જો જીવન સાર્થક બનાવવું હોય તો ધર્મને સાથે રાખીને, તપશ્ચર્યા અને સદ્કર્મોને સાથે રાખીને આગળ વધો.
ધર્મ લાભ
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ
પૅવિલિયનમાંથી ક્રીઝ પર આવતાં બૅટ્સમૅનને કદાચ બે જ મિનિટ લાગે. આ બે મિનિટના ગાળામાં પણ તેને કોઈ પડકાર ઝીલવાનો હોતો નથી, પણ ક્રીઝ પર આવી ગયા પછી એ ક્રીઝ પર ટકી જવા અને જામી જવા તો ન જાણે કેટકેટલા પડકારો તેણે ઝીલતા રહેવા પડે છે અને કલ્પનાતીત પ્રચંડ સત્ત્વ ફોરવતા રહેવું પડે છે.
બજારમાં પહેલી જ વાર પગ મૂકતા યુવકને પોતાના ચહેરા પર હાસ્યને રમતું રાખવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, પણ જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે તેમ-તેમ એને ખ્યાલ આવતો જાય છે કે ચહેરા પરના હાસ્યનું ટકાઉપણું અકબંધ રાખવું એ તેના માટે બહુ મોટો પડકાર છે.
ADVERTISEMENT
જન્મના પ્રથમ દિને ‘રડતા’ રહીને ‘સબ સલામત’નો સંદેશ આપતા બાળકને જેમ-જેમ જિંદગીના દિવસો વીતતા જાય છે તેમ-તેમ ખ્યાલ આવતો જાય છે કે ‘હસતા’ રહીને ‘સબ સલામત’ની અનુભૂતિ કરવી કેટલી મુશ્કેલ છે.
કેટલીક નક્કર વાસ્તવિકતાઓ આંખ સામે રાખી દેવાની છે. ભૌતિક જગત એમ કહે છે કે તમારું ચિત્ર અર્થાત્ વ્યક્તિત્વ આકર્ષક હોવું જોઈએ. તમારું વક્તવ્ય, તમારી ચાલ સામેવાળાને પ્રભાવિત કરી દે એવી હોવી જોઈએ. જ્યારે આધ્યાત્મિક જગત એમ કહે છે કે તમારું ચરિત્ર અર્થાત્ આચરણ સરસ હોવું જોઈએ. તમારો વ્યવહાર સૌજન્યસભર હોવો જોઈએ. ભૌતિક જગત એમ કહે છે કે તમારી દૃષ્ટિ ધારદાર અને તેજ હોવી જોઈએ. જેના પર તમારી દૃષ્ટિ પડે એ અંજાઈ જવો જોઈએ. જ્યારે આધ્યાત્મિક જગત એમ કહે છે કે તમારો દૃષ્ટિકોણ સમ્યક્ હોવો જોઈએ. પ્રસંગો ગમે તેવા અનપેક્ષિત બને, સમ્યક્ દૃષ્ટિકોણના માધ્યમે તમારી સ્વસ્થતા ટકાવી રાખવામાં તમને સફળતા મળતી જ રહેવી જોઈએ.
ભૌતિક જગત એમ કહે છે કે ‘સાધન’ના ક્ષેત્રે સમાજમાં તમારું નામ અગ્રિમ હરોળમાં હોવું જોઈએ. ત્રણ ગાડી, ચાર બંગલા, આકર્ષક ફર્નિચર અને બ્રૅન્ડેડ વસ્તુઓ. આટલું તો તમારી પાસે હોવું જ જોઈએ. જ્યારે આધ્યાત્મિક જગત એમ કહે છે કે તમારી પાસે ‘સાધના’નો મસ્ત વૈભવ હોવો જોઈએ.
ઉભયટંક પ્રતિક્રમણ-સામાયિક-દાન-શીલ-તપ-ભાવ-વૈયાવચ્ચ આ બધું હોય તો જ તમારું જીવન સાર્થક પણ જીવનને સાર્થક બનાવવાની દિશામાં જાગૃતિ લાવવાનું કામ કોણે કર્યું અને કેવી માનસિકતા સાથે કર્યું એ પણ એટલું જ મહત્ત્વનું છે. જો જીવન સાર્થક બનાવવું હોય તો ધર્મને સાથે રાખીને, તપશ્ચર્યા અને સદ્કર્મોને સાથે રાખીને આગળ વધો.