Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જૂનું પકડી રાખીને નવું તરછોડો તો જીવનમાં વિકાસ ન થાય

જૂનું પકડી રાખીને નવું તરછોડો તો જીવનમાં વિકાસ ન થાય

13 December, 2022 05:12 PM IST | Mumbai
Sarita Joshi | sarita.joshi@mid-day.com

સાથોસાથ, નવું પકડવાની લાયમાં જૂનું છોડી દો તો તમે મૂળથી કપાઈ જાઓ અને એનું મોટું નુકસાન ભોગવવું પડે. મેં મારું મૂળ અકબંધ રાખી નવી વાતને આવકારી હતી

૧૦૦ રૂપિયાની આ નોટને હાથીછાપ નોટ કહેતા અને એનાં બે કારણ હતાં; એક, એના પર હાથીનો ફોટો હતો અને બીજું, ભારતીય કરન્સીમાં બનેલી તમામ નોટમાં આ સૌથી લાંબી અને પહોળી નોટ હતી.

એક માત્ર સરિતા

૧૦૦ રૂપિયાની આ નોટને હાથીછાપ નોટ કહેતા અને એનાં બે કારણ હતાં; એક, એના પર હાથીનો ફોટો હતો અને બીજું, ભારતીય કરન્સીમાં બનેલી તમામ નોટમાં આ સૌથી લાંબી અને પહોળી નોટ હતી.


આ વાત ૧૯પ૯-’૬૦ની આસપાસની, જ્યારે મેં ફરીથી જૂની રંગભૂમિ પર કામ શરૂ કર્યું. એ સમયે મારી દીકરી દોઢેક વર્ષની અને મારો દીકરો માનોને તમે ચારેક વર્ષનો, જે વડોદરા હતો. હા, હું તમને કહેતાં ભૂલી ગઈ કે તેનું સ્કૂલમાં ઍડ્‍મિશન લઈ લીધું હતું. દીકરાને વડોદરાની રોઝરી સ્કૂલમાં દાખલ કર્યો હતો.

મેં હિંમત કરીને ઈરાની શેઠ સાથે વાત કરી અને તેમને કહ્યું કે હું તમારું નાટક કરું, પણ તમે મને એક નાનકડી ફેવર કરો.
‘બોલ, શું કરવાનું છે?’



‘તમારું નાટક તો શનિ-રવિ જ હોય છેને?’ ઈરાની શેઠે હા પાડી કે તરત જ મેં તેમને કહ્યું, ‘તો બાકીના દિવસોમાં હું આ જે નવા થિયેટરમાં કામ કરું છું તો મને જરા સાચવી લોને... મને બહુ બધું શીખવા મળી રહ્યું છે.’


કોણ જાણે તેમને શું થયું, પણ તેમણે તરત જ નિર્ણય લઈ લીધો.
‘પાક્કું... હું શનિ-રવિ નાટક કરીશ, પણ પછી એમાં તારે મારી પાસે બીજી કોઈ છુટ્ટી નહીં માગવાની.’
lll

આ બધી વાતો તમે ગયા મંગળવારે વાંચી. આ બધું વાંચીને ઘણા વાચકોએ પૂછ્યું છે કે જૂની રંગભૂમિ એવી ખરાબ હતી કે ત્યાં કામ કરવાનું ન ગમે?
ના, જરાય નહીં. જૂની રંગભૂમિ પણ ખરાબ નહોતી અને એ રંગભૂમિના લોકો પણ સોનાના હતા. ખરેખર પણ શું છે કે નવી વાત હંમેશાં લોકોને વધારે આકર્ષિત કરે. નવું હોય એમાં જૂની ખામીઓ પણ દૂર કરવામાં આવી હોય એટલે એ રીતે પણ થોડું વધારે બહેતર હોય, પણ એ બહેતર વાતોને કારણે એવું તો બિલકુલ ધારી ન શકાય કે જૂનું ખરાબ હતું કે યોગ્ય નહોતું. પહેલા ધોરણમાં જ્યારે એકડા-બગડા કે પછી એબીસીડી શીખ્યા હોઈએ એનું મહત્ત્વ આપણને ત્યારે નથી સમજાતું, પણ સમય જતાં એ જ એકડા-બગડા અને એબીસીડી જીવનમાં કેટલો મહત્ત્વનો ફાળો આપે છે એ તો શાંતચિત્તે બેસો તો જ સમજાય. 


એક વાત યાદ રાખજો કે જૂનું પકડી રાખીને નવું તરછોડી દો તો જીવનમાં વિકાસ ન થાય અને જૂનાને સંપૂર્ણ ત્યજી નવાને આવકારી લેવાથી તમારું મૂળ નબળું પડી જાય. મેં મારું મૂળ પણ અકબંધ રાખ્યું હતું અને નવી વાતને પણ પ્રેમપૂર્વક જીવનમાં આવકારી હતી, જેનો મને ગર્વ છે. 
જીવનમાં ઘણા તબક્કા એવા આવે કે તમે પાછું વળીને જુઓ તો તમને તમારા પર જ ગર્વ થાય કે આપણા મનનું પણ થયું, સ્વેચ્છાએ જે કરવું હતું એ પણ કર્યું અને કૉમ્પ્રોમાઇઝ કરીને તમે જીવનના સંબંધોને પણ નિભાવ્યા. 
lll

આજે મારે થોડી વધારે વાતો જૂની રંગભૂમિની, એ રંગભૂમિના જે શેઠિયા હતા તેમની કહેવી છે. હા, શેઠિયા કે પછી કહો કે સાહેબ, માલિક. અમે તેમને શેઠ જ કહેતાં. શેઠ એટલા માટે કહીએ, કારણ કે અમે પગારદાર હતાં. હા, એ સમયે પગારદાર ઍક્ટરોની પ્રથા ચાલતી હતી. આજે તો શો કરીને જતા રહેવાનું અને એ પછી જે કરવું હોય એ કરવાનું, પણ એ સમયે એવું નહોતું. એ સમયે એવી પ્રથા હતી કે નાટકના શો થાય કે ન થાય, પણ તમને તમારો પગાર મળી રહે. કલાકારો ઓછા હતા એટલે આ પ્રકારની પ્રથા શરૂ થઈ હશે એવું મારું અનુમાન છે. એ સમયની રંગભૂમિ પર જ નહીં, ફિલ્મોમાં પણ એવી જ પ્રથા હતી, સ્ટુડિયો પ્રથા. તમે એક સ્ટુડિયોમાં કામ કરતા હો એટલે તમને એનો પગાર બાંધી દે અને તમારે એ પગાર પર કામ કરતા જવાનું. કલાકાર વધ્યા હશે અને કોઈ મોટા કલાકારે આ પ્રથા સામે વિરોધ કર્યો હશે એમાંથી જ આ પગાર-પ્રથા બંધ થઈ હશે. આ પણ મારું અનુમાન છે, પણ હા, બીજી પણ એક વાત કહું, આજે ફરીથી આ પગાર-પ્રથા શરૂ થઈ છે, પણ હવે કંપનીઓ કલાકારને અમુક વર્ષ માટે બુક કરી લે છે.

હવે પગાર દર મહિને નથી મળતો, વર્ષે મળે છે, પણ તમારે કામ બીજા સાથે નહીં કરવાનું અને જો કરવું હોય તો તમારે બધા પ્રકારની પરવાનગી લેવાની અને જો કંપનીની મંજૂરી હોય તો જ તમારે બીજે કામ કરવાનું. સાચું શું, ખોટું શું એ તો રામ જાણે, પણ હા, હું એટલું કહીશ કે આવી પ્રથાથી ટૅલન્ટ બંધાઈ જાય છે.

પ્રતિભા ફૂલ જેવી છે. એ લહેરાતા પવન સાથે ઊભી રહે તો જ એની ખુશ્બૂનો લાભ સૌકોઈને મળે, પણ ધારો કે એને બંધ રૂમમાં મૂકી દેવામાં આવે તો એ રૂમની બહાર ખુશ્બૂ પ્રસરે નહીં.
વાત કરીએ અમારા સમયની.

અમારો મહિનાનો પગાર નક્કી હોય અને ટૂર થાય કે નાટકનો શો હોય તો અમને ભથ્થું મળે. ઈરાની શેઠ તો ખટાઉ આલ્ફ્રેડના મૅનેજર હતા, જેની સાથે મેં મૅરેજ કર્યાં એ રાજકુમારની ફૅમિલીની વાત કરું તો તેઓ નિપુણ પ્રોડ્યુસર હતા. મોટા-મોટા અને નામી ફિલ્મ કલાકારોને તેઓ તખ્તા પર લઈ આવતા. તેમની સાથે કામ કરવા બધા આતુર હોય. આલ્ફ્રેડ ખટાઉ સાથે કામ કરવું એ લહાવો ગણાતું.

અશરફ ખાન, શાંતા આપ્ટે, શારદા, રાણી પ્રેમલતા એ બધાં ફિલ્મોનાં મોટાં ઍક્ટર્સ. મારે કહેવું જ જોઈએ કે આ કુનેહ ઈરાની શેઠની પણ હતી. તેમણે મોટા બૅનર સાથે મૅનેજર તરીકે કામ કરેલું. એ બૅનર પણ ઈરાની શેઠને પૂછીને જ આગળ વધે.  ‘પટરાણી’ નાટકની વાત કહું તમને.

પદ્‍મા આ નાટકની મેઇન હિરોઇન. ચન્દ્રકાન્ત સાંગાણીનું તમે નામ સાંભળ્યું હશે, તે પણ નાટકમાં. આ નાટકથી હું ફરી જૂની રંગભૂમિ પર કૉમિકના રોલમાં આવી. અહેમદ દરબારનું નાટકમાં મ્યુઝિક. હજી મને નાટકના એ ગીતના શબ્દો યાદ છે. 

કૉમિકના પડદા પર હું એક ગામડાની છોકરી બનીને આવતી અને મારા પર એ ગીત હતું, ‘સોના ઈંઢોણી ને રૂપલાનું બેડું...’  બિરલામાં નાટક ઓપન થયું અને બધા જાણીતા અને મોટા લોકો નાટક જોવા આવ્યા. બધાની નજર પદ્‍મા પર હતી અને પદ્‍માનો ગેટઅપ અને લુક બહુ સરસ તૈયાર કર્યા હતા, તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે પદ્‍મા લાગે પણ બહુ સરસ, પણ સાહેબ, આ નાટકમાં હું સુપરડુપર રહી, કૉમિકનો પડદો મેં રીતસર ધ્રુજાવી દીધો. આ મારે કહેવું પડે છે એટલે મને સહેજ શરમ આવે છે, પણ આ સાવ સાચું છે અને મારા સિવાય હવે ભાગ્યે જ કોઈ રહ્યું હશે જે આ વાત કરી શકે.

નાટક પૂરું થયું. હું તો પગાર પર હતી નહીં, બીજાં નાટકો પણ કરતી હતી એટલે મને નાઇટ આપવાની હતી. દરેક શોના પૈસા આપી દેવાના, જે બંધ કવરમાં આપે એને નાઇટ કહેવાય. એ સમયે નાઇટના ૧૨૦ રૂપિયા મળતા, મેઇન ઍક્ટર હોય તો તેને વધીને ૧પ૦ અને ૧૭પ એટલે તો હદ થઈ ગઈ.

આ પણ વાંચો :  સરિતા ઍક્ટિંગ કરે ત્યારે તેને જોવામાં મારી આંખો ઠરી જાય, હું મારું પાત્ર ભૂલી જ

આ વાત છે ૧૯પ૯-’૬૦ની આસપાસની. એ સમયે મારી દીકરી દોઢેક વર્ષની અને મારો દીકરો માનોને તમે ચારેક વર્ષનો. જે વડોદરા હતો. હા, હું તમને કહેતાં ભૂલી ગઈ કે તેનું સ્કૂલમાં ઍડ્મિશન લઈ લીધું હતું. દીકરાને વડોદરાની રોઝરી સ્કૂલમાં દાખલ કર્યો હતો. ફરી આવીએ નાઇટ પર, ૧૨૫ રૂપિયાની નાઇટ મને મળતી. પણ આ ૧૨૫ રૂપિયા અને વળી એ સમયના ૧૨૫ રૂપિયા એટલે તો અધધધ... આજની તો આપણી રૂપિયાની નોટ પણ સાવ ચિંટુકડી થઈ ગઈ છે, ત્યારે તો નોટ પણ એવી મોટી આવતી કે આપણો આખો હાથ ભરાઈ જાય.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2022 05:12 PM IST | Mumbai | Sarita Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK