મકરસંક્રાંતિ પર્વ આવવાને હવે ફક્ત ૧૩ દિવસ બાકી રહી ગયા છે ત્યારે જઈએ જ્યાં સૂર્યનો સંક્રાંતિ ઉત્સવ ઊજવાય છે એ મોઢેરા સૂર્યમંદિરમાં
ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ અરુણદેવાય નમઃ
સૂર્ય વગર ધરતી ઉપર જીવનની કલ્પના નથી કરી શકાતી. સૌર મંડળના આ પ્રમુખ ગ્રહની આજુબાજુ પૃથ્વી અને અન્ય ગ્રહોએ ભ્રમણ કરવું પડે, એવો શક્તિશાળી છે એ. ઊર્જાના આ પાવરફુલ ભંડારની દેનથી જ અર્થ નામના આ પ્લેનેટ પર સૃષ્ટિનો વિકાસ થયો છે. મારા, તમારા, આ પર્યાવરણના અસ્તિત્વ હોવા પાછળ મિસ્ટર રવિ ઍન્ડ ઓન્લી મિસ્ટર રવિની જ મહેરબાની છે. એટલે જ આપણા પ્રથમ નમન હિરણ્યગર્ભદેવને. સનાતન ધર્મમાં સૂર્યદેવનું પૂજન, અર્ચન, નમસ્કારની પરંપરા રહી છે છતાં ફક્ત સૂર્યદેવનાં મંદિરો આપણે ત્યાં જૂજ છે. હા, ભારતના પૂર્વીય રાજ્ય ઓડિશાના કોણાર્કમાં આવેલું સન ટેમ્પલ વિશ્વવિખ્યાત છે અને છેલ્લાં થોડાં વર્ષોથી મોઢેરાનું સૂર્યમંદિર પણ વર્લ્ડ ટ્રાવેલર્સમાં ખ્યાતનામ બન્યું છે. જોકે આ બે ઉપરાંત ભારતમાં અન્ય બે સૂર્યમંદિરો પણ હતાં. પહેલું કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં કપિલમુનિએ ૮મી સદીમાં નિર્મિત કરાવેલું માર્તંડ મંદિર અને બીજું હાલ પાકિસ્તાનના મુલતાનમાં આવેલું ભાનુદેવનું ટેમ્પલ. કાળની થપાટો કે પછી વિદેશી આક્રમણો અને ઘણે અંશે આપણી ઉદાસીનતાના અન્વયે આજે તો એ બે મંદિરોના અવશેષ માત્ર બચ્યા છે. જોકે મોઢેરા ઉપર પણ ક્રૂર મુઘલ શાસક અલાઉદ્દીન ખીલજીએ આક્રમણ કર્યું હતું. તેને ધ્વસ્ત કર્યું હતું અને ઘણી ક્ષતિ પણ પહોંચાડી હતી, પણ રાજા ભીમદેવ ફરી સત્તા પર આવતાં એના ક્ષતિગ્રસ્ત ભાગનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. થૅન્ક ગૉડ, કે હવે છેલ્લા દશકાઓથી સરકારના આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટે અને પ્રવાસન વિભાગે આળસ ખંખેરી ભારતના આ અમૂલ્ય ઘરેણાને સાચવ્યું છે, સંવાર્યું છે...
ઇન્ક્રેડિબલ કહી શકાય એવું આ મંદિર સોલંકી વંશના રાજા ભીમ પ્રથમે વિક્રમ સંવત ૧૦૮૩ની આસપાસ બંધાવ્યું. જોકે એ પહેલાં પૌરાણિક કાળમાં રામ ભગવાને રાવણને માર્યો એ બ્રહ્મહત્યાના પાપની મુક્તિ માટે અહીં યજ્ઞ કર્યો હતો અને મોઢેરાકની સ્થાપના કરી હતી એવું કહેવાય છે. કાળક્રમે અહીં ચાલુક્ય રાજાઓની સત્તા આવી અને ૧૨૦૦ વર્ષ પૂર્વે સૂર્યવંશી કિંગ ભીમ પ્રથમે પોતાના કુળદેવને સર્મપિત સન ટેમ્પલનું નિર્માણ કરાવ્યું. મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીનો આ માસ્ટર પીસ કુલ ત્રણ સેક્શનમાં બન્યો છે. પહેલો સૂર્યકુંડ જેને રામકુંડ નામક પગથિયાંવાળું પાણીનું સરોવર. બીજો નૃત્યમંડપ અને ત્રીજો ભાગ ગર્ભગૃહ, જ્યાં સૂર્યદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત છે.
ADVERTISEMENT
આપણે આ અતુલ્ય સ્થાપત્યમાં પ્રવેશ કરીએ કુંડથી. પહેલાંના સમયમાં મંદિરમાં પ્રવેશ કરતાં પૂર્વે ભક્તો, ઋષિઓ અહીં સ્નાન કરી પવિત્ર થતા. કહેવાય છે કે રાજા ભીમે કુંડના નિર્માણ બાદ ભારતની પ્રમુખ નદીઓ અને ૭ સમુદ્રનું પાણી અહીં નખાવ્યું હતું, જેથી ભાવિકોને પવિત્ર જળથી સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય. આજે તો અહીં સ્નાનની અનુમતિ નથી, પરંતુ તમે તે પાણીનું આચમન ચોક્કસ લઈ શકો છો. કુંડની અન્ય ખાસિયતની વાત કરીએ તો ૨૧ હજાર સ્ક્વેર ફીટમાં વિસ્તરેલા આ લંબચોરસ આકારના કુંડનું આર્કિટેક્ચર અદ્ભુત છે. અહીં અનેક દેવ-દેવીઓને સમર્પિત ૧૦૮ દેરીઓ છે, જે ૧૨ રાશિઓ અને ૯ ગ્રહને સર્મપિત છે. દાદરાની રચના એવી ભૌમિતિક છે કે તમને નીચે પહોંચતાં દરેક દેરીનાં દર્શન થાય છે. આ કુંડનો ટૉપ વ્યુ તો અદ્વિતીય છે જ, પણ અહીંની પૉઝિટિવ વાઇબ્સ મુલાકાતીઓના હૃદય અને મનને ભીનાં-ભીનાં કરી દે એવી કૂણી છે.
કુંડથી આગળ વધી આપણે બીજા સેક્શનમાં પ્રવેશ કરીએ. નૃત્યમંડપ કે સભામંડપમાં. બાવન અલંકૃત સ્તંભોથી સુશોભિત આ રંગમંડપમાં એક સમયે ચોક્કસ સૂર્યદેવની ભક્તિભાવના થતી હશે. મહાભારત, રામાયણ, કૃષ્ણલીલાની જાણીતી દંતકથાઓને પથ્થરમાં કોતરીને કારીગરોએ મૅગ્નિફિશન્ટ કાર્ય કર્યું છે. અશોકવાટિકામાં રામની રાહ જોતાં બેઠાં સીતામા, અર્જુન અને દ્રૌપદીનો સ્વયંવર, કૃષ્ણે ગોવર્ધનવાસીઓને જળપ્રપાતથી બચાવવા પોતાની ટચલી આંગળીએથી ઊંચકી લીધેલો ગોવર્ધન પર્વત, મૂર્છિત લક્ષ્મણને પોતાના ખોળામાં સુવાડતાં રામ, ભીમ-દુર્યોધનનું ગદાયુદ્ધ. ઓહ! દરેક સ્તંભમાં આવી ૨૫-૩૦ નાની-મોટી કથાઓ છે. ઉપરથી ગોળ અને નીચેથી અષ્ટકોણ દેખાતા આ સ્તંભોને જોડતાં તોરણો, મંડપની છત ઉપરની કાર્વિગ જોતાં મનમાં એક જ પ્રશ્ન ઊઠે કે લિમિટેડ રિસોર્સીસમાં કોઈ મશીન વગર. એ કારીગરોએ પથ્થરને જીવંત બનાવતા આવા કાવ્યાત્મક પિલરોં કઈ રીતે ઘડ્યા હશે? ભૂમિતિના કયા નિયમોથી આ આર્કિટેક્ચરલ પ્લાન બન્યા હશે? જોકે આ પ્રશ્ન સાથે મારા જેવાને એ સવાલ પણ ઊઠે છે કે આપણને ઇતિહાસમાં આગરાનો તાજમહલ, લાલ કિલ્લાનાં સ્થાપત્યો વિશે ભણાવ્યું તો તેનાથીયે પ્રાચીન આ શિલ્પકલા વિશે કેમ કંઈ જ્ઞાન ન અપાયું?
ખેર, આ સવાલ મનમાં રમતો રાખીને જ્યારે આપણે દેવાલયના ગર્ભગૃહમાં પ્રવેશીએ છીએ ત્યારે ૩૬૪ હાથી અને ૧ સિંહ આપનું સ્વાગત કરે છે. ૩૬૪ હાથી એ વર્ષના દિવસોના પ્રતીકરૂપે અહીં દર્શાવાયા છે. હિન્દુ ધર્મમાં ચાર નહીં, દસ દિશાઓ ગણાય છે, વેદિક પરંપરા અનુસાર આ દસે દિશાઓના દેવ ભિન્ન છે, જે સ્ક્લ્પચરના માધ્યમે ગર્ભગૃહમાં કંડારાયા છે, જેમાં ઉત્તર દિશામાં સૂર્યદેવ સાત ઘોડાના રથ ઉપર સવાર છે. હવે એની સ્પેશ્યલિટી એવી છે કે દર ૨૧ જૂન એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ પરના સૌથી લૉન્ગેસ્ટ ડેએ સૂર્યનું પહેલું કિરણ આ સૂર્યદેવની મૂર્તિ પર ડાયરેક્ટ પડે છે. કહે છે કે પૂર્વે આ સૂર્યદેવના મસ્તક ઉપર એક વિશાળ મણિજડિત મુગટ પહેરાવાતો. સૂર્યનું પહેલું કિરણ આ મણિ પર પડતું અને આખું ગર્ભગૃહ ઝળાંહળાં જઈ જતું. ઓહ, વૉટ અ મૅજિક મૅન! આજે આપણે વૈજ્ઞાનિક સાધનો દ્વારા પૃથ્વીના કયા અંક્ષાશ, રેખાંશ પર છીએ તે સહેલાઈથી જાણી શકીએ છીએ, એની મદદથી સૂર્યનું ભ્રમણ, ગતિ વગેરેનો ખ્યાલ મળે છે. પણ, ૧૨૦૦ વર્ષ પહેલાં માણસો પાસે શું સાધનો હશે? તેઓના આ જ્ઞાન, આપણી વિરાસત, આપણી સંસ્કૃતિને હજારો તોપોની સલામી...
વેલ, પુષ્પાવતી નદીના કાંઠે બિરાજમાન આ મંદિર ખંડિત હોવાથી આજે તો અહીં સૂર્યપૂજા કે કોઈ દેવપૂજા નથી થતી, પણ આ બેનમૂન પરિસરમાંથી બહાર નીકળ્યા પહેલાં તમે મોઢેરા સન ટેમ્પલના ભક્ત થઈ જાઓ છો.
માઇન્ડ ઇટ
- માનનીય વાચકો, હવે સ્વચ્છ ભારત અભિયાનના વૉલન્ટિયર્સ છે. એટલે જ્યાંત્યાં કચરો નાખશે પણ નહીં એ જ રીતે નાખવા દેશે પણ નહીં, અને એમાંય આ તો મંદિર છે વહાલાં!
- આ મંદિરના નિર્માણકર્તા રાજાએ પણ ક્યાંય પોતાનું કે પોતાના પ્રિયપાત્રનું નામ પથ્થરમાં કોતરાવ્યું નથી. આથી તમે પણ એવું નહીં જ કરો ખરુંને?
સમ યુઝફુલ પૉઇન્ટ્સ
- ૨૦૧૪માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસ તરીકે જાહેર કરેલું મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતની કર્ણાવતી નગરીથી ફક્ત ૯૫ કિલોમીટર, મહેસાણાથી ૨૫ કિલોમીટર અને રાણકીવાવના શહેર પાટણથી ૩૫ કિલોમીટરના અંતરે છે.
- અર્વાચીન સમયમાં સોલર પાવરનું હબ ગણાતા મૉડર્ન ટાઉન મોઢેરામાં એકાદ હોટેલ, બે-ચાર ઍવરેજ ગેસ્ટહાઉસ છે, પણ અહીંથી ૩૦-૪૦ કિલોમીટરની પેરિફરીમાં રિસોર્ટ સહિત, અનેક હોટેલ્સ, ધર્મશાળાઓ વગેરે છે.
- જમવા માટે મોઢેરા ગામમાં ગુજરાતી જમણ પીરસતી નાની-મોટી રેસ્ટોરાં છે તો મંદિરના પરિસરની બહાર લારીઓ, ટપરીઓ ઉપર પણ કંઈનું કંઈ ખાવાનું મળી રહે છે.
- સૂર્યમંદિરની આજુ-બાજુ સરસ મજાનો ગાર્ડન બનાવાયેલો છે, જ્યાં સૅનિટેશનની પણ સગવડ છે અને તાજેતરમાં જ ત્યાં ઉપાહારગૃહનું ઓપનિંગ થયું છે.
- મંદિરનો ટાઇમિંગ છે સવારના ૭થી સાંજે ૬. બે મહિના પૂર્વે જ અહીં પ્રાઇમ મિનિસ્ટરસાહેબે ૩ડી શોનું ઇનોગ્યુરેશન કર્યું છે, જેમાં મંદિરનો ઇતિહાસ, ખાસિયતો વગેરેનો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો છે.
- પ્રવેશ ફી આપીને તમે મંદિરના કૅમ્પસમાં ચાહો એટલા કલાક ગાળી શકો છો. ફોટોગ્રાફી, ફિલ્મોગ્રાફી અલાઉડ છે.
- આ મોટા મંદિરમાં કાયમ ક્યાંક ને ક્યાંક રિસ્ટોરેશનનું કામકાજ ચાલતું રહે છે. એ વિસ્તાર છોડીને આખાય વિસ્તારમાં ફરી શકાય છે.
- મોઢેરામાં જ મોઢેશ્વરી માતાનું મંદિર તેમ જ જૈન દેરાસર, હવામહેલ પણ દર્શનીય સ્થળો છે, જે સમય કાઢી જોઈ શકાય.


