આ રાઝ છે ૮૫ વર્ષના માધવજીભાઈ ઘેરવાળાની તંદુરસ્તીનો. મીરા રોડમાં રહેતા પંચ્યાસી વર્ષના માધવભાઈ ઘેરવાળા આ ઉંમરે પણ પગ વાળીને બેસતા નથી. ચાર-પાંચ કિલોમીટર તો રોજનું ચાલવાનું થાય અને દાદરાની ચડઊતર તો સડસડાટ કરી લે.

માધવભાઈ ઘેરવાળા
માધવજીભાઈ રામજીભાઈ ઘેરવાળાને નખમાંય રોગ નથી. આંખો તો એટલી તેજ છે કે પંચ્યાસી વર્ષની ઉંમરે આજે પણ વગર ચશ્માંએ સોયમાં દોરો પરોવી લે છે. આજે પણ સીવણના સંચા પર કામ કરવું તેમના માટે ટૉનિક છે
આધેડ વયના લોકોને જ્યાં લિફ્ટ વગરના બિલ્ડિંગમાં જવાનું પણ ટાસ્ક લાગે છે ત્યાં આ ૮૫ વર્ષના માધવજીભાઈ દિવસના પાંચ વખત સડસડાટ દાદરા ચડઊતર કરી લે છે. પગ વાળીને બેસવાનું તેમને ગમતું જ નથી. આજે પણ એટલા જ ઍક્ટિવ જાણે કે હજી નિવૃત્તિ આવી જ નથી. તેમને સતત ભાગતા-દોડતા જોઈને જો તમે પૂછી લો કે દાદા તમારી આ ફિટનેસનું રહસ્ય શું છે? તો હસીને કહેશે ‘ઢેર સારી ઍક્ટિવિટી ઔર થોડા સા નીબુપાની!’
મીરા રોડ સેક્ટર-બેમાં રહેતાં માધવજીભાઈ રામજીભાઈ ઘેરવાળા એમની પંચ્યાસી વર્ષની ઉંમરે આજે પણ વગર ચશ્માંએ સોયમાં દોરો પરોવી લે છે. જે ઉંમરમાં લોકો રિટાયર થઈને આરામ કરવાનું પસંદ કરે અને અનેક શારીરિક તકલીફોની ફરિયાદોનાં ગાણાં ગાય એવી ઉંમરમાં માધવજીભાઈની સ્ફૂર્તિ દંગ પમાડે એવી છે. તેમને ગમતી સીવણકામની પ્રવૃત્તિ આજે પણ તેમણે ચાલુ રાખી છે. સીવણનો સંચો ક્યારેય બંધ નથી પડવા દેતા. લોકો જ્યાં યુવાનીની સ્ફૂર્તિમાં બે ડગલાં ચાલતાં હાંફી જાય છે ત્યારે માધવજીભાઈ દિવસમાં પાંચથી છ વખત પોતાના ઘરના લિફ્ટ વગરના બિલ્ડિંગમાં ત્રણ માળ સડસડાટ ચડીઊતરી શકે છે એટલું જ નહીં, ઘરેથી ચાલતા આ બાપદાદાના દરજીકામ માટે ઘરાકોના ઘરે પગપાળા જઈને કપડાં લાવે છે અને કામ પૂરું કરી પાછા ત્યાં જાતે જઈને પહોંચાડી દે છે. માધવજીભાઈને પંચ્યાસી વર્ષે પણ આવા સ્વસ્થ અને સ્ફૂર્તિલા છો તો એ માટે કયા યોગ-કસરતો કરો છો એવું પૂછતાં દાદા કહે છે, ‘ના, બિલકુલ નહીં. કસરત-બસરત તો હું કરતો જ નથી. હા, ચાલું છું બહુ. દિવસમાં ત્રણ-ચાર વાર દાદરની ચડઊતર થાય અને કામ સબબ ચાર-પાંચ કિલોમીટર જેવું રોજનું ચાલવાનું થાય. ક્યારેક વધારે પણ થતું હશે. કામ કરવામાં મને સારું લાગે છે. પ્રવૃત્તિ હોય તો જરાક મજા આવે છે. હું ૧૪ વર્ષનો હતો ત્યારથી કામ કરું છું. ગાજના કામથી શરૂ કરેલું. હજી પણ કરતો રહું છું. છોકરાં ના પાડે છે પણ કામવગા રહીએ તો દવાઓ લેવાનો વારો ન આવે. મારે આ ઉંમરે પણ કોઈ દવાની જરૂર નથી પડતી. કાંઈ થાય જ નહીં તો દવા શેની લેવાની? મારો એક જ નિયમ છે કે ક્યારેય આખું પેટ ભરીને ન ખાવું. થોડું પેટ બાકી રહે એમ જ ખાવું. એનાથી શરીર સુસ્ત ન રહે. પછી ભૂખ લાગે તો મોડેથી થોડો નાસ્તો કરી લેવો, પણ ત્રણની ચાર રોટલી તો ક્યારેય નહીં કરવાની. પાંઉ નહીં ખાવાના. મેં જોયું છે લગ્નપ્રસંગમાં તો લોકો ઠૂસી-ઠૂસીને ખાય છે. મીઠાઈ પર તો તૂટી પડે. શું કામ ભાઈ? જેટલું જોઈએ એટલું ખાઓને? સારું જમણ છે કે મીઠાઈ છે એ એટલે મંડી નહીં પડવાનું. ખાસ કરીને વધુ મીઠું તો પ્રમાદ વધારે. અતિ તો બધું જ ખરાબ. મારે હવે દાંત નથી રહ્યા. એક દાંત છે, અડધો કહી શકો કદાચ. એનાથી ભક્તિ ચાલે છે. આ ઉપરાંત હું દિવસમાં બે ચાર વખત લીંબુપાણી પીઉં છું. એનાથી સ્ફૂર્તિ રહે છે.’
સતત વ્યસ્તતા અને પ્રવૃત્તિમય રહેવાની આદતે તેમને હંમેશાં સ્વસ્થ રાખ્યા છે. વ્યસન કરો છો કાકા? એવા સવાલના જવાબમાં કાકા કહે છે, ‘સીવતી વખતે એકાદ તમાકુની પડીકીથી મજા આવે છે. આખો દિવસ એ એક પડીકીમાં નીકળી જાય.’
અંતે નવી પેઢીને મેસેજ આપતાં કાકા કહે છે, ‘આજના જમાનામાં તો લોકોના વિચારો,આચરણ, મન બધું જ અલગ-અલગ હોય છે. અમારા અને એમના જીવનમાં બહુ બધા ફેરફારો છે. બસ, એટલું કહી શકું કે જે કરો એ લિમિટમાં કરો, કારણ કે અતિ તો બધું જ નુકસાનકારી છે.’