ હોય. એક સમયે તેઓ મુંબઈ આવ્યા હશે અને પોતાના મિત્રોને ત્યાં રોકાયા હશે તો તેમનો કેટલોક સમાન તેમને ત્યાં જ કબાટમાં રાખી મૂકેલો. સ્વામી આનંદના એ મિત્રો મારા પણ મિત્રો નીકળ્યા. વર્ષો પછી જ્યારે તેઓ ઘર ખાલી કરતા હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે આ શું કાગળિયાં છે એ તું જરા જોઈને કહે. મેં એ જોયાં ત્યારે મને થયું કે આ તો અમૂલ્ય ખજાનો છે જે સામે ચાલીને જ મારી પાસે આવી ગયો. એટલે મેં ખૂબ જતનથી એને સાચવ્યા હતા, જે આજે દેશની સંપત્તિ થઈ ગયા છે.’

મહામૂલી જણસ

આમ આ બધા જ પત્રો જુદી-જુદી વ્યક્તિઓએ સ્વામી આનંદને લખ્યા હતા. આ પત્રો દ્વારા પણ એ સ્પષ્ટ છે કે સ્વામી આનંદ એ સમયે ગાંધીબાપુના સ્વરાજ્યના કામમાં ઘણા આગળ પડતા હતા. આ પત્રો એક કીમતી જણસ છે એમાં કોઈ શંકા નથી. પત્રલેખન એક એવી કળા છે જેના દ્વારા એમાં લખેલી માહિતી સિવાય પણ તમે એ પત્ર લખનારી વ્યક્તિ, તેના વ્યક્તિત્વ અને તેના એ સમયના ભાવ વિશે ઘણું-ઘણું જાણી શકાય અને સમજી શકાય છે. આ બાબતે સહમત થતાં દિનકરભાઈ કહે છે, ‘એટલે જ જૂના પત્રોનું મહત્ત્વ ઘણું વધારે છે. એના દ્વારા હું આ મહાનુભાવોને થોડું વધુ સમજવાની કોશિશ કરી શક્યો અને હવે દેશના બીજા અઢળક વિદ્વાનો એ કરી શકશે.

પત્રોની એક ઝલક

૧૩-૧૨-૧૯૪૬ના સરદાર પટેલનાં દીકરી મણિબહેનનો સ્વામી આનંદને લખાયેલો પત્ર :
મુ. (મુરબ્બી) સ્વામીજી, 
તમારો પત્ર ગઈ કાલે મળ્યો. બે દિવસ પર c/o ડૉ. મહેતાના સરનામે પત્ર લખ્યો છે એ મળ્યો હશે. 
ચારે તરફ આગના ભડકા સળગે છે અને ચિનગારી ચેતાવી તમાશો જોયા કરનારા જોયા કરે છે. જ્યાં સુધી એ સફેદ ચામડીને ઊની આંચ પણ નથી લાગતી ત્યાં સુધી એને તમાશો જોવાની મજા પડે જને! પણ એ લોકોને ભાન નથી કે જ્યારે લોકોને સમજાશે કે આ ખૂનખરાબી કરનારા તો એ જ છે. પોતાનું રાજ્ય કાયમ રાખવા ખાતર રચેલી બાજી છે. ત્યારે એમને રહેવું ભારે પડશે. આજે અંદર-અંદર જે ઝેર-વેર ફેલાવ્યું છે એથી ઘણું ઝેર એમના પ્રત્યે થશે.

ઝીણા મિયા પણ બંગલામાં મજા કરે છે. કેવી દેશની ખરાબી કરી રહ્યો છે. મૌલાનાને કલકત્તા કે નવખલી જવાનું ન સૂઝ્યું. પૂ. બાપુજીએ તો કહ્યું પણ ખરું કે તમારા દિલમાં ઊગે તો તમારું સ્થાન અત્યારે ત્યાં છે. પણ એ શેનું એમને ગમે? એમને તો પટના જવાનું સૂઝે. બિહારમાં થયું એના પર બધા તૂટી પડ્યા પણ કલકત્તા કે નવખલી પર બોલવાનું ક્યાંથી ગમે એમને? પ્રભુ મહાસભાને તાવી રહ્યો છે. અત્યારે તો ભરદરિયે નાવ ઝોલાં ખાય છે. ઈશ્વર આ તોફાનમાંથી પાર ઉતારો. મહાસભાની લાજ રાખો. આટલાં વરસની પૂજ્ય બાપુ અને બધાની મહેનત ના ડૂબે. આવો વખત આવ્યો છે. હાથમાંનો કોળિયો જતો ન રહે એ જ પ્રાર્થના.

નરહરિભાઈ ચરિત્ર લખવા અડધાપડધા તૈયાર થયા છે. હવે પૂરા તૈયાર કરવાનું કામ તમારું છે. તમે મદદ કરશો એ પર એ તૈયાર થયા છે. હવે તો કિશોરલાલભાઈ પણ થોડો વખત ત્યાં રહેવા આવવાના છે. એટલે તેમની પણ કંઈક મદદ લઈ શકશો. મુનશી તો એક વર્ષની અંદર લખવાના હતા. હજી તો આરંભ પણ નથી કર્યો. એટલે હવે આપણે કંઈ એમને કહેવાપણું નથી. કંઈ પૂછવાપણું નથી. તમે નક્કી કરો એટલે સાધનો મારાથી બને એટલા પહોંચાડવાની ગોઠવણ કરવા માંડુ. તેન્ડુલકરે ક્રોનિકલમાંથી ૪૦૦ પાનાં જેટલું ટાઇપ ભેગું કર્યું છે. એની નકલ તો નરહરિભાઈને આપવાની મેં એને કહી છે અને મુનશી લખશે તો એ જુદા દૃષ્ટિબિંદુથી, જ્યારે આપણું જુદા દૃષ્ટિબિંદુથી હોવાનું.

ઘરનું તો શું લખું, અહીં નોકરચાકરની મુશ્કેલી છે. સફાઈનું સામાન્ય ધોરણ પણ બહુ નીચું. મુંબઈના ઘાટી જેવું કામ કોઈને અહીં આવડે જ નહીં એટલે સફાઈ રખાવવામાં પણ કંઈક વખત તો જાય છે.  પૂ. બાપુના કામના બોજાની પ્રમાણમાં તબિયત ઠીક નભી રહી છે. ચિ. બાબુ અને સૌ. ભાનુમતી અહીં છે. ચિ. બાબાને તો મજા પડી છે. તમારી તબિયત સારી હશે. 
મણિબહેનના વંદેમાતરમ 

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 03:47 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK