Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > રોજ ના’વા જાય તેને ગાલપચોરિયાં થાય

રોજ ના’વા જાય તેને ગાલપચોરિયાં થાય

22 January, 2023 12:23 PM IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

હા રે, શિયાળામાં ના’વાનું કામ કરે એના જેવો મૂરખ કોઈ નઈ અને અત્યારે તો અમારા ગુજરાતમાં એવી કડકડતી ઠંડી પડે છે કે પાણીનેય ફૂંક મારીને પીવું પડે છે

પ્રતીકાત્મક તસવીર લાફ લાઇન

પ્રતીકાત્મક તસવીર


પતંગ ચગાવવાની મોસમમાં આખા દેશમાં ઠંડી એવી તે ચગી છે કે આપણને એમ થાય કે કોઈ આને કેવાવાળું છે કે નઈ? મુંબઈમાં ફૅશન કરવા માટે સ્વેટર ખરીદ્યું હોય એ કયા દીએ પેરવું એનું મુરત જોવાતું હોય અને આ વખતે તો એવી હાલત થઈ છે કે હાંજા ગગડી જાય. રાજકોટ માળું બેટું જાણે કે રાધનપુર હોય એવું ધ્રૂજે છે. મારી વાત કરું તો આ આખા શિયાળે મારી એક ઇચ્છા રહી, કસરત કરવી.
ગઈ કાલે રાતે સૂતી વખતે રાબેતા મુજબ મેં સંકલ્પ કર્યો કે આવતી કાલે તો વહેલા ઊઠીને મારે કસરત કરી જ લેવી, પરંતુ ફરી એક વાર નસીબે યારી ન આપી. સવાર પડતાં એવી કડકડતી ઠંડી કે ગળે સગડી બાંધવી પડે અને એવી હાલત વચ્ચે મારા સંકલ્પો કેજરીવાલની જેમ નિરર્થક ઉદ્યમ સાબિત થયા. નાગદમન વખતે બાળકૃષ્ણની સામે નાગપત્નીઓએ તેના પતિને જગાડવા જેટલા પ્રયત્નો કર્યા હતા એટલા જ પ્રયત્નો શિયાળાની ઋતુમાં સવારે મારી એકની એક પત્ની દ્વારા કરવામાં આવ્યા, પરંતુ આ કે.કે.ની (અર્થાત્ કુંભકર્ણની) નિદ્રા અને આળસરૂપી અપ્સરાના બાહુપાશમાં જકડાયેલું મારું શરીર પત્નીના પ્રયત્નોને સફળતા આપતું નથી. અંતે પત્ની કટુવાક્યો અને વ્યંગબાણોનો વરસાદ વરસાવે છે. એકાદ ઉદાહરણ ટાંકું તો...

‘મોટા ઉપાડે કે’તા’તા કે કસરત કરવી છે હં... (મોટેથી ત્રણ વાર) તમારાથી શરત થાય, કસરત નઈ...’આ અને આ પ્રકારનાં વાક્બાણોનો કર્કશ ધ્વનિ સતત ચાલુ રહ્યો; પણ મિત્રો, હું મારા ગોદડાની અંદર મારી નિદ્રાશક્તિના પ્રબળ ઉપયોગથી પહોંચવા નથી દેતો એટલે અંતિમ ઉપાયના ભાગરૂપે દુઃશાસને જે ભાવથી દ્રૌપદીનાં ચીરહરણ કર્યાં હતાં એના કરતાં પણ વધુ બળથી મારું ગોદડાહરણ કરવામાં આવે છે. આ ગોદડાહરણની તાકાત જોઈને મને દર વખતે વિચાર આવે કે દુઃશાસન મારો સાળો તો નહીં હોયને?!
અને તરત જ બીજો વિચાર પણ આવે કે ક્યાં છે કૃષ્ણ?
અફસોસ કે એવા ટા’ણે જ કૃષ્ણ બિઝી હોવાને લીધે દ્રૌપદીની જેમ મને સહાય સાંપડતી નથી અને મારા એકના એક ગોદડાનું અનાવરણ થાય છે. પાતળા સિલ્કના જર્જરિત નાઇટ ડ્રેસમાં થરથરતી મારી કાયા બેડરૂમની ઠંડીથી કંપીને જાગી ઊઠે છે.
સ્વામીનાથને જગાડ્યાનો પરમ આનંદ પત્નીના ચહેરા પર સ્પષ્ટ વંચાય છે. સવારે સાડાપાંચની જાગી ગયેલી પત્ની સાડાઆઠે મને જગાડવામાં માંડ સફળ થાય છે એનો ક્રોધ પણ આંખોમાં વંચાય છે. અગેઇન સ-ગોદડે પત્ની ઉવાચ...
‘હવે જો સૂતા તો આજે નહીં જ ઉઠાડું...! ને બીજી વાર ચા પણ નહીં મૂકું...!’ 
તરત જ મનમાં બીજો વિચાર આવે. દુઃશાસન મારો સાળો હોય કે નઈ, મારી વાઇફ મુંબઈના ભાઈલોગની તો બેન નક્કી હશે અને એટલે જ તે આવી ભાઈલોગ જેવી ધમકીઓથી મારી સવાર પાડે છે. 
શિયાળામાં મનોમન મને એક વિચાર સદાય આવે અને સતત આવે કે મને એક દિવસ ઊઠવામાં કષ્ટ પડે છે તો આ પેઢીઓને આખેઆખી ઊઠી જાતાં કેમ જીવ હાલતો હશે!


વેલ, વણગોદડે પલંગ પર બેઠેલો હું પછી ભરતનાટ્યમની કોઈ શૃંગારિક મુદ્રા કરતો હોઉં એમ આળસ મરડું છું અને મારાં બગાસાંઓથી બેડરૂમ ગુંજી ઊઠે છે. ચૂંટણીમાં હારી ગયેલો ઉમેદવાર જે રીતે વિજયની હૅટ-ટ્રિક મારનાર મુખ્ય પ્રધાનને નિહાળે સેમ ટુ સેમ એ જ ભાવથી સ્થિતપ્રજ્ઞ અને ભગ્નહૃદયે (?) મેં મારી સામે ઊભેલી પત્નીને કશું કહ્યા વગર માત્ર જોયા કરી. આંખોમાંથી ભ્રષ્ટાચારરૂપી ચીપડાઓ કાઢ્યા બાદ ‘હું જાગી ગયો છું અને હવે પાછો નિદ્રાધીન નહીં જ થાઉં!’ એવો અટલ વિશ્વાસ પત્નીને ઇશારાના હાવભાવથી આપું છું. જોકે આ દેશમાં એવા કરોડો પતિદેવો છે જેઓ હવે જાગતાંની સાથે ભગવાનને નથી ગોતતા પણ મોબાઇલને ગોતે છે.

‘ક્યાંક કો’કના ન આવવાના મેસેજ તો રાતે નથી આવી ગ્યાને કે પછી કોઈ મિસનો મિસ-કૉલ વાઇફની નજરે નથી ચડ્યોને!’ 
મોબાઇલ હાથમાં લેતાં જ દરેક પુરુષના મગજને હેવી કમાન્ડ મળી જાય છે. પતિદેવ તરીકે મેં પણ અમુક અનિવાર્ય અનિષ્ટોના વૉટ્સઍપિયા મેસેજ ડિલીટ/ફૉર્વર્ડ કર્યા, ત્યાં વળી પાછી પત્નીની ઉષ્ણોદક ઉપસ્થિતિ થઈ. 
‘હજી તમે મોબાઇલમાં શું પડ્યા છો? ખબર નથી મારે હજી ઘરનાં બધાંય કામ કરવાનાં છે ને છોકરાંવનું લંચ-બૉક્સ તૈયાર કરવાનું છે.’


આ અંતિમ ધમકી સાંભળીને હું બ્રશ કરવા જાઉં છું. આખી રાતનાં આડેધડ જોયેલાં સપનાંઓનાં ફીણ જાણે સવારમાં હોઠ પર નીકળતાં હોય એવો મને ભાર થાય છે. ત્યાર બાદ રંગ અને ગંધ વગરના પ્રવાહી (ઉર્ફે પાણી)ના બે લોટા ભરીને મને બળજબરીપૂર્વક પિવડાવવામાં આવે છે, જેથી મારી આગામી દૈનિક પ્રક્રિયામાં મને સુગમતા અને સરળતા રહે. બ્રશ પછી પત્ની મસ્ત ચા પીવડાવે છે, પરંતુ સાથોસાથ શેરીના હિંમતદાદા આટલી વૃદ્ધ ઉંમરે કેટલા વે’લા ઊઠીને વૉકિંગ કરે છે એના દાખલાઓ પણ ટાંકવામાં આવે છે, જે સાંભળીને રસોડામાં ચા અને મારો જીવ સરખી બળતરાથી ધગધગી ઊઠે છે. એ પછી છાપાના સમાચારોમાં અનુસંધાન શોધવાને હું કસરત સમકક્ષ સમજીને યથાશક્તિ પ્રયત્ન કરું છું અને સાથોસાથ મનમાં એવો હુંકાર પણ કરું છું કે એક દિવસ એવો આવશે, એક દિવસ એવો આવશે કે હું પણ વહેલો ઊઠીને કસરત કરી બતાવીશ અને ‘દબંગ’ના સલમાન કે ‘ગજની’ના આમિર જેવું સિક્સ-પૅક બૉડી બનાવીને જ જંપીશ. 
મારી જાતને આવી હૈયાધારણ આપતાં ચાર અડદિયા, ત્રણ ખજૂર અને બે ચમચી રામદેવજી મહારાજનું ચ્યવનપ્રાશ ગટકાવી જાઉં છું...! હવે તમેય ખાઈ લ્યો! ટાઢ બહુ છે. ને હા, નિત નાહી ઈ નરકે જાય... એટલે આ મોસમમાં એક જ રસ્તો વાપરવાનો.
નાહવાની ટિકડી.
ના’તા નઈ મારા બાપ. ના’વું એ તો શિયાળાનું અપમાન કે’વાય.

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2023 12:23 PM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK