Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ...

ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ...

05 March, 2023 11:01 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ફાગણી પૂનમે ગુજરાતમાંથી જ નહીં, ભારતભરમાંથી આસ્થાળુઓ રાજા રણછોડરાયજીનાં દર્શન કરવા પદયાત્રા કરીને આવે છે. લાખોની સંખ્યામાં અત્યારે ભક્તોનો પ્રવાહ ડાકોર ભણી ડગ માંડી રહ્યો છે

ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ...

ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ...


કહેવાય છે કે અમદાવાદના ભક્ત પુનિત મહારાજે પહેલી વાર પદયાત્રા કરીને દર વર્ષે હોળી-ધુળેટીમાં પદયાત્રાનું માહાત્મ્ય સ્થાપિત કર્યું હતું. મહાઉત્સવનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલી આ પદયાત્રાને કારણે ડાકોરના રસ્તે સેવાપ્રવૃત્તિઓની પણ અનોખી દાસ્તાન જોવા મળી જાય છે

આજકાલ ગુજરાતમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર તરફ જતા માર્ગો જય રણછોડના નાદથી ગુંજી રહ્યા છે. દિવસ-રાત અવિરત ભાવિકોનો એકધારો પ્રવાહ શ્રી રણછોડરાયજીના મંદિર તરફ પગપાળા આગળ વધી રહ્યો છે તો ઘણા ભાવિકોએ તો દર્શન કરી પણ લીધાં હશે. રણછોડરાયનાં ભજનો અને સત્સંગ કરતાં-કરતાં આસ્થા અને શ્રદ્ધાથી પ્રભુની સન્મુખ થવાના ઉત્સાહમાં ભાવિકોના પગમાં જોમ પુરાય છે અને જય રણછોડ બોલતા ડાકોર જઈ રહ્યા છે.



આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમા ડાકોરના રણછોડરાયજીના મંદિરે હોળી-ધુળેટીના અવસરે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા દર્શન કરવા ઊમટે છે ત્યારે આ પગપાળા યાત્રા અને સંઘોની શરૂઆત ક્યારથી થઈ હશે એ કહી શકવું થોડું અઘરું થઈ પડે, પણ અમદાવાદથી પગપાળા યાત્રા શરૂ થયાને આજે લગભગ ૭૫ વર્ષ થયાં હોવાનું અનુમાન છે. અમદાવાદના ભાવિકોનો ડાકોર સાથે અદભુત નાતો છે, આસ્થા છે અને પ્રભુ પ્રત્યે પ્રીત છે. લાખો ભાવિકો પદયાત્રા કરીને ડાકોર રણછોડરાયજીના મંદિરે પહોંચી દર્શન કરીને ધજા ચડાવે છે ત્યારે ડાકોરની પદયાત્રા ક્યારથી શરૂ થઈ હોઈ શકે છે એ વિશે રણછોડરાયજીના પરમ ભક્ત પુનિત મહારાજના પૌત્ર આનંદ ભટ્ટ ઉર્ફે આનંદ જનક મહારાજ દાવો કરતાં કહે છે, ‘ડાકોર પગપાળા પદયાત્રાની અમદાવાદથી શરૂઆત મારા દાદા પુનિત મહારાજે કરી હતી. ૧૯૪૭માં ફાગણ સુદ અગિયારસના દિવસે સૌપ્રથમ વાર ડાકોર પદયાત્રાની શરૂઆત થઈ હતી. એ જમાનામાં ચાલતાં-ચાલતાં યાત્રા કરવી એ કઠિન કાર્ય હતું ત્યારે અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં માળીવાડાની પોળમાં અંબાલાલ ભગતના ઘરેથી સંઘની શરૂઆત થઈ હતી. વહેલી પરોઢે ચાર વાગ્યે ધ્વજાપૂજા માટે ભાવિકો એકઠા થયા હતા. પુનિત મહારાજની આગેવાનીમાં સૌપ્રથમ વખત કૃષ્ણ ભજન મંડળ નામથી પગપાળા સંઘ નીકળ્યો હતો. એ વખતે અંદાજે ૧૦૦થી ૧૫૦ ભાવિકો સંઘમાં જોડાયા હતા. સવારે છ વાગ્યે સંઘે પગપાળા પ્રયાણ શરૂ કર્યું હતું. અમદાવાદના સારંગપુરમાં આવેલા રણછોડરાયજીના મંદિરે સંઘ ગયો અને ત્યાંથી ચાલતો-ચાલતો સંઘ ડાકોર ગયો હતો. ત્યારથી પગપાળા સંઘની પરંપરા આજે પણ અવિરત રીતે ચાલી રહી છે. દાદા પુનિત મહારાજ બાદ શાંતારામ ભગત, ઓચ્છવ ભગત, પુંજીરામ ભગત અને છેલ્લે મારા પિતાજી જનક મહારાજે પગપાળા સંઘ ચાલુ રાખ્યા હતા.’


આજે કૃષ્ણ ભજન સત્સંગમાં જે આરતી ‘જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા... ’ ઘરે-ઘરે ગવાય છે એ આરતી સહિત અગણિત કૃષ્ણ ભજનોના રચયિતા પુનિત મહારાજે કેવી રીતે ડાકોર પગપાળા સંઘની શરૂઆત કરી હતી એ વિશે વાત કરતાં આનંદ ભટ્ટ કહે છે, ‘પુનિત મહારાજે કૃષ્ણ ભજન મંડળની સ્થાપના કરી હતી અને એક રૂપિયો દાન સ્વરૂપે લેવાનો નહીં એવો નિર્ણય કર્યો હતો. મંડળના સભ્યો ઘણી જગ્યાએ યાત્રા કરતા ત્યારે મંડળના સભ્યોએ કહ્યું કે કંઈક એવું કરીએ જેથી દર વર્ષે એ બાબતને અનુસરીએ. પુનિત મહારાજે ત્યારે કહ્યું કે ડાકોરના રણછોડરાય આપણા ઇસ્ટ દેવ છે તો ત્યાં દર વર્ષે ચાલતા જઈએ તો કેમનું રહે? બધા એ વાત સાથે સંમત થયા અને હોળીની પૂનમના દિવસે સંઘ સ્વરૂપે બધા સાથે ડાકોર જઈને દર્શન કરવાનું નક્કી કર્યું. એની શરૂઆત ૧૯૪૭ના વર્ષથી કરાઈ હતી.’

હોળી-ધુળેટી પર્વમાં ડાકોર મંદિરનું માહાત્મ્ય કેમ વધુ હોય છે એ વિશે વાત કરતાં ડાકોરના રણછોડરાયજી મંદિરના પૂજારી બીરેન પંડ્યા કહે છે, ‘સંવત ૧૨૧૨માં ભગવાન ડાકોર પધાર્યા ત્યારે પૂર્ણિમા હતી એટલે ડાકોર મંદિરમાં પૂનમનું વિશેષ મહત્ત્વ છે. ભગવાનના ભક્ત બોડાણા દ્વારકા જઈને પૂનમ ભરતા. તેમની ઉંમર થતાં ભક્ત બોડાણાએ ભગવાન દ્વારિકાધીશને વિનંતી કરી કે હું આવી શકું એમ નથી એટલે એવું કંઈક કરી આપો કે તમારાં દર્શન થઈ શકે. ત્યારે પ્રભુએ તેમને છેલ્લી વખત ગાડુ લઈને આવવા કહ્યું હતું. ભક્ત બોડાણા ગાડુ લઈને ગયા અને તેમના ગાડામાં બેસીને ભગવાન ડાકોર તરફ આવવા નીકળ્યા. ગાડું ખુદ પ્રભુએ હંકાર્યું હતું અને સવારે ડાકોર નજીક આવેલા સીમલજ ગામે લીમડાના એક વૃક્ષ નીચે વિસામો કર્યો. ભગવાને લીમડાની એક ડાળ તોડીને દાતણ કર્યું અને પછી પ્રભુ ડાકોર પહોંચ્યા. આજે પણ સીમલજ ગામે એ લીમડો છે ત્યાં પ્રભુની પાદુકા છે. ભગવાને લીમડાની જે ડાળ પકડી હતી એ આજે પણ મીઠી ડાળ છે. એ જ લીમડાની બાકી બીજી ડાળો કડવી છે અને એનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. પ્રભુ પૂનમના દિવસે ડાકોર આવ્યા હોવાથી દર પૂનમે ડાકોરમાં દર્શન કરવા માટે ભાવિકો દૂર-દૂરથી આવે છે અને એમાં પણ હોળીની પૂનમે વિશેષ રીતે ભાવિકો પગપાળા ડાકોર આવીને દર્શન કરે છે અને ધજા ચડાવે છે.’


ચાલતા ડાકોર જવાની ભાવિકોમાં આસ્થા વધુ છે અને હવે વધુ પ્રમાણમાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે એ વિશે વાત કરતાં બીરેન પંડ્યા કહે છે, ‘એક લોકવાયકા એવી છે કે એક વખત પદયાત્રા વખતે માવઠું થયું હતું. જબરદસ્ત વાવંટોળ વાયો અને પદયાત્રીઓને અવરોધ થયો. પદાયાત્રીઓ દીશાહીન થયા અને ભટકી ગયા. એવા સમયે એક ગોવાળિયો દેખાયો. તેણે ડાકોરનો રસ્તો બતાવીને દિશા દેખાડી અને એ રસ્તે ભાવિકો ડાકોર આવ્યા. ત્યારે ભાવિકોમાં વિશ્વાસ બેઠો કે ભગવાને અમને રાહ બતાવ્યો. લોકોની મનોકામના પૂરી થાય એટલે લોકોમાં આસ્થા વધતી ગઈ છે અને અહીં આવતા દર્શનાર્થીઓની સંખ્યા વધતી ગઈ છે.’

ડાકોર મંદિરના મૅનેજર અરવિંદ મહેતા કહે છે, ‘ડાકોર મંદિરમાં હોળી અને ધુળેટીના દિવસે મેળો ભરાય છે. ધુળેટીના દિવસે ફૂલોનો હિંડોળો બનાવીને પ્રભુને હીંચવામાં આવે છે અને ઉત્સવ ઊજવાય છે. અબીલ ગુલાલની છોળો ઉડાડાય છે અને ભાવિકો પ્રભુનાં દર્શન કરીને ધજા ચડાવે છે. હોળી-ધુળેટીના પર્વમાં અમદાવાદ સહિત ગુજરાતથી લઈને દૂર-દૂરથી અંદાજે ૧૦૦થી વધુ સંઘો પગપાળા આવે છે. એક અંદાજ મુજબ હોળી-ધુળેટીના પર્વમાં સાત લાખથી વધુ ભાવિકો ભગવાન શ્રી રણછોડરાયજીનાં દર્શન કરવા આવે છે.’

પદયાત્રીઓને પીરસાય છે ભાવતાં ભોજન, કરાય છે પગની માલિશ

ચાર-પાંચ દિવસ સુધી ચાલીને પ્રભુનાં દર્શન કરવા ડાકોર જતા પદયાત્રીઓની સેવામાં હાઇવે પર સેવા કૅમ્પોનો ધમધમાટ જોવા મળે છે. અમદાવાદ શહેરથી ડાકોર તરફ જતા માર્ગનું મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જશોદા ચોકડી વિસ્તારથી ભક્તિમાર્ગ તરીકે નામકરણ થયું છે તો માર્ગમાં પદયાત્રીને તકલીફ ન પડે એ માટે ભારે વાહનોની અવરજવર થોડા દિવસ માટે પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવે છે. અમદાવાદથી ડાકોર તરફ જશોદા ચોકડીથી જતો રસ્તો લગભગ સિંગલ પટ્ટી જેવો હતો અને એ સમયે ચાલીને પદયાત્રા કરવી કઠિન હતી એવા સમયે ૩૩ વર્ષ પહેલાં વિંઝોલ પાટિયા પાસે સંકટમોચન હનુમાનજી મંદિરના પરિસરમાં સંકટમોચન હનુમાન ભક્ત મંડળના પ્રમુખ અતુલ પટેલ અને તેમની ટીમ પદાયાત્રીઓ માટે ખડેપગે રહેતી. આ સેવા યજ્ઞ આજે પણ પદયાત્રાના દિવસો દરમ્યાન ૨૪ કલાક ચાલે છે.

પદયાત્રીઓને અહીં ભાવતાં ભોજન પીરસાય છે. શ્રીખંડ-પૂરી, ચોખ્ખા ઘીની ફાડા લાપસી, દાળ-ભાત, પૂરી-શાક, પાપડ સાથેના પાકા ભોજન ઉપરાંત ફરાળવાળા માટે રાજગરાનો શીરો, બફવડાં, સૂકી ભાજી, મોરૈયો, કઢી અપાય છે. અહીં પાંઉભાજી, પાણીપૂરી, મન્ચુરિયન, આઇસક્રીમ, પીત્ઝા સહિતના અવનવા નાસ્તા પણ પીરસાય છે.

ત્રણ દાયકા કરતાં વધુ સમયથી એકધારો સેવા કૅમ્પ ચલાવતા અતુલ પટેલ કહે છે, ‘આ બધું ભગવાન મૅનેજ કરાવે છે. અમે મહેનત કરીએ છીએ અને હનુમાનજી મહારાજની કૃપા છે. અમે ૧૯૯૨–’૯૩માં આ સેવા કૅમ્પ શરૂ કર્યો ત્યારે અમને એમ થયું કે આપણા ઘરેથી કોઈ આવી રીતે પદયાત્રા કરીને જતું હોય અને રસ્તામાં તેમને પ્રસાદની અને આરામની જગ્યા મળી જાય તો કેવી રાહત થાય? આમ વિચારીને અમે પદયાત્રીઓ માટે સેવા કૅમ્પ શરૂ કર્યો હતો. શરૂઆત અમે મમરા-સેવ અને બટાટા-પૌંઆના નાસ્તાથી કરી હતી. આજે ૨૪ કલાક ગરમ નાસ્તો તેમ જ ભોજન પ્રસાદ આપીએ છીએ. આ ઉપરાંત ચાલીને જતા યાત્રિકોને થાક લાગ્યો હોવાથી પગની માલિશ પણ કરી આપીએ છીએ. પદયાત્રીઓ માટે ૨૪ કલાક મેડિકલ સેવા પણ ઉપલબ્ધ રાખીએ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

05 March, 2023 11:01 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK