Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક જ મિશન છે, વધુ ને વધુ દીકરીઓને ભણાવવી

એક જ મિશન છે, વધુ ને વધુ દીકરીઓને ભણાવવી

26 February, 2024 11:43 AM IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

હર્ષિત જે ચાર છોકરીઓને મદદ કરી રહ્યો છે તેમની આર્થિક સ્થિતિ નબળી છે. એ લોકો ફક્ત દીકરાનો જ ભણતરનો ખર્ચો ઉઠાવી શકે એમ છે

હર્ષિત ભુવા

સૅલ્યુટ છે

હર્ષિત ભુવા


આ બીડું ઝડપ્યું છે વિરારના ૩૬ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયર હર્ષિત ભુવાએ. કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હતી ત્યારે જે વિદ્યાદાન તેને મળ્યું એની કૃતજ્ઞતાનો ભાવ આ યુવકની રગ-રગમાંથી છલકાય છે. અત્યારે ચાર દીકરીઓનો ભણવાનો ખર્ચ ઉઠાવી શકાય એ માટે આ યુવાન નોકરી ઉપરાંત કામ કરે છે

​તમને જે મદદ મળી એનું ઋણ ચૂકવવું હોય તો તમારાથી બને એવી મદદ બીજાને કરો. આ સિદ્ધાંતને વિરારનો ૩૬ વર્ષનો સૉફ્ટવેર એન્જિનિયર હર્ષિત ભુવા નખશિખ જીવી રહ્યો છે. ભણવા માટે તેને મળેલી મદદનું ઋણ ફેડવા તે અત્યારે ચાર દીકરીઓનું એજ્યુકેશન સ્પૉન્સર કરે છે. જૉબ ઉપરાંત વધુ ઇન્કમ માટે સાઇડ બાય સાઇડ એલઆઇસી, મેડિક્લેમ, મ્યુચ્યુઅલ ફન્ડ, એનપીએસનું કામ કરે છે જેથી જે કમિશન આવે એનો ઉપયોગ તે આ દીકરીઓના એજ્યુકેશન માટે કરે છે. હર્ષિતનું લાઇફમાં એક જ મિશન છે, વધુ ને વધુ દીકરીઓનું ભણવાનું સ્પૉન્સર કરવું; એ પણ એ દીકરીઓને ખબર ન પડે એ રીતે.

આ મિશન કઈ રીતે જીવનમાં આવ્યું એની વાત કરતાં હર્ષિત કહે છે, ‘હું એક મિડલ ક્લાસ ફૅમિલીથી બિલૉન્ગ કરું છું. અમે ત્રણ ભાઈ-બહેન છીએ. મારા પપ્પાની સાઇકલની દુકાન હતી. હું દસમા ધોરણમાં આવ્યો ત્યાં સુધી તો બધું બરાબર હતું. એ પછીથી જીવનમાં એવો વળાંક આવ્યો કે બધું જ બદલાઈ ગયું. મારો પરિવાર ભયંકર રીતે આર્થિક સંકટમાં ફસાઈ ગયો. એને કારણે ઘર-દુકાન બધું દાવ પર લાગી ગયેલું. ફરીથી જીવન ઝીરોથી સ્ટાર્ટ કરવાનો વારો આવ્યો. અમારી પાસે ખાવાના પણ પૈસા નહોતા. એમાં છોકરાવને ભણાવવાનું તો ક્યાંથી પોસાય? હું ભણવામાં હોશિયાર હતો પણ મને મારું ભવિષ્ય અંધારામાં ધકેલાઈ ગયેલું લાગ્યું. એ સમયે મારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારાં માસી શાંતિ ભુવાએ મદદનો હાથ લાંબો કર્યો. એ મારાં માસી પણ થાય અને કાકી પણ થાય. તેમના આ નિર્ણયમાં મારા કાકા કાંતિલાલે પણ તેમનો સાથ આપ્યો. તેમણે અમને રહેવા માટે તેમનું ઘર પણ આપ્યું અને ખાવા-પીવાથી લઈને ભણતર બધાનો જ ખર્ચો તેમણે આપ્યો. તેમને મારા પ્રત્યે ખૂબ પ્રેમ અને લાગણી હતાં. તેમને એમ હતું કે જો મને ભણવાની તક મળશે તો આખા પરિવારની આર્થિક સ્થિતિ સુધરી જશે અને ફરી અમે બૅક ટુ નૉર્મલ લાઇફ જીવી શકીશું. એટલે દસમા ધોરણ પછીથી મારો એન્જિનિયરિંગનો જે પણ ખર્ચ હતો એ તેમણે જ ઉઠાવ્યો હતો.’ભણવા ન મળ્યું હોત તો...
આજે હું જીવનના એ મુકામે છું કે એટલી ઇન્કમ થઈ જાય છે કે પરિવારની જવાબદારી નિભાવવાની સાથે મારાથી શક્ય હોય એટલી બીજાની મદદ કરી શકું. તેમણે મને ભણાવી ગણાવીને એટલો કાબેલ બનાવ્યો ન હોત તો આજે મારી એ લાઇફ ન હોત જે અત્યારે જીવી રહ્યો છું એમ જણાવતાં હર્ષિત કહે છે, ‘એ સમયે દસમા ધોરણના સમયે અમને મદદ કરવાવાળું કોઈ મળ્યું ન હોત તો કદાચ આજે હું ૧૨-૧૫ હજારની નોકરી કરી રહ્યો હોત. જનરલી એવું થાય કે તમે જ્યારે કોઈ આર્થિક મુસીબતમાં ફસાઈ જાઓ ત્યારે આશ્વાસન આપવાવાળા ઘણા મળશે, પણ આગળ આવીને આર્થિક રીતે મદદ કરવાવાળા ભાગ્યે જ કોઈ મળશે. એટલે મારા જીવનમાં તેમનો દરજ્જો કોઈ ભગવાનથી કમ નથી. કૉલેજમાં ભણવા માટે મોકલ્યો ત્યારે તેમણે મને બે સલાહ આપેલી. એક તો એ કે જીવનમાં કયારેય ખોટી સંગત કરતો નહીં. દારૂ, સિગારેટના રવાડે ચડતો નહીં અને પૂરું ધ્યાન ભણવા પર રાખજે. બીજું એ કે જીવનમાં તું જ્યારે સફળ થઈ જાય અને બીજાને મદદ કરી શકે એટલો સક્ષમ થઈ જાય ત્યારે વિદ્યાદાન કરજે. આ દાનમાં બીજાનું આખું જીવન બદલી દેવાની તાકાત છે.’


શા માટે ફક્ત છોકરીઓને જ મદદ કરે છે?
૨૦૦૯માં ભણવાનું પૂરું કરીને હર્ષિત નોકરીએ લાગ્યો ત્યારે ​મંદીનો સમય હતો એટલે સારો કહેવાય એવો પગાર નહોતો એની વાત કરતાં તે કહે છે, ‘શરૂઆતમાં જૉબ લાગી ત્યારે મને ખબર હતી કે આટલા પગારમાં હું ફક્ત મારા પરિવારની જરૂરતો જ પૂરી કરી શકીશ. મારે હજી પોતાનું ઘર પણ લેવાનું હતું તો એ માટે પણ બચત કરવાની હતી. એટલે મારે જો કોઈનું એજ્યુકેશન સ્પૉન્સર કરવું હોય તો મારે એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરવી પડે એમ હતી. એટલે પછી મેં એલઆઇસીનું કામ શરૂ કર્યું. અત્યારે હું ચાર છોકરીઓના ભણતરનો ખર્ચ ઉઠાવી રહ્યો છું જે ગરીબ પરિવારમાંથી આવે છે અને ૮-૯ ધોરણમાં ભણે છે. આગળ જઈને તેઓ કોઈ ફીલ્ડ ચુઝ કરશે ત્યારે અફકોર્સ તેમનો ભણવાનો ખર્ચ વધવાનો જ છે. એ માટે પણ મેં અત્યારથી જ વધુમાં વધુ પૈસા જમા કરવાનું શરૂ કરી દીધું છે. છોકરીઓના ભણતરનો ખર્ચ ઉઠાવવાનું કારણ એ છે કે મેં જોયું છે કે લોકો એવું વિચારે છે કે છોકરી તો પરણીને તેના સાસરે જતી રહેશે. કમાશે તો પણ તેનાં સાસરિયાંને આપશે. મારું માનવું છે કે છોકરીઓને હંમેશાં આત્મનિર્ભર બનાવવી જોઈએ. એટલે જ્યારે તે સાસરે જાય અને તેનો હસબન્ડ ફાઇનૅન્શિયલ ક્રાઇસિસમાં ફસાઈ જાય કે તેને કંઈ થઈ જાય તો તે ઘર સંભાળી શકે. તેણે બીજા સામે હાથ ન ફેલાવવો પડે. મારો એલઆઇસીનો એક ક્લાયન્ટ હતો. તેને મેં જ્યારે છોકરીના નામે પૉલિસી લેવા માટે અપ્રોચ કરેલો તો તેણે મને કહી દીધેલું કે મારી છોકરી તો લગ્ન કરીને સાસરે જતી રહેશે તો એ પૈસા તો જમાઈ લઈ જશે, એમાં મારો શું ફાયદો? ઇન ફૅક્ટ, મેં જોયું છે કે દીકરા કરતાં દીકરીને માતા-પિતાની ચિંતા વધુ હોય છે. આજકાલ ઘણા એનજીઓ છે જેઓ ગર્લ્સના એજ્યુકેશન માટે કામ કરે છે, પણ મારો પાસ્ટમાં ખરાબ એક્સ્પીરિયન્સ રહ્યો છે એટલે હું જાતે જ આ કામ કરું છું જેથી જેને વાસ્ત​વિકતામાં જરૂર છે તેમના સુધી આપણી મદદ પહોંચે.’

દીકરીઓને જાણ નથી... 
હર્ષિત જે ચાર છોકરીઓને મદદ કરી રહ્યો છે તેમની આર્થિક સ્થિતિ નબળી છે. એ લોકો ફક્ત દીકરાનો જ ભણતરનો ખર્ચો ઉઠાવી શકે એમ છે એટલે દીકરીને થોડું ઘણું ભણાવીને પછી ૧૯-૨૦ વર્ષે તો પરણાવી દેવામાં માને છે. હર્ષિત કહે છે, ‘આવા પરિવારની દીકરીઓનાં માતા-પિતા સાથે વાત કરીને મેં તેમને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરેલી. મેં તેમની સામે એક શરત પણ રાખેલી કે એ દીકરીને ક્યારેય ખબર ન પડવી જોઈએ કે તેમના ભણતરનો ખર્ચો હું ઉઠાવી રહ્યો છું. હું માનું છું કે દીકરી માટે તેના હીરો તેના પિતા જ હોવા જોઈએ.’


પત્નીનો કઈ રીતે મળ્યો સાથ?
હર્ષિતે જે સફરની શરૂઆત કરી છે એમાં આગળ વધવા માટે તેને તેની પત્ની વિધિ જરૂરી પીઠબળ પૂરું પાડી રહી છે. આ વિશે તે કહે છે, ‘અત્યારે તો મેં વિરારમાં મારું પોતાનું ઘર લીધું છે. મારી આ જર્નીમાં મને મારી પત્ની વિધિનો પણ ભરપૂર સાથ મળ્યો છે. આજકાલ તો તમે સારા પૉશ એરિયામાં રહેતા હો તો જ છોકરી લગ્ન માટે હા પાડે. તેમના માટે વિરાર લો સ્ટાન્ડર્ડ છે. મારી વાઇફનું એવું માનવું છે કે હું વૃક્ષ નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલી ન શકું. આજે હું અહીં છું, આવતી કાલે આનાથી કોઈ સારી જગ્યાએ હોઈશ. તેને મારી મહેનત અને કાબેલિયત પર વિશ્વાસ છે. વિધિ પોતે પણ એન્જિનિયર છે. તેને મારાથી પણ અનેક સારા લગ્ન માટેના પ્રસ્તાવ આવેલા. બટ તેણે મને પસંદ કર્યો. લગ્ન પહેલાં જ મેં તેને કહી દીધું હતું કે મારી એટલી સારી સૅલેરી નથી કે વિરાર સિવાય બીજે ક્યાંય અત્યારે શિફ્ટ થવાનું વિચારી શકું. અફકોર્સ, પ્રોફેશનલ લાઇફમાં પ્રોગ્રેસ થશે ત્યારે હું બીજે શિફ્ટ થવાનું વિચારીશ. તેને મારી ઈમાનદારી ગમી ગઈ. હું અત્યારે જે પણ કામ કરી રહ્યો છું એને લઈને મારી વાઇફને મારા પર ગર્વ છે. તેનો મને ફુલ સપોર્ટ છે. ઈવન ઘણી વાર એવું થાય કે એલઆઇસીનાં ફૉર્મ ભરવાનું કામ કે પછી મ્યુચ્યુઅલ ફન્ડનું અકાઉન્ટ ક્રીએટ કરવાનું કામ એની પાસેથી કરાવ્યું છે. વીક ડેઝમાં મારી ઑફિસ સાડાઅગિયારથી સાડાઆઠ સુધીની હોય છે. એટલે એલઆઇસીનું કામ હું વીક-એન્ડમાં કરું છું. ઘણી વાર વર્કલોડ એટલો વધી જાય કે એકલા હાથે કામ ન થાય તો પછી તે મારી હેલ્પ કરે.’

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2024 11:43 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK