‘મલ્ટિ-ટાસ્કિંગ...’ પપ્પાએ ઝટકા સાથે ઢબ્બુની સામે જોયું એટલે ડ્રામેબાજે જવાબ ફેરવ્યો, ‘એ તો બહુ થાકી ગયો એટલે... થોડી વાર આમ...’
મહેનત (મૉરલ સ્ટોરી)
‘ઢબ્બુ...’
મગજ પર ચડેલા ગુસ્સાને લીધે મમ્મીનો અવાજ પણ મોટો થયો. વેકેશન પછી ઑનલાઇન સ્કૂલ ચાલુ થઈ ત્યારથી ઢબ્બુ સૂતાં-સૂતાં જ ભણતો અને ભણતી વખતે પણ પાછો મોટા ભાગે ગેમ રમતો. આ રોજનો તેનો ક્રમ થઈ ગયો હતો. ઢબ્બુને સૂતાં-સૂતાં ભણતો જુએ એટલે મમ્મી તરત જ રાડ પાડે અને મમ્મી રાડ પાડે એટલે મમ્મી સામે જોયા વિના જ ઢબ્બુ જવાબ આપે...
‘પાંચ મિનિટ...’
અત્યારે પણ એવું જ બન્યું હતું.
‘પાંચ મિનિટ, લાસ્ટ...’
‘ના, હવે છેલ્લો ક્લાસ છે, બેસીને પૂરો કરને બેટા...’
‘લાસ્ટ ટાઇમ...’ મમ્મી ઢબ્બુ સામે જોતી રહી એટલે ઢબ્બુએ કહ્યું, ‘સાચે, એન્જલ પ્રૉમિસ...’
એન્જલ પ્રૉમિસના દીકરા...
મમ્મીએ સહેજ દાંત કચકચાવ્યા. તેને પપ્પા યાદ આવ્યા, પણ સ્કૂલના ટાઇમે પપ્પા ઑફિસમાં હોય એટલે ક્યારેય એવું બને નહીં કે ઢબ્બુને તે આ રીતે જુએ અને જો ભૂલથી પણ પપ્પા ઘરમાં હોય તો ઢબ્બુ આવી રીતે ભણવાની હિંમત પણ ન કરે.
મમ્મીએ ઢબ્બુની સામે જોયું, પણ એન્જલ પ્રૉમિસ કરીને તે મહાશય સૂતા જ રહ્યા. આઇપૅડ તેની સામે હતું અને કાનમાં હેડફોન હતો.
આંખો બંધ કરીને તે એકદમ ધ્યાનમગ્ન થઈ લેક્ચર સાંભળતો હતો. ઍક્ચ્યુઅલી તે લેક્ચર સાંભળતો નહોતો, પણ લેક્ચર સાંભળવાની ઍક્ટિંગ કરતો હતો.
મમ્મીના ચહેરા પર આછું સ્માઇલ આવી ગયું.
‘નૌટંકી...’
અને બરાબર એ જ સમયે ડોરબેલ વાગી. હજી તો બપોર થઈ હતી એટલે પપ્પાના આવવાની કોઈ સંભાવના નહોતી, પરંતુ સંભાવના પણ ક્યારેય અચાનક ટપકતી હોય છે.
મમ્મીએ જઈને દરવાજો ખોલ્યો અને સામે પપ્પા. મમ્મીને નવાઈ લાગી અને લાગેલી નવાઈનો જવાબ પણ તેને તરત મળી ગયો.
‘મીટિંગ પોસ્ટપોન થઈ એટલે...’
મમ્મીએ ઇશારાથી જ પપ્પાને ચૂપ રહેવાનું કહ્યું અને ઢબ્બુનો સ્ટડીરૂમ દેખાડ્યો. પપ્પા ધીમા પગલે એ તરફ ગયા. ઢબ્બુ બેડ પર પથરાયેલો હતો. કાનમાં હેડફોન અને આઇપૅડ પર ગેમ ચાલુ. પપ્પા રૂમમાં એન્ટર થયા કે ઢબ્બુ ઝટકા સાથે ઊભો થઈ ગયો.
‘પપ્પા, તમે...’
‘સ્કૂલ પૂરી?’
‘ના, ચાલે છેને.’ ઢબ્બુએ જવાબ આપ્યો, ‘પણ આ તો બેઉ કામ
સાથે. ક્લાસ પણ સાંભળું અને ગેમ પણ રમું.’
‘આમ સૂતાં-સૂતાં?’
‘મલ્ટિ-ટાસ્કિંગ...’ પપ્પાએ ઝટકા સાથે ઢબ્બુની સામે જોયું એટલે ડ્રામેબાજે જવાબ ફેરવ્યો,
‘એ તો બહુ થાકી ગયો એટલે...
થોડી વાર આમ...’
ઢબુની ઍક્ટિંગ પર થોડીક
વાર માટે મમ્મીને ઓવારી
જવાનું મન પણ થયું અને સાથે તે ઉસ્તાદ થઈ રહ્યો છે એ પણ તેને સમજાઈ ગયું.
‘હં...’ મમ્મીએ જે રીતે ઢબ્બુની સામે જોયું એ જોઈને તેણે મમ્મીને આંખથી જ ચૂપ રહેવાનો ઇશારો
કરી દીધો.
મા-દીકરાની આંખોથી થયેલી
આ વાત સમજી ગયા હોય એમ પપ્પાએ પહેલાં મમ્મી અને પછી ઢબ્બુની સામે જોયું.
‘ચાલો, ક્લાસ પૂરા થાય એટલે આપણે આઇસક્રીમ ખાવા જઈએ...’
‘વાઉવ...’
ઢબ્બુ રીતસરનો ઊછળી પડ્યો.
‘ફર્સ્ટ ફિનિશ સ્કૂલ-અવર્સ...’
lll
ઢબ્બુ જબરદસ્તી કારની ફ્રન્ટ સીટમાં મમ્મીના ખોળામાં બેઠો એટલે મમ્મીએ કહેવું પડ્યું, ‘હવે તું ખોળામાં આવે એવડો નથી રહ્યો...’
‘પપ્પા તો એવું નથી કહેતા...’
દલીલ કરીને ઢબ્બુ તરત જ નૅચરલ આઇસક્રીમના આઇસક્રીમ્સ યાદ કરવા માંડ્યો. નૅચરલ પહોંચતાં સુધીમાં તો તેણે પોતાની ફ્લવેર
પણ નક્કી કરી લીધી અને
મમ્મી-પપ્પા પાસે પણ ફ્લેવર ફાઇનલ કરાવી લીધી.
ઑર્ડર કારમાં ડિલિવર થયો. ઢબ્બુએ પોતાનો આઇસક્રીમ ખાવાનો શરૂ કર્યો, પણ વચ્ચે-વચ્ચે તે મમ્મી અને પપ્પાના આઇસક્રીમમાંથી પણ ખાતો જતો હતો. આ તેનું રૂટીન
હતું. બે હાથમાં બે કોન લેવાના, એમાંથી આઇસક્રીમ ખાવાનો અને સાથે-સાથે મમ્મી-પપ્પાનો આઇસક્રીમ પણ ખાતા જવાનો.
‘આટલો આઇસક્રીમ ન ખવાય.’ મમ્મી ટોકતી, ‘ખાંસી થશે...’
‘એવું ન હોય. તેને ફાવે છે તો ખાવા દેને.’
રૂટીન બની ગયેલા આ ડાયલૉગ્સની આપ-લે આજે પણ થઈ અને ઢબ્બુને એ વાત પર હસવું પણ આવી ગયું.
‘આ તમારા બન્નેનું પર્મનન્ટ છેને?’
‘પર્મનન્ટવાળી, ચૂપચાપ તું ખાને...’
વાત સાચી પણ હતી. આઇસક્રીમ હાથમાં હોય ત્યારે વાતોમાં ટાઇમ પસાર કરીએ તો આઇસક્રીમને ખરાબ લાગે એવું પપ્પા કહેતા એટલે ઢબ્બુએ વાતો તો ઠીક, વિચારવાનું પણ છોડીને આઇસક્રીમની જ્યાફત શરૂ કરી.
‘બસ, હવે કપ ખાઈ જા...’
કપમાં ઓગળેલા આઇસક્રીમમાં રહેલું દૂધ પીવા માટે કપ મોઢે માંડ્યો એટલે મમ્મી ઢબ્બુ પર સહેજ અકળાઈ, પણ ઢબ્બુને એનાથી કોઈ ફરક પડ્યો નહીં. જોકે જાણે આકાશને ફરક પડ્યો હોય એમ એણે વરસવાનું શરૂ કર્યું. પપ્પાએ વિન્ડો બંધ કરી અને બંધ થયેલી વિન્ડો સાથે ઢબ્બુના મનમાં વિચાર ખૂલી ગયો.
‘એ પપ્પા, રેઇન સ્ટોરી?’
ઢબ્બુએ જેવી ડિમાન્ડ કરી કે મમ્મીએ તરત જ કહ્યું...
‘પહેલાં મને પાછળ જવા દે એટલે આપણે બન્ને શાંતિથી બેસી શકીએ.’
મમ્મીએ જગ્યા બદલી.
‘એક મિનિટ...’
સહેજ આડા પડવાની સ્ટાઇલ સાથે ઢબ્બુએ પગ લાંબા કરીને પપ્પાનો હાથ પકડ્યો.
‘નાઓ સ્ટાર્ટ...’
‘શ્યૉર?’
‘યસ... યસ... નાઓ સ્ટાર્ટ.’
પપ્પાની સામે સીધાદોર થઈ જતા પોતાના પાંચ વર્ષના આ ડ્રામેબાજને જોવાની મમ્મીને મજા આવતી હતી.
‘સ્ટોરી છે કીડીની...’
‘યુ મીન એન્ટ?’ ઢબ્બુની આંખો પહોળી થઈ ગઈ.
‘હા, ઍન્ટ અને એ ઍન્ટની ફૅમિલીમાં ફાઇવ હન્ડ્રેડ જેટલા
મેમ્બર્સ હતા.’
‘વાઉવ, સો બિગ...’ ઢબ્બુની એક્સપર્ટ કમેન્ટ આવી, ‘પછી...’
‘કોઈ એકબીજા સાથે જરા પણ ઝઘડે નહીં.’
‘પછી?’
‘તું બોલવા દઈશ પછી તો આવશેને પછીની વાત.’
મમ્મીની ટકોરથી પપ્પાના ફેસ પર સહેજ સ્માઇલ આવ્યું. જોકે તેમણે એ બાબત પર વધારે ફોકસ કર્યા વિના સ્ટોરી આગળ વધારી.
‘કીડીનું ફૅમિલી બહુ હાર્ડવર્કિંગ. વરસાદમાં બધુ ભીનું હોય એટલે બહાર નીકળી શકાય નહીં તો ખાવાનો પ્રૉબ્લેમ થાય એટલે સમર અને વિન્ટરમાં બધા ખૂબ મહેનત કરીને ચોમાસાનું ફૂડ સ્ટોર કરી લે. ફૅમિલી મોટું એટલે ખાવાનું પણ
વધારે જોઈએ.’
‘હં... પછી...’
‘આખો દિવસ કીડીઓ કામ કરે, મહેનત કરે અને ફૂડ જમા કરે. રાતે થાકે એટલે સૂઈ જાય અને બીજા દિવસે પાછી કામે લાગે. અલગ-અલગ જગ્યાએ ફૂડ શોધવા પણ જવું પડે અને એકબીજાની હેલ્પથી જાતે જ ઘરમાં ડિલિવર પણ કરવું પડે. બહુ મહેનત કરીને તેમણે ફૂડનો પોતાનો સ્ટૉક જમા કરી દીધો. મૉન્સૂન શરૂ થયું એટલે કીડીઓની ફૅમિલીને હવે આરામ જ કરવાનો હતો.’ પપ્પાએ ઢબ્બુ સામે જોયું, ‘કીડીઓનું ઘર હતું એની બાજુના ઝાડમાં મંકોડાઓનું પણ ઘર હતું.’
‘પેલા ડાર્ક બ્લૅક હોય એ?’ ફરી ઢબુએ સવાલ પૂછ્યો.
‘હા, એ જ. મૉન્સૂનમાં ફૂડ તો એ મંકોડાઓએ પણ ભેગું કરવાનું હતું, પણ એમના રાજાને નિરાંત હતી...’ પપ્પાએ સ્ટોરી કન્ટિન્યુ કરી, ‘કારણ કે એને શુગર ફૅક્ટરીનું ઍડ્રેસ મળી ગયું હતું. એણે વિચાર્યું કે કોણ આટલું વજન ઉપાડે,
કોણ દરરોજ મજૂરી કરે, સાકરના એક-એક દાણાને ઘર સુધી ટ્રાન્સપોર્ટ કરે. એ બધું કામ કરવાની જરૂર નથી. આપણે મૉન્સૂનમાં એ ફૅક્ટરીમાં જઈને જમી લઈશું. બધાએ સાથે મળીને નક્કી કર્યું કે એવું જ કરવું છે અને પછી તો બધાએ આખું સમર અને વિન્ટર ગેમ્સ રમવામાં પસાર કરી નાખી.’
‘સ્માર્ટ કહેવાય હેંને?’
ઢબ્બુએ પપ્પા સામે જોયું, પણ પપ્પાએ કોઈ પ્રત્યાઘાત આપ્યા વિના સ્ટોરી આગળ ચલાવી.
‘વરસાદ ચાલુ થયો. કીડીએ તો ઘર ટ્રીમાં શિફ્ટ કરી દીધું હતું જેથી પાણી ભરાય તો પણ વાંધો ન આવે. અંદર ફૂડનો સ્ટૉક હતો એટલે હવે આરામ જ આરામ હતો. જોકે આ બાજુ મંકોડાઓને એવું નહોતું. મૉન્સૂનને ધ્યાનમાં રાખીને ઘરનું ઍડ્જસ્ટમેન્ટ કર્યું હતું, પણ ખાવાનો સ્ટૉક નહોતો.’
‘એ તો શુગર ફૅક્ટરીમાં છેને...’
‘હા, પણ મંકોડાઓને ખબર નહોતી કે મૉન્સૂનમાં એક પણ શુગર ફૅક્ટરીમાં માલ હોય નહીં અને બીજી વાત એ કે ફૅક્ટરીના માલિકે પણ ફૅક્ટરી વેચી નાખી હતી અને નવા માલિકે તો એ ફૅક્ટરીમાં કાપડની ફૅક્ટરી કરી નાખી હતી.’
‘ફિસ... પછી?’
‘મંકોડાનું પ્લાનિંગ ચોપટ થઈ ગયું. હવે ચાર મહિના ખાધા વિના સર્વાઇવ કેમ કરવું અને વરસાદમાં ફૂડ શોધવા પણ ક્યાં જવું?’ ઢબ્બુનું મોઢું પણ નાનું થઈ ગયું, ‘બધા મંકોડા કન્ફ્યુઝ અને રડે, પણ હવે રડવાથી શું થાય... કામ કરવાનું હતું ત્યારે તો બધાએ જલસા કર્યા, ગેમ્સ રમ્યા. હવે રડે તો પણ કોઈ તેમને ફૂડ આપવા આવવાનું નહોતું.’
‘ઓહ, પછી...’ ઢબ્બુનું મોઢું ઊતરી ગયું હતું. મંકોડાઓની અવદશાને લીધે નહીં પણ પોતે એમને સ્માર્ટ માની બેઠો એને લીધે, ‘પછી એ બધા ભૂખ્યા રહ્યા?’
‘ના, એક સિનિયર મંકોડાએ જવાબદારી લીધી અને બધાને કહ્યું...’
lll
‘મેં તમને બધાને કહ્યું હતું કે આપણે થોડુંક ખાવાનું ભેગું કરી લઈએ, પણ તમે માન્યા નહીં... પણ મેં બધાનું વિચારીને થોડુંક ફૂડ એકલા હાથે ભેગું કર્યું છે. આ રહ્યું એ ફૂડ...’ કિંગ પણ એ સિનિયર મંકોડાથી ખુશ થઈ ગયો. સિનિયરે વાત આગળ વધારતાં રસ્તો દેખાડ્યો, ‘થોડાક દિવસ આપણે આના પર કાઢીએ અને પછી આપણે બાજુના ટ્રીમાં
છે એ કીડીઓને રિક્વેસ્ટ કરીને એમની પાસેથી ફૂડ માગીશું, જો તેઓ આપે તો.’
થોડા દિવસો પસાર થયા અને કીડીઓએ પણ પેલા બિચારા મંકોડાઓની હેલ્પ કરી, પણ એક કીડીએ મોઢા પર જ કહી દીધું...
‘રમવું તો અમને પણ ગમે છે, પણ જ્યારે કામ કરવાનું હોય ત્યારે કામ કરવાનું હોય અને રમવાનું હોય ત્યારે રમી લેવાનું. આટલી નાની વાત આવડા મોટા મંકોડા થઈને પણ તમને ન સમજાઈ.’
મંકોડા બિચારા શરમથી નીચું જોઈ ગયા.
lll
‘કેમ, શું થયું?’
ઢબ્બુને નીચું મોઢું કરીને બેઠેલો જોઈને મમ્મી બોલી.
‘હું મંકોડો થયોને...’
‘કેવી રીતે?’
આ વખતે સવાલ પપ્પાએ
પૂછ્યો હતો એટલે ઢબ્બુએ પપ્પાની સામે જોયું.
‘ભણવાના ટાઇમે ભણવાનું અને રમવાના ટાઇમે રમવાનું કરવાને બદલે બધા ટાઇમે રમું છું એટલે....’
‘એક્ઝૅક્ટ્લી...’ આંખો નીચી કરીને ધીમા અવાજે બોલતા ઢબ્બુને પપ્પાએ ખોળામાં લીધો, ‘લાઇફમાં એક નિયમ રાખવાનો, મલ્ટિ-ટાસ્કર ત્યારે જ બનવાનું જ્યારે અનિવાર્ય હોય. બાકી જે સમયે જે કામ કરવાનું હોય એ જ કામ કરવાનું...’
સંપૂર્ણ

