Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > ટેક ઇટ ઇઝી મૅન!

ટેક ઇટ ઇઝી મૅન!

19 November, 2023 05:18 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

પુરુષ એક માણસ છે. તેની પણ સંવેદનાઓ હર્ટ થાય કે મન ભરાઈ આવે ત્યારે ભાગ્યે જ એવા પુરુષો છે જેઓ રડીને કે પોતાની ફીલિંગ્સ શૅર કરીને હળવા થવાનું કૌવત ધરાવે છે. આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની થીમ છે ‘ઝીરો મેલ સુસાઇડ’. આ વર્ષે પુરુષોના શારીરિક અને માનસિક

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીરછેલ્લાં સાત વર્ષમાં ભારતીય પુરુષોમાં આત્મહત્યાના પ્રમાણમાં ૧/૩ જેવો વધારો થયો છે. ૨૦૧૪થી લઈને ૨૦૨૧ સુધી પુરુષોના આત્મહત્યાના પ્રમાણમાં ૩૩.૫ ટકાનો વધારો થયો છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોના આંકડાઓના આધારે તૈયાર થયેલા અને લાન્સેટ રીજનલ હેલ્થ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર ૨૦૧૪માં ૮૯,૧૨૯ પુરુષોએ આત્મહત્યા કરી હતી, જેની સામે ૨૦૨૧માં ૧,૧૮,૮૭૯ પુરુષોએ આત્મહત્યા કરી છે. જ્યારે ૨૦૧૪માં ૪૨,૫૨૧ સ્ત્રીઓએ અને ૨૦૨૧માં ૪૫,૦૨૬ સ્ત્રીઓએ આત્મહત્યા કરી છે. આત્મહત્યાના આંકડાઓમાં પરિણીત પુરુષોની સંખ્યા વધુ છે. દર ૧ લાખ પરિણીત પુરુષે ૨૪.૩ પુરુષો આપઘાત કરે છે, જ્યારે આ આંકડો પરિણીત સ્ત્રીઓમાં ૮.૪ જેટલો છે. ઉંમરની વાત કરીએ તો ૩૦-૪૪ વર્ષના પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આત્મહત્યાનાં કારણોમાં પણ પારિવારિક ઝઘડાઓ કે તકલીફો સૌથી મોખરે કારણ રહ્યું હતું, જે કારણનું પ્રમાણ ૨૦૧૪થી ૨૦૨૧ સુધીમાં ૧૦૭.૫ ટકા જેટલું વધ્યું હતું. ૨૦૨૧માં આત્મહત્યા કરનારા પુરુષોમાં બેરોજગારીના કારણે આ ત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ ૪૮.૨ ટકા હતું. 

કમાશે નહીં તો નહીં ચાલે 
પુરુષ એટલે કોણ? પુરુષનો સમાનાર્થી શબ્દ જ જવાબદારી છે એમ વાત કરતાં જાણીતા ઍક્ટર જિમિત ત્રિવેદી કહે છે, ‘આપણે ત્યાં વર્ષોથી અને આજે પણ જો તે જવાબદાર હોય તો જ તેને પુરુષ ગણવામાં આવે છે. જો એ આખા ઘરની જવાબદારી નિભાવવા તોયાર હોય, વૃદ્ધ અને રિટાયર્ડ માતા-પિતાની, પરણીને લાવેલી પત્નીની અને પોતાનાં બાળકોની સદંતર આર્થિક જવાબદારીઓ લેવા તૈયાર હોય એટલું જ નહીં; સક્ષમ પણ હોય તો એ પુરુષ છે, બાકી નથી. આજની તારીખે સ્ત્રીઓ આર્થિક ભાર વહેંચતી થઈ છે પરંતુ એને કારણે પુરુષોની તકલીફો ઓછી થઈ હોય એવું મને લાગતું નથી. પત્ની આટલું કમાય છે અને તું? પત્ની કરતાં વધુ કમાવું આજના પુરુષ માટે અનિવાર્ય છે. જો એ કમાઈ શકે તો એ ચાલશે એવું માની લેવાતું નથી. સ્ત્રીઓ બહાર જઈને કામ કરતી થઈ તો લોકોએ વખાણ્યું. એને કારણે ઘરની જવાબદારીઓ છૂટી રહી છે તો એના માટે આંદોલન ચાલે છે કે ઘરની જવાબદારી એકલી સ્ત્રીની કેમ? સ્ત્રીઓ ઘરે કામ નહીં કરે તો ચાલશે એવી સમજણ ધીમે-ધીમે વિકસી રહી છે પણ પુરુષ કમાશે નહીં તો ચાલશે એવો તો હજી વિચાર પણ કોઈને આવતો નથી. આમ આજના પુરુષ પર સતત પોતાને પુરુષ સાબિત કરવાનું પ્રેશર ઘણું છે.’જે અહમ્ તેને જિવાડે એ જ લઈ જાય મૃત્યુ સુધી 
જે વ્યક્તિ જવાબદારીઓ નિભાવતી હોય તેનામાં એ કર્તાભાવ આવી જતો હોય છે કે ‘હું’ કરું છું. આ ‘હું’ ખૂબ મોટો બનતો જાય છે. આ વિશે વાત કરતાં જાણીતા સમાજવિદ ગૌરાંગ જાની કહે છે, ‘નાનપણથી માતા-પિતાને હોય છે કે તું દીકરો છો, તું અમને કમાઈને રોટલો ખવડાવશે. તું અમારું ધ્યાન રાખશે. લગ્નની વાત આવે ત્યારે છોકરીઓની પહેલેથી ડિમાન્ડ હોય છે કે છોકરો આટલું કમાતો હોય, આ લાઇફસ્ટાઇલ સાથે જીવતો હોય અને બાળકો થાય ત્યારે દરેક સંતાનને એ અપેક્ષા હોય કે બાપા અમારા માટે આટલું તો કરશે જ. પુરુષ છે તો શક્ય છે, પુરુષની કમાણીથી જ બધું ચાલે છે. પુરુષ જ એક ઘરને સામાજિક અને આર્થિક સુરક્ષા આપે છે. આવું સતત સમાજ પુરુષને કહેતો રહે છે અને એટલે દરેક પુરુષ એને માનતો રહે છે, જેને લીધે એનો ઈગો પોષાય છે. ખૂબ મોટો બને છે. આ ઈગો એની લાઇફની સંજીવની છે. એના થકી જ એ જીવે છે. એક ઉંમરે પહોંચીને કોઈ પણ પ્રકારની નિષ્ફળતા કે જેને કારણે એ કોઈ જવાબદારી પૂરી ન કરી શક્યો હોય તો દુનિયા એને કહે એ પહેલાં જ એનો ખુદનો ઈગો ચકનાચૂર થઈ જાય છે. નોકરી જતી રહે કે ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ આવી જાય ત્યારે પુરુષ પોતાની જાત પર બધો બ્લેમ લઈ લે છે. મારે કારણે માતા-પિતાની સારવાર ન થઈ, મારે કારણે બાળકો બહાર ભણવા નથી જઈ શકતાં. આવા સમયે ‘હું’ ન કરી શક્યો એમ માનીને એનો ઈગો તૂટે છે અને એને કારણે એ પડી ભાંગે છે. સમાજમાં આપણે જોઈએ જ છીએ કે જે ઈગો પુરુષને જિવાડે છે એ જ ઈગો એને મૃત્યુના મુખ સુધી લઈ જાય છે. સમાજ કે પરિવારજનો તો પછી, એ ખુદ જ પોતાની હાર સ્વીકારી નથી શકતો. આ સૌથી મહત્ત્વનું કારણ છે કે એ મૃત્યુ સુધીનો વિચાર કરી લે છે.’ 
ખેડૂતોની આત્મહત્યાનું ઉદાહરણ આપતાં ગૌરાંગભાઈ કહે છે, ‘ભલે સરકારનો વાંક હોય, સમાજનો વાંક હોય, અર્થતંત્રની નિષ્ફળતા હોય, સિસ્ટમની ખામી હોય; પણ પુરુષ હંમેશાં વિચારે છે કે ‘હું’ ન કરી શક્યો. મારો વાંક છે. મારી જ ભૂલ છે. મારે 
કારણે મારો પરિવાર સહન કરી રહ્યો છે. એટલે એ પોતાના જીવનનો અંત આણે છે.’ 


ઘરેલુ ઝઘડા 
આત્મહત્યાનું પ્રમાણ એ પુરુષમાં વધુ છે જેમનાં લગ્ન થઈ ગયાં છે. એ વિશે વાત કરતાં પુરુષવાદી સંગઠન વાસ્તવ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને ‘સેવ ઇન્ડિયા ફૅમિલી’ નામના અમ્બ્રેલા સંગઠનના મુંબઈ યુનિટના પ્રમુખ અમિત દેશપાંડે કહે છે, ‘પુરુષો આત્મહત્યા સુધી પહોંચે છે એ માટેનાં કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ કોઈ હોય તો એ છે ઘરેલુ ઝઘડા. કોઈ પણ પ્રકારના આંકડા વગર પણ આપણે આજે કહી શકીએ છીએ કે ઘરેલુ ઝઘડાઓનું પ્રમાણ સમાજમાં ઘણું વધ્યું છે. ખાસ કરીને જીવનસાથી સાથેના ઝઘડાઓ, જે એક સમયે સંયુક્ત પરિવારમાં નહોતા થતા એનું પ્રમાણ આજે ન્યુક્લિયર પરિવારોમાં ખૂબ વધી ગયું છે. મેં મારા અનુભવ પરથી જોયું છે કે એ જ ઘરમાં આત્મહત્યા થાય છે જ્યાં સિનિયર સિટિઝનો નથી રહેતા. વડીલો ઘરમાં એક ડિસિપ્લિન, માન અને સ્નેહનું વાતાવરણ લાવે છે; જેને કારણે વ્યક્તિ એક્સ્ટ્રીમ સ્ટેપ ભરતા નથી. હવે કપલ્સ એકલાં થઈ ગયાં અને એને કારણે ઝઘડાઓ વધતા ગયા. ઘરેલુ ઝઘડાઓ ન હોય તો અડધોઅડધ આત્મહત્યાને રોકી શકાય.’ 

ખોટો માર્ગ 
જવાબદારીઓનો બોજ પુરુષને ખોટે રસ્તે લઈ જાય છે એમ જણાવતાં જાણીતા ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘આર્થિક જવાબદારીઓમાં સમગ્ર પરિવાર જ્યારે પુરુષ પર નિર્ભર હોય ત્યારે એ દબાણ ઘણું વધારે હોય છે. આવામાં એને ખૂબ જલદી ખૂબ પૈસા કમાઈ લેવા હોય છે. જલદીથી એનાં અને એના પરિવારનાં સપનાઓ પૂરાં કરવાની ઇચ્છા એને ખોટે માર્ગે લઈ જાય છે. કોઈ પ્રકારના શૉર્ટકટથી જો પૈસા જલદી મળી જતા હોય, એની જવાબદારીઓ પરિપૂર્ણ થઈ શકતી હોય તો પુરુષ ખોટે રસ્તે ચાલી નીકળે છે. એવી સુફિયાણી વાતો કરવી કે કોઈ પણ પરિસ્થિતિમાં સાચો જ માર્ગ લેવો એ ખૂબ સરળ છે. એ વાતોનો કોઈ અર્થ નથી. તમે એ વ્યક્તિની પરિસ્થિતિમાં મુકાયા જ નથી એટલે આવી વાતો કરી જાણો છો. કઈ વ્યક્તિએ કયા સંજોગોમાં જીવનમાં શૉર્ટકટ અપનાવ્યા હોય એનું જજમેન્ટ આપણે લઈ શકીએ નહીં, કારણ કે આપણે એક સમાજ તરીકે ક્યારેય કોઈ બેરોજગાર પુરુષને નથી કહ્યું કે તું ચિંતા ન કર, તારા છોકરાવની ફી હું ભરી દઈશ. કોઈ વ્યક્તિ જેના પર આર્થિક સંકટ આવી ગયું હોય કે દેવાળું ફૂંકાયું હોય ત્યારે એને મદદ કરવાના બદલે આપણે એના પર હસીએ છીએ. એને નકામો સમજીએ છીએ. આવા ખોટા માર્ગે જઈને લોકો પર દેવું થઈ જાય છે. એવા ઘણા પુરુષો છે જે એના માથા પરના દેવાને કારણે, એનાથી થતી નાલેશીને કારણે આત્મહત્યાનો માર્ગ અપનાવતા હોય છે.’ 


સામૂહિક ડહાપણ 
જ્યારે પુરુષ કોઈ પણ પ્રકારની તકલીફોમાં ફસાઈ જાય છે ત્યારે એ તકલીફ એની પોતાની એકલાની છે એવું ન સમજે અને પરિવારજનો કે આપ્તજનો સાથે વહેંચે તો ઘણું થઈ શકે એમ સમજાવતાં ડૉ. ગૌરાંગ જાની કહે છે, ‘લોકો શું સમજશે અને હું મારું માન તો નહીં ગુમાવી દઉં એવી માન્યતામાં ફસાઈને પુરુષ ઘરે પોતાના પ્રૉબ્લેમ્સ શૅર નથી કરતો, જે યોગ્ય નથી. ઘણી વખત તો પત્ની ભણેલી હોય તો પણ એને જાણી જોઈને આર્થિક બાબતોથી એ દૂર રાખે છે. આવી ભૂલો ન કરવી. ઘરમાં દરેક સદસ્યનું સામૂહિક ડહાપણ તમારે વાપરવું. ઘણી વખત નાનાં બાળકો પણ એટલા મોટા પ્રશ્નનો સરળ ઉપાય તમને જણાવી શકે છે કે તમને લાગે કે અમને આ કેમ ન સૂઝ્યું. ઘરમાં જો બાપ તરીકે કે ભાઈ તરીકે તમે તમારી તકલીફો એમને કહેશો તો તેઓ તમારી વધુ નજીક આવશે. સામૂહિક ડહાપણથી પ્રશ્નોનો ઉપાય પણ મળશે. ‘હું’ શ્રેષ્ઠ છું અને મને કોઈની જરૂર નથી. હું મારી રીતે એકલો જ બધું કરી લઈશ એવા ભ્રમમાંથી બહાર આવવું. એક સમયે જ્યારે સંયુક્ત પરિવારો હતા ત્યારે માતા-પિતા કે ભાઈ-બહેન કે અન્ય સભ્યોની માનસિક, સામાજિક અને આર્થિક તાકાત એવી મળતી કે વ્યક્તિ કોઈ પણ કારણસર પડી નહોતી ભાંગતી. આજે શહેરીકરણને કારણે પુરુષ એકલો પડી ગયો છે.’ 

રડવાનો હક 
ભારતીય દીકરાઓને રડવાનું નહીં એવી ખાસ સૂચનાઓ આપીને ઉછેરવામાં આવે છે એ વાત કરતાં જિમિત ત્રિવેદી કહે છે, ‘રડવાની વાત તો દૂર રહી, પોતાનાં ઇમોશન્સ કોઈ પણ પુરુષ ઠાલવે કે કોઈ એવી વાત કરે જે સંવેદનાથી ભરપૂર હોય તો લોકો એને સમજવાને બદલે બાયલા જેવું વર્તન કહીને એનું અપમાન કરે છે. મન ભરાઈ આવે ત્યારે બોલી દેવું એના કરતાં મન ભરાઈ આવે ત્યારે બરાડા પાડી દેવા એ પહેલાંના પુરુષો માટે નૉર્મલ હતું. પુરુષો જે ખૂબ ગુસ્સાવાળા હોય છે એવો એક ચિતાર છે એની પાછળ એની સંવેદનાઓને એ વ્યક્ત નથી કરી શકતા એની બેચારગી છે. સ્ત્રીને એની મરજી મુજબ જીવવા દેવાની વાત ધીમે-ધીમે હકીકત તરફ જઈ રહી છે પરંતુ પુરુષને માણસ તરીકે રડવાનો અધિકાર દેવાની તો વાતો જ થઈ રહી છે. સમાજ તો શું, પુરુષો ખુદ એ વાતને સ્વીકારવા તૈયાર નથી કે એ હળવા થઈ શકે છે, રડી શકે છે, પોતાનાં ઇમોશન્સ વ્યક્ત કરી શકે છે. જો એ આ કરતો થઈ જાય તો પછી એ આત્મહત્યા સુધી નહીં પહોંચે.’

બોજ ઓછો કેમ થશે? 
આજના સમયમાં તો સ્ત્રીઓ કમાવા લાગી છે. પુરુષોની જવાબદારી એ શૅર કરવા લાગી છે. આદર્શ રીતે તો આર્થિક સંકટોથી ઘેરાયેલા આજના પુરુષને રાહત થવી જોઈતી હતી કે હું કદાચ પરિવારને ચલાવી શકું એમ નથી તો કંઈ નહીં, કોઈ ભૂખે નહીં મરે. મારી પત્ની કમાય છે એટલે સારું છે. પરંતુ શું ખરેખર એવું થાય છે? જે વાતનો જવાબ આપતાં અમિત દેશપાંડે કહે છે, ‘એવું નથી થઈ રહ્યું. પત્ની કમાતી થઈ છે તો એના પર પત્ની કરતાં વધુ કમાવાનું પ્રેશર હોય છે. ઘણી સ્ત્રીઓ આજની તારીખે ખુદ કમાય પરંતુ ખર્ચા શૅર નથી કરતી અને પોતાના પૈસાનું સેવિંગ કરીને પતિના પૈસાથી પોતાના શોખ પૂરી કરતી જોવા મળે છે. આજે સ્ત્રીઓ ભણેલી-ગણેલી છે એટલે સપોર્ટ આપે છે એવું નથી. સપોર્ટ આપવાવાળી સ્ત્રીઓ તો જ્યારે ખુદ કમાતી નહોતી, જ્યારે એને ભણતાં કે કામ કરતાં આવડતું નહોતું અને હાઉસવાઇફ તરીકે જ જીવી રહી હતી એ સ્ત્રીઓ પણ જો પુરુષના જીવનમાં દુઃખ હોય કે ક્રાઇસિસ હોય તો સપોર્ટ કરતી. ઘરના ખર્ચા ઓછા કરીને, કોઈ ડિમાન્ડ ન કરીને અને ખુદ મજૂરી કરીને પણ એ પતિનો સાથ દેતી. આમ જે સ્ત્રીઓ આપવા માગતી હતી એ તો કોઈ પણ પરિસ્થિતિમાં સાથ આપતી જ. આજે પણ આપે જ છે. આમ સ્ત્રીઓના કમાવા લાગવાથી પુરુષો પર કમાવાનું બર્ડન ઓછું થયું નથી. વાત હંમેશાં સમજદાર સ્ત્રીઓ પર નિર્ભર કરે છે, સ્ત્રીની કમાણી પર નહીં.’

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 05:18 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK