Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક સમય હતો જ્યારે દુનિયાભરમાં ભારતની ઓળખ એટલે બે ચહેરા : એક પંડિત નેહરુ અને બીજા રાજ કપૂર

એક સમય હતો જ્યારે દુનિયાભરમાં ભારતની ઓળખ એટલે બે ચહેરા : એક પંડિત નેહરુ અને બીજા રાજ કપૂર

04 March, 2023 03:55 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

જેવી આ વાતની રાજ કપૂર અને નર્ગિસને ખબર પડી એટલે બંને મૂડમાં આવી ગયાં અને રાધુ કરમાકર અને બની રૂબેનને સાથે લઈ મેદાન તરફ ચાલવા લાગ્યાં

એક સમય હતો જ્યારે દુનિયાભરમાં ભારતની ઓળખ એટલે બે ચહેરા : એક પંડિત નેહરુ અને બીજા રાજ કપૂર

વો જબ યાદ આએ

એક સમય હતો જ્યારે દુનિયાભરમાં ભારતની ઓળખ એટલે બે ચહેરા : એક પંડિત નેહરુ અને બીજા રાજ કપૂર


એક કલાકાર તરીકે દેશવિદેશમાં રાજ કપૂરે જે માન-સન્માન મેળવ્યું એ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં અપ્રતિમ છે. તેમના સમકાલીન દિલીપકુમાર અને દેવ આનંદ ભારતમાં એટલા જ લોકપ્રિય હતા પરંતુ વિદેશોમાં રાજ કપૂરની લોકપ્રિયતાની તોલે બીજો કોઈ કલાકાર ન આવે. તેમના વ્યક્તિત્વનો કરિશ્મા જબરદસ્ત હતો. એક સમય હતો જ્યારે દુનિયાભરમાં ભારતની ઓળખ બે વ્યક્તિઓથી થતી. એક પંડિત જવાહરલાલ નેહરુ અને બીજા રાજ કપૂર. કોઈ વાર તો એ કહેવું મુશ્કેલ બની જતું કે બન્નેમાંથી વધુ લોકપ્રિય કોણ છે?

‘શ્રી 420’ના શૂટિંગ માટે આરકેનું યુનિટ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશના અંતરિયાળ પ્રદેશમાં જતું હતું. એ દિવસોમાં રાજ કપૂર અને નર્ગિસ યુનિટના બીજા ટેક્નિશ્યન્સ સાથે એક જ બોગીમાં પ્રવાસ કરતાં હતાં. અચાનક ટ્રેન ઊભી રહી ગઈ, કારણ કે એક ફાટક પર લોકોની ભીડ એકઠી થઈ હતી. સૌ ધીમે-ધીમે ફાટક ઓળંગી સામી બાજુએ આવેલા મેદાન તરફ જઈ  રહ્યા હતા જ્યાં પંડિત નેહરુ ભાષણ કરતા હતા.



જેવી આ વાતની રાજ કપૂર અને નર્ગિસને ખબર પડી એટલે બંને મૂડમાં આવી ગયાં અને રાધુ કરમાકર અને બની રૂબેનને સાથે લઈ મેદાન તરફ ચાલવા લાગ્યાં. પંડિત નેહરુ જે પ્લૅટફૉર્મ પરથી ભાષણ કરતા હતા ત્યાં સૌ પહોંચ્યાં. આ તરફ લોકોમાં વાત ફેલાઈ ગઈ કે રાજ કપૂર અને નર્ગિસ અહીં હાજર છે.


પ્લૅટફૉર્મ સામે રાજ કપૂર, નર્ગિસ અને બીજા સભ્યો પલાંઠી વાળી નીચે બેસીને ભાષણ સાંભળતાં હતાં પરંતુ લોકોમાં એટલી એક્સાઇટમેન્ટ હતી કે કોઈનું ધ્યાન ભાષણમાં નહોતું. લોકોનો ગણગણાટ વધતો જતો હતો. અકળાઈને પંડિત નેહરુએ ભાષણ બંધ કરીને બાજુમાં ઊભેલા સહાયકને ધીમેથી કશું કહ્યું. તરત પેલો સ્ટેજ પરથી નીચે આવ્યો અને યુનિટના એક સભ્યના કાનમાં કહ્યું, ‘તમારા આવવાથી લોકોનું ધ્યાન ભટકી ગયું છે. મહેરબાની કરી તમે સૌ અહીંથી જતા રહો.’ 
નછૂટકે સૌ ત્યાંથી ઊભા થઈ ચાલવા લાગ્યા.

૧૯૫૦ની વાત હોય કે ૧૯૮૦ની, રાજ કપૂરનો કરિશ્મા હંમેશાં અકબંધ રહ્યો છે. વિદેશી મહાનુભાવોને જ્યારે સાંસ્કૃતિક સમારંભોમાં આમંત્રિત કરવામાં આવે ત્યારે રાજ કપૂરની હાજરી અનિવાર્ય ગણાતી. ભારતના ‘કલ્ચરલ ઍમ્બૅસૅડર’ તરીકે રાજ કપૂરથી વધારે યોગ્યતા ધરાવનાર વ્યક્તિની કલ્પના જ ન કરી શકાય. ખાસ કરીને રશિયામાં રાજ કપૂર માટે જે આદર હતો એ અભૂતપૂર્વ છે. ૧૯૮૨માં મૉસ્કો ફિલ્મ ફેસ્ટિવલમાં રાજ કપૂર સાથે પ્રવાસ કરનાર અભિનેતા સંજય ખાન એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમારી સાથે રણધીર કપૂર પણ હતો. મૉસ્કો ઍરપોર્ટ પર ઇમિગ્રેશન હૉલ તરફ જતા હતા ત્યારે રાજસા’બે ડબ્બુ પાસે પોતાના વિઝાના પેપર માગ્યા ત્યારે ખબર પડી કે તે લાવવાનું ભૂલી ગયો છે. રાજસા’બ એટલા ગુસ્સે થયા કે વાત ન પૂછો. જોકે ઇમિગ્રેશન હૉલમાં દાખલ થતી વખતે તેમણે હસતે મોઢે સૌનું અભિવાદન કર્યું. તેમને હતું કે રાજ કપૂર પાસે કોણ વિઝાના પેપર માગશે?


પણ ના, તેમની ધારણા ખોટી હતી. રુક્ષ ચહેરાવાળા ઇમિગ્રેશન ઑફિસરે તેમને અટકાવ્યા અને પાસપોર્ટ માગ્યો. પાસપોર્ટનો ફોટો અને સામે ઊભેલી વ્યક્તિનો ચહેરો ધારી-ધારીને જોયા બાદ તેને લાગ્યું હશે કે બંને એક જ છે. પરંતુ પેપર્સ ક્યાં છે?  જો એ નિયમનો  ભંગ કરે તો સાઇબીરિયાની જેલમાં સડવું પડે. તે કોઈ જોખમ લેવા નહોતો માગતો. શક્ય છે કે સામે ઊભેલી વ્યક્તિ રાજ કપૂરના ચહેરાને મળતો આવતો સીઆઇએનો જાસૂસ પણ હોઈ શકે.

તેણે રાજ કપૂરને એક બાજુ બેસવાનું કહ્યું. ડબ્બુને કોસતા તેઓ એક બેન્ચ પર બેઠા હતા. અમે સામે બાજુથી આ જોતા હતા. પેલો ઑફિસર ફોન પર ફોન લગાવીને વાત કરતો હતો. અમને થયું કે એક સામાન્ય નાગરિકની જેમ રાજસા’બને પકડવામાં આવ્યા છે અને રિટર્ન ફ્લાઇટ પકડી તેમણે ભારત પાછા ફરવું પડશે. સમય વીતતો જતો હતો અને અમે ઊંચક જીવે આ બધું જોઈ રહ્યા હતા. 
એટલામાં એક સિનિયર ઑફિસર આવ્યો. તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા. રાજસા’બ પાસે આવીને થોડી ક્ષણો સુધી તેમનો ચહેરો જોયો અને પછી રશિયન ભાષામાં કશુંક બોલીને તેમને ભેટ્યો અને ચુંબન કર્યું. એ દૃશ્ય જોવા જેવું હતું. તેમનો હાથ પકડીને એ અમારી તરફ લાવ્યો ત્યારે જ અમને હાશકારો થયો.’

આ હતો સંજય ખાનનો અનુભવ. અનેક વિદેશી કલાકારો રાજ કપૂરના ભારતીય ફિલ્મોમાં  યોગદાનની કદર કરતા હતા. લંડનના એક પ્રવાસ દરમ્યાન રાજ કપૂર વિખ્યાત અદાકાર ટોપોલ અભિનીત નાટક ‘ફિડલર ઑન ધ રૂફ’ જોવા ગયા. પોતાના પર્ફોર્મન્સ દરમ્યાન ટોપોલે જોયું કે ઑડિયન્સમાં રાજ કપૂર બેઠા છે. નાટક પૂરું થયું એટલે ટોપોલે  પ્રેક્ષકોનો આભાર માનતાં કહ્યું, ‘લેડીઝ ઍન્ડ જેન્ટલમેન, તમે અને બીજા હજારો ચાહકો મને  ઇઝરાયલનો સૌથી વધુ લોકપ્રિય કલાકાર ગણો છો અને પ્રેમ કરો છો. હકીકતમાં હું સેકન્ડ બેસ્ટ કલાકાર છું.’ આટલું કહેતાં ટોપોલે સામે બેસેલા રાજ કપૂરને સ્ટેજ પર આવવાનો ઇશારો કર્યો. સ્ટેજ પર રાજ કપૂરના ખભા પર હાથ મૂકતાં તેણે કહ્યું, ‘લેડીઝ ઍન્ડ જેન્ટલમેન, આ છે ઇઝરાયલના સૌથી વધુ લોકપ્રિય કલાકાર, ભારતના રાજ કપૂર.’

તાળીઓના ગડગડાટ સાથે ઊભા થયેલા ઑડિયન્સનું ઝૂકીને અભિવાદન કરતાં રાજ કપૂરની આંખો આંસુથી છલકાઈ ગઈ. એક કલાકાર માટે ચાહકોની તાળીઓથી મોટો બીજો કોઈ અવૉર્ડ નથી. ડેલ કાર્નેગી કહે છે, ‘Award is an receipt, not a bill.’ જ્યારે ચાહકો સ્વયંસ્ફુરણાથી તાળીઓ દ્વારા અભિવાદન કરે છે ત્યારે હકીકતમાં કલાનું સન્માન કરીને કલાકારની સિદ્ધિઓ પર મંજૂરીની મહોર લગાવે છે. 
અંગત રીતે હું માનું છું કે એક ફિલ્મમેકર તરીકે તેમના યોગદાનની જેટલી સરાહના થઈ છે એટલી સરાહના તેમના અભિનયકૌશલ્યની નથી થઈ. અદાકારીનાં વિવિધ પાસાંઓને જીવંત કરવાનો કસબ તેમને હાથવગો હતો. કેટલાંય દૃશ્યો આંખ સામે આવે છે.

‘અંદાઝ’માં ‘યૂં તો આપસ મેં બિગડતે હૈં ખફા હોતે હૈં’ ગાતાં ડોકને ઝટકો આપીને વારંવાર કપાળ પર વાળ લાવવાની તેમની અદા રોચક છે. ભૂરી આંખોમાં કરુણા લઈને મુકેશના અવાજમાં ‘મુઝે તુમસે કુછ ભી ના ચાહિએ, મુઝે મેરે હાલ પે છોડ  દો’ ગાતા રાજ કપૂરને જોઈ આપણી આંખ આંસુથી છલકાઈ જાય. ‘બેવફા’માં નર્ગિસની દાગીનાની બૅગ લઈ ભાગતા રાજ કપૂર પર બદમાશ સાથીઓ ગોળીબાર કરે છે. બૅગ ખોલતાં અંદર કાંઈ નથી એ ખબર પડતાં પ્રાણ છોડતાં પહેલાં નર્ગિસ સામે અને પછી ખાલી બૅગ સામે જોઈને માર્મિક રીતે  હસતા રાજ કપૂરના ચહેરાને કોણ ભૂલી શકે?
‘અનાડી’માં પાર્ટીના દૃશ્યમાં હૃદય આકારની કેક કપાતાં જોઈ ‘અરે દેખો, ઉસમેં તો કોઈ છૂરી ચલાએ જા રહા હૈ’ એમ બોલતા, ‘શ્રી 420’માં ‘દિલ કા હાલ સુને દિલવાલા’, ‘જિસ દેશમેં ગંગા બહતી હૈ’માં ‘હોઠોં પે સચ્ચાઈ રહતી હૈ’ અને ‘મેરા નામ જોકર’માં ‘જીના યહાં મરના યહાં’ ગાતા રાજ કપૂરની માંજરી આંખો અને ભોળો માસૂમ ચહેરો આજ સુધી નજર સામે તરવરે છે. ‘સંગમ’માં ‘દોસ્ત દોસ્ત ના રહા’ ગાતી વખતે તેમના ચહેરાની લાચારી દર્શકની સહાનુભૂતિ મેળવી જાય છે. ‘આવારા હૂં’ કે પછી ‘મેરા જૂતા હૈ જાપાની’ ગાતા રાજ કપૂરને જોઈ ચાર્લી ચૅપ્લિનની યાદ ન આવે એવું બને જ નહીં. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું અલ્પ પ્રસિદ્ધ ગીત ‘પ્યાર કર લે નહીં તો શૂલી ચડ જાએગા’ જોઈને અરસિકોને પણ પ્રેમમાં પડવાનું મન થાય. ‘સંગમ’માં ‘ઓ મહબૂબા’માં કમરને લચક આપીને ગીત ગાતા મોજીલા  રંગીલા રાજ કપૂરને જોઈએ ત્યારે તેમની વધતી ઉંમર અને કમરો બની ગયેલી કમર આંખોને ખટકતી નથી.

‘જાને કહાં ગએ વો દિન’ ગાતી વખતે વીતેલી જિંદગીના અંગત ઝૂરાપાની બોલતી તસવીર તેમના ચહેરા પર અંકિત થયેલી દેખાય છે. ‘એ ભાઈ જરા દેખ કે ચલો’ના અંતમાં આજીજી કરતાં ‘જાઈએગા નહીં, મેરા તમાશા અભી ખતમ નહીં હુઆ’ કહીને રાજ કપૂર આપણને કેવળ ત્યાં બેસવા મજબૂર નથી કરતા, ઊલટાનું આપણે રાજીખુશીથી એ દર્દને પંપાળીને વાગોળતા રહીએ છીએ. 
‘શારદા’માં પહેલાં મીનાકુમારીને પ્રેમ કરીને અંતમાં તેને સાવકી માના સ્વરૂપમાં સ્વીકાર કરવાની ઘડી આવે છે ત્યારે ‘માં, મુઝે છોડકર મત જાઓ’ કહેતો તેમનો ચહેરો એટલે અભિનયની પરાકાષ્ઠા. ‘સંગમ’માં તેમની અકળામણ એટલી જીવંત રૂપે પ્રકટ કરે કે આપણને સહાનુભૂતિ થાય. રાજેન્દ્રકુમારને વળગીને ‘રોયે તો યાર કે કાંધે પર, જાયે તો યાર કે કાંધે પર’ બોલતા અને છેવટનાં દૃશ્યોમાં રાજેન્દ્રકુમારની અંતિમ ક્ષણોમાં તેને આજીજી અને ફરિયાદના મિશ્ર સ્વરૂપે ‘એક બાર તો કહ દિયા હોતા’ બોલ્યા પછી તેમના ચહેરાનો ક્લોઝ અપ તમે આંખો મીંચી દો તો પણ ભૂલી ન શકો. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં બંદૂક ને દમબુક કહેતો સીધોસાદો રાજુ પાછો પોતાને ‘જીતા જાગતા વન પીસ’ કહે ત્યારે તેના ભોળપણને ગંભીરતાથી માન આપવું પડે.

અગણિત દૃશ્યો છે. ’એક દિલ ઔર સો અફસાને’ જેવી યાદોનું સમાપન કરતું એક દૃશ્ય સ્મરણપટ પરથી ખસતું નથી. ‘અનાડી’માં જ્યારે લલિતા પવારને કહે કે ‘હમને તુમ્હારે જૈસા એક ભી નહીં દેખા, મિસિસ ડિસા’ ત્યારે આપણને એટલું જ કહેવાનું મન થાય, ‘સચ બાત હૈ રાજસા’બ, હમને ભી આપ જૈસા કોઈ નહીં દેખા.’

rajnimehta45@gmail.com

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 03:55 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK