આખી વાર્તા અહીં વાંચો
પ્રતીકાત્મક તસવીર
ગજવામાં બૉલપેન બરાબર મૂકી છેને, ભુલાઈ તો નથી ગયુંને? શ્રીપદભાઈએ ફરી એક વાર તપાસી લીધું. હાથમાં પકડેલી નોટબુક બરાબર સાચવીને હૅન્ડબૅગમાં મૂકી લીધી. સવારના અગિયાર વાગ્યાનો સમય લઈ રાખ્યો હતો અક્ષતે. બરાબર અગિયારના ટકોરે અક્ષત શ્રીપદભાઈને લઈને દવાખાને પહોંચી ગયો. ‘પપ્પા, તમે અહીં બેસો, હું અંદર ડૉક્ટરને મળીને આવું. ડૉક્ટર બોલાવે ત્યારે તમે અંદર આવજો હંને!’ અક્ષતે શ્રીપદભાઈને બરાબર સમજાવ્યું અને રિસેપ્શન પર બેઠેલી છોકરીને ઇશારો કરી કહી પણ દીધું કે પપ્પાનું ધ્યાન રાખે. અક્ષત ડૉક્ટરની કૅબિનમાં પ્રવેશ્યો અને શ્રીપદભાઈએ હૅન્ડબૅગમાં મૂકેલી નોટબુક બહાર કાઢી. ગજવામાં સંભાળીને મૂકેલી પેન બહાર કાઢી અને નોટબુકના પાને અધૂરું રહી ગયેલું લખાણ પૂરું કરતાં પહેલાં હમણાં સુધી જેટલું લખ્યું હતું એ વાંચવા માંડ્યા.
‘તને વહાલમ કહું કે ઢીંગલા?
યાદ છે આપણાં લગ્નની ચોથી વર્ષગાંઠ હતી. મેં ઑફિસથી વહેલા આવી જઈ તને સરપ્રાઇઝ આપી હતી. કેમ ભૂલી ગઈ? એ જ દિવસે તો આપણે હાઇવેવાળા પેલા ઢાબા પર ખાવા ગયા હતા જ્યાં ખાવા જવાની તારી ખૂબ મરજી હતી. જોકે એ દિવસે મને ત્યાંનું ખાવાનું જરાય ભાવ્યું નહોતું પણ તું જીદ કરીને લઈ ગઈ હતી તો શું કરું? આપણી લૉન્ગ પેન્ડિંગ ડેટ! હા, બસ એ જ. આપણી એ ફોર્થ ઍનિવર્સરીના દિવસે જ મેં પહેલી વાર, અલબત્ત સાવ ભૂલમાં જ પણ એ ઢાબામાં પ્રવેશતી વખતે તને કહ્યું હતું, ‘ઢીંગલા’, ત્યાં ખાડો છે. આમથી, આ બાજુથી સાચવીને આવજે. અને તને મેં એ ભૂલમાં કરેલું સંબોધન એટલું ગમ્યું હતું કે ચાર વર્ષોના આપણા લગ્નજીવનમાં પહેલી વાર, હા પહેલી વાર જ તો, તેં જાહેરમાં બધી શરમ છોડી દઈ મને ગાલ પર પપ્પી કરી હતી. એ દિવસે તું એટલી ખુશ હતી કે તેં મને કહ્યું હતું, ‘સાંભળો! તમે મને કાયમ આ જ સંબોધનથી બોલાવો તો નહીં ચાલે? પાગલ તું હતી ઢીંગલા, હું નહીં! ઘરે મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી બધાંની સામે તને ઢીંગલા કહીને બોલાવું એટલો મૂર્ખ હું નહોતો. પણ હા, ત્યાર પછી જ્યારે પણ આપણી વચ્ચે ઝઘડો થતો અને તું રિસાઈ જતી, જ્યારે-જ્યારે એકલતાની જાહોજલાલી મળતી ત્યારે અચૂક મેં તને ‘ઢીંગલા’ કહીને જ મનાવી હતી, મનાવી હતી કે નહીં?
ADVERTISEMENT
પણ સાચું કહું, ઢીંગલા? તું મને પ્રેમ કરતી વેળા જેટલી વહાલી લાગતીને એના કરતાં જ્યારે તું મારાથી રિસાઈ જતીને ત્યારે મને વધુ વહાલી લાગતી હં! લે કેમ વળી, તે તને મનાવવાના પ્રયત્નોમાં મને વારંવાર તને ઢીંગલા કહીને, પપ્પીઓ કરવાનો, તને પ્રેમ કરવાનો મોકો મળતો’તોને! ક્યારેક તો મન થઈ આવતું કે જાણી જોઈને હું તારી સામે કંઈક એવું કરું જેથી તું રિસાઈ જાય અને પછી હું તને મનાવું. યાદ છે, અમારી ઑફિસનું એ ઍન્યુઅલ ડેનું ફંક્શન? બાપ રે, મને આવતાં જરા મોડું થયું હતું એમાં તો તું કેવી રિસાઈને બેસી ગઈ હતી. પૂરા પાંચ દિવસ લાગ્યા હતા તને મનાવતા. તને ગમતી કાંજીવરમ સિલ્કની નવી સાડીનો ખર્ચો તો થયો જ હતો ઉપરથી હાઇવેવાળા મને જરાય નહીં ભાવતું ખાવાનું બનાવતા એ ઢાબા પર તને લઈ જવી પડી હતી એ અલગ. પૂરા સાડીચારસો રૂપિયાનો ખર્ચો થયો હતો એ દિવસે! પાંચ દિવસ પછી એ સાંજે મૅડમ જેમ-તેમ માન્યાં હતાં. પણ એય ઢીંગલા, હવે હું એ ઢાબા પર ઘણી વાર જાઉં છું હં! અરે, ના સાચું કહું છું, ખરેખર! અને હવે તો મને ત્યાંનું ખાવાનું પણ ભાવતું થઈ ગયું છે.
અચ્છા, તું ગુસ્સે ન થાય તો એક વાત કહું? ના, પણ પહેલાં પ્રૉમિસ કર કે તું ગુસ્સે નહીં જ થાય. એ દિવસે... એ દિવસે મેં સાચે જ થોડું પીધું હતું, ઢીંગલા! ક્યારે? અરે ઑફિસના ઍન્યુઅલ ડેના સેલિબ્રેશનને દિવસે. હા, હા, હવે એમાં આમ નાક ચડાવવાની અને ગુસ્સે થવાની કાંઈ જરૂર નથી હં. જો, જો તેં પ્રોમિસ કર્યું હતું કે તું ગુસ્સે નહીં થાય. હા બાબા, તારું નાક સ્નિફર ડૉગ જેવું છે, કબૂલ! અને એ દિવસે તારો શક પણ સાચો જ હતો, મારી કરમચંદ જાસૂસ! તું જીતી અને હું હાર્યો. બસ, હવે ખુશ? ખરેખર હવે નથી ગમતું, ઢીંગલા. પાછી આવી જાને, પ્લીઝ! હવે હું તને હેરાન પણ નહીં કરું બસ, પ્રૉમિસ! અને હવે કોઈની પણ શરમ રાખ્યા વિના હું તને ઢીંગલા કહીને જ બોલાવીશ, બસ!
તને એક વાત કહું? ત્રણ દિવસ પહેલાં પેલી શાલિની મળી હતી. હા બાબા, એ જ શાલિની જે તારી દુશ્મન છે અને મારી સગલી લાગે છે એ જ શાલિની. પૂછતી હતી કે ભાભી કેમ છે? તને ભલે એ લગીરેય ગમતી નહોતી પણ તેના મનમાં તારા માટે ખૂબ માન છે હોં, ઢીંગલા! અરે-અરે, ના ભાઈ. હું એનો કોઈ પક્ષ નથી તાણી રહ્યો. તેણે જે કહ્યું એ જ તને કહું છું. શું, તારે એના વિશે કોઈ વાત નથી સાંભળવી એમ? અરે એવી તે શું નારાજગી ઢીંગલા. કેટલાં વર્ષો થયાં એ વાતને. હવે તો એનાં છોકરા પણ પરણી ગયાં અને તને ખબર છે, એનો મોટો દીકરો અમેરિકા સેટલ થયો છે. શાલિની પણ ત્રણ વાર અમેરિકા જઈ આવી. અરે, ના હવે મારી પાસે એનાં બધાં અપડેટ્સ છે એવું નથી. હું તો એને મળતો પણ નથી. આ તો એ દિવસે જસ્ટ અચાનક જ એ રસ્તે મળી ગઈ એટલે થોડી વાતો થઈ બસ, બાકી કાંઈ નહીં. તું હવે ફરી એ વાત પર ગુસ્સે નહીં થતી ઢીંગલા, પ્લીઝ! જો આજે તો તું રિસાણી પણ નહોતી છતાં મેં તને ઢીંગલા-ઢીંગલા કહ્યું કે નહીં, કહ્યુંને?
અરે હા, વહાલી શિયાળો શરૂ થઈ રહ્યો છે. તેં મેથી અને ગંઠોડા લેવા શરૂ કર્યા કે નહીં? તને શરદી જરાય માફક નથી આવતી, ખબર છેને? અને રાત્રે પેલું લીલી હળદરવાળું દૂધ લેવાનું ભૂલતી નહીં, સાંભળે પણ છે મારી વાત કે બસ અમસ્તા જ હા-હા કર્યે રાખે છે? કે પછી હજીયે હું બનાવીને આપું તો જ લેવાનું યાદ રહેશે તને? હા તે બનાવી આપીશને, કેમ નહીં? તારી સાથે-સાથે મને પણ પીવા મળશે. હા, લીલી હળદરવાળું ગરમ-ગરમ દૂધ તો મનેય ભાવે હં અને એમાંય જો તારી સાથે હીંચકે બેસીને પીવા મળે તો-તો ઓહોહોહો... આ તું સાથે હોય તો તારા બહાને મનેય થોડું પીવા મળે છે. બાકી હમણાં એક દિવસ મેં અક્ષતની વહુને કહ્યું તો એ કહે છે કે પપ્પા, ગરમ દૂધમાં લીલી હળદર નાખીને તે કોઈ પીતું હોય વળી? કેવી વાત કરો છો? ચૂપચાપ હું આપણા રૂમમાં આવીને બેસી ગયો. ના સાચું કહું છું, હું તેને એક શબ્દ પણ બોલ્યો નથી, ના બાબા અક્ષતને પણ નથી બોલ્યો. તું આવી જાને પાછી, વહાલી! આવાં પણ શું રિસામણાં? હવે તો હું અક્ષતને કે વહુને હેરાન પણ નથી કરતો. મારું ખાવાનું પણ જાતે રસોડામાં જઈને લઈ આવું છું અને ચૂપચાપ આપણા રૂમમાં જ બેસીને ખાઈ લઉં છું. વહુએ મારે માટે બે રોટલી બનાવી હોય તો ત્રીજી માગતોય નથી. એ તું હતી વહાલી જે મારા કહ્યા વિના સમજી જતી કે હજી મને ભૂખ છે અને ગરમ-ગરમ રોટલી ઉતારી આપતી. વહુને
બિચારીને એવું બધું નહીં ફાવે એ હુંય જાણું છું.
અને હા, મેં તને પૂછ્યુંને, તને વહાલમ કહું કે ઢીંગલા? યાદ છે, આ ‘વહાલમ’ શબ્દ પર આપણે એક દી કેટલી જીભાજોડી થઈ ગઈ હતી? કેટલું ઝઘડ્યાં’તાં એ દિવસે આપણે! મેં કહેલું વહાલમ પુલ્લિંગ શબ્દ છે, એ સ્ત્રી તેના પ્રિયતમને કહે અને તેં જીદ પકડી હતી કે વહાલમ શબ્દને કોઈ લિંગ કે જાતિ નહીં હોય. કહેનાર સ્ત્રી હોય કે પુરુષ, શરત માત્ર એટલી જ કે સામે તેનું પ્રિય પાત્ર હોવું જોઈએ. આવી મોટી ગુજરાતીની પ્રોફેસર! હા બાબા હા, આમેય મારું ક્યારે ચાલ્યું છે તારી સામે કે હવે ચાલશે? હું મારી ભૂલ સ્વીકારું છું, બસ! હું ત્યારે ખોટો હતો અને આજેય ખોટો જ છું. તું ત્યારેય સાચી હતી અને કાયમ જ સાચી હોય છે. એટલે જ તો આજે પૂછ્યું તને કે હું તને વહાલમ કહું કે ઢીંગલા?’
અધૂરું છૂટેલું લખાણ શ્રીપદભાઈએ વાંચવાનું પૂર્ણ કર્યું અને બૉલપેનના માથે ફરી એ ડાયરીના પાને બાકી રહેલી વાતો લખવાની જવાબદારી આવી પડી.
‘પપ્પાની હાલત દિવસે-દિવસે બગડતી જાય છે, અવિનાશ. હવે તો તેમને દવા લીધી છે કે નહીં એ પણ યાદ નથી રહેતું. દવા લીધી હોય અને છતાં અડધા જ કલાકમાં ફરી પૂછે છે, અક્ષત આજે તેં મારી દવા ન આપી?’ ડૉક્ટર મિત્ર અવિનાશ સામે હૈયું ઠાલવતાં અક્ષત રડમસ થઈ ગયો.
‘મેં કહ્યું હતુંને અક્ષત. શ્રીપદ અંકલને હવે ધીરે-ધીરે બધું ભુલાવા લાગશે! થોડા સમય પછી કદાચ એવુંય થાય કે એ તને પણ નહીં ઓળખી શકે. ઑલ્ઝાઇમર્સ બીમારી જ એવી છે, અક્ષત. બહારથી માણસની બીમારીનો કોઈને ખ્યાલ પણ ન આવે. શરીર સ્વસ્થ જણાય પણ સ્ટેજ-દર સ્ટેજ પેશન્ટની માનસિક હાલત એવી થતી જાય કે તે ક્યારે શું ભૂલી જશે અને ક્યારે તેમને શું યાદ રહેશે એ ડૉક્ટર સુધ્ધાં નથી કહી શકતા. તેઓ ખાવાનું સમયસર ખાઈ લે છે?’ ડૉ. અવિનાશે પૂછ્યું.
‘હા, ખાવાનું તો ખાઈ લે છે પણ બે રોટલીથી વધુ ખાતા નથી,’ અક્ષતે કહ્યું.
‘થોડી ધીરજ રાખ. આપણે આ વખતે થોડી દવાઓ બદલી જોઈએ. તેમના બિહેવિયરમાં કોઈ ફરક પડે છે કે નહીં એ તું ઑબ્ઝર્વ કરજે અને તેમની વર્તણૂંકમાં કોઈ મેજર ચેન્જ જણાય તો નોટ કરતો રહેજે. અને હા, ખાવાનું, દવા, વૉકિંગ અને લાઇટ એક્સરસાઇઝ બંધ નહીં થવાં જોઈએ. જો તેમને લેઝી ફીલ થાય તો પણ તારે કોઈ રીતે મનાવીને તેમને વૉક પર લઈ જવાના. આ સિવાય કોઈ પણ રીતનો સડન ચેન્જ હોય કે તબિયતમાં આમતેમ જણાય તો મને જણાવજે.’ અવિનાશે થોડી સલાહો આપી અને નવી દવાઓ માટેનું પ્રિસ્ક્રિપ્શન લખવા માંડ્યું.
‘શું જણાવું તને અવિનાશ? હમણાં ચાર દિવસ પહેલાં મમ્મીની ડેથ ઍનિવર્સરી ગઈ. ચાર વર્ષ થયાં મમ્મીને ગયાને. છતાં પપ્પાને લાગે છે કે તે હજી જીવે છે. તે હજીયે અમારા ઘરમાં, અમારી સાથે જ રહેતી હોય એ રીતે પપ્પા તેની સાથે વાતો કરે છે. અરે, એ તો છોડ, તને ખબર છે પપ્પા મમ્મીને રોજ એક પત્ર પણ લખે છે. તેમની આ હાલત મારાથી જોવાતી નથી, દોસ્ત!’ અક્ષત ડૉ. અવિનાશ સાથે કૅબિનમાં વાત કરી રહ્યો હતો અને બહાર બેઠેલા શ્રીપદભાઈ આજનો અધૂરો રહી ગયેલો પોતાનો પત્ર પૂર્ણ કરવાની તૈયારીમાં હતા.
અક્ષત અને વહુ કહે છે કે મને ઑલ્ઝાઇમર્સ નામની ભૂલવાની બીમારી થઈ છે, વહાલમ! આ ચાર દિવસ પહેલાં તું મને છોડીને ચિર વિદાયે ચાલી ગઈ એ વાતને ચાર વર્ષ થયાં. પણ હું તને હજીયે ભૂલી શક્યો નથી. ખબર નહીં મને શું ભૂલવાની બીમારી છે, ઢીંગલા? પણ હવે હું દલીલ નથી કરતો. એ લોકો જે કહે એમાં હાએ હા કર્યે રાખું છું. થોડા દિવસો પહેલાં કહ્યું કે પપ્પા તમને ઑલ્ઝાઇમર્સ થયો છે. તો એમાંય મેં ક્યાં ના પાડી? દવાઓ આપે છે એ લઈ લઉં છું.
આમેય હવે બીજું કંઈ યાદ રહે કે ન રહે એથી ખાસ ફરક નથી પડતો, વહાલમ! તું યાદ રહે એટલું બસ. બાકી છોને ઑલ્ઝાઇમર્સ બધું ભુલાવી દે!


