આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયા ગયા ત્યારે તેમણે સૌથી પહેલાં આ પ્રિન્સ અલ-વલીદની તબિયત વિશે પૂછપરછ કરેલી. ૧૮ એપ્રિલે ૩૬ વર્ષના થયેલા આ કોમાગ્રસ્ત પ્રિન્સ પાછળ દર મહિને સાઉદી અરેબિયાનો રાજવી પરિવાર ૧૦ કરોડનો ખર્ચ કરે છે
સાઉદી અરેબિયાના પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલ
સ્લીપિંગ પ્રિન્સ.
સાઉદી અરેબિયાના પ્રિન્સ અલ-વલીદ બિન ખાલિદ બિન તલાલ માટે આટલું જ કહેવામાં આવે છે અને એ રાજકીય ફરમાન છે. ગયા મંગળવારે નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા ત્યારે ત્યાંના પ્રિન્સ મોહમદ બિન સલમાનને મળ્યાની ત્રીજી જ મિનિટે તેમણે પણ પૂછ્યું હતું કે ‘સ્લીપિંગ પ્રિન્સ શું કરે છે?’
ADVERTISEMENT
પ્રિન્સ અલ-વલીદને સ્લીપિંગ પ્રિન્સ કહેવાનું કારણ એ કે તે છેલ્લાં વીસ વર્ષથી સૂતા છે, આંખ સુધ્ધાં તેણે ખોલી નથી. હા, છેલ્લાં વીસ વર્ષથી. કારણ કે એક ઍક્સિડન્ટમાં અલ-વલીદને મગજમાં એવી ગંભીર ઈજા પહોંચી કે તે કોમામાં જતા રહ્યા, જે આજ સુધી કોમામાં છે. જોકે સાઉદી અરેબિયામાં એવું કહેવાની મનાઈ છે કે પ્રિન્સ કોમામાં છે અને એટલે જ કહેવાતું રહ્યું છે કે તે સૂતા છે. આ જ કારણ કે અલ-વલીદને મીડિયાએ સ્લીપિંગ પ્રિન્સનું ઉપનામ આપ્યું, જે સાઉદીના રાજવી પરિવારે પણ સહર્ષ સ્વીકારી લીધું.
વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પર જીવતા અલ-વલીદ કઈ રીતે કોમામાં ગયા અને તેમની સારસંભાળ માટે કેવી-કેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ જાણવા જેવું છે પણ એ પહેલાં અલ-વલીદની ફૅમિલીને જરા નજીકથી ઓળખી લઈએ.

કોણ છે આ ફૅમિલી?
‘અલ’ અને ‘બિન’ શબ્દથી નામની શરૂઆત થતી હોવાથી વાંચવા કે સમજવામાં કન્ફ્યુઝન ન થાય એટલે વાતને સરળ બનાવીએ. સાઉદી અરેબિયાની સ્થાપના કરનારા કિંગ અબ્દુલઅઝીઝની ત્રીજી પેઢી એટલે સ્લીપિંગ પ્રિન્સ અલ-વલીદ. જો અત્યારે વલીદ ક્ષેમકુશળ હોત તો ચોક્કસપણે સાઉદી અરેબિયાનો વહીવટ તેમના હાથમાં હોત પણ પરવરદિગારની ઇચ્છા કંઈક જુદી જ હતી.
હાલમાં ૩૬ વર્ષના અલ-વલીદ જ્યારે સોળ વર્ષના હતા ત્યારે તેમને ઍક્સિડન્ટ નડ્યો અને આખું પિક્ચર બદલાઈ ગયું. ૨૦૦પમાં આ ઍક્સિડન્ટ લંડનમાં થયો હતો.
અલ-વલીદનું બાળપણ
અલ-વલીદ દસ વર્ષ સુધી સાઉદી અરેબિયામાં પૅલેસમાં જ ભણ્યા, જેની માટે સ્વિટ્ઝરલૅન્ડ અને જપાનથી ખાસ શિક્ષકોને ત્યાંની સ્કૂલમાંથી નોકરીઓ છોડાવીને સાઉદી લાવવામાં આવ્યા હતા. જોકે એ પછી વલીદની જ ઇચ્છા બહાર ભણવા જવાની હતી એટલે ચાર વર્ષ માટે તે જપાન અને જર્મનીમાં ભણ્યા અને ત્યાર પછી વલીદ લંડનમાં આવેલી બ્રિટિશ મિલિટરી સ્કૂલમાં ભણતા હતા. આ બ્રિટિશ મિલિટરી સ્કૂલની ખાસિયત છે, એમાં કાં તો બ્રિટિશ આર્મી, બ્રિટિશ રાજ પરિવાર કે પછી વૈશ્વિક રાજ પરિવારના સદસ્યો જ ભણી શકે છે. અલબત્ત, હવે એના નિયમોમાં ફેરફાર થયા છે પણ ૨૦૦૦ની સાલ સુધી આ જ નિયમો હતા.
પ્રિન્સની બાળપણ અને ટીનેજની યાદો તાજી કરાવતી તસવીરો રાજવી પરિવારે જ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.
મિલટરી સ્કૂલમાં ભણતા વલીદને તમામ પ્રકારની રાજવી સુરક્ષા સાઉદી અરેબિયાથી પૂરી પાડવામાં આવી હતી. વલીદ એક ભણતા પણ તેની સેવામાં ચાલીસ જણની ટીમ રહેતી. એક આલીશાન પૅલેસ જેવો જ બંગલો પણ સાઉદી અરેબિયાના કિંગ અબ્દુલઅઝીઝે લંડનમાં લઈને રાખ્યો હતો.
આવ્યો કયામતનો દિવસ
૨૦૦પની એક ઢળતી બપોરે અલ-વલીદની કાર પસાર થતી હતી ત્યારે અન્ય એક કાર એ કાફલામાં ઘૂસી ગઈ અને વલીદની કાર સાથે એનો ઍક્સિડન્ટ થયો. આ ઍક્સિડન્ટમાં વલીદને મસ્તકના ભાગમાં ગંભીર ઈજા થઈ તો જે કારે ઍક્સિડન્ટ કર્યો હતો એ કારનો ડ્રાઇવર માર્યો ગયો. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આ ઍક્સિડન્ટના કારણે થોડો સમય માટે સાઉદી અરેબિયા અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં પણ તનાવ ઊભો થઈ ગયો હતો. સાઉદી અરેબિયાના કિંગનું માનવું હતું કે આ વલીદની હત્યાનું કાવતરું હોઈ શકે છે, જેને પકડી પાડવામાં બ્રિટન નિષ્ફળ રહ્યું. અલબત્ત, સમય જતાં એ તનાવ પણ ઓસરવા માંડ્યો. જોકે અંદરખાને સાઉદી સરકારને આજે પણ બ્રિટન માટે કડવાશ તો છે જ.
ઍક્સિડન્ટ પછી વલીદને તરત ટ્રીટમેન્ટ આપવામાં આવી, જેમાં ત્રણ સર્જરી કરવામાં આવી પણ વલીદ કોમામાંથી બહાર આવ્યા નહીં. બ્રિટનના ડૉક્ટર્સ વલીદને બ્રેઇન ડેડ જાહેર કરવા માગતા હતા પણ એ સાઉદી અરેબિયાની ઇચ્છા નહોતી એટલે કિંગ અબ્દુલઅઝીઝે તરત પૌત્રને સાઉદી અરેબિયાના રિયાધમાં આવેલા પૅલેસમાં શિફ્ટ કર્યો અને પૅલેસમાં જ વિશ્વની તમામ અલ્ટ્રા મૉડર્ન મેડિકલ ફૅસિલિટી ઊભી કરી.
પછી બન્યું મેડિકલ સિટી
પૅલેસમાં સારવાર લેતા પ્રિન્સ માટે તેના અબ્બા અને સાઉદી અરેબિયાના પ્રિન્સ ખાલિદે રિયાધમાં જ એક આખું બિલ્ડિંગ બનાવ્યું અને ત્યાર પછી દીકરા વલીદને એ બિલ્ડિંગમાં શિફ્ટ કર્યો. જોકે સમય જતાં એ બિલ્ડિંગને એક કૅમ્પસની જેમ જ ડેવલપ કરવાનું શરૂ કર્યું, જે આજે કિંગ અબ્દુલઅઝીઝ મેડિકલ સિટીના નામે ઓળખાય છે. આ મેડિકલ સિટીના જે બિલ્ડિંગમાં વલીદને રાખવામાં આવ્યા છે એમાં રાઉન્ડ-ધ-ક્લોક ચાલીસ ડૉક્ટર ડ્યુટી પર રહે છે તો સાથોસાથ મેડિકલ હેલ્પ માટે સો જણની ટીમ તહેનાત રહે છે. વલીદ પર નજર રાખવા માટે એ આખા બિલ્ડિંગને CCTV કૅમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે, જે કૅમેરાનો ઍક્સેસ રાજવી મહેલમાં છે. રાજવી મહેલમાં એક અલાયદો રૂમ જ બનાવવામાં આવ્યો છે જેની તમામ દીવાલ પર માત્ર ને માત્ર મૉનિટર છે. આ મૉનિટર પર નજર રાખવા માટે પૅલેસમાં પણ ત્રીસ લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. કોમામાં રહેલા વલીદ પર કોઈ હુમલો ન કરે એ માટે રૂમ, બિલ્ડિંગ અને આખા મેડિકલ સિટીમાં પંચોતેરથી વધારેનો સિક્યૉરિટી સ્ટાફ રાખવામાં આવ્યો છે.
ડૉક્ટર્સ આજે પણ માને છે કે આ જે તસ્દી લેવામાં આવે છે એ વ્યર્થ છે, પણ સત્તા સામે શાણપણ નકામું એટલે સ્પષ્ટતા સાથે કહી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ વલીદની આસપાસ રહેલા મેડિકલ સહિતના તમામ સ્ટાફ સાથે સાઉદીના રાજવી પરિવાર કૉન્ટ્રૅક્ટ સાઇન કરાવે છે, જેમાં પહેલી શરત છે કે વલીદ વિશે કોઈ વાત તે ક્યારેય કોઈની સાથે શૅર નહીં કરે! વલીદનું મેડિકલ બુલેટિન પણ તેના અબ્બા પ્રિન્સ ખાલિદ દ્વારા જ આપવામાં આવે છે.
દીકરા માટે છોડી સત્તા
કિંગ અબ્દુલઅઝીઝને બે દીકરા હતા, જેમાં રાજકીય વહીવટની જવાબદારી કિંગ પ્રિન્સ ખાલિદને સોંપવા માગતા હતા પણ વલીદના ઍક્સિડન્ટ પછી પોતે મેડિકલ ટ્રીટમેન્ટ પર પૂરું ધ્યાન આપી શકે એ માટે ખાલિદે જ અબ્બાને રિક્વેસ્ટ કરી એટલે અબ્દુલઅઝીઝે પોતાના બીજા દીકરા મોહમદ બિન સલમાનને રાજકીય વારસદાર જાહેર કર્યા.
પ્રિન્સ ખાલિદ આજે પણ માને છે કે વલીદ જાગશે. થોડા મહિના પહેલાં તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો અલ્લાહ વલીદને લઈ લેવા માગતા હોત તો તેણે એ જ સમયે એ કામ કર્યું હોત પણ એવું કર્યું નથી, મતલબ કે અલ્લાહનો જ ઇશારો છે કે વલીદ ભલે થોડો સમય આ રીતે સૂતો રહે.
જો ઇન્ટરનેટ પર ફરતા અને સાઉદી અરેબિયામાં રહેતા લોકો દ્વારા કહેવાતા આંકડાઓને સાચા માનવામાં આવે તો સ્લીપિંગ પ્રિન્સને આ અવસ્થામાં જીવતા રાખવા માટે દર મહિને દસ કરોડથી વધારેનો ખર્ચ થાય છે. જોકે સાઉદી ફૅમિલીની જાહોજલાલી અને સમૃદ્ધિ સામે આ આંકડો દરિયામાંથી ટબૂડી પાણી લેવા બરાબર છે.
૨૦૧૯માં મળી સાઇનઃ બે આંગળી હલતાં આશા જાગી
અલ-વલીદ કોમામાંથી બહાર આવે એ માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે તો સાથોસાથ ખાસ વલીદ માટે અનેક પ્રકારના મેડિકલ એક્સપરિમેન્ટ પણ ચાલે છે. જોકે એમાં સફળતા કેટલી મળશે એ યક્ષપ્રશ્ન છે. છેલ્લાં વીસ વર્ષથી કોમામાં રહેલા વલિદે છેલ્લે ૨૦૧૯માં પોતાના ડાબા હાથની આંગળીઓ સહેજ હલાવી હોવાનું કહેવાય છે. એ સમયે એવી વાત ઊડી હતી કે હૉસ્પિટલ પ્રિમાઇસમાં મોબાઇલમાં પ્લે થયેલા વિડિયોમાં રહેલો કોઈ છોકરીનો અવાજ સાંભળીને વલીદની આંગળીમાં હરકત આવી હતી. આ ઘટના પછી સાઉદી અરેબિયાના રાજવી પરિવારે એ છોકરીને શોધવા માટે પણ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા અને એ છોકરી મળી હોવાનું પણ કહેવાય છે, પણ ત્યાર પછી વલીદે ભાનમાં આવવાની કોઈ સાઇન આપી નહોતી.


