Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ત્રી પૂજનીય અને એ પછી પણ તમામ ત્રાસ તેના પર, શું કામ?

સ્ત્રી પૂજનીય અને એ પછી પણ તમામ ત્રાસ તેના પર, શું કામ?

15 March, 2023 05:10 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

મનમાં સતત ઘૂમરાતો રહેતો આ સવાલ રાજિન્દરસિંહ બેદીએ નૉવેલ ‘એક ચાદર મૈલી સી’માં પૂછ્યો. સાહિત્ય અકાદમી અવૉર્ડ જીતેલી આ નવલકથાએ એ સમયે વિવાદ સર્જી દીધો હતો

એક ચાદર મૈલી સી અને રાજિન્દરસિંહ બેદી

બુક ટૉક

એક ચાદર મૈલી સી અને રાજિન્દરસિંહ બેદી


જીવનમાં જો કોઈને સૌથી માન સાથે જોવાનું કામ કરીએ તો એ સ્ત્રી છે અને એ પછી પણ સૌથી વધુ જોહુકમી જેના પર કરીએ એ પણ સ્ત્રી કેવી રીતે હોઈ શકે? જો સંસાર સ્ત્રી ચલાવતી હોય તો દુનિયા પુરુષપ્રધાન કેવી રીતે હોઈ શકે? જેને અતિશય પવિત્ર માનવામાં આવે તેને જ તમે સૌથી નિમ્ન સ્તર પર કેવી રીતે બેસાડી શકો? મનમાં ઝણઝણાટી પ્રસરાવી દે એવા અનેક સવાલો લેખક રાજિન્દરસિંહ બેદીના મનમાં ઘૂમરાતા હતા અને એ સવાલોનો જવાબ મેળવવા જતાં તેમના દ્વારા નવલકથા ‘એક ચાદર મૈલી સી’ના નામે અદ્ભુત સર્જન ઊભું થયું, જેણે સાહિત્ય જગતને જ નહીં, સમાજના રૂઢિવાદોને પણ ધ્રુજાવી દીધા. ૧૯૬પમાં પ્રસિદ્ધ થયેલી આ નવલકથાને એ જ વર્ષ માટે સાહિત્ય અકાદમી અવૉર્ડનું સન્માન તો મળ્યું જ પણ નવલકથાના કારણે ફિલ્મ રાઇટર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા રાજિન્દરસિંહને સાહિત્યકાર તરીકે પણ જબરદસ્ત સન્માન પણ મળ્યું. ‘એક ચાદર મૈલી સી’ માટે રાજિન્દરસિંહે કહ્યું હતું, ‘આ નવલકથા લખતી વખતે મને પહેલી વાર એવો અનુભવ થયો કે હું આ જ કામ માટે કદાચ જન્મ્યો છું. પંજાબ, હરિયાણા જેવાં રાજ્યોમાં જે પ્રથાઓ ચાલતી હતી એ પ્રથાઓના વિરોધમાં આ નવલકથા હતી. નવલકથા પ્રસિદ્ધ થયા પછી પહેલી વાર એવું બન્યું કે મહિલાઓ મારા ઘરે મને પગે લાગવા આવતી.’

રાજિન્દરસિંહ બેદીની નવલકથા ઉર્દૂમાં હતી, એ ઉર્દૂ નવલકથાનું ઑફિશ્યલ ભાષાંતર થાય એ પહેલાં તો એનું હિન્દીમાં અનઑફિશ્યલ ભાષાંતર આવી ગયું હતું અને માર્કેટમાં ફરવા માંડ્યું હતું, જેની સામે રાજિન્દરસિંહે કોઈ પગલાં સુધ્ધાં લીધાં નહોતાં. રાજિન્દરસિંહે કહ્યું હતું, ‘આ નવલકથા મારી સમાજ તરીકેની ફરજ હતી, જે મેં અદા કરી હતી. જીવનમાં દરેક વ્યક્તિએ સમાજ તરફ પોતાની એક ફરજ નિભાવવી જ જોઈએ અને એ પણ કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વિના.  એ પછી પણ ‘એક ચાદર મૈલી સી’એ મને અઢળક આપ્યું, જે જીવનભર મારી સાથે રહેશે.’



શરૂઆત ફિલ્મથી... | એંસીના દશકમાં ‘એક ચાદર મૈલી સી’ પરથી એ જ નામની ફિલ્મ બની; જેમાં લીડ કૅરૅક્ટરમાં હેમા માલિની, રિશી કપૂર, પૂનમ ઢિલ્લન, કુલભૂષણ ખરબંદા જેવાં ઍક્ટરો હતાં પણ એ ફિલ્મ બને એ પહેલાં પોતાની જ નવલકથા પરથી રાજિન્દરસિંહ બેદીને ફિલ્મ બનાવવી હતી. રાજિન્દરસિંહે હૃષીકેશ મુખરજીની ‘અભિમાન’, ‘સત્યકામ’, ‘અનુપમા’ અને બિમલ રૉયની ફિલ્મ ‘મધુમતી’ માટે ડાયલૉગ્સ લખ્યા હતા તો સિત્તેરના દશકના આરંભમાં સંજીવકુમાર અને રેહાના સુલતાનાને લઈને ‘દસ્તક’ ફિલ્મનું ડિરેક્શન પણ કર્યું હતું. 


આ પણ વાંચો: તમારે શું શીખવા જેવું છે પેપ્સિકોનાં એક્સ પ્રેસિડન્ટ ઇન્દ્રા નૂયીની આત્મકથામાંથી

રાજિન્દરસિંહને લાગ્યું કે આ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવી જોઈએ અને પોતે જ એ ફિલ્મ ડિરેક્ટ કરવી જોઈએ. તેમણે કામ શરૂ કર્યું અને ગીતા બાલી તથા ધર્મેન્દ્રને લીડ કાસ્ટમાં લીધાં પણ એ જ અરસામાં ગીતા બાલીનું મોત થતાં પ્રોજેક્ટ અટકી ગયો. એ પછી ફરી પ્રોજેક્ટ જાગ્યો સિત્તેરના આરંભમાં અને એ સમયે બેદીએ સબ્જેક્ટ સંજીવકુમારને સંભળાવ્યો, પણ સંજીવકુમાર સાથે કામ કરવા કોઈ રાજી નહોતું એટલે ફરીથી પ્રોજેક્ટ વર્કઆઉટ ન થયો અને બેદીના મનમાં ઘૂસી ગયું કે આ નવલકથા હંમેશાં નવલકથા જ રહેશે, એના નસીબમાં ફિલ્મ બનવાનું લખાયું નથી. જોકે એ લખાયું હતું પણ જરા જુદી રીતે અને જુદા દેશમાં!


ફિલ્મ બની પાકિસ્તાનમાં... | હા, ‘એક ચાદર મૈલી સી’ પરથી ફિલ્મ સૌથી પહેલાં પાકિસ્તાનમાં બની, જેનું ટાઇટલ હતું, ‘મુઠ્ઠીભર ચાવલ’. ૧૯૭૮માં બનેલી એ ફિલ્મે પાકિસ્તાનમાં બહુ સારો બિઝનેસ કર્યો એટલે બેદીએ ફરીથી સંજીવકુમારનો અપ્રોચ કર્યો પણ ત્યાં સુધીમાં હરિભાઈ ઇન્ડિયામાં ઠાકુર તરીકે એસ્ટાબ્લિશ થઈ ગયા હતા અને હવે તે હેમા માલિનીના દિયર તરીકે કામ કરવા રાજી નહોતા એટલે વાત આગળ વધી નહીં.

એંસીના દશકમાં ફરીથી આ નવલકથાના રાઇટ્સની વાત આવી પણ ત્યાં સુધીમાં ફરીથી બેદીના મનમાં એવું ઘૂસી ગયું હતું કે અહીં એના પરથી ફિલ્મ બનશે નહીં એટલે તેમણે નૉવેલના રાઇટ્સ તો આપી દીધા પણ એની સ્ક્રિપ્ટ પર કામ કરવા તે તૈયાર થયા નહીં અને સ્ક્રીનપ્લે-ડાયલૉગ્સ અન્ય રાઇટર પાસે લખાવવામાં આવ્યા.
‘એક ચાદર મૈલી સી’ ઉર્દૂ અને હિન્દી ઉપરાંત દેશની અન્ય સાત ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે તો વિશ્વની ચાર અન્ય ભાષાઓમાં પણ એનું ભાષાંતર થયું છે.

‘એક ચાદર મૈલી સી’ની સ્ટોરી શૉર્ટકટ

રાનો દારૂડિયા પતિ ત્રિલોક અને બે બાળકો સાથે પંજાબના અંતરિયાળ એક ગામમાં રહે છે. લગ્નને વર્ષો વીતી ગયાં છે અને એ પછી પણ સાસુ જીંદા તેના અપૂરતા દહેજ બદલ ત્રાસ આપે છે. સસરા હજૂરસિંહ બધું સમજે છે પણ એ અંધ છે, માત્ર લાગણીના બે શબ્દો બોલીને તે રાનોને સાંત્વના આપે છે. ત્રિલોકનો નાનો ભાઈ મંગલ પોતાનામાં મસ્ત છે. તેને રાજી નામની છોકરી સાથે પ્રેમ છે. કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઐયાશ ત્રિલોક તેનાથી પંદર વર્ષ નાની છોકરી પર બળાત્કાર કરે છે અને છોકરીનો ભાઈ ત્રિલોકનું મર્ડર કરે છે.
હવે ગામના સૌ મંગલ પર દબાણ કરે છે કે તે રાનો સાથે મૅરેજ કરે. ભાભીને હંમેશાં માની નજરે જોતા અને ભાભી કરતાં દસ વર્ષ નાના એવા મંગલના વિરોધને કોઈ ગણકારતું નથી તો રાનોને તો બોલવાનો હક સુધ્ધાં નથી. સમાજની કેટલીક પરંપરા સ્ત્રીને માનવીય હકો નથી આપતી એ વાતને ‘એક ચાદર મૈલી સી’માં ઉજાગર કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 05:10 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK