૧૯૩૦થી ૧૯૫૧ આ વર્ષો દરમિયાન મણિબહેન પિતા વલ્લભભાઈ સાથે પડછાયાની જેમ રહ્યાં હતાં. મણિબહેનનું જીવન જાણવા જેવું છે. પિતા સાથે બહુ ઓછું રહ્યાં પણ પડછાયાની જેમ રહ્યાં. તેમણે ૧૯૩૦ પછી સરદાર સાથે જે જોયું એની ડાયરીઓ લખી છે.
સરદારની સમર્પિતા પુત્રી પણ ઇતિહાસનો એક અંશ ખરો
સો વર્ષ પાછા વળીને જોવું આમ તો બહુ સહેલી વાત છે પણ સહેલી વાત જ્યારે કોઈ મૂઠી ઊંચેરા માણસ માટે હોય ત્યારે અઘરી થઈ જાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની આમ તો આ દોઢસોમી વર્ષગાંઠ દેશ મનાવી રહ્યો છે ત્યારે સરદાર પટેલની રોજેરોજની વાતો વિશે આપણને માહિતગાર કરતું એક પુસ્તક ‘સમર્પિત પડછાયો સરદારનો’ પ્રગટ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટીએ એક સરસ કામ કર્યું છે. પહેલાં તો આપણે તેમને અભિનંદન આપીએ અને પછી પુસ્તકના સંપાદક (કે લેખક) આરેશ CA આર. એસ.પટેલને કહીએ કે ભાઈ તમે એક કરવા જેવું કામ કર્યું છે. આ કામ પચાસથી સાઠ વર્ષ પહેલાં કરવું જોઈતું હતું. સરદારનાં પુત્રી મણિબહેન સરદારની સાથે તેમના પડછાયાની જેમ રહ્યાં અને મણિબહેને આ વર્ષોમાં જે જોયું, જે સાંભળ્યું, જે સમજ્યાં એ બધું એ રાજકારણીની દૃષ્ટિએ નહીં પણ એક પ્રબુદ્ધ નાગરિકા તરીકે અને પિતાની સમર્પિત પુત્રી તરીકે ડાયરી સ્વરૂપે આ લખ્યું છે.
ડાયરી આમ તો આત્મવૃત્તાંતનું જ એક સ્વરૂપ છે. આત્મવૃત્તાંત તો ખરો જ પણ એનું આલેખન તેમનું પોતાનું ન હોય, બીજા કોઈએ કરેલું હોય. સરદાર વિશે ગુજરાતી ભાષામાં આપણને બહુ ઝાઝાં પુસ્તકો મળતા નથી. ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ આલેખેલું, યશવંત દોશીએ લખેલું એમ બે સવિસ્તર જીવનચરિત્રો મળે છે. આ ઉપરાંત સરદારના જીવનના છૂટાછવાયેલા અંશોને આવરી લેતાં બીજાં થોડાં પુસ્તકો પણ છે. સ્વાતંત્ર્યની લડતને કાળે સરદાર સાથે જ રહેતા નરહરિ પરીખે સરદારનું જીવનચરિત્ર પોતે લખે એવી ઇચ્છા સરદાર સમક્ષ પ્રગટ કરી હતી. ત્યારે સરદારે તેમને ના પાડી હતી. સરદારે કહ્યું હતું, ‘આજે તમે મારાથી અભિભૂત થઈને મારું ચરિત્ર આલેખશો પણ બીજાં પાંચ વર્ષ પછી તમને મારામાં કેટલીય ત્રુટિઓ દેખાશે. તમારી જ દૃષ્ટિએ હવે હું પહેલાં જેવો નહીં રહ્યો હોઉં.’ અને આમ છતાં નરહરિભાઈએ ખૂબ આગ્રહ કરીને સરદારનું જીવનચરિત્ર લખ્યું છે, પણ એ બહુ જ અધૂરું છે.
સરદાર પુત્રી મણિબહેનની આ ડાયરીઓ
ADVERTISEMENT
૧૯૩૦થી ૧૯૫૧ આ વર્ષો દરમિયાન મણિબહેન પિતા વલ્લભભાઈ સાથે પડછાયાની જેમ રહ્યાં હતાં. મણિબહેનનું જીવન જાણવા જેવું છે. પિતા સાથે બહુ ઓછું રહ્યાં પણ પડછાયાની જેમ રહ્યાં. તેમણે ૧૯૩૦ પછી સરદાર સાથે જે જોયું એની ડાયરીઓ લખી છે. જોકે આ ડાયરીઓ વિદ્વત્તજનોને કદાચ બહુ ઉપયોગી ન થાય. મણિબહેન વિદ્વત્તજનો કે અભ્યાસીઓ માટે નથી લખતાં પણ પોતાની જ આંતર વેદના અહીં તટસ્થ રૂપે લખી કાઢે છે. આ ડાયરીઓ વર્ષોથી અમદાવાદના સરદાર ભવનમાં તાળાબંધી હેઠળ દટાયેલી હતી એ હવે આપણી સામે આવી છે. (જોકે આમાંથી કેટલીક વાતો અંગ્રેજી ભાષામાં છૂટી છવાયેલી પ્રગટ થયેલી છે. આ લખનારે પણ આ ડાયરીઓને ઉપરછલ્લી નજરે જોઈ હતી.) કાચાં પાનાંની નોટબુકોમાં ગરબડિયા અક્ષરે પણ સચોટ લખાયેલી આ વાતો આપણી સમક્ષ આવી છે. પુસ્તકમાં સમાવેલી વાતો તારીખ, તિથિના અનુક્રમમાં સચવાયેલી નથી પણ એ દિવસો કેવા હતા, કેવા-કેવા માણસો કેવાં-કેવાં કામો કેવી-કેવી પરિસ્થિતિ વચ્ચે કરતા હતા એનાં વર્ણન નજરે પડે છે અને આ વર્ણન આપણને અભિભૂત પણ કરે છે. બધી જ તારીખો નથી પણ જે થોડીક તારીખો અહીં પ્રકાશિત થઈ છે એમાં સ્વાતંત્ર્ય પૂર્વેનો કાળ અને સ્વાતંત્ર્ય પછીનો કાળ એમ બન્ને સમયખંડનાં ચિત્રો આપણને વિચાર કરતા કરી મૂકે છે. પહેલી નજરે આ છૂટીછવાયેલી તારીખો બહુ રોમાંચક ન લાગે. એનું કારણ એ છે કે મણિબહેન મૂળભૂત રીતે પિતાની પુત્રી છે એટલે અહીં જે આલેખ્યું છે એમાં પુત્રીની દૃષ્ટિ છે, કોઈ રહસ્યમંત્રી કે રાજકારણીનું આમાં દર્શન નહીં થાય. પિતાને કબજિયાત થઈ હોય તો એ વાત લખવામાં પણ મણિબહેનને સંકોચ થતો નથી. જોકે આપણા માટે આવી બહુ જ અંગત અને નાજુક વાત કહેનારો બીજો કોણ હોય?
આ ડાયરીઓમાં મોટા ભાગના સંદર્ભો સમજવા આજના વાચક માટે કદાચ મુશ્કેલ થાય ખરું પણ આ મુશ્કેલ કામ અભ્યાસીએ કરવા જેવું. જવાહરલાલજી વડા પ્રધાન તરીકે ગરમ થઈ જાય અને અધિકારીઓને ખખડાવે ત્યારે સરદાર તેમને કહે કે પંડિતજી, જો તમે વડા પ્રધાન તરીકે આમ સ્વસ્થતા ખોઈ નાખશો તો પછી આ અધિકારીઓ તેમનો અભિપ્રાય આપણને શી રીતે આપશે? જાહેરસભામાં સરદાર પર કોઈ જોડો ફેંકે અને મહાદેવભાઈના સાથળ પર વાગે તો આ વાત આપણને કોણ કહે? છેક ૧૯૩૦માં સરદાર રાતભર જાગીને જે રીતે કામગીરી કરે છે એનાથી મધરાતે તેમનાથી ઊંઘમાં ચીસ પડાઈ જાય છે. આ ચીસોની વાત પણ મણિબહેન કરે છે.
આ ઇતિહાસ જોવા જેવો
સરદાર પટેલના છેલ્લા દિવસો એટલે કે મુંબઈના બિરલા હાઉસમાં તેમણે વેઠેલી વેદના. ડાયરીની છૂટી છવાયેલી નોંધો જે રીતે વાચક સામે આવે છે એ આંખમાં પાણી લાવી દે એવી છે. પાકિસ્તાનને અપાયેલા ૫૫ કરોડની ઘટના વિશે સરદારને કેવું દુઃખ લાગ્યું હતું – આ વાંચો.
‘પંચાવન કરોડ આપ્યા એનાથી બાપુનું મર્ડર થયું.’ જવાહરલાલ માટે સુશીલા નાયરને સરદાર કહે છે : ‘જવાહરલાલજીનો સંસાર દુખી છે. ઇન્દુ ને ફિરોઝને બનતું નથી. જવાહરલાલ સાથે પરણવા કમળા મરી જતાં. ઘણી છોકરીઓ પાછળ પડેલી... વગેરે.’
ગાંધીજીના અવસાન પછી જે રાજકારણ ફેલાયું એ બધાનું ચિતરણ જે જોયું એવું કર્યું છે. જવાહરલાલજી સાથે મતભેદો હતા એ તારીખવાર સાથે ઘટના આલેખીને દર્શાવ્યું છે પણ એ સાથે જ જે મનમેળ પણ હતો એવી ઘટનાઓ દર્શાવવાનું ચૂક્યાં નથી. સરદારના છેલ્લા દિવસોમાં (૧૭/૧૦/૧૯૫૦) મણિબહેન નોંધે છે – ‘જવાહરલાલજીનો પત્ર આવ્યો. વાંચીને મને તો થયું કે આ માણસ જંપશે નહીં અને બીજાને શાંતિથી બેસવા નહીં દે.’
મુદ્રણ દોષ આંખને ખૂંચે એવા છે. આ નિવારી શકાયા હોત. જે સંખ્યાબંધ નામો અને ઘટનાઓ ઝબકે છે એના થોડાક સંદર્ભો ક્યાંક આપ્યા હોત તો આજના વાચકની સમજણ વિસ્તૃત થઈ શકી હોત. અહીં વાત માત્ર સમર્પિતા પુત્રીની નથી પણ ઇતિહાસનાં પૃષ્ઠોની પણ છે.


