Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આજ વાવેલું કદી તો કામ લાગે

આજ વાવેલું કદી તો કામ લાગે

11 February, 2024 12:28 PM IST | Mumbai
Hiten Anandpara

એક લૌકિક આકાંક્ષા એવી છે કે ભવિષ્યમાં ‘મિડ-ડે’ના વાચકો સાથે કાંદિવલીથી કાલબાદેવી સ્ટેશનની મુસાફરીમાં ‘અર્ઝ કિયા હૈ’ની મેટ્રો-બેઠક થાય. શું લાગે છે?

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


વિપક્ષોને ગમે એ લાગે, પણ દેશ ધીરે-ધીરે આગળ વધી રહ્યો છે. વિકાસનાં કાર્યો સ્વપ્નની શ્રેણીમાંથી નીકળીને સાર્થકતાની શ્રેણીમાં પહોંચી રહ્યાં છે. આમચી મુંબઈમાં મેટ્રો ટ્રેનની દસ લાઇનમાં લગભગ ૩૩૭ કિલોમીટરનો વિસ્તાર આવરવાનું વર્ષ ૨૦૨૬ સુધીમાં નિર્ધારિત છે. એક લૌકિક આકાંક્ષા એવી છે કે ભવિષ્યમાં ‘મિડ-ડે’ના વાચકો સાથે કાંદિવલીથી કાલબાદેવી સ્ટેશનની મુસાફરીમાં ‘અર્ઝ કિયા હૈ’ની મેટ્રો-બેઠક થાય. શું લાગે છે? હરકિસન જોષીને પૂછીએ...


નથી લઈ જતી એ સમય પાર મુજને
બધી સાધનાઓય સંસાર લાગે
જરા જોયું એવી કોઈ ભેદદૃષ્ટિ
સકળ વિશ્વ એનો જ વિસ્તાર લાગે



થાણેમાં વિશાળ વિસ્તારમાં પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો. ઉલ્હાસ નદી અને નૅશનલ પાર્ક સાથે સામીપ્ય ધરાવતો વીસ એકરમાં ફેલાયેલો પાર્ક થાણેવાસીઓનાં ફેફસાંમાં ચોખ્ખી હવા ભરવા મદદરૂપ થશે. એવી જ યોજના મહાલક્ષ્મી રેસકોર્સની ૧૨૦ એકર જમીનનો ઉપયોગ કરી હરિયાળો થીમ પાર્ક બનાવવાની છે. શહેરી આયોજનમાં હરિયાળા વિસ્તાર અને નિરાંતનું મહત્ત્વ સચવાય એ જરૂરી છે. અન્યથા શહેર માણસને મશીન બનાવવા માટે કુખ્યાત છે. રતિલાલ સોલંકી કોઈ શહેરીજનનું ચિત્ર દોરે છે...


આમ જુઓ તો ટોળાનો પણ 
લગભગ એકલવાયો માણસ
તનથી હાજર લાગે બાકી 
ખોવાયો-ખોવાયો માણસ

આપણી ધીરજ ખૂટતાં વાર નથી લાગતી. કાર્યક્રમોમાં જઈએ તોય અડધું ધ્યાન તો મોબાઇલમાં જ હોય. જેમાં ભલીવાર ન હોય એવા સંદેશાઓમાં ધ્યાન ફેરવી જેમાં શક્કરવાર વળી શકે એવી કલા-પ્રસ્તુતિ જોવા-સાંભળવાનું ચુકાઈ જાય છે. જીવલેણ શબ્દમાં જરા ફેર કરીને કહેવાનું મન થાય કે આ આદત સત્ત્વલેણ છે. આપણે તનથી હાજર હોઈએ, મનથી નહીં. જાતુષ જોશીની ટકોર ધાર્મિક પણ છે અને માર્મિક પણ છે...
કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે
અહીં ટોળાં કદી ના હોય નાનકનાં-કબીરોનાં
ભલેને, ચાલ નોખી એમની સ્હેજેય ના લાગે
પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ-પીરોનાં


આ સમાજ સજ્જનોને કારણે ટકે છે. કેટલાય આગિયાઓ રાતના અંધકાર સામે લડીને યથાશક્તિ રોશની પાથરતા રહે છે. આવા લોકોનો ઉપહાસ થાય ત્યારે દુઃખ થાય. સારા મિશનને સપોર્ટ ન કરી શકો તો કંઈ નહીં, એના વિશે એલફેલ બોલીને એને નુકસાન પહોંચાડવાની જરૂર નથી. સારું કાર્ય કરનારના રસ્તે કાંટાઓ પાથરવાનું કામ ગુનો છે. પણ શું કરીએ? આપણો સ્વભાવ જ વિચિત્ર છે. પોતે કંઈ સારું ન કરીએ ને બીજો કરતો હોય તો કરવા ન દઈએ. ડૉ. મહેશ રાવલ તારતમ્ય કાઢે છે...   
એકમાંથી નીકળો, બીજે ફસો
જિંદગીમાં કેટલાં ચક્કર હતાં
સૂર્ય જેવા સૂર્યને લાગે ગ્રહણ
તો મનુષ્યો, કઈ અસરથી પર હતા

દરેક માણસની સારી બાજુ પણ હોય અને ખરાબ બાજુ પણ હોય. આપણે સામાવાળાની ખરાબ બાજુને બિલોરીથી જોઈએ અને સારી બાજુને ચશ્માં કાઢીને જોઈએ. કેટલાય લોકો ગાંધીજીની જિંદગીમાંથી નબળી ક્ષણો ઉપાડીને બેરોકટોક ટીકા કરવાની ફૅશનમાં જોડાયેલા છે. તેમણે આમ કરવું જોઈતું હતું ને તેમ કરવું જોઈતું હતું વગેરે મંતવ્યોની મશીનગન ફોડે. ઘરનો નળ રિપેર કરાવવામાં જેને ત્રણ દિવસ ફાંફાં મારવાં પડતાં હોય, તુરિયાં અને ગલકામાં શું ફેર છે એની જેને ખબર ન હોય, લેંઘાનું અટવાયેલું નાડું ખોલવામાં જેને પસીનો વળી જતો હોય એવી કોઈ આઇટમ જ્યારે વિભૂતિઓ વિશે બેફામ બોલે ત્યારે લાગી આવે. નીરવ વ્યાસ સ્વભાવનું વિશ્લેષણ કરે છે...

જરા ગંભીરતાથી હું વિચારું છું તો લાગે છે
હતાં કારણ વિખૂટા થઈ જવાનાં બસ જરા જેવાં
ન જાણે આંખને કેવો થયો છે રોગ ‘નીરવ’ કે
પ્રસંગો સારા પણ લાગી રહ્યા છે હાદસા જેવા

જેમને કંઈ જ સારું દેખાતું ન હોય એવી એક જાતિ આપણી આસપાસ વિચરતી અને વિહરતી હોય છે. આવા લોકોની સાથે રહીએ તો આપણી માનસિકતા કણસતી થઈ જાય. સંદીપ પૂજારાની અર્થપૂજામાં જોડાવા જેવું છે...  

તમે માનો છો જેવું, સાવ એવું પણ નથી હોતું
ન આવે અંત જેનો, ક્યાંય એવું રણ નથી હોતું
ને એનું આગમન પણ કષ્ટદાયક એટલે લાગે
જીવનમાં દુઃખને માટે ક્યાંય આરક્ષણ નથી હોતું

લાસ્ટ લાઇન
જો કણેકણમાં સદાય રામ લાગે
ઝૂંપડી પણ મોટું તીરથધામ લાગે

એક મનસૂબો અમે રોપી જવાના
આજ વાવેલું કદી તો કામ લાગે

જે હથેળીમાં સતત ઘૂંટ્યા કરેલું
કોક દી એ પણ તિરસ્કૃત નામ લાગે

ચાહનારા આંખમાં તો સ્નેહ દેખે
મયકશોને એ છલકતો જામ લાગે

વાંસળી રાધાપણું ત્યારે જ રેલે
ફૂંક એમાં પૂરનારો શ્યામ લાગે
મુકેશ દવે
કાવ્યસંગ્રહ : એક જણ જીવી ગયો

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 12:28 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK