‘ખરેખર, બંટી જેટલો સ્ટુપિડ મેં જોયો નથી. યાદ છે, પેલા દિવસે મૅથ્સના ટીચરે સિમ્પલ સમ પૂછ્યો તો પણ તેને આવડ્યો નહોતો. એ જે સમ હતોને એ તો હું સિનિયર કેજીમાં સૉલ્વ કરતો.
ઇલસ્ટ્રેશન
‘હા, ઠીક છે. હું આવીશ પણ પેલા ડફોળ બંટીને નહીં બોલાવતો...’
સની સાથેની ફોન પર થતી ઢબ્બુની વાતના છેલ્લા શબ્દો પપ્પાએ સાંભળ્યા.
ADVERTISEMENT
આજે મીટિંગ ઘરની પાસે આવેલી હોટેલ જે. ડબ્લ્યુ. મૅરિયટમાં હતી એટલે ટાઉનથી જુહુ સુધીનો પપ્પાનો ટ્રાવેલ-ટાઇમ બચી ગયો, જેને લીધે ઢબ્બુ અને મમ્મીને સરપ્રાઇઝ આપવા પપ્પા ઘરે જલદી પહોંચ્યા પણ ઢબ્બુના શબ્દોએ પપ્પાને જ સરપ્રાઇઝ આપી.
‘ખરેખર, બંટી જેટલો સ્ટુપિડ મેં જોયો નથી. યાદ છે, પેલા દિવસે મૅથ્સના ટીચરે સિમ્પલ સમ પૂછ્યો તો પણ તેને આવડ્યો નહોતો. એ જે સમ હતોને એ તો હું સિનિયર કેજીમાં સૉલ્વ કરતો. થર્ડમાં આવ્યા પછી આટલું પણ ન આવડે...’ ઢબ્બુએ છણકો કરીને વાત આગળ કન્ટિન્યુ કરી, ‘એટલે જ કહું છું, જો તું એ સ્ટુપિડને બોલાવવાનો હો તો હું ગ્રુપ સ્ટડીમાં નહીં આવું...’
શૂઝ કાઢી પપ્પા કિચનમાં મમ્મી પાસે ગયા, પણ ઢબ્બુકુમાર તો હજી પણ બાલ્કનીમાં ઊભા રહીને કૉર્ડલેસ પર વાતો કરવામાં એટલા વ્યસ્ત હતા કે તેનું બહારની તરફ ધ્યાન જ નહોતું.
મમ્મી-પપ્પાએ વગર બોલ્યે પોતાના નંગના આ નવા રૂપ વિશે આંખોથી વાત કરી લીધી અને એ વાતોમાં જ પપ્પાને ઢબ્બુ માટે આજની વાર્તા પણ મળી ગઈ.
lll
‘સુપર સ્માર્ટ સુપરમૅન કોની વાત કરતો હતો?’
રાબેતા મુજબ પપ્પાનો સવાલ આવ્યો અને ઢબ્બુએ મોં મચકોડ્યું.
‘એક નંબરનો ઢબ્બુનો ઢ...’
બોલાઈ તો ગયું પણ પછી તરત ઢબ્બુને યાદ આવી ગયું, આ તો પોતાનું જ નામ છે.
પપ્પા અને મમ્મી બન્નેના ચહેરા પર સ્માઇલ આવી ગયું એટલે ઢબ્બુ સહેજ ઝંખવાયો.
‘પપ્પા, બોલો સિમ્પલ એવા મૅથ્સના સમ્સ પણ પેલા બંટીને નથી આવડતા. સની કહેતો હતો કે હિસ્ટરી અને લૅન્ગ્વેજમાં બંટી સ્માર્ટ છે, પણ એનાથી શું થાય? આજના ટાઇમમાં તો તમારે સક્સેસફુલ થવું હોય તો મૅથ્સ તો આવડવું જોઈએને?’
‘હંમ...’
પપ્પાના હોંકારામાં પૉઝિટિવીટી નથી એ ઢબ્બુ સમજી ગયો એટલે તેણે તરત પોતાનો બચાવ કર્યો.
‘પહેલાં મને પણ એ સ્માર્ટ લાગતો પણ પછી એ મારી બૅકમાં મારા વિશે, હું ન હોઉં ત્યારે બંટી આવું જ ખરાબ બોલે છે. પેલા દિવસે સનીએ મને કીધુંને કે બંટી કહેતો હતો કે ઢબ્બુ તો સાવ ઢ છે. એને હિસ્ટરીમાં ક્યારે શું થયેલું એ બધું ઊંધુંચત્તું યાદ છે.’
‘અચ્છા...’
આ વાતમાં પણ પપ્પા પોતાના પક્ષમાં નથી એટલું ભાન ઢબ્બુને
પડ્યું હતું.
‘તમે જ કહો, આમા હું ક્યાં રૉન્ગ છું?’ ઢબ્બુએ આખરી દાવ ખેલ્યો.
પપ્પાએ બસ પૉઇન્ટ પકડી લીધો.
‘સ્ટોરીમાં સમજાવું?’
‘બેસ્ટ...’
ઢબ્બુ ઊછળી પડ્યો પણ ત્યાં જ કિચનમાંથી મમ્મીનો અવાજ આવ્યો,
‘પહેલાં જમવાનું છે...’
પપ્પા, ઢબ્બુ અને મમ્મી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં.
lll
‘કાશીના બે બહુ જ મોટા
પંડિત હતા...’
પપ્પાએ વાર્તાની શરૂઆત કરી અને મમ્મી આવે એની રાહ જોવાઈ રહી હતી.
ઢબ્બુએ એક વાર ‘મમ્મી’ના નામની આખું બિલ્ડિંગ સાંભળે એવી જોરથી રાડ પણ પાડી દીધી હતી.
‘કાશી એટલે, એ ક્યાં આવ્યું?’
પ્રશ્નકુમારે પહેલા જ વાક્યમાં સવાલનો મારો શરૂ કરી દીધો. એટલામાં જ મમ્મી પણ આવી ગઈ એટલે ઢબ્બુએ પોતાની પોઝિશન બદલી માથું પપ્પાના ખોળામાં અને પગ મમ્મીના ખોળામાં રહે એ રીતે જાતને ગોઠવી લીધી.
‘કાશી એટલે કે ઉત્તર પ્રદેશનું બનારસ જ્યાં કાશી વિશ્વનાથનું બહુ જ મોટું મંદિર પણ છે અને આપણાં વૈદિક શાસ્ત્રો ભણવા બહુ વર્ષોથી ત્યાં વિદ્યાર્થીઓ જતા અને લાંબો સમય ભણી એ વિદ્યાર્થી પંડિત થઈને પાછા આવતા. જેમ આજે તું સ્કૂલમાં જાય છે એમ પંડિત બનવાની અને શાસ્ત્રીય જ્ઞાન મેળવવાની એ સૌથી મોટી સ્કૂલ ગણાય.’
‘હંમ...’ જાણે ખૂબ બધી ખબર પડી હોય એમ ઢબ્બુએ હોંકારો આપ્યો.
‘કાશીના બે બહુ મોટા પંડિત હતાં.’
‘બન્નેનું ભણવાનું સાથે પત્યું અને બન્ને પોતપોતાના રસ્તે ગયા પણ એક વાર એક નગરમાં ભેગા થઈ ગયા.’
‘હવે એ પંડિત જે નગરમાં ભેગા થયા હતા એ નગર તો ધનવાનોનું નગર હતું અને ત્યાં જ્ઞાનીઓની ખૂબ પૂજા થતી. તેમને ખૂબ દક્ષિણા પણ મળતી અને તેમને સન્માન આપવા માટે રીતસર લોકોની હોડ જામતી.’
કાશીમાં ભણેલા પંડિત આપણે ગામ આવ્યા છે એ વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ એટલે સ્વાભાવિક હતું કે દરેક ધનવાન પંડિતોને આમંત્રણ આપવા માટે તલપાપડ હતા. દરેકને એમ જ હતું કે પંડિત પહેલાં અમારા ઘરમાં પગલાં કરે, પણ અહીં જેવી પંડિતને ખબર પડી કે બીજો કોઈ પંડિત પણ ગામમાં આવ્યો છે એટલે કોઈના ઘરે જતાં પહેલાં બન્ને એકબીજાને મળવા આતુર થયા.
ગામમાં પ્રવેશતાંની સાથે જ બન્ને પંડિતો એકબીજાને મળ્યા ત્યારથી જ તેમની વચ્ચે જાણે કે હોડ જામી હતી કે બન્નેમાંથી શ્રેષ્ઠ કોણ. બન્ને એમ જ માનતા હતા કે સામેવાળાથી તો પોતાને વધુ આવડે. બન્ને એકબીજા માટેનો વિનય-વિવેક ભૂલી ગયા હતા.
ગામના સૌથી મોભી કહેવાય એવા શેઠ પંડિતોને સૌથી પહેલાં મળ્યા અને તેમને પંડિતોની આપસની રાઇવલરીનો ખ્યાલ આવી ગયો.
‘પંડિતજી, હું આપને મારા ઘરે ભોજન માટે નિમંત્રિત કરવા આવ્યો છું.’
બન્નેમાંથી કોને શેઠે આમંત્રણ આપ્યું છે એ ન સમજાતાં એક પંડિતે કહ્યું, ‘જો તમે મારી એકલાની વાત કરતા હો તો હું આવવા તૈયાર છું પણ જો તમે આમને પણ ભેગા બોલાવી રહ્યા હો તો મને તમારે ત્યાં આવવામાં મારું અપમાન લાગશે. મારા જ્ઞાનની હાનિ થતી હોય એવું લાગશે.’
પંડિતની વાત સાંભળીને શેઠને બહુ જ દુઃખ થયું. છતાં આ વાત ગામના બીજા લોકો સુધી ન પહોંચે એટલે તેમણે સ્નેહથી કહ્યું, ‘પંડિતજી, મારે તો આપ બન્નેને સાથે જ આમંત્રિત કરવા છે, કારણ કે મારા ઘરે મારા બે દીકરા છે અને મારી ઇચ્છા છે કે તમે બન્ને જ્ઞાની પંડિત મારા બન્ને દીકરાના માથે સાથે જ હાથ મૂકો.’
હવે બીજા પંડિતનો તાડૂકવાનો
સમય હતો.
‘તમે આ ડફોળ પંડિતને જ્ઞાની કહીને બોલાવો છો. તમારી પોતાની બુદ્ધિ ઘાસ ચરવા ગઈ છે કે શું?’
શેઠની નિરાશા વધી. છતાં તેમણે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે બીજા ગામના લોકોને અભાવ ન થાય એટલે પંડિતો સાથે વાતચીત ચાલુ રાખી. હવે તેમણે બન્ને સાથે એક જોડે વાત કરવાને બદલે અલગ-અલગ ખૂણામાં લઈ જઈને વાત કરી.
ખૂણામાં લઈ જઈ એક જણનાં વખાણ કર્યાં અને બીજા વિશે એ પંડિત શું વિચારે છે એ જાણીને તેમની હામાં હા ભણીને તેમને પોતાના ઘરે આવવા મનાવી લીધા.
બન્ને પંડિત શેઠના ઘરે જવા તૈયાર હતા. સારામાં સારા ભોજન અને દક્ષિણાથી શેઠ જ્ઞાની પંડિતનું સ્વાગત કરશે અને પોતે જ જ્ઞાની છે એટલે બીજાને અપમાનિત થઈને શેઠના ઘરેથી બહાર નીકળવું પડશે એવું વિચારીને બન્ને મનોમન ખુશ પણ થઈ રહ્યા હતા.
ઢબ્બુના ચહેરા પર હવે ગંભીરતા ઉમેરાઈ રહી હતી. પપ્પાની સ્ટોરી પોતાને કઈ રીતે લાગતી-વળગતી હતી એના તાર તો પકડાઈ ગયા હતા પણ હવે સાર સમજવામાં તે પણ ઉતાવળો હતો.
‘પંડિતજી, આપ આ રૂમમાં બિરાજો.’
એક પંડિતના કાનમાં શેઠ બોલ્યા એટલે એક પંડિત તો બહુ જોશમાં ડોલતાં-ડોલતાં મહેલ જેવા એ રૂમમાં પ્રવેશ્યા.
‘ના પંડિતજી, આપ ચિંતા ન કરો. આપને વિઘ્ન ન પડે ભોજનમાં એટલે જ પેલા પંડિતને બીજા રૂમમાં મોકલી દીધા છે.’
શેઠની વાતોમાં હોંકારો ભર્યો. શેઠ મનોમન આ કાશીમાં ભણેલા વિદ્વાન પંડિતોની મૂર્ખતાને કારણે દુખી હતા. એટલે તેમણે તો બન્નેને સત્યનું ભાન કરાવવાનો સંકલ્પ કરી લીધો હતો.
lll
‘શું કર્યું શેઠે?’ પ્રશ્નકુમારના પ્રશ્ન પર મમ્મી અકળાઈ.
પપ્પાએ વાત ચાલુ રાખી.
‘શેઠે તરત જ જુદા-જુદા રૂમમાં બેસેલા પંડિત માટે ભોજનની વ્યવસ્થા કરી. હીરાજડિત આસન હતું. સોનાનો પાટલો આવ્યો અને એના પર સોના, ચાંદી અને મોતી જડેલાં વાસણો મુકાયાં. આ પંડિત તો પોતાના રુઆબને જોઈને મનોમન મલકાઈ રહ્યા હતા.’
lll
મનમાં હતું કે જમવામાં બત્રીસ જાતનાં પકવાન મળશે પણ એને બદલે ઘાસ પીરસવામાં આવ્યું.
‘સોનાની થાળીમાં ઘાસ, શેઠ આ શું મજાક છે? એક જ્ઞાનીનું આવું અપમાન? તમને ભાન પડે છે કે તમે કેટલી મોટી ભૂલ કરી રહ્યા છો?’ પંડિતના ગુસ્સાનો પાર નહોતો.
‘ના પંડિતજી, મેં તો માત્ર આપના માટે થયેલું કાશીના બીજા પંડિતે કરેલું વર્ણન જ અનુસર્યું છે. મને કહેવામાં આવ્યું કે તમે ભેંસ જેવા છો, અમારે ત્યાં ભેંસ ઘાસ જ ખાય છે.’
શેઠના આ શબ્દો સાંભળીને એ પંડિત અવાચક રહી ગયા.
બીજી બાજુ, બીજા રૂમમાં બેસેલા પંડિતને સોનાની થાળીમાં ભૂસું પીરસવામાં આવ્યું. એ પંડિત પણ તાડૂક્યા એટલે શેઠે નમ્રતા સાથે કહ્યું, ‘પણ બાપજી, તમે બળદ જેવા છો એવું મને જ્ઞાની પંડિતે કહ્યું અને અમે બળદને ભૂસું જ ખવડાવીએ છીએ. પણ હા, તમારું આ ભૂસું અમે સોનાની તપેલીમાં ગરમ કરેલું છે.’
શેઠની આ વાત સાંભળીને બન્ને જ પંડિતો ભોંઠા પડી ગયા. તેમને સમજાઈ ગયું કે જે જ્ઞાન કોઈનો આદર કરતાં ન શીખવે કે જે જ્ઞાન સામી વ્યક્તિનું અપમાન કરાવવા મજબૂર કરે એ જ્ઞાન હોય જ નહીં.
lll
જ્ઞાનના અહંકારમાં પોતે બહુ જ મોટી ભૂલ કરી બેઠા છે એ વાત બન્ને પંડિતોને સમજાઈ ગઈ અને...’
‘અને, મને તમારી વાત.’ ઢબ્બુ વચ્ચે જ બોલી ગયો.
‘મને આ સ્ટારીનું મૉરલ ખબર પડી ગઈ. આપણે ઇન્ટેલિજન્ટ હોઈએ એનો અર્થ એવો નહીં કરવાનો કે બીજો ઠોઠ છે. મારે બંટીનો રિસ્પેક્ટ કરવાનો હોય.’
‘વેરી ગુડ...’
હજી તો પપ્પા ઢબ્બુને હગ કરે એ પહેલાં તો ઢબ્બુ ફોન તરફ દોડ્યો.
lll
‘હં... હલો. સની સાંભળ, કાલે ગ્રુપ સ્ટડીમાં તું બંટીને પણ બોલાવજે અને કહેજે કે ઢબ્બુને હિસ્ટરી શીખવું છે ને બંટી જ તેને બેસ્ટ હિસ્ટરી શીખવી શકે એટલે ઢબ્બુએ ખાસ રિક્વેસ્ટ કરી છે એવું પણ કહેજે.’
ધડામ્.
ફોન મૂકીને દોડતો પાછો પપ્પાના ખોળામાં સૂઈ ગયો. બીજી સ્ટોરીની જીદ વચ્ચે ઢબ્બુને તેના રૂમમાં લઈ જતા પપ્પાને જોઈને મમ્મી મનોમન પોરસાઈ રહી.
સંપૂર્ણ