કાંદિવલીમાં રહેતા સિદ્ધાંત ગઢિયાએ અસિસ્ટન્ટ સિનેમૅટોગ્રાફર તરીકે શૂટ કરેલી શૉર્ટ ફિલ્મ અનુજા ઑસ્કર અવૉર્ડ્સમાં એની કૅટેગરીમાં ટૉપ ફાઇવમાં પહોંચી હતી
સિદ્ધાંત ગઢિયાએ અસિસ્ટન્ટ સિનેમૅટોગ્રાફર તરીકે શૂટ કરેલી શૉર્ટ ફિલ્મ અનુજા ઑસ્કર અવૉર્ડ્સમાં એની કૅટેગરીમાં ટૉપ ફાઇવમાં પહોંચી હતી
ઑસ્કર અવૉર્ડ્સની ગણના જગતના સૌથી પ્રતિષ્ઠિત અવૉર્ડ્સ તરીકે થાય છે. આ અવૉર્ડના હકદાર બનવું તો દૂરની વાત, એની નૉમિનેશન યાદી સુધી પહોંચવું પણ કંઈ સહેલું હોતું નથી. કેટલાય પડાવોને પાર કર્યા બાદ અહીં સુધી પહોંચી શકાય છે, જેની જાણ તો દરેકને હશે જ. આ વર્ષે હૉલીવુડની, પણ ભારતની ભૂમિ ઉપર અને ભારતીય કલાકારો સાથે બનેલી શૉર્ટ ફિલ્મ ‘અનુજા’ને બેસ્ટ શૉર્ટ ફિલ્મની કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવી હતી. જોકે જરાક માટે આ ફિલ્મ ઑસ્કર અવૉર્ડ મેળવવાથી ચૂકી ગઈ હતી, પરંતુ ઑસ્કર સુધી પહોંચવું એ પણ એક અવૉર્ડથી ઓછું નથી. હવે મૂળ મુદ્દા પર આવીએ તો એક ફિલ્મ બનાવવા પાછળ પડદા પર દેખાતા કલાકારોથી લઈને પડદાની પાછળ રહેલા કલાકારોનો ફાળો ખૂબ જ મુખ્ય હોય છે. આવા જ પડદાની પાછળ રહેલા એક કલાકારનું નામ છે સિદ્ધાંત ગઢિયા, જે વ્યવસાયે સિનેમૅટોગ્રાફર છે અને ‘અનુજા’ ફિલ્મનો ફર્સ્ટ અસિસ્ટન્ટ સિનેમૅટોગ્રાફર છે. એક ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવી વાત છે કે તે જે ફિલ્મ સાથે સંકળાયેલો છે એ ઑસ્કર સુધી પહોંચી હતી.
કેવી રીતે આ શૉર્ટ ફિલ્મ મળી?
ADVERTISEMENT
કાંદિવલીમાં રહેતો ૨૪ વર્ષનો સિનેમૅટોગ્રાફર સિદ્ધાંત ગઢિયા કહે છે, ‘અમે શૉર્ટ ફિલ્મ ‘અનુજા’ને ૨૦૨૨ની સાલમાં શૂટ કરવાનું ચાલુ કર્યું હતું. મારી સાથે ફિલ્મ-સ્કૂલમાં અભ્યાસ કરનાર આકાશ રાજે આ ફિલ્મ શૂટ કરી હતી જેને મેં અસિસ્ટ કર્યું હતું. અમે બન્નેએ સાથે અનેક પ્રોજેક્ટ પર કામ કર્યું છે. કોઈક પ્રોજેક્ટમાં તે મને અસિસ્ટ કરે તો કોઈ પ્રોજેક્ટમાં હું તેને અસિસ્ટ કરું છું. આ ફિલ્મ મળવાની કહાણી પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. અમારી ફિલ્મ-સ્કૂલમાં અમારી સાથે એક છોકરી પણ ભણતી હતી જે અમારી સારી ફ્રેન્ડ પણ હતી. આ છોકરી ફ્રાન્સથી આવેલી હતી અને અમેરિકાના એક ફિલ્મ-ફિલોસૉફીના પ્રોફેસર અને ડિરેક્ટરને ફ્રેન્ચ શીખવતી હતી. એક કમ્યુનિકેશન દરમિયાન તેમણે તેને કહ્યું કે તે ઇન્ડિયામાં શૉર્ટ ફિલ્મ શૂટ કરવા માગે છે અને એ માટે તેમને ઇન્ડિયન ક્રૂની જરૂર છે. મારી ફ્રેન્ડે અનેક લોકોની સાથે એ અમેરિકન ડિરેક્ટરની મુલાકાત કરાવી, પણ તેમને કોઈ સાથે ફાવ્યું નહીં. છેવટે તેઓ અમને મળ્યા અને અમારું કામ તેમને ગમ્યું અને શૂટ શરૂ કર્યું. આ શૉર્ટ ફિલ્મનો હું ફર્સ્ટ અસિસ્ટન્ટ સિનેમૅટોગ્રાફર હતો અને મારો ફ્રેન્ડ આકાશ મેઇન સિનેમૅટોગ્રાફર અને ફોટોગ્રાફી ડિરેક્ટર હતો. આ આખી શૉર્ટ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. એ પણ સ્લમ એરિયામાં મહત્તમ પાર્ટ શૂટ કરવામાં આવ્યો હતો. ફિલ્મ પૂરી થઈ ગયા બાદ એમાં પ્રિયંકા ચોપડા જેવાં મોટાં નામો ઉમેરાતાં ગયાં હતાં અને આ ફિલ્મ વિશે વધુ ને વધુ લોકો જાણતા પણ ગયા હતા.’
શૂટિંગ દરમિયાન ઘણા અવરોધો આવે
વિદેશી ટીમ સાથે અહીંની કેટલીક ગીચ જગ્યાએ ફિલ્મ કરવી સરળ હોતી નથી, ખાસ કરીને અમુક સ્લમ એરિયામાં એમ જણાવતાં સિદ્ધાર્થ કહે છે, ‘આપણે ત્યાં જ્યાં પણ ફિલ્મનું શૂટિંગ થાય ત્યાં ગિરદી થઈ જતી હોય છે. આસપાસ લોકોનો અવાજ, શૂટિંગ દરમિયાન વચ્ચે આવવું અને સેલ્ફી લેવા માટે ધસી આવવું અહીં કૉમન છે પરંતુ જ્યારે લોકો વિદેશીઓને જુએ છે તો વધુ કોલાહલ કરી મૂકે છે અને શૂટિંગ દરમિયાન ડિસ્ટર્બન્સ પણ એટલું જ થાય છે. પોલીસ પણ અવારનવાર સિચુએશન ચેક કરવા આવતી હોય છે એટલે અમારે કામમાં બ્રેક પણ પડતો હોય છે. બે દિવસમાં શૂટ પતાવવાનું હોય ત્યાં ત્રણ-ચાર દિવસ લાગી જતા હોય છે. આવી કન્ડિશનની વચ્ચે અમારે કામ કરવું મુશ્કેલ બની જતું હોય છે. પણ નો ડાઉટ, મને ઘણું શીખવા પણ મળે છે. વિદેશી ટીમ સાથે કામ કરીને નવી ટેક્નૉલૉજીનો ઉપયોગ અને તેમની કામ કરવાની સ્ટાઇલથી ઘણું શીખવા મળે છે. તેમ જ આટલા ક્રાઉડની વચ્ચે કેવી રીતે તમે કૅમેરા ઍન્ગલ સેટ કરી શકો, સ્મૂધલી કામ કેવી રીતે આગળ વધારી શકો એ પણ શીખવા મળે છે.’
ઑસ્કર સુધીની સફર
પ્રાગ ફિલ્મ સ્કૂલમાં સિનેમૅટોગ્રાફ્રીનો અભ્યાસ કરનાર સિદ્ધાંત ગઢિયા ‘અનુજા’ ફિલ્મની ઑસ્કર સુધીની સફર વિશે જણાવતાં કહે છે, ‘આ ફિલ્મ તૈયાર થઈ ગઈ ત્યાર બાદ અમે એને અનેક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલાવી હતી. આ વાત ૨૦૨૪ની છે. ત્યારે દરેક જગ્યાએ આ ફિલ્મને રિજેક્ટ કરવામાં આવી હતી પરંતુ ઑસ્કરમાં આ ફિલ્મને એન્ટ્રી આપવામાં આવી હતી. તમે માનશો નહીં, ઑસ્કરના અવૉર્ડ્સ માટે વિશ્વભરમાંથી દસ હજાર કરતાં પણ વધુ ફિલ્મો પોતાનું નામ રજિસ્ટર કરાવે છે, જેમાંથી ૧૦૦ ફિલ્મોને ક્વૉલિફાય કરવામાં આવે છે. એમાંથી ફાઇનલમાં પાંચ ફિલ્મોને નૉમિનેટ કરવામાં આવે છે જેમાં ‘અનુજા’નો સમાવેશ થયો હતો જે દરેક ભારતીય માટે પ્રાઉડ કરવાની વાત છે.’
ફ્યુચર પ્રોજેક્ટ
આ મારી પ્રથમ ફિલ્મ નથી, હું અન્ય દિગ્ગજ પ્રોડક્શન હાઉસ સાથે પણ સંકળાયેલો છું એમ જણાવતાં સિદ્ધાંત કહે છે, ‘હું ધર્મા પ્રોડક્શન્સ સાથે પણ સંકળાયેલો છું જેના બૅનર હેઠળ મેં એક ફિલ્મ પણ કરી છે અને એ જૂનમાં રિલીઝ થશે. આ ફિલ્મ એક બુક પરથી બનાવવામાં આવી છે જેમાં અક્ષયકુમાર જેવા મોટા ગજાના કલાકારો છે. આમ તો અમે ફિલ્મ માટે જ સિનેમૅટોગ્રાફી કરીએ છીએ, પણ ક્યારેક કોઈ ઇન્ટરેસ્ટિંગ સક્રીપ્ટ મળી જાય તો અમે શૉર્ટ ફિલ્મ પણ ઉપાડી લઈએ છીએ. મેં ઘણી ઍડ પણ શૂટ કરી છે.’
અનુજા ફિલ્મ વિશે થોડું
હૉલીવુડમાં બનેલી ફિલ્મ ‘અનુજા’ને ૯૭મા ઍકૅડેમી અવૉર્ડ્સમાં બેસ્ટ શૉર્ટ ફિલ્મ (લાઇવ ઍક્શન) કૅટેગરીમાં સ્થાન મળ્યું હતું. દિલ્હીની પૃષ્ઠભૂમિ પર આધારિત શૉર્ટ ફિલ્મનું નિર્દેશન ઍડમ જે. ગ્રેવ્સ અને સુચિત્રા મથાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગુનીત મોન્ગા અને પ્રિયંકા ચોપડા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર હતાં. આ ફિલ્મ અનુજા નામની ૯ વર્ષની છોકરીની આસપાસ આકાર લે છે જે દિલ્હીમાં એક કપડાની ફૅક્ટરીમાં કામ કરે છે. તેને જીવનમાં એક વાર સ્કૂલ જવાની તક મળે છે ત્યારે તેણે એક હૃદયદ્રાવક નિર્ણય લેવો પડે છે જે તેનું અને તેની બહેનનું ભાવિ નક્કી કરશે. આ ફિલ્મમાં જે નાની છોકરી અનુજાનો રોલ કરી રહી છે એ હકીકતમાં દિલ્હીની સલામ બાલક નામક ટ્રસ્ટની છે જે સ્લમમાં રહેતાં અનાથ બાળકોનો આશ્રમ છે.

