Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૩૨)

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૩૨)

27 May, 2023 08:19 AM IST | Mumbai
Aashu Patel | feedbackgmd@mid-day.com

‘યસ, હમ આજ રાત કો વો મૉડલ કા ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરેંગે. હમારે એમડીને ગ્રીન સિગ્નલ દે દિયા હૈ. વો લડકી જરા સ્માર્ટ બન રહી હૈ, પર વો કુછ ભી કર નહીં પાએગી...’

ઇલેસ્ટ્રેશન

ઇલેસ્ટ્રેશન


સિંહા સાથે સોદો થઈ ગયો એટલે શૈલજા સિંઘલના મુદ્દે નિશ્ચિત થઈ ગયેલો શાહનવાઝ થોડી રાહતની લાગણી અનુભવી રહ્યો હતો કે ચાલો એક મોરચો તો શાંત પડ્યો, પરંતુ એ જ વખતે તેના પર તેના એક ચમચા સમા દોસ્તનો કૉલ આવ્યો, ‘સર, શૈલજા સિંઘલ નામની મૉડલે ‘ખબર ઇન્ડિયા ચૅનલ’ને તમારા વિરુદ્ધ ઇન્ટરવ્યુ આપ્યો છે. એ મૉડલે તમારા વિરુદ્ધ આપેલો ઇન્ટરવ્યુ આજે રાતે ટેલિકાસ્ટ થશે એવી અનાઉસમેન્ટ એ ચૅનલ પર શરૂ થઈ ગઈ છે.’ 


શાહનવાઝે આઘાતની લાગણી અનુભવી પણ બીજી ક્ષણે તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે મિલનકુમારને કૉલ લગાવ્યો.



lll


‘ખબર ઇન્ડિયા’ ચૅનલ પર શૈલજાના ઇન્ટરવ્યુ વિશે ચાલી રહેલી અનાઉન્સમેન્ટ જોઈને વિચલિત બની ગયેલો મિલનકુમાર કોઈને કૉલ લગાવવાની કોશિશ કરી રહ્યો હતો એ જ વખતે તેના પર્સનલ નંબર પર શાહનવાઝનો કૉલ આવ્યો. 

મિલનકુમારે કૉલ રિસીવ કર્યો એ સાથે તેણે ઉશ્કેરાઈને કહ્યું, ‘પેલી છોકરીએ આપણી સાથે દગો કર્યો છે. તેને કોઈ પણ હિસાબે ઠેકાણે પાડવી પડશે. તેનો કંઈ પણ બંદોબસ્ત કર, નહીં તો મારી સાથે તું પણ મરીશ!’


મિલનકુમારે તેને શાંત પાડવાની કોશિશ કરતાં કહ્યું, ‘‘ખબર ઇન્ડિયા’ ચૅનલ પર ચાલી રહેલી અનાઉન્સમેન્ટ મેં પણ જોઈ છે. આવી સ્થિતિમાં તેને કંઈ પણ થશે તો એકને એક બે થશે અને ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થશે.’

શાહનવાઝે કહ્યું, ‘જે થવાનું હોય તે થાય! એ છોકરીએ મારા નાકમાં દમ લાવી દીધો છે. તેને રસ્તામાંથી હટાવવી જ પડશે નહીં તો...’

મિલનકુમારે કહ્યું, ‘હું મારી રીતે રસ્તો કાઢું છું. એ છોકરી મને મળવા આવી એ અગાઉ ‘ખબર ઇન્ડિયા’ ચૅનલમાં ઇન્ટરવ્યુ આપી આવી છે એ વાત તેણે મને ઑલરેડી કહી છે. આપણે સિંહા સાથે બધું ગોઠવી લીધું એમ છતાં આ અનાઉન્સમેન્ટ શરૂ થઈ ગઈ છે એટલે કાં તો સિંહા ડબલ ક્રૉસ કરી રહ્યો છે અને કાં તો તેની ઉપરવટ જઈને રશ્મિ માથુર ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરવાની હિંમત દાખવી રહી છે. એટલે તેને ચોક્કસ કોઈનું પીઠબળ હશે નહીં તો શાહનવાઝ પર હાથ નાખતાં અગાઉ તેણે સો વાર વિચારવું પડે એટલે...’

‘તો તેને અને જરૂર પડે તો સિંહાને પણ ઠેકાણે પાડી દે. મારી સામે અત્યારે આટલી આફતો આવી પડી છે ત્યારે આ એક વધુ મુશ્કેલી નથી જોઈતી. તું ન કરી શકતો હો તો મને કહી દે! હું રસ્તો કાઢી લઉં છું. તને શાહનવાઝ થકી ફાયદો થાય એમાં જ રસ છે બાકી તને શાહનવાઝ જીવે કે મરે એની સાથે કોઈ લેવાદેવા નથી!’

‘વૉટ આર યુ ટૉકિંગ?’ મિલનકુમાર અકળાઈ ઊઠ્યો. તેણે કહ્યું, ‘મેં ઑલરેડી આટલું મોટું જોખમ ઉઠાવી લીધું છે. એ છોકરી સાથે મેં ડીલ કર્યું છે અને તેને ફી આપવા માટે મારી કંપનીમાંથી કારણ વિનાના કરોડો રૂપિયા વેડફાઈ જવાના છે...’

‘વેડફાઈ જવાના છે?’ શાહનવાઝ ઓર ગુસ્સે થઈ ગયો. તેં એક નાની અમથી ફેવર કરી એમાં મને સંભળાવે છે મને? શાહનવાઝને? ધ શાહનવાઝને? તું મારા થકી અબજો રૂપિયા કમાયો છે એ ભૂલી ગયો? મારી સાથેની દોસ્તીને કારણે તેં કેટલી રૂપાળી છોકરીઓ સાથે સેક્સ માણ્યું છે એ તું ભૂલી ગયો! યુ, &%$#@...’

શાહનવાઝ લગભગ ચીસો પાડી રહ્યો હતો.

મિલનકુમારને પણ ગુસ્સો આવી ગયો, પણ એમ છતાં તેણે શાંત રહેવાની કોશિશ કરતાં કહ્યું, ‘અરે, યાર! ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ માય કન્સર્ન! હું મારા માટે નથી કહેતો. તારા માટે વધુ મુશ્કેલી ઊભી ન થાય એ માટે કહી રહ્યો છું.’ 

‘તો શું હું હાથ પર હાથ રાખીને બેસી રહું? એ છોકરી આખી દુનિયામાં મારી ઇજ્જતનો ધજાગરો ઉડાવી દે, આખી દુનિયામાં મને બદનામ કરી દે એ મારે ચૂપચાપ જોતા રહેવાનું?’

શાહનવાઝ વધુ ભડકી ગયો.

મિલનકુમાર પણ હવે ખૂબ અકળાઈ ગયો હતો. તેણે કહ્યું, ‘ઓકે, મને થોડો વિચારવા માટે તો સમય તો આપ! હું કંઈ રસ્તો કાઢવાની કોશિશ કરું છું.’

‘કોશિશ નહીં, મને પરિણામ જોઈએ છે,’ શાહનવાઝે અલ્ટિમેટમ આપી દીધું.

મિલનકુમાર શાહનવાઝ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે તેની ચેમ્બરમાં તેની સેક્રેટરી અચાનક ધસી આવી. તેણે કહ્યું, ‘સર, તમને મળવા માટે...’

તે આગળ કશું બોલે એ પહેલાં જુહુ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર વર્દેએ તેની ચેમ્બરમાં પ્રવેશ કર્યો.

મિલનકુમાર શાહનવાઝને સમજાવવા માટે મથી રહ્યો હતો ત્યાં જ અનપેક્ષિત રીતે વર્દે અને સાથે બે પોલીસ-કૉન્સ્ટેબલને આવેલા જોઈને તે હેબતાઈ ગયો.

શાહનવાઝ સાથે તે જે વાત કરી રહ્યો હતો એ વાત પોલીસ સામે કરવાની કલ્પના પણ તે કરી શકે એમ નહોતો એટલે તેણે શાહનવાઝને કહ્યું, ‘હું થોડી વારમાં કૉલ કરું છું.’ અને તેણે ઉતાવળે શાહનવાઝનો કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો.

lll

મિલનકુમારની ચેમ્બરમાં પોલીસ ટીમ આવી છે એનાથી બેખબર શાહનવાઝનું મગજ ગુસ્સાથી ફાટી ગયું. તેને થયું, આટલી અગત્યની વાત ચાલુ હતી ત્યારે મિલનકુમારે કૉલ ડિસકનેક્ટ કરી નાખ્યો!

તેણે મિલનકુમારને ફરી વાર કૉલ જોડ્યો, પણ મિલનકુમાર તેનો કૉલ ઍક્સેપ્ટ કરી શકે એવી સ્થિતિમાં નહોતો.

શાહનવાઝને મિલનકુમાર પર કાળ ચડ્યો. તેને થયું કે મિલનકુમારની સુપારી આપીને તેને જ ખતમ કરાવી દેવો જોઈએ! વર્ષો સુધી પોતાનો ટંકશાળની જેમ ઉપયોગ કરીને પૈસા કમાયેલો મિલનકુમાર ખરા સમયે હાથ ઊંચા કરી રહ્યો હતો, પણ અત્યારે મિલનકુમારને પાઠ ભણાવવા કરતાં ‘ખબર ઇન્ડિયા’ ચૅનલ પર શૈલજાનો ઇન્ટરવ્યુ અટકાવવો જરૂરી હતો.

તેણે ઉશ્કેરાટમાં સિંહાને કૉલ લગાવ્યો. સિંહાએ તેનો કૉલ રિસીવ ન કર્યો.

lll

‘યસ, હમ આજ રાત કો વો મૉડલ કા ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરેંગે. હમારે એમડીને ગ્રીન સિગ્નલ દે દિયા હૈ. વો લડકી જરા સ્માર્ટ બન રહી હૈ, પર વો કુછ ભી કર નહીં પાએગી...’

રશ્મિ તેની કૅબિનમાં ટીવી પર આહના અનાઉન્સમેન્ટ કરી રહી હતી એ જોઈને મલકાતાં-મલકાતાં કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી. એ અનાઉન્સમેન્ટ શરૂ થઈ એ સાથે જ તેના પર કૉલ્સ શરૂ થઈ ગયા હતા.    

રશ્મિ ફોન પર વાત કરી રહી એ જ વખતે તેને અચાનક બહાર બૂમબરાડા સંભળાયા. તેને સમજાયું કે સિંહા અને સહગલ વચ્ચે કશોક ઝઘડો ચાલી રહ્યો છે. તેણે અનુમાન કર્યું કે કદાચ આહના અનાઉન્સમેન્ટ કરી રહી છે એ જોઈને સહગલ ગુસ્સે થઈ ગયો હશે. તેણે કહ્યું, ‘હમ બાદ મેં બાત કરતે હૈં.’ તેણે કૉલ ડિસ્કનેક્ટ કર્યો અને તે ઉતાવળે પોતાની કૅબિનમાંથી બહાર દોડી.

એ વખતે સહગલની પીઠ રશ્મિ તરફ હતી એટલે તેને ખબર ન પડી કે રશ્મિ બહાર આવી છે. તે બેફામ ગાળો બોલતાં-બોલતાં કર્મચારીઓની પકડમાંથી છૂટીને સિંહાને મારવા તરફ ધસી જવા માટે હવાતિયાં મારી રહ્યો હતો.

સહગલના એ વર્તાવથી ઉશ્કેરાયેલા સિંહા પણ સહગલને મારવા માટે ધસી ગયા, પણ સહગલના વફાદાર એવા કેટલાક કર્મચારીઓએ તેમને પકડી લીધા. એ જ ક્ષણે રશ્મિ કૅબિનમાંથી બહાર નીકળી. સિંહાનું ધ્યાન તેના તરફ ગયું અને તેણે અવાજ ફાટી જાય એટલા ઊંચા સ્વરે તેને ગાળ આપી.

રશ્મિને સમજાયું નહીં કે આ બધું શું ચાલી રહ્યું છે! સહગલને કેટલાક કર્મચારીઓ પકડીને ઊભા હતા અને તે સિંહાને ગાળો આપીને તેને મારવા માટે આગળ વધવા મથી રહ્યો હતો. બીજી બાજુ સિંહા સહગલને ગાળો આપી રહ્યો હતો. એ જ વખતે અચાનક સિંહાએ તેને જોઈ એટલે તે તેને ગાળો આપવા લાગ્યો.

રશ્મિ ગૂંચવાઈ ગઈ. તેને લાગ્યું કે આહના સરીન અનાઉન્સમેન્ટ કરી રહી છે એને કારણે સહગલ ભડક્યો હશે એટલે તે સિંહાને ગાળો આપી રહ્યો હશે. તેની તો સિંહા સાથે વાત થઈ હતી એ વખતે સિંહાએ તેને કહ્યું હતું કે ‘આપણે આ ઇન્ટરવ્યુ ટેલિકાસ્ટ કરીશું અને આ ઇન્ટરવ્યુને કારણે સહગલ ઉશ્કેરાઈને રાજીનામું આપી દે તો તું એડિટર-ઇન-ચીફ તરીકે જ્વાબદારી સંભાળવા માટે માનસિક રીતે તૈયાર રહેજે.’ એને બદલે અત્યારે સિંહા તેને ગાળો આપી રહ્યો હતો!

બીજી બાજુ અપવાદરૂપ કર્મચારીઓ સિવાય બીજા બધા કર્મચારીઓ પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે સિંહા અને સહગલ વચ્ચે શું ચાલી રહ્યું છે. તેમને એમ હતું કે સહગલ અને સિંહા વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો છે અને વાત મારામારી સુધી પહોંચી ગઈ છે એને બદલે સિંહાએ રશ્મિને ગાળ આપી એટલે એ બધા અસમંજસમાં મુકાઈ ગયા.

સિંહાએ રશ્મિ તરફ જોઈને ગાળ આપી એટલે સહગલને પણ સમજાયું કે રશ્મિ બહાર આવી છે. તે પણ એક ક્ષણ માટે તો સમજી ન શક્યો કે સિંહા શા માટે રશ્મિને ગાળ આપી રહ્યો છે! જોકે અત્યારે તેના મગજ પર એટલો ગુસ્સો સવાર થયેલો હતો કે સિંહા રશ્મિ પર કેમ ભડકી ગયો છે એનું વિશ્લેષણ કરવા માટે તેની પાસે અવકાશ નહોતો, પણ તેને સિંહા સાથે રશ્મિ ઉપર પણ ગુસ્સો આવ્યો હતો. તેણે સહકર્મચારીઓની પકડમાંથી છૂટવાની કોશિશ કરતાં-કરતાં પોતાનો ચહેરો ફેરવીને રશ્મિ તરફ જોયું અને તે પણ રશ્મિને બેફામ ગાળો આપવા લાગ્યો. તેણે પોતાને પકડીને ઊભેલા સહકર્મચારીઓને ગાળ આપતાં કહ્યું, ‘છોડો મને. હું આ કૂતરીને મારી નાખીશ.’

બીજી બાજુ સિંહાએ પણ રશ્મિ તરફ ધસવાની કોશિશ કરતાં બરાડા પાડતાં કહ્યું, ‘ગેટ આઉટ ફ્રૉમ માય ઑફિસ. ફરી વાર જિંદગીમાં તારું મોઢું મને ન બતાવતી! યુ @#$&%! આઇ વિલ કિલ યુ.’

રશ્મિએ આશ્ચર્યાઘાતની લાગણી અનુભવતાં કહ્યું, ‘તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે?’

‘હું એકદમ હોશમાં છું. તું આ જ ક્ષણે ઑફિસમાંથી બહાર નીકળી જા નહીં તો હું તને મારી નાખીશ, કૂતરી!’ સિંહાએ બરાડો પાડ્યો.

એ સાંભળીને રશ્મિને પણ ગુસ્સો આવી ગયો. તેણે કહ્યું, ‘મને ગાળ સાંભળવાની આદત નથી, મિસ્ટર સિંહા.’

તેણે જિંદગીમાં પહેલી વખત સિંહાને ‘મિસ્ટર સિંહા’ સંબોધન કર્યું એને કારણે સિંહા વધુ ગુસ્સે થઈ ગયા.

સિંહા રશ્મિ પર ભડકી ગયા હતા એ જોઈને સહગલના ચમચાઓને મજા આવી ગઈ. તેમને સિંહાને છોડવાની ઇચ્છા થઈ આવી, પણ સિંહા કદાચ સહગલ પર હુમલો કરી બેસશે એવા ડરને કારણે તેઓ એવું ન કરી શક્યા.    

આ દરમિયાન ઝનૂને ચડેલો સહગલ પાગલની જેમ બૂમો પાડતાં-પાડતાં રશ્મિને ઉદ્દેશીને ચીસો પાડી રહ્યો હતો, ‘સાલી &$%#@! તેં મારી સાથે રમત કરી! હું તારી જિંદગી બરબાદ કરી નાખીશ. તને ખબર નથી કે હું કેટલો હરામી માણસ છું.’

રશ્મિએ પણ પિત્તો ગુમાવી દેતાં ગાળ આપી દીધી, ‘માઇન્ડ યૉર લૅન્ગ્વેજ, યુ #$&%@!’

‘ખબર ઇન્ડિયા’ના કર્મચારીઓએ જિંદગીમાં કયારેય આવી સ્થિતિ નહોતી જોઈ. તેમના માટે દરેક ક્ષણ આશ્ચર્ય, આઘાત, ઉત્તેજના અને ઉત્સુકતા જગાડનારી હતી. ઑફિસના તમામ કર્મચારીઓનું ધ્યાન સિંહા, સહગલ અને રશ્મિ વચ્ચે ચાલી રહેલી ધમાલ પર હતું.

એ વખતે એક ખેપાની અને અસંતુષ્ટ કર્મચારીએ મોકાનો ફાયદો ઉઠાવીને કોઈને કૉલ કરી દીધો અને પછી તે બધાની નજર ચુકાવીને, થોડે દૂર જઈને પોતાના મોબાઇલ ફોનથી સિંહા, સહગલ અને રશ્મિ વચ્ચે ચાલી રહેલી ધમાલ શૂટ કરવા લાગ્યો!

 

વધુ આવતા શનિવારે...

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2023 08:19 AM IST | Mumbai | Aashu Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK