Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > > > ટ્રેન કી તરહ ગુઝર તો હર કોઈ સકતા હૈ પ્લૅટફૉર્મ કી તરહ ઇન્તઝાર મેં પડે રહના હી ઇશ્ક હૈ!

ટ્રેન કી તરહ ગુઝર તો હર કોઈ સકતા હૈ પ્લૅટફૉર્મ કી તરહ ઇન્તઝાર મેં પડે રહના હી ઇશ્ક હૈ!

23 November, 2022 09:57 AM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

આ તો તત્ત્વજ્ઞાનની વાત થઈ, હકીકતમાં ટ્રેનની મુસાફરીમાં ‘જો સોવત હૈ વો ખોવત હૈ’ બનવાની શક્યતા ખરી જ.

પ્રતીકાત્મક તસવીર માણસ એક રંગ અનેક

પ્રતીકાત્મક તસવીર


આજે ટ્રેનની મુસાફરીનો ‘રસિક’ ભાગ : આપણે વાત-વાતમાં ઘણી વાર દોહરાવીએ છીએ કે પૃથ્વી પર આપણે મુસાફર છીએ અને ગાયું પણ હશે કે... 

‘ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, 
અબ રૈન કહાં જો સોવત હૈ, 
જો સોવત હૈ વો ખોવત હૈ, 
જો જાગત હૈ સો પાવત હૈ...’ આ તો તત્ત્વજ્ઞાનની વાત થઈ, હકીકતમાં ટ્રેનની મુસાફરીમાં ‘જો સોવત હૈ વો ખોવત હૈ’ બનવાની શક્યતા ખરી જ. 


જીવન એક ફરજિયાત કરવી પડતી યાત્રા છે. યાત્રાનું ધાર્મિક નામ જાત્રા છે. મોજ કરવા માટેની યાત્રાને આપણે ફરવા જવું, હવાફેર કરવા જવું, ટૂર પર જવું વગેરે-વગેરે કહીએ છીએ. આપણા વ્યસ્ત અને ત્રસ્ત જીવનને મસ્ત બનાવવા, આપણી એકવિધ પ્રવૃત્તિમાં વિવિધતા લાવવા, થાકેલા તન-મનમાં તાજગી ભરવા ઘરથી દૂર જઈએ એને આપણે યાત્રા કે મુસાફરી કહીએ છીએ. 

મુસાફરી કરવી એટલે જિંદગીના અવનવા પાઠ શીખવા. મુસાફરી માણસને સમજદાર બનાવે છે, સહનશીલ બનાવે છે, સંવેદનશીલ બનાવે છે, કલ્પનાને સતેજ કરે છે, વાસ્તવિકતાનું ભાન કરાવે છે, સૌંદર્યનું પાન કરાવે છે, આપણા ઇરાદા મજબૂત બનાવે છે, આપણા વિચારોને મોકળા બનાવે છે. 


મુસાફરી કેટલાક લોકો મજબૂરીથી કરે છે, કેટલાક વ્યવસાયને ખાતર કરે છે, કેટલાક શોખ ખાતર કરે છે. મુસાફરી કરવી એક કળા છે. મુસાફરીનાં ત્રણ મૂળભૂત સૂત્રો છે; ‘ઉત્સાહ વધારે, સામાન ઓછો અને મગજ સમતોલ.’ કુટુંબ કે મિત્રો સાથે ટ્રેનમાં મુસાફરી કરતાં સમય ક્યાં પસાર થઈ જાય છે એની ખબર નથી પડતી. એકલા મુસાફર માટે સમય ક્યાં પસાર કરવો એ પ્રશ્ન થઈ પડે. 

મારા એક મિત્રને અનોખી આદત છે, એકલા મુસાફરી કરવાની. દર બે-ત્રણ મહિને એકલા જ લાંબી મુસાફરી કરવા નીકળી પડે. કુટુંબ સાથે તેમને કંટાળો આવે, મિત્રો સાથે મનમેળ ન જામે, ટોળાનો તેમને ત્રાસ થાય. ખૂબ વાતોડિયો અને રસિક માણસ. અમે બધા મિત્રો તેને ‘રસિક’ નામે જ ઓળખીએ. તે માને છે કે જૂના મિત્રો સાથે પ્રવાસ કરવા કરતાં પ્રવાસમાં નવા મિત્રો બનાવવામાં મને વધારે મજા આવે છે. વળી કહે છે કે હું ક્યારેય પ્રવાસમાં એકલો હોતો જ નથી. મારી ‘જીભ’ મારી સાથે જ હોય છે. હું મૂંગો રહી શકતો નથી અને સામેવાળાને મૂંગો જોઈ શકતો નથી. મારી પાસે સામેવાળાને બોલતો કરી દેવાનો ઇલમ છે, માણસના અહમને સંતોષવાની કળા મને સાધ્ય છે. જેવી ટ્રેન ચાલુ થાય કે થોડી વારમાં હું પણ ચાલુ થઈ જાઉં. 

‘માફ કરજો સાહેબ, એક વાત પૂછું? તમે આ શર્ટ સરસ પહેર્યું છે? ફૉરેનથી લીધું છે?’ 
 ‘ના રે, મુંબઈથી જ ખરીદ્યું છે’ પેલો ચાર્જ થઈ જાય. 
‘વાહ, સરસ ચૉઇસ છે તમારી.’ 
‘થૅન્ક યુ, હું હંમેશાં બ્રૅન્ડેડ કપડાં જ પહેરું છું.’ 
‘ક્યા બાત હૈ! અમારા જેવાને ન પરવડે.’
‘પરવડવાનો સવાલ નથી, શોખનો સવાલ છે.’
‘ક્યાં, અમદાવાદ જાઓ છો?’
‘ના, ગાંધીધામ.’ 
‘ત્યાં જ રહો છો?’ 
‘ના, રહું તો મુંબઈમાં જ છું, પેડર રોડ પર.’ 
‘પેડર રોડ’ ભાર મૂકીને બોલે. 
‘ગાંધીધામમાં મારા સાળાનાં મૅરેજ છે.’
‘ક્યા બાત હૈ, પત્ની સાથે નથી?’
 ‘તે તો પંદર દિવસ પહેલાં જ પહોંચી ગઈ છે.’ 
‘શું વાત કરો છો? પછી ૧૫ દિવસથી ખાવા-પીવાનું? જોકે રસોઈયો હશે?’ 
‘ના રસોઈયો એક મહિનાથી બીમાર છે.’
તેણે જે રીતે જવાબ આપ્યો એના પરથી હું સમજી ગયો કે તે જૂઠું બોલે છે. 
‘દીકરી રસોઈ બનાવે છે.’
‘સારું, નસીબદાર છો, બાકી આજકાલ છોકરીઓને રસોઈ આવડે છે જ ક્યાં? કેટલાં બાળકો?’ ‘એક દીકરો, એક દીકરી. દીકરી મોટી.’
‘કેટલાં વર્ષની?’
‘૨૪ની થઈ.’
‘હેં? હજી ઘરમાં જ છે? ઠેકાણે નથી પાડી?’
‘પેલા ભાઈ ભડક્યા, ‘ઠેકાણે નથી પાડી એટલે શું? દીકરી એ કંઈ ચીજવસ્તુ છે?’

મને લાગ્યું કે કંઈ કાચું કપાયું છે. મેં ચાવાળાને બૂમ પાડી. પૂછ્યું, ‘ચા પીશોને? અરે ઠપકારોને સાહેબ, મુસાફરીની આ જ તો મજા છે. ચા પીવાની, સ્ટેશને-સ્ટેશને ગોટા-ભજિયાં-વડાં ખાવાનાં. જુદાં-જુદાં ગામનાં પાણી પીવાનાં. ને સાહેબ આ તો ટૉનિક છે. પેલું કહેવાય છેને કે દેવ લોકો દૂધ પીએ, દારૂ પીએ દાનવ, જે ચાની ના પાડે તે ગણાય મૂર્ખ માનવ.’ 

આમ રસિકભાઈ મુસાફરીમાં માનસશાસ્ત્રના આધારે, જીભના સહારે પોતાનો સમય આનંદથી પસાર કરી લે. સહપ્રવાસીને શાયરી સંભળાવે, દુહા-છંદ તેમને આવડે એવા ને એટલા ઠપકારે, જાદુના ખેલ બતાવે, અંતકડી રમાડે, રાજકારણ અને ક્રિકેટ, ફિલ્મની અવનવી સાચી-ખોટી કહાણી કહીને પ્રવાસીઓમાં વટ પાડી વખત વિતાવી દે. 

કોઈ પણ મુસાફરીમાં રસિકભાઈઓ મળી જ રહેતા હોય છે. ક્યારેક આપણે ખુદ પણ રસિકભાઈ બની જતા હોઈએ છીએ. મળતાવડો સ્વભાવ સફરને સુખદ બનાવે છે. 

એક જમાનો હતો જ્યારે એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામ જવું એ ભગીરથ કાર્ય ગણાતું. આજે દુનિયા સાંકડી થઈ ગઈ છે, હાથવગી થઈ ગઈ છે, લોકો છલાંગ મારી છપ્પન જોજન દૂર પહોંચી જાય છે. સફરમાં સગવડ વધી છે ને આનંદ ઓછો થઈ ગયો છે. 

સમાપન

ના મંઝિલોં કે લિએ, ના હી રાસ્તોં કે લિએ 
મેરા યે સફર હૈ ખુદ સે ખુદ કી પહચાન કે લિએ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 09:57 AM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK