Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આંસૂ નિકલ આયે તો ખુદ પોછ લેના લોગ પોછને આએંગે તો સૌદા કરેંગે

આંસૂ નિકલ આયે તો ખુદ પોછ લેના લોગ પોછને આએંગે તો સૌદા કરેંગે

01 March, 2023 01:02 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

એક જમાનો હતો કે બિસ્મિલ્લા ખાનની શરણાઈ, પન્નાલાલ ઘોષનું બાંસૂરીવાદન, સિતારાદેવી કે બિરજુ મહારાજનું નૃત્ય, રવિશંકરની સિતાર સાંભળવા લોકો મોંઘા ભાવની ટિકિટ ખર્ચીને પણ જતા

પ્રતીકાત્મક તસવીર

માણસ એક રંગ અનેક

પ્રતીકાત્મક તસવીર


સલીમ-જાવેદવાળા સલીમે લખેલો આ સંવાદ સંબંધોના ગણિતની લેણદેણને બેનકાબ કરે છે. આજકાલ દુનિયા લેણદેણની થઈ ગઈ છે. એક હાથે આપી બીજા હાથે લઈ લો. કશું મફત નથી મળતું, સ્વાર્થ વગર કોઈ મદદ નથી કરતું. અહીં દરેક કાર્ય પાછળ કારણ હોય છે અને દરેક સત્કાર્ય પાછળ સ્વાર્થ.

માણસ જન્મે છે ત્યારે સ્વાર્થને સાથે લઈને જન્મે છે. જન્મ્યા પછીની દરેક વૃત્તિ-પ્રવૃત્તિમાં દૃશ્ય કે અદૃશ્ય રીતે સ્વાર્થ છુપાયેલો હોય છે. નાનપણથી જ આપણને લાલચ, લોભ, સોદાના પાઠ શીખવાડવામાં આવે છે.



‘પપ્પુ, બેટા, એક પપ્પી આપ તો


ચૉકલેટ આપીશ.’

‘ટીનુ, મહેમાનોને તારો ડાન્સ દેખાડ... તને ગિફ્ટ મળશે.’


‘રાજુ બેટા, દવા પી લે તો, ભાઈ તને બાબા - ફરવા લઈ જશે.’

આપણે ઝાડને પાણી પાઈએ છીએ, કેમ કે આપણને ફળ જોઈએ છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, કેમ કે પુણ્ય કમાવું છે. સુખી થવું છે, દુઃખ દૂર કરવાની માગણી કરવી છે. સંતાનને ઉછેરીએ છીએ, કેમ કે ભવિષ્યમાં એ આપણો ટેકો બને. આપણે સમાજમાં હળીએ-ભળીએ છીએ, સમાજ માટે કંઈક કરી છૂટીએ છીએ, કેમ કે આપણને આપણાં દીકરા-દીકરી વરાવવાં-પરણાવવાં હોય છે, ધંધાનો વિકાસ-વિસ્તાર કરવાનો હોય છે. દાન-ધર્મ પણ મોટા ભાગે આ જ કારણસર થતાં હોય છે. આપણું નામ થાય, કામ થાય, સગવડ વધે, અગવડ ઘટે, નુકસાન ઓછું ને ફાયદો વધારે થાય. માણસ માત્રના કાર્યકારણમાં આ જ સંબંધ હોય છે.

સ્વાર્થની સુરંગ આપણા જન્મથી જ આજુબાજુ પથરાયેલી હોય છે. ફ્રૉઇડ કહે કે લગ્નજીવન એ સ્વાર્થની આહુતિ આપવાની એક યજ્ઞશાળા છે, એ ભ્રમ છે. માણસના જન્મનો પાયો સ્વાર્થ છે. કોઈને સુખી થવાનો સ્વાર્થ, કોઈને બીજાને દુખી કરવાનો સ્વાર્થ. સ્વાર્થ સત્ય છે, સગપણ મિથ્યા છે. દરેકની આંખમાં સાપ રમી રહ્યો છે, દરેકને માથે કાળ ભમી રહ્યો છે. એમાંથી બચવાના ઉપાય તરીકે દરેકે પોતાની પાસે સ્વાર્થનું હથિયાર રાખવું પડે છે.

 ફ્રૉઇડની આ વાત સાથે બધા કદાચ સંમત ન પણ થાય, પરંતુ વાત અવગણવા જેવી નથી જ. વાંદરી પોતાના જ બચ્ચાને સીડી બનાવીને કૂવામાંથી બહાર નીકળી, બચ્ચાનો ભોગ લઈ પોતે જીવ બચાવ્યો એ વાર્તા નાનપણથી જ આપણે ભણતા આવ્યા છીએ. સ્વાર્થ વકરતો રહે છે, કારણ કે માણસના લોભને થોભ નથી. માણસને માત્ર સુખી જ નથી થવું, બીજા કરતાં વધારે સુખી થવું છે. માણસને પોતાની લીટી મોટી કરવા કરતાં બીજાની લીટી નાની કરવામાં વધારે આનંદ આવે છે.

કબીર કહે છે...

‘સ્વારથ કા સબ સગા, સારા જગ જાન

બિન સ્વારથ આદર કરે વો નર ચતુર સુજાન.’

સ્વાર્થ શબ્દ પોતે ખરાબ નથી. આપણે એને ખરાબ બનાવ્યો છે. ‘સ્વ’ અર્થ પોતે. સ્વા વત્તા અર્થ એટલે પોતાના હિત માટે. અહીં જ્ઞાની માટે પોતાનું હિત એટલે પોતાના આત્માનું હિત, અજ્ઞાની માટે પોતાના શરીરનું હિત.

 સવાલ એ ઊઠે છે કે સમસ્ત પ્રકૃતિ નિ:સ્વાર્થ છે તો એક માણસજાત કેમ સ્વાર્થી છે? હવા, પાણી, સૂર્ય, ચંદ્ર, નદી, વૃક્ષ, ઝરણાં બધાં નિ:સ્વાર્થપણે પોતાનો ધર્મ અને ફરજ બજાવે છે એટલે તો માણસજાત ટકી રહી છે. ઊલટાનું આપણે સ્વાર્થને કારણે પ્રકૃતિનું નિકંદન કાઢીએ છીએ, જંગલનો નાશ કરીએ છીએ, વૃક્ષોને કાપીએ છીએ, નદીઓ નાથીએ છીએ, દરિયા પૂરીએ છીએ, પર્વતો તોડીએ છીએ.

સ્વાર્થ વિરુદ્ધનો શબ્દ પરમાર્થ છે, પરંતુ પરમાર્થ ક્યારેક સ્વાર્થ કરતાં પણ વધારે ભયંકર નીવડે છે. એની એક લઘુકથા જાણવા જેવી છે...

એક મધ્યમવર્ગનો સીધોસાદો યુવાન કામ પરથી ઘરે જઈ રહ્યો હતો. મન થોડું ઉદ્વેગમાં હતું. મા બીમાર હતી, દવા લેવા માટે શેઠ પાસે પૈસા ઉધાર લીધા હતા. એ પાંચ કેમ વાળવા એ વિચારમાં હતો, તો બીજી તરફ શેઠે માની દવા માટે કોઈ પણ જાતની રકઝક કર્યા વગર પૈસા આપી દીધા એની ખુશી પણ હતી.

 એ જ રસ્તે લોકોએ એક ખિસ્સાકાતરુને પકડ્યો હતો. આડેધડ બધા તેના પર તૂટી પડ્યા હતા. ટોળામાં બધા વીર થઈ જતા હોય છે. સૌ પોતપોતાના હાથ સાફ કરવામાં મશગૂલ હતા, જાણે ધ્રાબો ખૂંદતા હોય એમ ખિસ્સાકાતરુને ખૂંદી રહ્યા હતા અને ખિસ્સાકાતરુ લોહીલુહાણ થઈ બેભાન થઈ ગયો હતો. બધાના હાથની ચળ પૂરી થઈ એટલે બધા ખિસ્સાકાતરુને રસ્તા પર છોડીને વિખેરાઈ ગયા.

ક્ષણભર પછી એક યુવાન ત્યાં પહોંચે છે, જુએ છે તો ખિસ્સાકાતરુ ઊભો થવા માટે તરફડિયાં મારે છે, કોઈ તેની તરફ ધ્યાન નથી આપતું. યુવાનને દયા આવે છે. તે ખિસ્સાકાતરુને ટેકો આપીને ઊભો કરે છે. ખિસ્સાકાતરુ તેના ખભાના સહારે માંડ-માંડ રિક્ષામાં બેસે છે અને યુવાન તરફ હાથ જોડે છે.

થોડી ક્ષણ સુધી યુવાન રિક્ષાને જતી જોઈ રહ્યો. તેના મોઢા પર આછું સ્મિત રેલાયું. પરમાર્થ કર્યાનો, કંઈક સારું કર્યાનો આંનદ તેના મોઢા પર સ્પષ્ટ દેખાતો હતો. મનોમન બબડ્યો, ‘આના બદલામાં ઈશ્વર મારી માને જલદીથી સારી કરશે.’

માની યાદ આવતાં તેને દવા લેવાનું યાદ આવ્યું. તે કેમિસ્ટની દુકાન શોધવા લાગ્યો. દુકાનમાં જઈ ચિઠ્ઠી બતાવીને દવા લીધી, ૫૭૦ રૂપિયાનું બિલ હતું. તેણે પૈસા ચૂકવવા ખિસ્સામાંથી પાકીટ કાઢવા હાથ નાખ્યો. પણ આ શું? પાકીટ ગુમ હતું! ખિસ્સાકાતરુ કળા કરી ગયો હતો!!

સમાપન
થોડા સા પરેશાન હૂં ઇસ 
દૌર મેં, યૂં રુલાયા ના કરો 
મતલબી રિશ્તોં કા બોઝ 
હમ સે ઊઠવાયા ના કરો. 
જો ભાવનાને કારણે સંબંધ બંધાય તો 
તૂટવો મુશ્કેલ, પણ સ્વાર્થને કારણે બંધાય તો ટકવો મુશ્કેલ.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2023 01:02 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK