‘જીવ શાનો આપું, કામ છેને મારી પાસે.’ વાઇફ ઊભી થઈને ફળિયામાં આવી, ‘જો જીન, આ અમારો કૂતરો છે, એનું નામ ટૉમી છે. એની પૂંછડી તારે સીધી કરવાની છે. સીધી ન થાય ત્યાં સુધી તું અંદર ન આવતો.’

ઇલેસ્ટ્રેશન
‘ઢબ્બુ, પ્લીઝ... જાને જલદી.’
હાથમાં PS5ની સ્ટિક સાથે હૉલમાં ક્રિકેટ રમતા ઢબ્બુએ મમ્મી તરફ ધ્યાન આપ્યું નહીં એટલે મમ્મી કિચનમાંથી બહાર નીકળી હૉલ તરફ આવી.
‘તને કહું છું, લાવી આપને સ્ટોરમાંથી... હમણાં પપ્પા આવશે. સાકર જોઈશે.’
‘ફોન કરીને મગાવી લે...’
‘પણ તને જવામાં શું તકલીફ છે?’
‘બહુ બધી...’ ઢબ્બુએ સામે રમતી સાઇના નેહવાલને બૅડ્મિન્ટનમાં હરાવવી હતી એટલે તેનું ધ્યાન બિલકુલ ટીવીની સ્ક્રીન પર હતું, ‘બિગ બાસ્કેટમાં ઑર્ડર કરી દે. એ લોકો હોમ ડિલિવરી કરી જશે...’
‘કાલે કરશે. પપ્પાને ચા હમણાં જોઈશે.’
મમ્મી ટીવી બંધ કરવા માટે ઊભી થઈ, પણ ઢબ્બુને એની ખબર પડી ગઈ હોય એ રીતે તેણે મમ્મીની દુખતી નસ પકડી લીધી.
‘ટીવી બંધ કરશે તો તને એન્જલ પ્રૉમિસ.’
‘તું ને તારી એન્જલ...’ મમ્મી રીતસર કરગરવા પર આવી ગઈ, ‘જાને...’
‘ના, હું નથી જતો.’
‘સવારથી તું એક પણ કામ કરતો નથી, હું જોઉં છું. તારાં એકેક કામ પણ તું મારી પાસે કરાવે છે. કામ કરવાં જોઈએ ઘરનાં.’
મમ્મીની રેકૉર્ડ ચાલુ થઈ એવું ધારીને ઢબ્બુએ ટીવીનું વૉલ્યુમ વધારી દીધું.
સટાક...
હવામાં લહેરાતું શટલકૉક સીધું સાઇના તરફ ગયું. સાઇનાએ શટલ ફરીથી ઢબ્બુ તરફ મોકલાવ્યું એટલે જૉય સ્ટિકથી ઢબ્બુએ ચેસ્ટ શૉટ મારીને શટલથી સાઇનાને ડિસ્ટર્બ કરી દીધી. સાઇના શૉટ ચૂકી ગઈ અને ઢબ્બુને એક પૉઇન્ટ મળ્યો.
‘યેસ...’
‘લાસ્ટ ટાઇમ કહું છું, તું જાય છે કે નહીં?’
‘ના...’ સાઇના સર્વિસ કરે એ પહેલાં ઢબ્બુએ મમ્મી સામે જોયું, ‘મા, પપ્પાની જેમ હું પણ ક્યારેય મારી વાત બદલતો નથી.’
‘અને સાચી વાત હોય તો એ ચેન્જ કરવામાં પપ્પાને શરમ આવતી પણ નથી.’
સાઇનાનો સાઉન્ડ પપ્પા જેવો?!!
‘ના, સાઇના તો કંઈ બોલી નથી. આ તો પપ્પાનો જ અવાજ...’
ઢબ્બુએ પાછળ ફરીને જોયું.
હા, પપ્પા આવી ગયા હતા.
પપ્પા સામે વધારે જોવામાં સાર નહોતો. પપ્પા મમ્મી સામે જોતા હતા અને મમ્મી હવે ફરિયાદ કરવાની હતી એ નક્કી હતું. એ પણ નક્કી હતું કે મમ્મીની વાત સાંભળીને હવે પપ્પા લેક્ચર આપશે અને લેક્ચરમાં...
‘આહ...’
સાઇનાએ મારેલો ફેસ શૉટ ઢબ્બુની જૉયસ્ટિક ચૂકી ગઈ અને શટલ સીધું મોઢા પર આવ્યું.
ટેન પૉઇન્ટ.
સાઇના આગળ નીકળી ગઈ.
હવે, હવે તો...
હવે તો કંઈ નહીં, પપ્પાએ આવીને ટીવી બંધ કર્યું.
‘કેમ ભાઈ, કામ કરવામાં પ્રૉબ્લેમ થાય છે?’
‘થોડો થોડો...’ ઢબ્બુએ મમ્મીની ફરિયાદ કરી, ‘હું રમતો હોઉં ત્યારે જ મમ્મીને બધું યાદ આવે.’
‘હા, એ પણ છે...’ પપ્પાએ મમ્મી સામે જોયું, ‘ઢબ્બુ કમાવા જતો હોય ત્યારે કહી દેતી હો તો, ખોટો એનો રમવામાં ટાઇમ બગડે.’
‘એમ નહીં, માંડ રમવાનો ટાઇમ મળે.’
ઢબ્બુએ બચાવ કર્યો.
‘માંડ એટલે?’ પપ્પાએ સ્પષ્ટતા કરી, ‘વેકેશન ચાલે છે એટલે આખો દિવસ ઘરે તો હોય છે...’
‘આળસ ભરાઈ ગઈ છે...’ મમ્મીએ પપ્પાને ગુસ્સો અપાવવાની કોશિશ કરી, ‘સાવ લેઝી થઈ ગયો છે...’
‘સાવ નહીં, થોડો...’
ઢબ્બુએ જવાબ તો મમ્મીને આપ્યો, પણ જવાબને ગંભીરતાથી પપ્પાએ લીધો.
‘આળસ તો થોડી પણ ખરાબ... બહુ હેરાન કરે.’ ઢબ્બુનો હાથ ખેંચીને પપ્પાએ તેને પાસે ખેંચ્યો, ‘આળસ તો જરા પણ ન હોવી જોઈએ. સાંભળ. એક સ્ટોરી કહું.’
‘આળસની?’
‘હા, આળસ કેવી ખરાબ હોય છે એની...’ પપ્પાએ ઊંડો શ્વાસ લીધો, ‘એક ગામ હતું. આપણું ગામ છેને એવું જ. ગામમાં એક બ્રાહ્મણ રહે. એકદમ સુખી બ્રાહ્મણ. તે, તેની વાઇફ અને તેનાં બે બચ્ચાં. બ્રાહ્મણને રાજાએ જમીન આપી હતી, એ જમીનમાં મસ્ત ક્રૉપ આવે. સરસ બધું ઊગે અને એની જે ઇન્કમ થાય એ ઇન્કમથી તેનું ઘર ચાલે. બ્રાહ્મણ આખો દિવસ આરામ કરે. તેનાં બધાં કામ તેની વાઇફ કરે.’
‘મમ્મીની જેમ?’
‘હા, તારાં બધાં કામ જેમ મમ્મી કરે છે એમ...’
lll
બ્રાહ્મણનું નામ રતિ, રતિ પુરોહિત. કામની સાથે જબરી દુશ્મની. ખાવું-પીવું અને સૂવું. બસ, આ ત્રણ જ કામ માટે જન્મ લીધો હોય એવું તેનું જીવન. સવારે તે શાંતિથી જાગે. ફ્રેશ થઈ ભરપેટ નાસ્તો કરે અને પછી ફરીથી સૂઈ જાય. બપોરે ૧૨ વાગ્યે જાગવાનું, થોડી વાર વાતો કરવાની, પછી જમવાનું અને પછી શરૂ કરી દેવાની વામકુક્ષિ.
lll
‘વામકુક્ષિ એટલે?’
ઢબ્બુના સવાલનો પપ્પાએ જવાબ આપ્યો,
‘પાવર-નૅપ...’
‘પણ એ તો સારી કહેવાયને?’
‘હા, પણ વધારે હોય તો ખરાબ કહેવાયને.’ પપ્પાએ ઢબ્બુના ગાલ ખેંચ્યા, ‘જો ૧૦ મિનિટ માટે સૂઓ તો સારી વાત, પણ ૧૦ મિનિટને બદલે ૪ કલાક સૂઈ જાઓ તો એ ખરાબ. એને પાવર-નૅપ નહીં, પાવર-ડિસ્ચાર્જડ નૅપ કહેવાય...’
‘હં... પછી...’
lll
કામ કરવું તો રતિલાલને જરા પણ ગમે નહીં. કૂટી-કૂટીને તેનામાં આળસ ભરી હતી. આખો દિવસ બસ સૂતા જ રહેવાનું. વાઇફ બિચારી તેને કામનું કહ્યા જ કરે, કહ્યા જ કરે, પણ રતિલાલ માને જ નહીં. રતિલાલ પાસે જવાબ પણ તૈયાર હોય,
‘સુખી માણસે કામ ન કરવાનું હોય.’
‘પણ સુખ કાયમ રહે એને માટે તો કામ કરવું જોઈએને.’
‘મેં મારા ગ્રહ જોયા છે, હું જીવીશ ત્યાં સુધી સુખ અકબંધ રહેવાનું છે...’
‘પણ હેલ્થ? એને માટે તો કામ કરવું જોઈએને. હાથપગને ચલાવો તો હાથપગ તમને ચલાવે...’
‘એ બધી જૂની વાતો છે. સૂવા દે મને...’
રતિલાલ છણકો કરીને સૂઈ જાય અને આખી રાત બિચારી વાઇફ રતિલાલના વિચારમાં પડખાં ઘસ્યા કરે. તેણે બહુ વિચાર કર્યા, રસ્તા વાપર્યા, પણ રતિલાલમાં કોઈ સુધારો થાય જ નહીં, પણ કહે છેને કે જેને પોતાના ન સુધારી શકે તેને પારકા સુધારી જાય. બન્યું પણ એવું જ રતિલાલની લાઇફમાં.
એક દિવસ રતિલાલના ઘરે એક સાધુમહારાજ આવ્યા. મહારાજના લક સારાં કે એ સમયે રતિલાલ જાગતો હતો. રતિલાલે મહારાજને આવકાર્યા.
‘ભૂખ લગી હૈ બચ્ચા...’
‘મહારાજ, જમવાનું તૈયાર જ છે. આવો સાથે બેસી જઈએ...’
રતિલાલે વાઇફને પાડી રાડ અને કહ્યું કે બે થાળી કાઢ, આજે મહારાજ પણ સાથે જમશે. મહારાજ પણ બેસી ગયા અને વાઇફ પતિ અને સાધુમહારાજ એમ બન્નેને ફટાફટ ગરમાગરમ રોટલી જમાડતી જાય. મહારાજ તો જાણે વર્ષોના ભૂખ્યા હોય એમ તૂટી જ પડ્યા. એક નહીં, બે પેટ ભરીને જમ્યા અને જમીને હાશકારાનો ડકાર લીધો, મોટેથી.
ઓહઈયાઆઆઆ...
‘મહારાજ, બીજી કોઈ સેવા...’
‘ના, ભૂદેવ. બસ, મજા આવી ગઈ. હવે તું કહે, મારે લાયક સેવા...’ બ્રાહ્મણ હાથ જોડીને ના પાડવા જતો હતો ત્યાં તો મહારાજે તેને રોક્યો અને કહ્યું, ‘તારી પત્નીથી પણ હું ખુશ છું. તેને પણ બોલાવી લે અને તમે બન્ને સાથે મળીને કંઈ માગવું હોય તો માગો.’
તેણે વાઇફને બોલાવી અને મહારાજ પાસે શું માગવું એના વિચારમાં પડ્યો રતિલાલ. ભગવાને આપેલું બધું હતું રતિલાલ પાસે એટલે તે બિચારાને સૂઝે નહીં, પણ અચાનક વાઇફ દબાયેલા અવાજે બોલી ઃ ‘કામ કરવાની તાકાત માગો...’
આઇડિયા.
રતિલાલે મહારાજ પાસે માગ્યું,
‘મહારાજ, મને એવો એક નોકર આપો, જે મારાં બધાં કામ કરે અને મારે એક પણ કામ કરવું ન પડે.’
રતિલાલની વાઇફ બોલી પડી,
‘ના, મહારાજ...’
‘કન્યા, માગી લીધું તારા પતિએ. હવે કંઈ ન થાય...’ મહારાજે રતિલાલ સામે જોઈને કહી દીધું, ‘તથાસ્તુ... તારી ઇચ્છા પૂરી થશે, પણ ભૂદેવ, ભુલાય નહીં. એ માણસ કામ કરવા આવ્યો છે. તેને કામમાં રાખવો એ તારો ધર્મ છે. જો તું એ ચૂકીશ તો તે તને ખાઈ જશે...’
‘એવું નહીં બને મહારાજ, કામનો તો આપણી પાસે ઢગલો છે.’
મહારાજ ગાયબ અને પેલો માણસ આવી ગયો હવામાંથી.
lll
‘એટલે જીન આવ્યો?’
‘યેસ... કામ કરે એવો જીન. બ્લુ કલરની સ્કિનવાળો અને દાઢીમાં ચોટલી બાંધી હોય એવો જીન...’
‘પછી...’
ઢબ્બુને પપ્પાની વાર્તામાં બરાબર રસ પડ્યો હતો.
lll
‘માલિક કામ આપો મને...’
રતિલાલે નોકર જીનને આખું ઘર સાફ કરીને ઝાડુ-પોતાં કરવાનું કામ સોંપી પથારી પર લંબાવી દીધું.
૧૦ મિનિટમાં જીને આવીને તેને જગાડ્યો.
‘કામ થઈ ગયું, માલિક કામ...’
રતિલાલે તેને ખેતરે પાણી પિવડાવવા મોકલી દીધો.
અડધા કલાકમાં જીન પાછો આવ્યો. આવીને કહે, ‘કામ થઈ ગયું માલિક, બીજું કામ આપો.’
‘અરે, નથી હવે કામ બીજું, બેસ તું થોડી વાર...’
‘ના માલિક, મને બેસાડશો તો હું તમને ખાઈ જઈશ.’
રતિલાલ ગભરાઈ ગયો.
તેણે આજુબાજુ જોઈને ઘઉં સાફ કરવાનો ઑર્ડર કરી દીધો. જીન કામે લાગ્યો એટલે રતિલાલ ખુશ થઈને ફરી પાછા લાંબા થઈને સૂઈ ગયા, પણ આ તો જીન, અડધા કલાકમાં તેણે ફરી રતિલાલને જગાડ્યા.
‘માલિક, ઘઉં થઈ ગયા. કામ આપો મને. નહીં તો હું તમને ખાઈ જઈશ...’
રતિલાલ તો તોબા પોકારી ગયા પેલા જીનથી. જેમતેમ બિચારાએ રાત પાડી અને પેલાને કામ ચીંધ્યા કર્યું, પણ જેવી રાત પડી કે રતિલાલને ઊંઘ આવવાની શરૂ થઈ.
‘માલિક, કામ આપો. બધી ગાયોને નવડાવી દીધી.’
‘હવે રાત છે, સૂઈ જા તું...’
‘ના માલિક, મને બેસાડશો કે સુવડાવશો તો હું તમને ખાઈ જઈશ...’
રતિલાલ રડવા જેવો થઈ ગયો. હવે આને કામ શું આપવું? કામ તો બધાં પૂરાં થઈ ગયાં હતાં અને હવે તો કોઈ કામ રતિલાલને યાદ પણ નહોતું આવતું.
‘માલિક, જલદી... કામ કાં શ્વાસ? જલદી કરો... કામ આપો નહીં તો હું તમને ખાઈ જાઉં...’
જીન તો બરાબરનો ખુશ થઈ ગયો હતો, તેને સમજાઈ ગયું હતું કે હવે રતિલાલ પાસે કોઈ કામ નથી. હવે તેને જમવા મળવાનું હતું. માંસલ દેહનો બ્રાહ્મણ હવે તે ખાઈ જવાનો હતો. રતિલાલે તેને હાથ જોડ્યા,
‘મારી પાસે કોઈ કામ નથી. મને માફ કરી દો જીનભાઈ...’
‘નહીં, કામ કાં જીવ? નક્કી કરો...’
રડતા રતિલાલે વાઇફની સામે જોયું. વાઇફે ઇશારો કર્યો કે તેને કહો કે કામ હું આપીશ તેને. રતિલાલે જીનને કહી દીધું એટલે જીન ફર્યો વાઇફ તરફ અને તેને પણ એ જ કહ્યું જે તેણે બ્રાહ્મણને કહ્યું હતું, ‘કામ આપો, નહીં તો જીવ આપો.’
‘જીવ શાનો આપું, કામ છેને મારી પાસે.’ વાઇફ ઊભી થઈને ફળિયામાં આવી, ‘જો જીન, આ અમારો કૂતરો છે, એનું નામ ટૉમી છે. એની પૂંછડી તારે સીધી કરવાની છે. સીધી ન થાય ત્યાં સુધી તું અંદર ન આવતો.’
‘જો હુકુમ મેરે આકા...’
જીન તો ગયો બહાર, ટૉમીની પૂંછડી સીધી કરવા.
lll
‘પણ ડૉગની ટેઇલ તો ક્યારેય સીધી ન થાય...’
ઢબ્બુએ પપ્પાને કહ્યું એટલે પપ્પાએ ઢબ્બુનો ગાલ ખેંચીને કહ્યું, ‘જીનમાં તારા જેવી બુદ્ધિ નહોતી. તે તો બિચારો આખી રાત ટૉમીની ટેઇલ સીધી કરવામાં લાગેલો રહ્યો, પણ પૂંછડી સીધી થઈ નહીં અને રતિલાલે શાંતિથી ઊંઘ લઈ લીધી. સવારે રતિલાલ જાગ્યો એટલે વાઇફે તેની પાસે આવીને કહ્યું, ‘આપણાં કામ આપણે જાતે ન કરીએ તો આવી રીતે હેરાન થવાનો વારો આવે. માણસે પોતાનાં કામ જાતે કરવાં જોઈએ. જો કામ કરે તો જ માણસને નવું-નવું શીખવા મળે અને તેનામાં સમજણ પણ આવે. આળસ બહુ ખરાબ કહેવાય. આળસ કરો તો ક્યારેક આવી રીતે તમારી સામે લાઇફની મોટી થ્રેટ પણ આવી જાય. બેટર છે, આળસ ક્યારેય કરવી નહીં.’
ઢબ્બુ સોફા પરથી ઊભો થયો.
‘સાચી વાત છે...’
‘પણ તને ક્યાં સાચી વાત સમજાય છે. તું ક્યાં કામ કરે છે?’
‘એ તો પાંચ મિનિટ... હવે તો છુંને રેડી, શૉપ પર જવા.’
ઢબ્બુ દોડતો ડોર પાસે ગયો અને ત્યાંથી જ તેણે રાડ પાડી,
‘ખાંડ જ લેવાનીને મમ્મી?’
મમ્મીએ હા પાડી એટલે ઢબ્બુએ પપ્પા સામે જોયું,
‘ખાંડ લઈને આવું એટલે બીજી સ્ટોરી... પ્રૉમિસ?’
પપ્પાના સ્માઇલવાળા ફેસ પર પ્રૉમિસ વંચાતું હતું.
સંપૂર્ણ