રાજકુમાર બીમાર પડ્યા એટલે હું સીધી મુંબઈ આવવા માટે રવાના થઈ. અગાઉ મુંબઈ આવી હતી; પણ આ વખતે મારે ભાંગવાડીમાં નહીં, મારા સાસરે રહેવાનું હતું અને મારું સાસરું જોઈને હું અવાક્ રહી ગઈ
મારો અને પદ્માનો આ ફોટો મારા ફેવરિટ ફોટો પૈકીનો એક છે
હૉલની મધ્યમાં મોટું કાચનું ઝુમ્મર અને હૉલની ફરતે મોટી બાલ્કની. બાલ્કનીમાં કાર્વિંગ કરેલી સાગની આરામખુરસી પડી હતી. ડાઇનિંગ ટેબલની બરાબર સામે બેસવાનો આલીશાન સોફો. હું એ જાહોજલાલી જોઈને થોડી વાર માટે અવાક્ જ થઈ ગઈ હતી. એ જ અવસ્થા વચ્ચે મને મારી રૂમમાં લઈ જવાઈ.
મુંબઈ.
ADVERTISEMENT
અને સાહેબ મેં મુંબઈમાં પગ મૂક્યો.
મેં મુંબઈ જોયું હતું, પણ નાનપણમાં. હવે હું નાની નહોતી, એક છોકરાની મા હતી અને હવે આ મુંબઈ શહેર મારું સાસરું હતું. લગ્ન પછી અમારાં નાટકોની ટૂર ચાલુ હતી અને એ દરમ્યાન જ એક ઘટના એવી ઘટી કે ઈરાની શેઠે જ મને સામેથી કહ્યું કે થોડો સમય તું હવે મુંબઈ જા. એ ઘટનાની વાત કહેવાની શરૂઆત મેં તમને ગયા મંગળવારે જ કરી દીધી. મધપૂડો. હા, સાહેબ મધપૂડો. બન્યું એમાં એવું કે નાટકની ટૂર દરમ્યાન અમે એક બંગલામાં ઊતર્યાં. અમે ભરૂચ કે સુરતમાં હતાં. શહેર અત્યારે મને યાદ નથી, પણ એટલું ચોક્કસ યાદ છે કે દક્ષિણ ગુજરાતમાં અમે હતાં અને જે બંગલામાં મારો ઉતારો હતો ત્યાં મોટો મધપૂડો. ઈરાની શેઠને ખબર પડી અને ઈરાની શેઠનો જીવ અધ્ધર થઈ ગયો. બીજા બંગલાની શોધખોળમાં લાગ્યા, પણ એમ કંઈ થોડો આવડો મોટો બંગલો આસાનીથી મળી જાય.
ઈરાની શેઠની ચિંતા વધવા માંડી. વધે એ સ્વાભાવિક હતું, કારણ કે મારાં લગ્ન તેમની સગી બહેનના દીકરા સાથે થયાં હતાં. દીકરો મારી સાથે, હું પણ ત્યાં. રાજકુમારે આયા રાખી હતી, જે ૨૪ કલાક મારી સાથે રહે. બે-ત્રણ દિવસ ગયા, પણ બીજી કોઈ જગ્યા મળી નહીં એટલે ઈરાની શેઠ મારી પાસે આવ્યા.
‘સરિતા, આપણે શો કૅન્સલ કરીએ.’
‘ના.’ મેં તેમને કહ્યું, ‘શો તો થશે જ. તમે ખોટી ચિંતા કરો છો.’
જેમ-તેમ કરીને મેં તેમને સમજાવ્યા અને થોડા શો મેં કર્યા, પણ ઈરાની શેઠને સતત ટેન્શન રહ્યા કરે. એક દિવસ ઈરાની શેઠ આવ્યા મારી પાસે અને મને કહે, ‘સરિતા, તું અત્યારે થોડો સમય મુંબઈ તારી ફૅમિલી પાસે જાય તો સારું. આમ તારી ફૅમિલી તને મળવા માગે છે અને હવે અહીં તો બહુ શો છે, તને પણ થોડો આરામ મળી જાય.
હું એ વિશે વિચારવા લાગી અને એમાં અચાનક સમાચાર આવ્યા કે મિસ્ટર ખટાઉની તબિયત ખરાબ છે. જો હું ભૂલતી ન હોઉં તો કદાચ ટાઇફૉઇડ થયો હતો. સ્વાભાવિક છે કે સંજોગો બધી બાજુએથી એવા ઊભા થતા હતા જાણે મુંબઈ મને પોતાની તરફ ખેંચી રહ્યું હોય અને આમ હું મુંબઈ આવી.
lll
મુંબઈ રેલવે-સ્ટેશને રાજકુમારની આખી ફૅમિલી આવી હતી. રાજકુમાર પણ ત્યાં હતા. ત્યાંથી સીધા અમે પારસી જનરલ હૉસ્પિટલ ગયા અને તેમને ઍડ્મિટ કરવામાં આવ્યા. હૉસ્પિટલનો સ્ટાફ અને બધા ડૉક્ટરો બહુ સારી રીતે તેમને રાખે. હૉસ્પિટલમાં અમે થોડી વાર રહ્યાં અને પછી મને ઘરે લઈ જવાઈ.
એ સમયે હું ફ્રૉક અને બે ચોટલામાં હતી. તેમની મોટી ભાભી, જેને અમે નર્ગિસ કહીએ એટલે વારંવાર મારી સામે જોયા કરે. તેની નજરમાં જરા દુઃખ હતું. દુઃખ એ વાતનું કે આખી ફૅમિલીની સરખામણીમાં સરિતા કેટલી સિમ્પલ છે. વાત-વાતમાં તેમણે મને કહ્યું પણ ખરું કે અત્યારે ભલે તું બે ચોટલા રાખે, પણ હવે તું મુંબઈમાં છે એટલે તારે ફૅશન મુજબ રહેવાનું, આપણે તારા બૉબકટ કરાવી આવીશું.
હું અંદરથી ધ્રૂજી ગઈ હતી. સાચે જ, હું ડરી ગઈ હતી, પણ એમ છતાં એ ડરને અંદર જ રાખીને મેં હા પાડી.
‘ઓકે...’ આંખ મિલાવ્યા વિના જ મેં કહ્યું, ‘તમે કહેશો એમ....’
વાત આગળ વધારતાં પહેલાં એક વાત કહું તમને, આ બધી વાત તમને કહેવાનો હેતુ એ કે તમને કલ્ચર ડિફરન્સ વિશે અંદાજ આવી શકે.
મોટી અને આલીશાન ગાડીમાં અમે ઘરે જવા માટે રવાના થયાં. મને ખબર હતી કે હવે મારે ભાંગવાડીમાં નહોતું રહેવાનું, પણ જ્યાં રહેવાનું હતું એવું ઘર તો મેં સપનામાં પણ નહોતું કલ્પ્યું.
ll
ખૂબ મોટા ઘરમાં મેં પગ મૂક્યો. એ ઘરમાં વિશાળ કહેવાય એવી ૯ રૂમ હતી. બાંધકામ એ પ્રકારનું કે વચ્ચે મોટો હૉલ અને આજુબાજુમાં બે કે ત્રણ રૂમ. પછી ઉપર જવાનું અને એની ઉપર પણ એક કે બે ફ્લોર હતા. ડાઇનિંગરૂમ તો હૉલથી પણ મોટો હતો અને એક માળથી બીજા માળે જવા માટે લિફ્ટ હતી, જે ઘરમાંથી જ ઑપરેટ થતી અને ખટાઉ પરિવારના અંગત વપરાશ માટે જ હતી. ઘરનું રાચરચીલું બધું ટિપિકલ પારસી સ્ટાઇલનું. રાજકુમારના મોટા ભાઈ લંડનમાં રહેતા હતા, તેઓ મ્યુઝિક સાથે સંકળાયેલા હતા. તેમની વહુ અહીં હતી, પણ એ લોકો જુદાં રહેતાં હતાં.
ખૂબ વર્ષો પહેલાંની આ બધી વાત છે. મારી ઉંમર ત્યારે ૧૬-૧૭ વર્ષની.
ઘરે પગ મૂક્યો ત્યારે મને પહેલી વાર એવું લાગ્યું કે હું ખૂબ પૈસાવાળાના ઘરમાં આવી છું. હૉલની મધ્યમાં મોટું કાચનું ઝુમ્મર અને હૉલની ફરતે મોટી બાલ્કની. બાલ્કનીમાં કાર્વિંગ કરેલી સાગની આરામખુરસી પડી હતી. ડાઇનિંગ ટેબલની બરાબર સામે બેસવાનો આલીશાન સોફો. હું એ જાહોજલાલી જોઈને થોડી વાર માટે અવાક્ થઈ ગઈ હતી. એ જ અવસ્થા વચ્ચે મને મારી રૂમમાં લઈ જવાઈ.
રૂમમાં જઈને હું ધબ્બ દઈને બેસી પડી. મારી અવાચકતા ચરમસીમા પર હતી. જે પ્રકારનું ઘર હતું એનાથી પણ ક્યાંય ચડિયાતી કહેવાય એવી પર્સનાલિટી એ ઘરમાં રહેનારા તમામેતમામ લોકોની હતી. એકથી એક ચડે એવા ગોરા, ભણેલાગણેલા અને સૉફિસ્ટિકેટેડ. સૂટ-બૂટમાં અને ઘરની મહિલાઓ એકદમ મૉડર્ન ડ્રેસમાં.
lll
આજે પણ મને યાદ છે કે મેં આ બધી વાત મારી માને કરી ત્યારે સૌથી વધારે મોટો હાશકારો તેને થયો હતો. કઈ માને ન થાય અને શું કામ ન થાય. દરેક મા ઇચ્છતી હોય છે કે દીકરીને સારામાં સારા લોકો અને સારામાં સારી જાહોજલાલીની જિંદગી મળે અને મારી સાથે એવું જ થયું હતું, તો મારી આઈના હાશકારમાં તો વાત પણ જરા જુદી હતી.
કદાચ તેને બૅક-ઑફ માઇન્ડ એવું હતું કે મારી દીકરી સાથે કોણ લગ્ન કરશે. એક તો નાટક અને ફિલ્મો સાથે હું સંકળાયેલી અને જરા શ્યામવર્ણી. આપણી આ સિરીઝની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે મારી મોટી બહેન પદ્મા રૂપાળી અને બાંધો પણ ભરાવદાર, પણ હું એનાથી સહેજ નબળી એટલે કદાચ આઈને એ વાતની ચિંતા હશે. એ સમયે નાટક અને ફિલ્મોમાં કામ કરનારાને આજે મળે છે એવી રિસ્પેક્ટ પણ નહોતી મળતી. એ સમયે તો આ કલાકારો બધા તરગાળા કહેવાતા અને એવું કહીને લોકો ઉતારી પણ પાડતા. મારા બાપુજીની ગેરહયાતી અને આ બધી વાતોને લીધે સ્વાભાવિક રીતે આઈને ચિંતા તો રહે જ અને એ ચિંતા વચ્ચે મારાં લગ્ન આવી જાહોજલાલી સાથેના ઘરમાં થયાં એટલે આઈ બહુ ખુશ હતી અને સાચું કહું તો આઈ ખુશ એટલે હું પણ ખુશ હતી.
આ ઘરમાં હવે મારે ઠરીઠામ થવાનું હતું. આ ઘરમાં હવે મારે જીવન પસાર કરવાનું હતું અને રાજકુમારે હા પાડી હતી એટલે જ્યારે નાટકો કરવાની તક મળે ત્યારે સરસ રીતે નાટકો કરવાનાં હતાં. નાટકો કરવાં એ મારો શોખ તો હતો જ, પણ સાથોસાથ આવક રળવી એ મારી જવાબદારી પણ હતી. એ જવાબદારી અને આ આલીશાન ઘર અને મારા આગામી જીવનની વાતો હવે આપણે કરીશું આવતા મંગળવારે, પણ ત્યાં સુધી થોડી ચીવટ રાખજો. વરસાદનું જોર વધતું ચાલ્યું છે અને કોરોના પણ સાથોસાથ ફરીથી દેખાતો થયો છે એટલે જાતનું ધ્યાન રાખજો અને સલામત રહેજો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

