Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઝઘડીને સમજો અથવા સમજીને ઝઘડો!

ઝઘડીને સમજો અથવા સમજીને ઝઘડો!

26 February, 2024 11:24 AM IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

‘અમે તો કદી ન ઝઘડીએ’ એવી બડાઈ મારતાં કપલ્સ કરતાં સાચા સમયે જરૂરી બાબતે આર્ગ્યુમેન્ટ્સ કરીને મતભેદોને સૉલ્વ કરી લેતાં યુગલોનું લગ્નજીવન વધુ સમજણ, મીઠાશ અને ઇન્ટિમસીથી ભર્યું હોય છે.

પ્રતીકાત્મક તસવીર

સંબંધોનાં સમીકરણ

પ્રતીકાત્મક તસવીર


‘અમે તો કદી ન ઝઘડીએ’ એવી બડાઈ મારતાં કપલ્સ કરતાં સાચા સમયે જરૂરી બાબતે આર્ગ્યુમેન્ટ્સ કરીને મતભેદોને સૉલ્વ કરી લેતાં યુગલોનું લગ્નજીવન વધુ સમજણ, મીઠાશ અને ઇન્ટિમસીથી ભર્યું હોય છે. આ વાત બહુ સરસ રીતે કહેવાઈ છે તાજેતરમાં પબ્લિશ થયેલા બે રિલેશનશિપ સાયન્ટિસ્ટ્સ અને વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની એવાં જૉન ગૉટમૅન અને જુલી ગૉટમૅનના પુસ્તક ‘ફાઇટ રાઇટ’માં. જે ઝઘડા લગ્નજીવનને અંદરથી ખોતરી નાખી શકે છે એ જ જો સાચી રીતે કરવામાં આવે તો કઈ રીતે એકબીજા માટેની સમજણના દરવાજા ખોલવાનું સામર્થ્ય ધરાવે છે એ જાણીએ

લગ્નજીવનમાં ઝઘડવા જેવી વાતને અશુભ અને અનહેલ્ધી માનવા આવે છે, પરંતુ એ સંબંધ પણ પોતાની મજા ગુમાવી બેસે છે જેમાં એકાદ નાનો સરખોય ઝઘડો કે મતભેદ ન થયો હોય! તાજેતરમાં જ અમેરિકાના બે રિલેશનશિપ સાયન્ટિસ્ટ્સ અને વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની એવાં જૉન ગૉટમૅન અને જુલી ગૉટમૅને એક પુસ્તક પ્રકાશિત કર્યું, જેનું નામ છે ‘ફાઇટ રાઇટ’. આ પુસ્તકમાં પતિ-પત્નીએ એક સફળ યુગલ બનવા માટે કઈ રીતે ઝઘડાઓને એકબીજાને સમજવાની તકોમાં બદલવાના છે એની વિધિસર વાત કરવામાં આવી છે. હા, ઝઘડા બહેતર સંબંધ બનાવવાની તકો બની શકે છે, એકબીજા સાથેનું જોડાણ મજબૂત કરવાનો અવસર બની શકે છે અને ઇન્ટિમેટ થવા માટેનું ઉદ્ગમ હોઈ શકે છે એવી સઘળી વાતો આ પુસ્તકમાં સમજાવાઈ છે; પણ એની એકમાત્ર પૂર્વશરત એ છે કે તમને ખબર હોવી જોઈએ કે ઝઘડા કઈ રીતે કરવા જોઈએ. ઝઘડા કરો, પણ મુદ્દા ઉપર 
લગ્નજીવનનું અટપટું ગણિત મૂળમાં તો બહુ જ સીધીસાદી રીતથી ઊકલતું હોય છે, જો એ સમજમાં આવી જાય તો લગ્નજીવનની ઘણી વસ્તુઓ આપોઆપ જ થાળે પડી જાય. આવા નાનકડા સંદેશથી પોતાની વાત રજૂ કરતાં રિલેશનશિપ એક્સપર્ટ અને સેક્સોલૉજિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘લગ્નજીવનમાં ઝઘડા તો થવા જોઈએ, પણ એ કોઈ મોટું સ્વરૂપ ન લઈ લે એની તકેદારી સાથે થવા જોઈએ. મોટા ભાગે ઝઘડા કરતી વખતે એકબીજાને ટાર્ગેટ કરવામાં આવે છે. એમના ચરિત્ર સુધી જતાં પણ વાર નથી લાગતી. ખાસ કરીને આપણા ભારતીય કલ્ચરમાં તો મા-બાપ અને પરવરિશ પહેલા નિશાના હોય છે. એમાં પછી એવું આવે કે મને ગમે એ કહી લો, પણ મારાં મા-બાપ અને પરિવારને શું કામ કહ્યું? એટલે એ વાત મોટું રૂપ પકડતું જાય છે. આ રીતના ઝઘડા ન થવા જોઈએ. આજકાલ ખાવાનું બનાવવાનું, બાળકોનું ધ્યાન રાખવાનું, જૉબને લગતાં ટેન્શન વગેરે બાબતોને લગતા ઝઘડા થાય છે. જ્યારે કોઈ ઉકેલ મળતો ન હોય અથવા એને શોધવાનો પ્રયાસ એકાદ બાજુથી ઓછો કે સાવ ન થઈ રહ્યો હોય ત્યારે આવી વાતો ઝઘડાનું કારણ બને છે. આવા ઝઘડા એ દર્શાવે છે કે અમુક વસ્તુનો ઉકેલ જોઈએ છે. એવા ઝઘડામાં વ્યક્તિગત નિશાન સાધવા કરતાં એમાં શું કહેવામાં આવી રહ્યું છે એના પર ધ્યાન આપવામાં આવે તો વાતનો કોઈ નિવેડો આવે છે. આપણે એવું માની લઈએ કે ઝઘડા તો થવા જ ન જોઈએ. પણ શું બે ભાઈ-બહેન ઝઘડો નથી કરતાં? જેમની સાથે મોટાં થયાં છીએ તેમની સાથે પણ મતમતાંતર હોય છે તો જીવનસાથી સાથે બધું જ સ્મૂધ ચાલવું જોઈએ એ આશા થોડી અવાસ્તવિક અને વધુપડતી છે.’


ઝઘડો કરો, પણ જીદ નહીં 
મોટા ભાગે યુગલો જ્યારે ઊંચા અવાજમાં કે નિરાશ થઈને પોતાની ફરિયાદો રજૂ કરે છે ત્યારે સામેવાળાની ભૂમિકા બદલાય છે. એવા સમયે એ પણ જો એની સાથે ઝઘડો જ કરવા માંડે તો એનો કોઈ અંત નથી આવવાનો પણ એ સમયે જો સમજદારીપૂર્વક એ શું કહે છે એ સમજવામાં આવે તો ઝઘડાને અંતે પણ એકબીજા માટે ખટાશ નથી રહેતી. આવું જણાવતાં સાઇકિયાટ્રિસ્ટ અને મૅરેજ કાઉન્સેલર ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘દરેક જાતના મતભેદને શાંતિથી, પદ્ધતિસર, સંવેદનશીલ બનીને પૂરી સહાનુભૂતિ સાથે ઉકેલી શકાય છે. લગ્નજીવનના ઝઘડા કે મતભેદો એક નાનકડી ટેસ્ટ જેવા હોય છે, જે તમને આગળની મોટી પરીક્ષા માટે તૈયાર કરતા હોય છે. અંતે સંબંધ મજબૂત બને છે, એકબીજા માટે પ્રેમ વધે છે. ઘણી વાર ઝઘડો થાય ત્યારે અત્યારે ને અત્યારે જ એનો ઉકેલ લાવવો છે એવી જીદ હોય છે. એ વસ્તુ સામેવાળાને પણ ઉશ્કેરે છે અને એ પણ શરૂ થઈ જાય છે. આવું ન થાય એ માટે સામેવાળાને સમજવાનો પૂરતો વખત આપવો જોઈએ.’

ઝઘડો કરવાની રીતો
ઝઘડાઓ થાય છે ત્યારે દરેક વ્યક્તિ પોતપોતાના વ્યક્તિત્વ મુજબ જ એને ડીલ કરતી હોય છે. ઘણા લોકોને સાંભળવાની આદત હોતી જ નથી એવું જણાવતાં ડૉ. પવન સોનાર કહે છે, ‘સામેવાળો શું કહે છે, શું ઇચ્છે છે એની એમને પરવા જ નથી હોતી. એમને એ ઘડી પોતાનો ગુસ્સો જ ઉતારવો હોય છે. આવા ઝઘડા નુકસાન કરે છે. આવા સમયે એ વિચારવું કે જો આપણા ભાઈ કે બહેનનો પાર્ટનર એની સાથે આવું વર્તન કરે તો આપણને કેવું લાગે? એ જગ્યાએ એવી અનુભૂતિ આપણે આપણા પાર્ટનર માટે કેમ ન રાખી શકીએ? જો યોગ્ય પૉઇન્ટની ચર્ચા થતી હોય તો પોતાની ભૂલ સ્વીકારવામાં કશું નથી જતું એવી સમજ ધીમે–ધીમે કેળવવી રહી. બીજી અગત્યની વાત એ કે ઝઘડો કરતી વખતે જવાબ આપવો જ જોઈએ એવી લાયમાં ન રહેવું. સામેવાળી વ્યક્તિ ગુસ્સામાં છે, એને એટલી સ્પેસ મળવી જોઈએ કે એ શાંત થઈ જાય અને એની વાત આપણા સુધી પહોંચાડી દે. બંને જણ એક જ જેવાં રીઍક્શન આપવા લાગે તો આગમાં ઘી નાખવા બરાબર છે. એ લાંબે ગાળે નુકસાન કરી શકે. એ સામે એક ઝઘડો કરે ત્યારે બીજું એને સાંભળી અને સંભાળી લે તો એ મજબૂત સંબંધ બનાવે છે. થોડી ધીરજ રાખી સમય લઈ લેવો જોઈએ.’


ઝઘડા પછી માફી 
અમુક યુગલ એવાં હોય છે જે ઝઘડો જ નથી કરતાં. આની બે શક્યતાઓ હોય છે એવું જણાવતાં ડૉ. પવન સોનાર કહે છે, ‘એક શક્યતા તો એ છે કે એ એટલા બધા સમજદાર હોય છે કે કોઈ એક કશું કહે એ પહેલાં જ બીજું સમજી જાય. એકબીજા સાથે લાંબો સમય રહીને પણ આવી સ્થિતિ આવે છે જ્યારે ઝઘડાને જ કોઈ અવકાશ રહેતો નથી. એનો મતલબ એવો નહીં કે એ લોકો બોરિંગ જીવન જીવી રહ્યા છે. એ લોકો નૅચરલી જ આ રીતે હોય છે. પણ ઑક્વર્ડ કેસમાં બેમાંથી એક સાથી એવો હોય છે કે એ બીજો સમજી જાય છે કે આની સાથે માથાકૂટ કરવાનો કોઈ અર્થ નથી. એ નહીં માને એટલે સામેવાળા કહેવાનું ટાળે છે, ટાળતા જ રહે છે. આ દબાવેલી લાગણી એક વખત મોટું રૂપ લઈને આવે છે અને ક્યારેક લગ્નજીવનને તોડી નાખનારું પણ સાબિત થઈ શકે છે. ઘણાં યુગલો એકબીજા સાથે ઝઘડો કરે છે પણ નૉર્મલ થતાં બહુ વખત લગાડે છે એટલે કે એક-બે મહિના, જે એમના સંબંધ અને ઇન્ટિમસી બંને પર અસર કરે છે. આવું ટાળવું જોઈએ. એકબીજાને માફ કરતાં રહેવાની આદત કેળવવી જોઈએ. માફી સંબંધને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. પાર્ટનર સાથે વાતચીત સરળ છે એ વિચાર પણ એનાથી મજબૂત થાય છે. વારંવાર લડતા પાર્ટનર એકબીજાને તરત માફ કરી દે છે ત્યારે એકબીજા સાથે સારી રીતે ઇન્ટિમેટ થઈ શકે છે.’

ઝઘડો ન થાય એ શક્ય નથી, પણ થાય તો કઈ રીતે પોતાની વાત મૂકી શકાય એ ચોક્કસ શીખી શકાય. આવું જણાવતાં ડૉ. પવન સોનાર કહે છે, ‘લગ્નજીવન અટકળે જ ચાલતું હોય છે. લગ્નજીવનમાં શું કરવું એનું જ્ઞાન આપણને સ્કૂલથી નથી મળતું. સદીઓથી પોતાના વડીલોને જોઈને જ એનું અનુકરણ થાય છે. આવા સમયે ઝઘડાઓ સૉલ્વ ન થતા હોય તો કોઈ બીજાની મદદ લેવી જ પડે એમ હોય તો રિલેશનશિપ એક્સપર્ટની મદદ લેવી જોઈએ.’

દરેક યુગલે ઝઘડાનું ગણિત સમજી લેવું જોઈએ

દરેક યુગલે ઝઘડાનું ગણિત સમજી લેવું જોઈએ. ઝઘડો કરવા પહેલાં અમુક બાબતોનું ધ્યાન રાખવા માટે ડૉ. રાજીવ આનંદ અમુક મુદ્દાઓ સૂચવે છે. 
ઝઘડો કરીશું તો આપણે બોલેલાં બે વાક્યોને બદલે સામેથી પાંચ વાક્યો મળશે એની તૈયારી રાખવી. 
પોતાનો અવાજ અને ટોન બંને હંમેશાં ધીમા રાખવા જેથી આખી વાત પૂરી સહાનુભૂતિથી રજૂ કરી શકાય. ગુસ્સાને કાબૂમાં રાખી જે વાત થાય છે એમાં વજન હોય છે. 
એકબીજા સાથે ફળદ્રુપ ચર્ચા પર ધ્યાન આપો, ડિબેટ પર નહીં. પોતાનો કેસ રજૂ કરી રહ્યા છો એવા ટોનમાં થતા ઝઘડા સમજદારી નહીં, મતમતાંતર વધારે છે. એવું થાય ત્યારે એક જણે ધીરજ કેળવી વિચારવાનો સમય લઈ લેવો.  
રજૂ કરાયેલી વાતનો ઉકેલ તાત્કાલિક ન લાવો. એના માટે થોડો સમય આપો અથવા સમય માગી લો. 
કોઈ પણ ક્ષણે એ ન ભૂલવું કે તમે તમારા જીવનસાથી સાથે વાત 
કરી રહ્યા છો, દુશ્મન સાથે નહીં. દરેક રીતે એમનું માન જળવાઈ રહેવું જોઈએ. 
પોતાના નિર્ણયો થોપવા માટે ન લડો, તમારા નિર્ણયોમાં સાથ મેળવવાની માગ હોવી જોઈએ. 
ક્યારેય લડી-ઝઘડીને એમ ન કહેવું કે આવું થશે તો આપણો સંબંધ ખતમ. સંબંધ તોડવા જેવી વાતોનો વારંવાર ઉલ્લેખ સંબંધમાં ખટરાગ ઊભા કરી શકે છે, એનાથી બચવું.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2024 11:24 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK